લેફ્ટ, રાઇટ ઍન્ડ સેન્ટર : સુપ્રીમ કોર્ટ ફ્રન્ટફુટ પર રમી રહી છે

26 November, 2023 01:58 PM IST  |  Mumbai | Raj Goswami

સુપ્રીમ કોર્ટ પર એવો આરોપ લાગ્યો છે કે એ કેન્દ્ર સરકારને અસર કરે એવા કેસોમાં ‘અનુકૂળ’ અભિગમ ધરાવે છે, પરંતુ સીજીઆઇ જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળમાં એવી છાપ કંઈક અંશે ભૂંસાઈ છે. એનો અર્થ એવો નથી કે એ કેન્દ્ર સરકારને પ્રતિકૂળ રહે છે. એનો અર્થ એ કે...

સુપ્રીમ કોર્ટ

અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળના એક ભૂતપૂર્વ સભ્ય અરુણ શૌરીએ એક વર્ષ અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે એવી રીતે વર્તવું જોઈએ જાણે એ કાર્યપાલિકા સાથે યુદ્ધમાં ઊતરી હોય. સ્વરક્ષણ વ્યાપક હોવું જોઈએ, સતત હોવું જોઈએ અને ન્યાયતંત્રએ કોઈ પણ મુદ્દા પર બિલકુલ હાર ન માનવી જોઈએ.’

એવું લાગે છે કે ન્યાયતંત્રએ ખાંડાં ખખડાવવાનું ચાલુ કર્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ પી. એસ. નરસિંહાએ તાજેતરમાં એક મહત્ત્વની વાત કરી હતી. ઑનલાઇન બાળયૌન ઉત્પીડન અને શોષણ પર એક કાર્યશિબિરમાં બોલતાં તેમણે કહ્યું હતું કે પાછલાં અમુક વર્ષોથી અદાલતોએ કાયદાઓના અમલ માટે માત્ર ચુકાદાઓ પર નિર્ભર ન રહેતાં એક સક્રિય અભિગમ અપનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સંસદમાં એક વાર કાયદો પસાર થાય એ પછી એનો બરાબર અમલ થાય છે કે નહીં એ જોવા માટે ‘વધારાનું પગલું’ લેવાની જરૂર હોય છે અને એ કામ હવે ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

‘એક અદાલતના રૂપમાં અમે નિર્ણયો લેવાના દાયરામાં આવીએ છીએ, જ્યારે સંસદ કાયદાની ઘોષણા કરે છે અને અપરાધ નિર્ધારિત કરે છે. અદાલતોના રૂપમાં અમે એ નિર્ણય કરીએ છીએ કે કયા પ્રકારની સજા કરવી જોઈએ. પરંપરાગત રૂપે અમે હંમેશાં આવું કરતા હતા. મને લાગે છે કે પાછલાં અમુક વર્ષોમાં અદાલતો જે રીતે ચીજવસ્તુઓને જોતી હતી એમાં બદલાવ આવ્યો છે.’
આ વાત સાચી છે. સાદી ભાષામાં કહીએ તો અદાલતો, વિશેષ કરીને સુપ્રીમ કોર્ટ, વિવાદોમાં ફેંસલાઓ આપવા સિવાય જરૂર પડે ત્યારે ચેતવણીઓ અને ધમકીઓ આપીને કાયદાઓનું બરાબર પાલન થતું રહે એ જોતી થઈ છે. સામાન્ય રીતે આ કામ કાર્યપાલિકા (સરકારી તંત્ર)નું છે, પરંતુ કાયદાઓના અને નીતિ-નિયમોના ઉલ્લંઘનમાં કાર્યપાલિકા ઉદાસીન (અને ક્યારેક તો સંડોવાયેલી) નજર આવે છે એવું લાગતાં ન્યાયપાલિકા દંડો ઘુમાવવાની ભૂમિકામાં આવી ગઈ છે.

સુપ્રીમ કોર્ટનો આ સક્રિય (પ્રો-ઍક્ટિવ) અભિગમ વર્તમાન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ધનંજય યશવંત ચંદ્રચૂડના એક વર્ષના કાર્યકાળમાં વધુ મજબૂત થયો છે. છેલ્લા એક વર્ષમાં તેમણે સ્વતંત્રતા, વાણીસ્વતંત્રતા, મહિલા અધિકારો જેવા મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી છે અને રાજ્યની ત્રણ શાખાઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનો પણ પ્રયાસ કર્યો છે. એમાં કાર્યપાલિકાને પણ જરૂર પડે ફટકાર લગાવી છે.

પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચના વડા તરીકે તેમણે જાહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન સિવાયની સેવાઓ પર દિલ્હી સરકારની સત્તાઓને સમર્થન આપ્યું હતું. આ નિર્ણયને કારણે કેન્દ્ર સાથે મડાગાંઠ સર્જાઈ હતી, જેના પરિણામે ચુકાદાને ઊલટાવી દેવાનો અને સેવાની બાબતોમાં લેફ્ટનન્ટ ગવર્નરની પ્રાધાન્યતા પર ભાર મૂકતો કાયદો બન્યો હતો. સીજેઆઇએ પાંચ ન્યાયાધીશોની બેન્ચ માટે સર્વસંમતિથી ચુકાદો પણ લખ્યો કે સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી અગાઉની મહાવિકાસ અઘાડી સરકારને પુનઃસ્થાપિત ન કરી શકે. 
સમલિંગી લગ્નને માન્યતા આપવાની અરજીઓની સુનાવણી કરતી બેન્ચનું નેતૃત્વ કરતી વખતે તેમણે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ એને કાનૂની માન્યતા તો આપી નહોતી, પરંતુ એના માટે સંસદ કાનૂન બનાવે એ માટે ભારપૂર્વક હિમાયત કરી હતી. 

ન્યાયતંત્ર કેટલું સક્રિય થયું છે એનું એક ઉદાહરણ જજોની બદલીઓનું છે. હમણાં ગયા મંગળવારે કલકત્તા હાઈ કોર્ટમાંથી પટના બદલી થયેલા જસ્ટિસ વિવેક ચૌધરીના સન્માનમાં યોજાયેલા સમારોહમાં બોલતાં તેમણે કહ્યું હતું કે ‘1975માં કટોકટી દરમિયાન હાઈ કોર્ટના ૧૬ ન્યાયમૂર્તિઓની કાર્યપાલિકા દ્વારા એકસાથે બદલી કરવામાં આવી હતી. લગભગ ૪૮ વર્ષ પછી હાઈ કોર્ટના ૨૪ ન્યાયમૂર્તિઓની સુપ્રીમ કોર્ટના કૉલેજિયમ દ્વારા એકસાથે બદલી કરવામાં આવી છે. હું કાર્યપાલિકા પાસેથી ન્યાયતંત્રમાં સત્તાનું સ્થાનાંતરણની શરૂઆત કરનારાઓમાંનો એક છું.’
ગયા સોમવારે ૨૦ નવેમ્બરે આવું જ થયું. સુપ્રીમ કોર્ટે બે સિખ વકીલોની હાઈ કોર્ટના ન્યાયમૂર્તિઓ તરીકે નિમણૂક ન કરવા બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને ચીમકી આપી કે ન્યાયમૂર્તિઓની બદલી અને નિમણૂકમાં ‘ગમતાનો ગુલાલ’ કરવાનો અભિગમ ‘શરમજનક સ્થિતિ’ ઊભી કરશે. કૉલેજિયમે ૧૭ ઑક્ટોબરે પાંચ વકીલોની ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી હતી, જેમાંથી બે સિખ ઉમેદવારોની નિમણૂક થઈ નહોતી. 

છેલ્લા અમુક દિવસોમાં જ એવા દાખલા બન્યા છે જે સુપ્રીમ કોર્ટ કેટલી સખત થઈ છે એ સાબિત કરે છે. દિલ્હીમાં પ્રદૂષણના મામલે ચાલતી સુનાવણીમાં મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘ખેડૂતો જો લોકોની ચિંતા કર્યા વિના પરાળી બાળી રહ્યા હોય તો સરકાર કડક કાર્યવાહી કેમ નથી કરતી? તમારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જોઈએ. કાયદાનો ભંગ કરનારાઓને શા માટે ફાયદો થવો જોઈએ?’ 

એ જ દિવસે બીજા એક કેસમાં કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને આધુનિક દવાપ્રણાલી વિરુદ્ધ જાહેરાતમાં ખોટા અને ભ્રામક દાવાઓ પ્રકાશિત કરવા બદલ ફટકાર લગાવતાં કહ્યું હતું કે કોઈ વિશેષ બીમારીને ઠીક કરી શકાય છે એવો જો ભ્રામક પ્રચાર કર્યો તો અમે તમારી દરેક પ્રોડક્ટ પર એક કરોડ રૂપિયાનો દંડ કરીશું.
એ પહેલાં દિલ્હીમાં રીજનલ રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) માટે ફન્ડ જારી નહીં કરવાના એક કેસમાં કેજરીવાલની સરકારને લબડધક્કે લેતાં સુપ્રીમ કોર્ટેના જસ્ટિસ કૌલે કહ્યું હતું કે ‘દિલ્હી સરકાર કેમ માનતી નથી? મેં તમને થોડા વખત પહેલાં કહ્યું હતું કે હું તમારું જાહેરખબરનું બજેટ અટકાવી દઈશ અને એ પૈસા અહીં આપી દઈશ. જો રાષ્ટ્રીય યોજનાઓ અટવાતી હોય અને જાહેરખબરોમાં પૈસા ખર્ચતા હોય તો અમે નાછૂટકે એ પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરવાનો આદેશ કરીશું.’
અઠવાડિયા પહેલાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને ખખડાવ્યા હતા. જે રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકારો છે ત્યાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલો રાજ્ય સરકારોને સહકાર નથી આપતા એવી ફરિયાદો ઘણી વધી છે. એવા જ એક મામલામાં ચાર બિલ પેન્ડિંગ રાખવા બદલ પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની નિંદા કરી હતી અને રાજભવન અને રાજ્ય સરકાર બંનેના આચરણ પર નારાજગી વ્યક્ત કરી હતી.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘લોકશાહીના સંસદીય સ્વરૂપમાં વાસ્તવિક સત્તા લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાં નિહિત હોય છે, જ્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિની નિમણૂક તરીકે રાજ્યના ‘નામમાત્રના વડા’ હોય છે.’ તમે આગ સાથે રમત રમી રહ્યા છો એમ કોર્ટે ચેતવણી આપી હતી. કોર્ટે જોકે રાજ્ય સરકારની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે વિધાનસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત રાખવાની એની કાર્યવાહી બંધારણની વિરુદ્ધ છે.

એ પહેલાં સુપ્રીમ કોર્ટે તામિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિની ઝાટકણી કાઢી હતી, કારણ કે તેમણે રાજ્યના બિલને મંજૂરી આપવામાં વિલંબ કર્યો હતો. સીજીઆઇએ એ મામલે પૂછ્યું હતું કે ‘આ બિલ જાન્યુઆરી ૨૦૨૦થી પેન્ડિંગ છે. એનો અર્થ એ છે કે કોર્ટે નોટિસ જારી કર્યા પછી રાજ્યપાલે નિર્ણય લીધો હતો. ત્રણ વર્ષ સુધી તે શું કરતા હતા? રાજ્યપાલ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં પહોંચે એની રાહ કેમ જુએ છે?’ એ પહેલાં કેરળ સરકાર પણ રાજ્યપાલ દ્વારા અમુક બિલો મંજૂર ન થતાં સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
છેલ્લા એક દાયકા દરમિયાન સુપ્રીમ કોર્ટ પર એવો આરોપ લાગ્યો છે કે એ કેન્દ્ર સરકારને અસર કરે એવા કેસોમાં ‘અનુકૂળ’ અભિગમ ધરાવતી થઈ છે, પરંતુ સીજીઆઇ જસ્ટિસ ચંદ્રચૂડના કાર્યકાળ દરમિયાન એવી છાપ કંઈક અંશે ભૂંસાઈ છે. એનો અર્થ એવો નથી કે એ કેન્દ્ર સરકારને પ્રતિકૂળ રહે છે. એનો અર્થ એ કે સુપ્રીમ કોર્ટે બંધારણ અને કાનૂનના રાજ પ્રત્યેની એની વફાદારીને વધુ મજબૂત કરી છે અને એ વધુ પારદર્શક તેમ જ પ્રજાભિમુખ બની છે.

જેમ કે વર્તમાન સીજેઆઇએ કેન્દ્ર સરકારને સીલબંધ કવરમાં રજૂઆતો કરવા દેવાની પ્રથાને ઠંડી પાડી દીધી છે, જેના માટે ભૂતપૂર્વ સીજેઆઇ રંજન ગોગોઈની ભારે ટીકા કરવામાં આવી હતી. આવી પ્રથા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવવામાં આવી છે અને આ ટિપ્પણીઓ ચુકાદાઓનો હિસ્સો પણ બની છે.

ફેબ્રુઆરીમાં સીજેઆઇ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે અદાણી ગ્રુપ ઑફ કંપનીઝ પર હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અને એના પરિણામે બજારની અસર અંગે સીલબંધ કવરમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સૂચનને નકારી કાઢ્યું હતું. સીજેઆઇએ કહ્યું હતું કે ‘અમે તમારા સીલબંધ સૂચનને નહીં સ્વીકારીએ, કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માગીએ છીએ.’
જસ્ટિસ ચંદ્રચૂડ ૧૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ પદ છોડે એ પહેલાં બરાબર એક વર્ષ બાકી છે. આ સમયમર્યાદામાં તેઓ બંધારણીય અને રાષ્ટ્રીય મહત્ત્વના ઘણા વધુ ચુકાદાઓ પસાર કરે એવી અપેક્ષા છે.

‘બાર ઍન્ડ બેન્ચ’ નામના કાનૂની પોર્ટલ પર એક લેખમાં એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે ‘ટીકાકારો એવી દલીલ કરશે કે બંધારણ હેઠળ સત્તાઓનું સંતુલન જાળવવાના દૃષ્ટિકોણથી ભારતને મજબૂત કાર્યપાલિકાનો સામનો કરવા માટે મજબૂત ન્યાયપાલિકાની જરૂર છે. ‘નવું બંધારણ’ની વાતો વચ્ચે ન્યાયતંત્રને ‘મજબૂત’ કરવાની જવાબદારી સીજેઆઇ ચંદ્રચૂડ પર છે. સીજેઆઇ તરીકેના તેમના કાર્યકાળમાં એક વર્ષ બાકી છે અને ૨૦૨૪ ચૂંટણીનું વર્ષ છે ત્યારે બધાની નજર દેશની સર્વોચ્ચ અદાલત અને એના સુકાની પર છે.’

columnists gujarati mid-day supreme court