વાંચનના શસ્ત્ર સાથે માનસિક વ્યથાનો સામનો સારી રીતે થઈ શકે છે

25 November, 2024 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાંચનના શસ્ત્ર સાથે માનસિક વ્યથાનો સામનો સારી રીતે થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

આજે સમસ્ત જગતમાં વિપુલતાનું વાતાવરણ છવાઈ રહ્યું છે. ચારે બાજુ રાતોરાત ધનિક બનવાની લાલસા વધી રહી છે. તમે એવા ભ્રમમાં રહો છો કે સારી કમાણી કરી લીધી છે, કમાવાનું ચાલુ છે એટલે આ તમામ મિલકત જમીન, બૅન્ક-બૅલૅન્સ બધું આપણું થઈ ગયું; પણ સાચું સુખ સંપત્તિ અને ધનપ્રાપ્તિથી મળતું નથી. સુખ અને દુ:ખ એ વાસ્તવિકતા નથી પરંતુ મનની અવસ્થા છે. વ્યક્તિએ-વ્યક્તિએ એ અલગ છે. કોઈ કહે છે કે દુ:ખ જ અનુભવી શકાય એવો પદાર્થ છે, સુખ એનો પડછાયો છે. વધુ ને વધુ પૈસા અને મિલકત મેળવવાની ઘેલછાથી મન અશાંત થતું રહે છે. આવી ભૌતિક સમૃદ્ધિ પાછળની દોડનું કારણ મનુષ્યની ઇચ્છાઓનો અતિરેક છે અને દુ:ખનું મૂળ કારણ ઇચ્છા જ છે. ‘કુરુક્ષેત્ર’ નામની પ્રખ્યાત નવલકથામાં મનુભાઈ પંચોળીએ લખ્યું છે, જ્યાં સુધી ઇચ્છા પર બુદ્ધિનું આધિપત્ય નહીં સ્થપાય ત્યાં સુધી આ અનિષ્ટનું નિવારણ શક્ય નથી. ગ્રીક ફિલોસૉફર એપિક્ટેટસે લખ્યું છે કે ફિલોસૉફી માત્ર વિદ્વાન લોકો માટે જ નથી હોતી, ફિલોસૉફી સામાન્ય માણસો માટે હોય છે. તેમણે લખ્યું છે કે Primary job of philosophy is to help ordinary people effectively to face challanges.

વાંચનના શસ્ત્ર સાથે માનસિક વ્યથાનો સામનો સારી રીતે થઈ શકે છે. તમે કોઈ પણ બાળકને થોડુંક પણ વાંચવા જેવું પુસ્તક આપો છો ત્યારે શું કરો છો ખબર છે? તમે પૃથ્વી પર થનારા એક જિનીયસ અથવા તો જેનામાં જિનીયસ થવાની શક્યતા છે તેના માટે બુદ્ધિશાળી થવાના દરવાજા ખુલ્લા મૂકો છો. જોકે આજે તો બાળકો માટે જિનીયસ થવાના દરવાજા ખૂલવાને બદલે લાઇબ્રેરીઓ બંધ થતી જાય છે. નવી લાઇબ્રેરીઓ ખૂલવાને બદલે જૂની લાઇબ્રેરીઓ બંધ થઈ રહી છે.

બ્રિટનમાં ૧૮૫૦માં ‘પબ્લિક લાઇબ્રેરીઝ ઍક્ટ’ ૧૭૪ વર્ષ પહેલાં પસાર થયેલો. ઉદ્દેશ હતો ‘ટુ રેઇઝ એજ્યુકેશનલ સ્ટાન્ડર્ડ’. આજે મુંબઈમાં અનેક લાઇબ્રેરીઓ બંધ થઈ રહી છે અને જે લાઇબ્રેરીઓ ચાલુ છે એમનો ગણતરીના વાચકો જ ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ, મોબાઇલ અને બીજાં સાધનો આવી ગયાં છે; પણ પુસ્તકોનો કોઈ વિકલ્પ છે જ નહીં. લેખકો પણ બહુ ઓછું વાંચે છે. કેટલા ગુજરાતી લેખકોના ઘરમાં પોતાની લાઇબ્રેરી છે? સરકારે ગામડે-ગામડે લાઇબ્રેરીઓ ખોલવી જોઈએ. આમ કરવાથી ભારત બુદ્ધિજીવીઓની દૃષ્ટિએ સમૃદ્ધ થઈ શકે છે. એક વિચિત્ર વૈજ્ઞાનિક વાત એ છે કે વાંચનની અક્ષમતા ધરાવતાં ડિસલેક્સિયાની અવસ્થાવાળાં બાળકો વાંચન માટે વધુ તલસે છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન આવા વાંચનના દરદી હતા.

- હેમંત ઠક્કર

columnists gujarati mid-day exclusive