આપણે સામાન્ય બની રહીએ એ ઘટના જ અસામાન્ય છે

30 March, 2024 12:44 PM IST  |  Mumbai | Dinkar Jani

જે દૃશ્ય થોડી વાર પહેલાં તમે સરઘસ આકારે જોયું એ દૃશ્ય લાંબો સમય તમારા ચિત્તમાં ટકવાનું નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

તમારું નામ ગમે તે હોય પણ તમે એક નામધારી તો છો જ. તમારા ઘરની બહાર પથરાયેલા રાજમાર્ગની બન્ને બાજુએ ટોળાબંધ માણસો ઊભા રહીને જોઈ રહ્યા છે. આ બધા પણ ચોક્કસ નામધારી જ છે, પણ કોઈનાં નામ તમે જાણતા નથી અને તમારું નામ એ લોકોમાંથી પણ કોઈ જાણતું નથી. આમ છતાં તમે એ લોકોને જુઓ છો અને એ લોકોમાંના કેટલાક તમને પણ વચ્ચે-વચ્ચે જોઈ લે છે.

રસ્તા પરથી કશુંક સરઘસ જેવું પસાર થઈ રહ્યું છે. ઢોલ-નગારાં વાગે છે, અબીલ ગુલાલ ઊડે છે, જયજયકાર થઈ રહ્યો છે અને વચ્ચોવચ એક ઉઘાડી ગાડીમાં એક સંત પુરુષ બેઠા છે. તમે જાણતા નથી કે સંત છે, પણ તેમની વેશભૂષા અને લોકોને આશીર્વાદ આપવા ઊંચા થતા તેમના જમણા હાથની હથેળી પરથી તમે એમ જાણી લો છો કે તે સંત છે. આ દૃશ્ય કંઈ લાંબો વખત નથી રહેતું. ક્યારેક બદલાય છે તો ક્યારેક આ સંતની ગાદી પર કોઈક રાજનેતા બેઠા હોય છે અને આ રાજનેતાને પણ જોવા માટે રસ્તાની બન્ને બાજુ ભીડ ઊમટી હોય છે. તમે આ ભીડને પણ જુઓ છો, પણ તમને થાય છે કે આ બધા વચ્ચે તમે ક્યાં છો? એવું પણ બને છે કે ફરી એક વાર આવીને આવી ભીડ વચ્ચે કોઈક ઉદ્યોગપતિ કે બુદ્ધિજીવીનું સરઘસ પસાર થાય છે અને ત્યારે પણ આવી જ ભીડ, આવો જ કોલાહલ અને આવા જ જયજયકારરૂપે બધું નજર સામેથી પસાર થાય છે. હવે અહીં પણ તમે કેટલાક લોકોને જાણો છો, કેટલાક તમને જોઈ રહ્યા છે. 
દૃશ્ય બદલાય છે

રાજમાર્ગ પરથી સતત દૃશ્ય બદલાતું રહે છે. જે લોકો આંખો ફાડી-ફાડીને આ દૃશ્ય જોઈ રહ્યા છે એમાં કેટલાક લોકો એવા પણ હશે જેમના ચિત્તમાં એક ઝબકારો પણ થતો હોય છે. તેમને લાગતું હોય છે કે પોતે પણ આવા સરઘસમાં દૃશ્ય બની જાય તો કેટલા બધા લોકો પોતાને પણ જુએ. પોતે આ ભીડ વચ્ચે ઊભા રહીને પેલાને જોઈ રહ્યા છે. શા માટે પોતે પણ પેલાની જગ્યાએ ગોઠવાઈ ન શકે?

તમે જ્યાં બેસીને આ બધું જોઈ રહ્યા છો ત્યાંથી ક્યારેક તમને પણ એવું થાય ખરું કે તમે માત્ર એક નામધારી અ, બ, ક, ડ જ શા માટે છો? મુદ્દાની વાત એ છે કે પ્રત્યેક માણસને તે નર્યો દર્શક બની રહે એના કરતાં બીજાઓ દર્શક બનીને એને જુએ એવું દૃશ્ય બનવાની ખેવના હોય છે. દૃશ્ય બનવાનો અવસર બહુ ઓછા જણને મળે છે, પણ એક વાત યાદ રાખવા જેવી છે કે સેંકડો સામાન્ય માણસો હોય તો જ કોઈક અસામાન્ય માણસ દૃશ્ય બનીને સરઘસના આ કેન્દ્રમાં ગોઠવાય છે. જરૂર છે આ સામાન્ય માણસની, અસામાન્ય દૃશ્યની નહીં. જો સેંકડો સામાન્ય માણસ ન હોત તો પેલો અસામાન્ય લાગતો માણસ સરઘસના કેન્દ્રમાં હોત ખરો? અને સરઘસ પણ નીકળ્યું હોત ખરું?

જરૂર અસામાન્યની નથી, જરૂર છે સામાન્યની. આપણે સામાન્ય થઈ શકતા નથી કારણ કે આપણને અસામાન્ય બનવાની કશીક તલપ લાગી છે. આપણે શા માટે અસામાન્ય બનવું છે એની આપણને કોઈને ખબર નથી અને છતાં દર્શક રહેવા કરતાં દૃશ્ય બનવાની એક તીવ્ર ઉત્કંઠા આપણને સૌને હોય છે.

દૃશ્ય છે પણ સત્ય નથી

જે દૃશ્ય થોડી વાર પહેલાં તમે સરઘસ આકારે જોયું એ દૃશ્ય લાંબો સમય તમારા ચિત્તમાં ટકવાનું નથી. થોડા સમય પછી એ ભુલાઈ જશે કારણ કે એમાં કશું સ્મરણીય નથી. કોઈક અંધારી રાતે આકાશમાં આંખ માંડીને જોયું છે? જેનો આંકડો માંડી જ ન શકાય એટલા બધા તારાઓ છે - ધૂમકેતુ કે ચમકદાર ગ્રહો શોધ્યા પણ નહીં જડે. તારા સામાન્ય નથી, પણ એ છતાં આકાશમાં એમના અસ્તિત્વ વચ્ચે ધૂમકેતુ તારો હોવા છતાં ક્યાંય નજરે પડતો નથી. જે છે એને એવા ને એવા સ્થળે રહેવા દઈને પહેલાં જે નથી એને શોધવા પાછળ વ્યર્થ વલોપાત કરવો એમાં શાણપણ નથી. પ્રત્યેક માણસનો જન્મ કોઈક ચોક્કસ હેતુ સાથે થયો હોય છે. આ હેતુ વિશે કોઈને કશી ખબર હોતી નથી. આ જાણકારી જ્યારે માણસને મળી જાય છે ત્યારે તેને બીજા કોઈ માટે દૃશ્ય બનવાની ખેવના રહેતી નથી. માણસે બીજું કશું જ બનવાની જરૂર નથી, ખરેખર તો તે પોતે છે એ જ પૂરી પ્રામાણિકતાથી બની રહેવાની જરૂર છે. માણસ જો આ રીતે જે છે એ જ બની રહે તો પેલાં સરઘસો નિરર્થક થઈ જાય છે. હું માત્ર હું જ છું. અંબાણી નથી, અદાણી પણ નથી, મોરારીબાપુ નથી અને નરેન્દ્ર મોદી પણ નથી. આ બધા નથી વચ્ચે પેલો છે જે રીતે રહ્યો છે એ રીતે રહેવાને કારણે જ પેલા બધા રહેલા છે. માણસે આ પરમ સત્ય સમજી લેવું જોઈએ. જેઓ કેન્દ્રમાં રહ્યા છે તેમને પરમાત્માએ આ ચોક્કસ કેન્દ્રમાં સ્થાન માટે નિર્માણ કરીને મોકલ્યા હશે અને તેઓ આ સ્થાન પર દૃશ્ય બનીને રહે ત્યારે મારે એમને જોવા એવા હેતુ સાથે મારું નિર્માણ થયું હશે. બસ, નિર્માણને આધીન આ સત્યનો સ્વીકાર એટલે મારી આ સામાન્ય યાત્રાનો અસામાન્ય સ્વીકાર. હવે ક્યાંય દૃશ્ય બનીને અસામાન્ય થવાની કોઈ છટપટાહટ મારા મનમાં રહેવી ન જોઈએ.

આ સામાન્ય વાત પણ સમજી લઈએ

વાત-વાતમાં ફરિયાદ કરવાની આપણને સૌને જાણે કે આદત થઈ ગઈ છે. મોંઘવારી બહુ છે, સરકાર કંઈ કામ કરતી નથી, બધા માણસો ભારે અપ્રામાણિક અને લુચ્ચા છે, શિક્ષણ અને વૈદકીય સારવાર એક લૂંટફાટ થઈ ગઈ છે...આવી-આવી અનેક ફરિયાદો આપણે હંમેશાં કરતા હોઈએ છીએ. આવી ફરિયાદો કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે જેના વિશે આપણે આ વલોપાત કરી રહ્યા છીએ એમાં આપણું પોતાનું યોગદાન કેટલું છે? શાકભાજી ભારે મોંઘાં છે એવું જ્યારે કહીએ છીએ ત્યારે આપણી નજર સામે પરવળ, કંટોળા કે ફણસીના ભાવ હોય છે. આ શાક મોંઘાં છે એ વાત ખરી; પણ એ જ વખતે રીંગણાં, દૂધી કે એવા જ કોઈ શાક સોંઘાં હોય છે એ આપણે યાદ નથી કરતા. શા માટે આપણે પરવળ કે કંટોળા માટે જવું જ જોઈએ? આવા સમયે રીંગણાં કે દૂધી ન ચાલે? શનિ-રવિની સાંજે મોંઘીદાટ હોટલોના દરવાજે ટોળાબંધ લાઇનમાં ઊભા રહેતા આપણને કેટલી મોંઘવારી નડે છે. ઘરના દરવાજા પાસે દરેક વ્યક્તિનાં અડધો ડઝન પગરખાં હોવા છતાં કોઈક નવી ડિઝાઇન કે રંગ દેખાય ત્યારે આપણે એને ખરીદી લેતાં અચકાતા નથી. આવા બધા પ્રસંગે આપણે અસામાન્ય બની જઈએ છે. અહીં થોડુંક સામાન્ય બનવાની પ્રક્રિયાને સહજ ભાવે સ્વીકારી લઈએ તો આપણી આસપાસનાં તમામ દૃશ્યોને આપણે આપણી જીવનયાત્રાના રાજમાર્ગ પર સરઘસના કેન્દ્રસ્થાને જ જોઈ શકીશું.

columnists life and style gujarati mid-day