ત્રણ સ્વિંગ સ્ટેટમાં ‘ઊંટ’ કઈ તરફ ઝૂકશે?

19 May, 2024 11:00 AM IST  |  Mumbai | Raj Goswami

ત્રણે રાજ્યો કુલ ૧૩૦ સંસદસભ્યોને લોકસભામાં મોકલશે અને આ સંસદસભ્યોમાં BJPના કેટલા હશે અને INDIA ગઠબંધનના કેટલા હશે એના પરથી કેન્દ્રમાં કોની સત્તા આવશે એ નક્કી થશે. BJPએ આ વખતે ‘૪૦૦ પાર’નો નારો આપ્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકન રાજનીતિમાં સાત રાજ્યો એવાં છે જેમને ‘સ્વિંગ સ્ટેટ્સ’ કહેવાય છે. સ્વિંગ સ્ટેટ એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વાડ પર બેઠેલાં રાજ્યો, જેઓ મતદાન વખતે જ નક્કી કરે કે વાડની આ બાજુ (ડેમોક્રૅટ્સ તરફ) ઠેકડો મારવો કે વાડની પેલી બાજુ (રિપબ્લિકન્સ તરફ) કૂદવું. બીજાં તમામ રાજ્યોએ અગાઉથી જ એમનું મન બનાવી લીધું હોય છે. આપણી ભાષામાં એને ડેમોક્રૅટ્સ કે રિપબ્લિકન્સના ગઢ કહેવાય. બન્ને પાર્ટીને ખબર જ હોય છે કે કયાં રાજ્યો એમને વફાદાર રહેશે. એમનો અસલી મદાર સાત સ્વિંગ રાજ્યો પર હોય છે. એ સાત રાજ્યોમાં નેવાડા, ઍરિઝૉના, વિસ્કૉન્સિન, મિશિગન, પે​ન્સિલ્વેનિયા, નૉર્થ કૅરોલિના અને જ્યૉર્જિયાનો સમાવેશ થાય છે. આ વર્ષે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રૅટ જો બાઇડન વાઇટ હાઉસમાં ચાલુ રહેશે કે પછી રિપબ્લિકન ડોનલ્ડ ટ્રમ્પ વાપસી કરશે એનો નિર્ણય આ સાત રાજ્યોના સ્વિંગ મતો પર નિર્ભર કરે છે.

આગામી જાન્યુઆરીમાં નવનિર્વાચિત અમેરિકન રાષ્ટ્રપતિને ભારત તરફથી ભારતીય જનતા પાર્ટીના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અભિનંદન આપતો ફોન કરશે કે INDIA ગઠબંધનના વડા પ્રધાન એનો આધાર પણ દેશનાં ત્રણ સ્વિંગ સ્ટેટ્સ પર છે. એ રાજ્યો છે પશ્ચિમ બંગાળ, બિહાર અને મહારાષ્ટ્ર.

૨૦૨૪ની લોકસભાની ૫૪૩ બેઠકો માટે કુલ સાત તબક્કામાંથી ચાર તબક્કાની ચૂંટણી થઈ ચૂકી છે. એમાં ૩૮૫ બેઠકો માટે મત પડી ચૂક્યા છે. આવતી કાલે ૪૯ બેઠકો માટે પાંચમા તબક્કાનું મતદાન થશે. ૨૫ મે અને પહેલી જૂને ૫૭-૫૭ બેઠકો માટે ચૃંટણી યોજાશે. પશ્ચિમ બંગાળ અને બિહાર સાતેય તબક્કામાં મતદાન કરશે. મહારાષ્ટ્રનું મતદાન આવતી કાલે પૂરું થશે. 
ત્રણે રાજ્યો કુલ ૧૩૦ સંસદસભ્યોને લોકસભામાં મોકલશે અને આ સંસદસભ્યોમાં BJPના કેટલા હશે અને INDIA ગઠબંધનના કેટલા હશે એના પરથી કેન્દ્રમાં કોની સત્તા આવશે એ નક્કી થશે. BJPએ આ વખતે ‘૪૦૦ પાર’નો નારો આપ્યો છે. એ નારો સિદ્ધ થાય છે કે નહીં અને એને સળંગ ત્રીજી વખત દેશનું સુકાન મળે છે કે નહીં એ આ ત્રણ રાજ્યોના હાથમાં છે.
બીજી બાજુ કેન્દ્રસ્થાને શક્તિશાળી BJP સામે પ્રાદેશિક દિગ્ગજ પાર્ટીઓ (જેમ કે બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના) એમનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ સાબિત થાય છે કે નહીં એ પણ આ ચૂંટણીમાં નક્કી થશે. આ પાર્ટીઓનાં વડાં મમતા બૅનરજી, તેજસ્વી યાદવ અને ઉદ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદીના રથને બે વેંત નીચો લાવવામાં સફળ થાય છે કે મોદીની સુનામીમાં તેઓ દરિયા બહાર ફેંકાઈ જાય છે એ જોવાનું રસપ્રદ રહેશે.

૪૦ બેઠકો
લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ એના થોડા મહિના પહેલાં બિહારમાં મોટી ઊથલપાથલ થઈ હતી અને મુખ્ય પ્રધાન નીતીશકુમારના નેતૃત્વમાં જનતા દળ (યુનાઇટેડ) પાર્ટી ફરીથી BJPના નેતૃત્વવાળા નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં જોડાઈ ગઈ હતી. હિન્દીભાષી રાજ્યોમાં પોતાનો દબદબો કાયમ કરી ચૂકેલા BJP માટે બિહાર હંમેશાં પડકારભર્યું રહ્યું હતું અને એમાંય આ વખતે તો નીતીશકુમાર વિપક્ષી INDIA ગઠબંધનના પ્રમુખ સ્થપતિ હતા અને વડા પ્રધાનપદના સંભવિત ઉમેદવાર પણ હતા. એટલે છેક છેલ્લી ક્ષણે તેઓ વંડી ઠેકીને NDAમાં 

જોડાઈ ગયા એ BJP માટે સૌથી આનંદદાયક સમાચાર હતા. ૧૯ વર્ષ સુધી બિહારની કમાન સંભાળનારા નીતીશકુમાર એક સક્ષમ વહીવટદાર સાબિત થયા છે અને તેમણે બિહારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ સુધારી છે; પરંતુ રાજ્યમાં એકંદર વિકાસનો અભાવ, બેરોજગારી, દારૂબંધીનો કંગાળ અમલ અને ખુદ નીતીશકુમારની તકવાદી રાજકીય પાટલીબદલથી તેમની ‘વિકાસ પુરુષ’ની છ​બિને હા​નિ પહોંચી છે.

બિહાર બાકી રાજ્યોની તુલનામાં આગળ વિકસી નથી શક્યું અને વહીવટી ભ્રષ્ટાચાર જૈસે થે છે એને લઈને લોકોમાં નારાજગી અને નીતીશકુમારના લાંબા શાસનથી એક પ્રકારની થકાન પણ દેખાય છે. તેમની જનતા દળ (યુનાઇટેડ) પાર્ટી ૧૬ બેઠકો લડી રહી છે અને એ મતદારો નીતીશકુમારને નહીં પણ નરેન્દ્ર મોદીને મત આપી રહ્યા છે એ સૂચવે છે કે કમસે કમ બિહારમાં નીતીશકુમારની રાજનૈતિક કારકિર્દીના અંતનો આરંભ છે.

એટલા માટે રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, જે એક સમયે નીતીશબાબુના ડેપ્યુટી હતા, એ જ મુદ્દાઓ પર મતદારોને નીતીશ સામે એકજૂથ કરી રહ્યા છે જેના આધારે બન્ને સરકારમાં આવ્યા હતા. NDA અને INDIA ગઠબંધન વચ્ચે સૌથી તીવ્ર લડાઈ કદાચ બિહારમાં છે. ઓછા મતદાનથી NDA થોડું પરેશાન છે. બિહારમાં એનું ઘણુંબધું દાવ પર છે, કારણ કે ગઈ ચૂંટણીમાં એની ૪૦માંથી ૩૯ બેઠકો આવી હતી. એ બધી જ બેઠકો આ વખતે પણ એની પાસે જ આવશે? દેખીતી રીતે જ કોઈ આત્મવિશ્વાસથી જવાબ આપવા તૈયાર નથી.

૪૨ બેઠકો
લોકસભાની ચૂંટણી જાહેર થઈ એ પહેલાં કેટલાક ઓપિનિયન પોલમાં BJPને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) સામે સરસાઈ મળશે એવી આગાહી થઈ હતી. એક પોલમાં તો BJPને ૪૨માંથી ૨૫ બેઠકોનું અનુમાન હતું. આવું થાય તો એ BJP માટે સૌથી શુભ અને TMC માટે મોકાણના સમાચાર કહેવાય. BJP ઘણા સમયથી પોતાને બંગાળમાં સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે અને ગઈ ચૂંટણીમાં એ ડાબેરી રાજ્યમાં સૌથી મોટા વિરોધ પક્ષ તરીકે ઊભરી છે એ નાની સિદ્ધિ નથી.

મમતા બૅનરજી એક વખતના તેમના જ સેનાપતિ અને હવે BJPના કમાન્ડર સુવેન્દુ અધિકારીની તાકતવર લડાઈનો સામનો કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓમાં કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન કાયમી મુદ્દો રહ્યો છે.

અપેક્ષિત રીતે જ વર્તમાન ચૂંટણીમાં સંદેશખાલીની ઘટના મોટો મુદ્દો બની છે. બંગાળના આ પછાત વિસ્તારની મહિલાઓએ ફેબ્રુઆરી મહિનામાં એવા આરોપ મૂક્યા છે કે TMCના નેતા શાહજહાં શેખ અને તેના માણસોએ બંદૂકની અણીએ સ્ત્રીઓ સાથે દુષ્કર્મ કર્યાં છે અને જબરદસ્તી તેમની જમીનો છીનવી લીધી છે.

BJPએ એને સૌથી મોટો મુદ્દો બનાવી દીધો છે, પરંતુ એમાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગૃહપ્રધાન અમિત શાહની ૬ મેએ યોજાયેલી ચૂંટણીસભા પહેલાં એક સ્ટિંગ-વિડિયો બૉમ્બ બનીને ફૂટ્યો કે સંદેશખાલીની ઘટના BJPએ જ ઊપજાવી કાઢી હતી. વિડિયોમાં BJPના એક નેતા ગંગાધર કોયલને કથિત રીતે એવું સ્વીકારતાં રેકૉર્ડ કરવામાં આવ્યા હતા કે વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીના નિર્દેશ અને માર્ગદર્શનમાં TMCના નેતાઓ સામે બળાત્કારની જૂઠી ફરિયાદો કરવા સ્થાનિક મહિલાઓને ગુમરાહ કરવામાં આવી હતી.

એવા એક નહીં, બીજા બે સ્વતંત્ર
વિ​ડિયો પણ જાહેર થયા હતા જેમાં BJPના નેતાઓ જૂઠી ફરિયાદો માટે સ્ત્રીઓને ઉકસાવી રહ્યા હતા. અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પત્રકારને સામો સવાલ કર્યો હતો કે શું મમતા બૅનરજી શાહજહાં શેખને નિર્દોષ માને છે? મજાની વાત એ છે કે TMC અને BJP બન્ને આ વિ​ડિયો અંગે CBIની તપાસ માગી રહ્યા છે. એ વાત સાચી છે કે પશ્ચિમ બંગાળમાં સ્ત્રીઓ પર અત્ચાચાર થાય છે અને શાહજહાં શેખની દબંગાઈ પણ ઓછી નથી. એ પણ સાચું કે BJP આ ચૂંટણીમાં એક નૅરેટિવ ઊભું કરવામાં સફળ રહી છે, પરંતુ TMCએ સ્ટિંગ-વિ​ડિયો મારફત એમાં જે રીતે પંક્ચર કર્યું છે એ જોતાં એ જાણવું રસપ્રદ રહેશે કે જનતા શું

ચુકાદો આપે છે. એક વાત છે. મમતાદીદી, જેમણે INDIA ગઠબંધનને જોડવામાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી, એકલા હાથે લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે એ તેમનો આત્મવિશ્વાસ 
બતાવે છે.

૪૮ બેઠકો
ઉત્તર પ્રદેશ (૮૦) પછી દેશમાં સૌથી વધુ ૪૮ બેઠકો મહારાષ્ટ્રમાં છે અને અહીં જ સૌથી વધુ રાજકીય દિગ્ગજો તેમનું નસીબ અજમાવી રહ્યા છે. એક તરફ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે તેમના જખમોને પંપાળી રહ્યા છે અને બદલો લેવા થનગની રહ્યા છે તો બીજી તરફ પવારને અને ઠાકરેને છેહ દઈને BJPના પડખે ગયેલા અજિત પવાર અને એકનાથ શિંદે તેમનું રાજકીય ભા​વિ સલામત રાખવા માટે ઉજાગરા કરી રહ્યા છે.

BJPમાંય ઓછી ચિંતા નથી. સેના અને NCP સામે સામ, દામ, દંડ અને ભેદની રાજરમતમાં સત્તાના હાંસિયામાં ધકેલાયેલા દેવેન્દ્ર ફડણવીસ તેમની નારાજગી દબાવીને બેઠા છે અને સતત એવું કહે છે કે તેમને ખબર હતી કે તેઓ મુખ્ય પ્રધાન નહીં બને અને શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો પ્રસ્તાવ તેમનો ખુદનો હતો. 
NDA ૨૦૧૯માં ૪૧ બેઠકો જીત્યું હતું. એ પછી જે થયું એ ફિલ્મની વાર્તાથી કમ નહોતું. એની શરૂઆત થઈ BJPની સૌથી જૂની સાથીદાર શિવસેનાથી, જેણે ઠેકડો મારીને NCP અને કૉન્ગ્રેસના ગઠબંધનમાં સરકાર રચી. BJPને એનાથી તમ્મર આવી ગયાં અને એણે એવી બાજી ગોઠવી કે

જૂન ૨૦૨૨માં શિવસેનાનાં ફાડિયાં થઈ ગયાં.
એક વર્ષ પછી BJPને ચિંતા પેઠી કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં શિંદે ધાર્યું પરિણામ નહીં લાવી શકે અને પવાર-ઠાકરે-કૉન્ગ્રેસ ભારે પડશે એટલે એક વધુ વિભાજનને જન્મ આપ્યો. આ વખતે અજિત પવાર પણ શિંદેની જેમ NCPના નામ અને પ્રતીક સાથે BJPમાં આવી ગયા. આ બન્ને અલગ-અલગ જૂથ BJP સાથે સરકાર ચલાવે છે અને વર્તમાન લોકસભા ચૂંટણીમાં એકબીજા સાથે ચાકુ લઈને તૈયાર છે.

મહારાષ્ટ્રની વર્તમાન રાજનીતિ વૈચારિક ઓછી અને અવસરવાદી વધારે છે. એક બાજુ પવાર કાકા-ભત્રીજાને હિસાબ ચૂકતે કરવો છે (એમાં દીકરી સુપ્રિયા સુળેનો ઉત્તરાધિકારી બનવાનો પ્રશ્ન પણ છે) તો બીજી બાજુ શિવસેનાની અસલી વિરાસત કોની પાસે છે એનો ઝઘડો છે (એમાં BJP તરફ ઝૂકીને બેઠેલા રાજ ઠાકરે પણ તેમનું ગણિત માંડી રહ્યા છે).

આ બધા રાજકીય તમાશા વચ્ચે સૌના મનમાં એક પ્રશ્ન મોટો છે: સેનાને નબળી પાડવાના પ્રયાસમાં BJPએ આડઅસરરૂપે ઉદ્ધવ ઠાકરેને મજબૂત કર્યા છે? મહારાષ્ટ્રની રાજનીતિમાં દાયકાઓથી કેન્દ્રમાં રહેલી બાળ ઠાકરેની શિવસેનાની અત્યારે જે હાલત થઈ છે એનાથી લોકોની સહાનુભૂતિ ઉદ્ધવના પક્ષે છે એ અત્યારે તો પ્રચારમાં દેખાઈ રહ્યું છે, પણ એ મતોમાં પરિણમશે? આનો જવાબ તો BJP પણ શોધે છે.

columnists Lok Sabha Election 2024 maharashtra news west bengal bihar