માણસે દિવસમાં કેટલા શબ્દો બોલવા જોઈએ? દરેક જણ જવાબ પોતાને જ આપે

22 December, 2024 05:01 PM IST  |  Mumbai | Jayesh Chitalia

માણસ એક દિવસમાં ૫૦૦, ૧૦૦૦ કે ૨૦૦૦  શબ્દો બોલે તો પર્યાપ્ત છે? કેટલા શબ્દો બોલવા જોઈએ? આ સવાલો દરેક માણસને જુદી-જુદી રીતે લાગુ થાય, જવાબ પણ જુદા-જુદા હોય.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માણસ એક દિવસમાં ૫૦૦, ૧૦૦૦ કે ૨૦૦૦  શબ્દો બોલે તો પર્યાપ્ત છે? કેટલા શબ્દો બોલવા જોઈએ? આ સવાલો દરેક માણસને જુદી-જુદી રીતે લાગુ થાય, જવાબ પણ જુદા-જુદા હોય. લોકોને લાંબું-લાંબું બોલતા જોઈ, એકનું એક સતત બોલ્યા કરતા જોઈ, અર્થ વિનાનું ઉચ્ચારતા જોઈ, વાતનું વતેસર કરતા જોઈ અમને ઉપરના સવાલો થયા. બીજાઓને પણ થતા હશે.

ખાસ કરીને હર ઘર અને હર હાથ મેં મોબાઇલ આવ્યા બાદ વાતો કરવાનું વ્યસન કાતિલ તેજ ગતિએ વધતું રહ્યું છે. સ્કૂટર, સાઇકલ, રિક્ષા, બસ, કાર ચલાવતા લોકોને અઢળક ટ્રાફિકમાં પણ વાંકું ડોકું કરીને વાત કરતા જોયા છે? કોની સાથે વાત કરતા હશે? એવી તે કેવી મહત્ત્વની વાત હશે કે અકસ્માતના યા જાનના જોખમે તેઓ આમ કરતા હશે? આપણે કોઈને પણ ફોન કરીએ ત્યારે ધ પર્સન યુ આર ટ્રાઇંગ ટુ રીચ ઇઝ ટૉકિંગ વિથ સમવન આવી રેડીમેડ ટેપ આપણે દિવસમાં કેટલી વાર સાંભળીએ છીએ? રસ્તે ચાલતા, ટ્રેન કે બસમાં મુસાફરી કરતા કેટલા માણસો ફોન પર વાત કરતા જોવા મળે છે? લૅન્ડલાઇનને બદલે મોબાઇલ ફોન હાથવગો થયા બાદ શું થયું છે એ સત્ય તો હવે બચ્ચા-બચ્ચા જાનતા હૈ... લગભગ દરેક માણસ ૫૦૦ ને બદલે ૫૦૦૦ જેટલા શબ્દો બોલતો થઈ ગયો છે. લોકોના બોલવાના અતિરેકને જોઈ બીજા માણસોને પોતાના મૌનનું અને ઓછું બોલવાનું મહત્ત્વ સમજાતું જતું હશે એવી આશા રાખી શકાય? બિનજરૂરી બોલવું, કોઈને તમારી વાત સાંભળવી ન હોય છતાં તેમના કાનને જાણતાં કે અજાણતાં ત્રાસ આપવો, મોબાઇલ પર એટલે મોટેથી વાત કરવી કે આસપાસ બેઠેલા લોકોને ત્રાસ થાય એ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. આ ધ્વનિ પ્રદૂષણ સામે માણસ પોતે જાગે અને તેને દરેક પ્રકારના માહોલમાં અંકુશમાં રાખે એમાં સ્વહિત અને સમાજહિત રહેલું છે. મર્યાદિત બોલવાથી અને મૌનથી ખુદને અને બીજાને પણ આનંદ આપી શકાય છે, જે એક પ્રકારની નિસ્વાર્થ સેવા છે. અરે, દોસ્તો કેટલાય સંભવિત ઝઘડા કે વિવાદો ઓછું બોલવાથી કે મૌન રહેવાથી ઊગતા ડામી શકાય છે. 

અલબત્ત, મૌન મુશ્કેલ છે. પ્રયાસ, અભ્યાસ અને સાધના માગી લે છે, પણ બને તેટલું ઓછું બોલવાની સમજણ ચોક્કસ કેળવી શકાય; માત્ર પોતાની શાંતિ માટે નહીં, આપણી આસપાસના લોકોની શાંતિ માટે પણ. ઓછું બોલવાથી માહોલ અને પર્યાવરણમાં એકંદરે શાંતિ રહે છે.

અખબારોમાં લેખ માટે પણ શબ્દોની મર્યાદા જરૂરી બનતી જાય છે. લોકો લાંબું વાંચતા નથી, લોકો લાંબુ સાંભળવાથી પણ દૂર થવા લાગ્યા છે. ટુ ધ પૉઇન્ટ બોલવું, અર્થપૂર્ણ બોલવું એ એક આર્ટ કે સ્કિલ છે. પરમાત્મા પણ ઇચ્છે છે કે પ્રકૃતિના સ્પંદનને સાંભળતા રહો, જેને પણ એક પ્રકારની ભક્તિ કહી શકાય. આ સુંદર સ્પંદન પણ મૌનથી જ પ્રાપ્ત થાય છે.

columnists jayesh chitalia environment mental health life and style gujarati mid-day mumbai