25 February, 2025 03:17 PM IST | Mumbai | Ruchita Shah
આનંદ ભીડે, નિષ્ણાત
થોડાક સમય પહેલાં જ ઍક્ટર વિદ્યુત જામવાલે પોતાના ફિટનેસ ગોલમાં શંખનાદનું મહત્ત્વ સમજાવતો વિડિયો શૅર કર્યો હતો. હજારો વર્ષોથી આપણે ત્યાં દરેક મહત્ત્વપૂર્ણ પ્રસંગની શરૂઆત શંખ વગાડવાથી થતી આવી છે. શંખ વગાડનાર અને શંખ વગાડતાં આવતો અવાજ સાંભળનાર બન્નેને એનાથી લાભ મળે છે. આજે જાણીએ કે શંખ વગાડાય કઈ રીતે, શંખના પ્રકાર કેટલા અને શંખ કોણે ને ક્યારે ન વગાડાય
શંખનાદને ભારતીય પરંપરામાં મહત્ત્વનો આધારસ્તંભ કહી શકાય. આજેય દરેક પૂજા વિધિવિધાનોની શરૂઆત શંખનાદથી થાય છે. હજારો વર્ષ પહેલાં થયેલા મહાભારતના યુદ્ધની શરૂઆતમાં પણ શંખનું બ્યુગલ વગાડાતું. ધર્મનું મેદાન હોય કે યુદ્ધનું મેદાન, શંખનાદનો મહિમા અકબંધ રહ્યો છે. આ વાત નીકળી એનું કારણ છે વિદ્યુત જામવાલ. થોડાક દિવસો પહેલાં આ બૉલીવુડ ઍક્ટરે પોતાનો શંખ વગાડતો વિડિયો શૅર કરીને એનો ધ્વનિ જે લોકો સાંભળે તેમના જીવનમાં સુખનો સૂરજ ઊગે એવી કામના કરતી પોસ્ટ કરી હતી. શંખ વગાડવો હવે ટ્રેન્ડિંગ તો છે જ પણ સાથે માત્ર શોખ ખાતર નહીં પરંતુ થેરપ્યુટિક લાભ લેવાની દૃષ્ટિએ પણ શંખનાદ મહત્ત્વનો બનતો જાય છે ત્યારે શંખ વગાડાય કઈ રીતેથી લઈને એની સાથે સંકળાયેલી મહત્ત્વની વિગતો જાણી લો.
પૌરાણિક રીતે ખાસ
શંખને ભગવાન વિષ્ણુનું પ્રતીક મનાય છે. યોગશિક્ષક, ટ્રાવેલ કંપની ચલાવતા અને શંખ પર શંખ શક્તિ વિષય સાથે અંગ્રેજી અને મરાઠીમાં પુસ્તક લખી ચૂકેલા આનંદ ભીડે કહે છે, ‘પંદરેક વર્ષ પહેલાં માત્ર ગ્લૅમરને કારણે મને શંખ વગાડવાનું મન થયું હતું અને પહેલી વાર એનો પ્રયાસ કર્યો. એ પછી શંખ વિશે જેમ-જેમ જાણતો ગયો એમ-એમ એના પ્રેમમાં પડતો ગયો. કદાચ તમે પણ સાંભળ્યું હોય કે સમુદ્રમંથન થયું એ વખતે એમાંથી નીકળેલી ૧૪ વસ્તુમાંથી સૌથી પહેલી વસ્તુ હતી પંચજન્ય શંખ. ભગવાન કૃષ્ણએ આ શંખ વગાડ્યો હતો. આપણે ત્યાં ભગવાન વિષ્ણુની જેટલી પણ વાતો આવે છે એમાં શંખનો ઉલ્લેખ છે. વિષ્ણુ પુરાણ સહિત બીજાં ઘણાં પુરાણોમાં શંખનો અને શંખનાદની વિશિષ્ટ ઊર્જાનો ઉલ્લેખ મળે છે. જૈન ગ્રંથોમાં ભગવાન નેમિનાથ ભગવાનનું લાંછન શંખ છે. જૈનો પણ શંખને પવિત્ર માને છે. સાઉથમાં વિષ્ણુ સંપ્રદાયમાં સંન્યાસ લેવાની વિધિમાં શરૂઆત જ શંખ અને સુદર્શન ચક્રની પ્રતિકૃતિ ખભા પર બનાવીને કરવામાં આવે છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં શંખ નામની કરન્સી હતી. શંખ લિપિ, શંખ નામની નદી હતી. શંખનો પોતાનો મહિમા છે.’
શંખ બને કઈ રીતે?
શંખ દરિયામાંથી મળે એ તો આપણને સહુને ખબર છે, પરંતુ ગોકળગાયના પ્રોટેક્શન માટે એનું રક્ષાકવચ શંખ બનતાં લગભગ ત્રણથી પાંચ વર્ષનો સમય લાગતો હોય છે. પોતાની પાસે ૬૭૦થી વધુ નાના-મોટા શંખનું કલેક્શન ધરાવતા આનંદભાઈ કહે છે, ‘દુનિયામાં ગોકળગાયની લગભગ ૪૫ હજાર પ્રજાતિઓ છે; જેમાંથી ત્રીસ હજાર પ્રજાતિ જમીન પર, પાંચ હજાર નદીના પાણીમાં અને દસ હજાર જેટલી પ્રજાતિઓ દરિયામાં જોવા મળે છે. દરિયાઈ ગોકળગાય પોતાના જીવન કાળ દરમ્યાન પોતાની રક્ષા માટે કૅલ્શિયમ કાર્બોનેટનું કવચ બનાવે છે અને ઘણી વાર પોતે પોતાના પ્રાણ પણ એમાં જ છોડી દે છે. આપણી પાસે આવતા શંખ પૉલિશ કરેલા હોય છે.’
મુખ્ય ત્રણ પ્રકાર
લાંબા સમય સુધી લોકોને નિઃશુલ્ક શંખ વગાડતાં શીખવી ચૂકેલા મુલુંડનાં યોગશિક્ષિકા કિરણ છેડા પોતે કોવિડ સમયે સ્પેશ્યલ ટ્રેઇનિંગ લઈને શંખ વગાડતાં શીખ્યાં હતાં. તેઓ કહે છે, ‘શંખ વગાડવાથી માત્ર તમે જ નહીં, તમારી આસપાસનું વાતાવરણ પણ રીચાર્જ થઈ જતું હોય છે. મારા ઘરનો નિયમ છે કે દરરોજ સવાર શંખનાદથી જ થાય. શંખ વગાડવાનું અઘરું નથી જો તમે પ્રૅક્ટિસ બરાબર કરો તો. શંખ કેવી રીતે વગાડાય એ જાણતાં પહેલાં શંખ કેટલા પ્રકારના હોય એ જાણવું જરૂરી છે. લક્ષ્મી શંખ, વિષ્ણુ શંખ અને મિડલ શંખ આ ત્રણ પ્રકારના શંખ આવે. એ પછી ડિઝાઇનની દૃષ્ટિએ એનાં ઘણાં નામ પડ્યાં એ જુદી બાબત છે. લક્ષ્મી શંખ જમણી બાજુ ખૂલેલો હોય, વિષ્ણુ શંખ ડાબી બાજુએ અને મિડલ શંખ વચ્ચેથી ખૂલેલો હોય. માત્ર ડાબી બાજુ ખૂલેલો શંખ જ વાગે. એટલે તમે જે પણ શંખ વગાડતા લોકોના હાથમાં શંખ જુઓ છો એ વિષ્ણુ શંખ છે. શંખની ખૂબી એ છે કે જો તમને ટેક્નિક ખબર છે અને તમે પ્રૅક્ટિસ કર્યા કરો તો કોઈ પણ વ્યક્તિ શંખનાદ કરી શકે.’
કેવી રીતે વગાડાય?
શંખને વગાડવા માટે શંખને પકડવાની રીતથી લઈને મોઢાથી ખાસ રીતે ઉચ્છવાસ કરવાની મેથડ શીખવી પડે. આનંદભાઈ કહે છે, ‘શંખનો અવાજ જોઈતો હોય તો દસ ઇંચથી મોટો શંખ લેવો. વધુ મોટો લો તો કર્કશ અવાજ આવશે. પણ દસથી બાર ઇંચના શંખને વગાડો તો અવાજ સારો નીકળશે.’
શંખ છાતીની નજીક રહે એ રીતે પકડવો. કિરણબહેન કહે છે, ‘તમારી શ્વાસ હોલ્ડ કરવાની ક્ષમતા સારી હોય તો શંખ વધુ સારી રીતે વગાડી શકશો. ટ્રેઇનિંગમાં અમે લોકો પાસે કપાલભાતિ કરાવીએ. એ પછી બાળકને બુચકારીએ ત્યારે જેવો અવાજ કાઢીએ એવો અવાજ એ રીતે મોઢામાંથી શ્વાસ કાઢતી વખતે કરવાનો હોય. જોકે પ્રત્યક્ષ સારી રીતે શીખો તો આ બહુ સરળતાથી શક્ય છે. શંખના પ્રકાર અને એને વગાડનારની કૅપેસિટી મુજબ એના અવાજમાં ફેર પડતો હોય છે.’
શું લાભ થાય?
શંખ વાતાવરણને શુદ્ધ કરવાનું અને એનર્જી ક્લેન્ઝિંગનું કામ કરે છે અને ફેફસાંની ક્ષમતા વધારવા માટે શંખ ઉપયોગી છે એ જાણીતા લાભ છે પણ એ સિવાયના લાભ વર્ણવતી વખતે કિરણ છેડા કહે છે, ‘છ વર્ષથી એંસી વર્ષની વય સુધીના લોકોને મેં શંખ વગાડતાં શીખવ્યું છે. ઇન ફૅક્ટ, મારી ફ્રેન્ડ ફાલ્ગુનીના સપોર્ટથી અમે બોલી અને સાંભળી ન શકતાં બાળકોની સ્કૂલમાં જઈને એ બાળકો અને તેમના ટીચરોને પણ શંખ વગાડતાં શીખવ્યું હતું. મારો પ્રત્યક્ષ અનુભવ છે કે શંખનાદથી તમારી સામે હાજર લોકોમાં એક જુદો જ ઊર્જાનો પ્રવાહ આવતો હોય છે. શંખ તમારા વિશુદ્ધિ ચક્રને સક્રિય કરે છે અને સ્પીચ રિલેટેડ જે પણ સમસ્યાઓ હોય એમાં હકારાત્મક પરિણામ આપે છે.’
યોગ શિક્ષક કિરણ છેડા
અહીં આનંદભાઈ પોતાના અનુભવ શૅર કરતાં કહે છે, ‘ફેફસાંની ક્ષમતા સાથે ફેફસાંને લગતા રોગોમાં ધીમે-ધીમે શંખ વગાડવાથી લાભ થયો હોવાનું અમે જોયું છે. ખાસ કરીને યોગાભ્યાસ પહેલાં શંખ વગાડતા એક નિષ્ણાતને અસ્થમામાં ખાસ્સો આરામ થયો હતો. શંખ આપણે ત્યાં પવિત્ર છે અને એટલે જ શંખનાદ કરતાં પહેલાં હાથ જોડીને શંખને આદર આપીને પૂજ્યભાવ સાથે એને હાથમાં લઈને વગાડવાની પ્રક્રિયા કરવી જોઈએ. તમે જોયું હશે કે શંખમાં પાણી સંગ્રહીને રાખે અને બીજા દિવસે એ પાણી પ્રસાદની જેમ પીવામાં આવે. એની પાછળનું પણ વિજ્ઞાન એ છે કે કૅલ્શિયમ કાર્બોનેટથી બનેલા શંખનું કૅલ્શિયમ સમ્તસત્રે પાણીમાં ડિઝૉલ્વ થતું હોય છે જેથી આ પાણીનું નિયમિત સેવન વ્યક્તિમાં કૅલ્શિયમ ડેફિશિયન્સી નથી થવા દેતું. ફેશ્યલ મસાજ, વોકલ કૉર્ડને મસાજ, પાચે લગતી સમસ્યાનું સમાધાન જેવી સમસ્યાઓ દૂર થાય.’
શંખ કોણે ન વગાડાય?
માસિક ચક્ર દરમ્યાન, પ્રેગ્નન્સી દરમ્યાન અને કોઈ પણ જાતની પેટ કે લંગ્સને લગતી ક્રૉનિક બીમારીઓ હોય ત્યારે શંખ ન વગાડવો. જમીને શંખ ન વગાડાય. ત્રણથી વધુ વાર શંખ ન વગાડાય અને જો વધુપડતી વાર શંખનાદ કરો તો માથું ભારે થઈ શકે અથવા ચક્કર પણ આવી શકે. હૃદયરોગ હોય તેમણે શંખ ન વગાડાય.