રામલલ્લા મંદિરની અષ્ટકોણ ડિઝાઇન કોઈની પણ કૉપી નથી

25 February, 2024 12:29 PM IST  |  Mumbai | Chandrakant Sompura

રામમંદિરમાં ક્યાંય એક સામાન્ય ખીલી જેટલા પણ લોખંડનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. વાતાવરણના સંપર્કમાં આવ્યા પછી લોખંડ પર ભેજને કારણે કાટ લાગે છે, જે આખા સ્ટ્રક્ચરની આવરદા ઘટાડે છે.

રામ મંદિર

આપણી વાત ચાલે છે અયોધ્યા રામમંદિરની. એ અંતર્ગત તમને ગયા રવિવારે કહ્યું એમ રામમંદિર માટે કુલ ત્રણ ડિઝાઇન બનાવી હતી, જે પૈકીની અષ્ટકોણીય ડિઝાઇન પસંદ કરવામાં આવી. આ જે અષ્ટકોણ ડિઝાઇન છે એના માટે તમે ક્યાંયથી પ્રેરણા લીધી હતી કે નહીં એવો સવાલ એક વાચક અને આર્કિટેક્ટ સ્ટુડન્ટ દ્વારા પૂછવામાં આવ્યો છે. તો એનો જવાબ પહેલાં આપવાનો કે ના, રામમંદિરની અષ્ટકોણ ડિઝાઇન માટે વર્તમાન કે ઇતિહાસના કોઈ મંદિરની પ્રેરણા લેવામાં નથી આવી. એવું નથી કે આપણે ત્યાં અષ્ટકોણીય મંદિરો નથી. છે, પણ એ બહુ બનતાં નથી અને વધારે બનતાં ન હોવાનાં ઘણાં કારણો છે. એ પૈકીનું મુખ્ય કારણ છે જગ્યા. અષ્ટકોણ મંદિર બનાવવા માટે મોટી જગ્યા જોઈએ તો સાથોસાથ અષ્ટકોણ મંદિર બનાવવા માટે ખર્ચ પણ વધુ આવે.

અષ્ટકોણ ડિઝાઇન તૈયાર કરવા માટે ક્યાંયથી કોઈ પ્રેરણા લીધી નહોતી, પણ શાસ્ત્રોના અભ્યાસના આધારે મનમાં હતું કે આપણે એવું એક ભવ્ય મંદિર બનાવીએ જે વિશ્વભરમાં ખ્યાતિ મેળવે. રામલલ્લાનું મંદિર તો આમ પણ ખ્યાતિ મેળવવાનું જ હતું એટલે જુદા પ્રકારની સ્થાપત્યકળા સાથે જો એ તૈયાર કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે એવું થઈ જાય. 
શિલ્પ અને સ્થાપત્યના નિયમોની સાથે મંદિર સારું પણ લાગવું જરૂરી હોય એટલે અષ્ટકોણ ડિઝાઇન પર કામ શરૂ કર્યું અને એમાં ભગવાન વિષ્ણુનાં આઠેઆઠ રૂપ પ્રતીકાત્મક રીતે સામેલ પણ કર્યાં તો દિશાની દૃષ્ટિએ પણ આઠેઆઠ દિશામાં ઈશ્વરનું સામ્રાજ્ય છે એ વાત પણ આ ડિઝાઇન સાથે બંધબેસતી હતી; જ્યારે ચાર દિશા અને આકાશ-પાતાળ, સૂર્ય-ચંદ્ર સાથે પણ અષ્ટકોણ ડિઝાઇનનો મેળ બેસતો હતો એટલે અષ્ટકોણ મંદિર પર અમે કામ શરૂ કર્યું. સદનસીબે એ જ ડિઝાઇન વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલજીને પણ ગમી અને એને ફાઇનલ કરવામાં આવી.

આ બધી વાતો નેવુંના દશકની છે. એ સમયે હું બધી રીતે પૂરેપૂરો ઍક્ટિવ હતો એટલે બધાં કામો હું જ સંભળાતો, પણ મંદિર માટે સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું ત્યારે અવસ્થાના કારણે મેં બહારનાં કામો ઓછાં કર્યાં એટલે જવાબદારીઓ મારા બન્ને દીકરાઓ નિખિલ અને આશિષને સોંપવાનું શરૂ કર્યું. મંદિરના નિર્માણ અને બોર્ડ સાથેની મીટિંગનાં કામો આશિષ જુએ તો પથ્થરોનું જે કામ થતું હોય એના માટે બહારગામ જવાનું વધારે રહેતું હોવાથી એ જવાબદારી નિખિલે લઈ લીધી. અમારી વચ્ચે નિય​મિત વિચારવિમર્શ થાય તો સાથોસાથ અગત્યની કે જરૂરી હોય એવી મીટિંગ હોય એ સમયે તેમની સાથે પણ ગયો હોઉં, પરંતુ બાકી મોટા ભાગનું પ્રૅક્ટિકલ વર્ક નિખિલ અને આશિષે સંભાળી લીધું એ મારે કહેવું રહ્યું.
આપણે ફરી આવી જઈએ રામમંદિરની વાતો પર.

નેવુંના દશકમાં મંદિરની ડિઝાઇન બની ગઈ. ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ, પણ જગ્યાનો પ્રશ્ન કોર્ટમાં ગયો એટલે પ્રૅક્ટિકલી કામ અટકી ગયું; પણ હા, કહેવું જ રહ્યું કે કામ દુનિયાની દૃષ્ટિએ અટક્યું હતું. કામ પર થતું મનોમંથન સહેજ પણ અટક્યું નહોતું.

ઈસવી સન ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ગુજરાત આવ્યા. ગુજરાતમાં અમે અંબાજીમાં શક્તિપીઠનું કામ કર્યું હતું એટલે એ રીતે તેઓ અમને ઓળખે. મુખ્ય પ્રધાન હતા ત્યારે રામમંદિર માટે તેમની સાથે વાત થયા કરતી. મળ્યા પણ ઘણી વાર છીએ. હું કહીશ કે આજનું રામમંદિર તેમના વિશ્વાસનું જ પ્રતીક છે. જે સ્તર પર તેમને વિશ્વાસ હતો કે રામમંદિર બનશે જ બનશે, પરિણામ પણ એ જ સ્તર પર નક્કર આવ્યું છે એ સૌકોઈએ સ્વીકારવું રહ્યું.

આમ તો આપણે દરેક મંદિરમાં ભગવાનને બેસાડીએ છીએ, સ્થાપના કરીએ છીએ; પણ રામમંદિરમાં આ વાત પણ જુદી રીતે જોવાની છે. રામમંદિરની ખાસિયત એ છે કે ભગવાન જ્યાં જન્મ્યા હતા એ સ્થળે હજારો વર્ષ પછી આપણે મૂર્તિની સ્થાપના કરી છે એટલે બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે પુનઃ નિર્માણનું જ આ કામ હતું અને પુનઃ સ્થાપના હતી, જે મારી દૃષ્ટિએ બહુ મોટી વાત છે. આ આખા મંદિરમાં ખીલી જેટલો પણ લોખંડનો વપરાશ નથી થયો એ તમારી જાણ ખાતર. લોખંડ સૌથી નિમ્ન સ્તરની ધાતુ કહેવાય. એનો ઉપયોગ ક્યાંય ધાર્મિક કાર્યમાં થઈ ન શકે. રામલલ્લાના મંદિરમાં અમે આ વાતનું ધ્યાન રાખ્યું અને મંદિરમાં ક્યાંય લોખંડનો ઉપયોગ ન થાય એની તકેદારી રાખી અને એ તકેદારી છેક ડિઝાઇનથી લઈને સ્ટ્રક્ચર ડિઝાઇન સમયથી રાખવામાં આવી હતી. ઑક્સિજનના સંપર્કમાં આવ્યા પછી લોખંડને કાટ લાગે છે, જેમાં ભેજ વધારો કરે છે એટલે આવરદા ઘટે; પણ રામલલ્લાના મંદિરમાં એવું ન થાય એની અમે તકેદારી રાખી. જ્યાં પણ ધાતુનો ઉપયોગ કરવાનો આવ્યો ત્યાં બ્રાસપાર્ટ અને તાંબાનો વપરાશ કરવામાં આવ્યો છે.

columnists gujarati mid-day ayodhya ram mandir