13 March, 2021 01:51 PM IST | Mumbai | Raj Goswami
ધ નક્સલાઇટ્સ : મિથુન ચક્રવર્તીનું લેફ્ટ-રાઇટ
એક સમયે જે ‘અર્બન નક્સલ’ તરીકે કુખ્યાત હતો તે ઍક્ટર મિથુન ચક્રવર્તી આજે એ જ ભારતીય જનતા પાર્ટીનો ‘બંગાળી ચહેરો’ બન્યો છે જે નક્સલ વિચારધારાવાળા લોકોને દેશના દુશ્મન ગણે છે. મિથુન કદાચ મુખ્ય ધારાની હિન્દી ફિલ્મોનો પહેલો ઍક્ટર છે જે ફિલ્મોમાં આવતાં પહેલાં ઉદ્દામવાદી ડાબેરી રાજનીતિ તરફ ઝોક ધરાવતો હતો. પછી તેણે મમતા બૅનરજીની મધ્યવાદી તૃણમૂલ કૉન્ગ્રેસ તરફથી રાજ્યસભાપદ સ્વીકાર્યું હતું. ૭ માર્ચે કલકત્તામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મિથુને મધ્યમાંથી જમણી તરફ વધુ એક ઝોક લઈને બીજેપીનો ખેસ ધારણ કરી લીધો હતો.
એક જમાનામાં ગરીબોનો અમિતાભ કહેવાતા મિથુનનું પુનરાગમન કેટલું સફળ રહેશે એ તો સમય (એટલે કે મમતાદીદી) કહેશે, પણ વ્યક્તિગત સ્તરે એટલું કહેવું પડે કે મિથુન ચક્રવર્તીની અંગત કહાની ધરતીથી ગગનની કાબિલેદાદ કહાની છે. એક જમાનામાં જેને એક ટંક ખાવાનાં ફાંફાં હતાં તે મિથુન આજે બંગાળના ભાવિ મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ થાય એવું સૌના કિસ્સામાં શક્ય નથી.
બંગાળના નિમ્નવર્ગીય પરિવારમાં ગૌરાંગ ચક્રવર્તી તરીકે જન્મેલા મિથુને સામાજિક-પારિવારિક પરિસ્થિતિવશ નક્સલ અંદોલનમાં ઝુકાવ્યું હતું. મિથુન માર્શલ આર્ટ્સમાં બ્લૅક બેલ્ટ હતો અને બંગાળ પોલીસના વૉન્ટેડ લિસ્ટમાં હતો. ઘરમાં એકમાત્ર ભાઈનું અકસ્માતે અવસાન થતાં મિથુને ઘરવાપસી કરી હતી. કહેવાય છે કે નક્સલવાદનો રસ્તો વન-વે સ્ટ્રીટ છે. એમાં ગયા પછી પાછા નથી વળાતું. મિથુન પાછો વળી ગયો એમાં નક્સલો તેના જાનના દુશ્મન થઈ ગયા. ઘરવાળાએ તેને પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જવા પ્રેરણા આપી હતી. એ નિર્ણય મિથુનની જિંદગી બદલી નાખવાનો હતો. ફિલ્મો તરફનો રસ્તો તેને ગરીબી અને પોલીસ બન્નેથી પીછો છોડાવવામાં મદદ કરવાનો હતો. જોકે ફિલ્મોના શરૂઆતના દિવસો પણ આસાન નહોતા.
મુંબઈના વરિષ્ઠ ફિલ્મ પત્રકાર અલી પીટર જૉને મિથુન ચક્રવર્તીની તેના એકદમ શરૂઆતના અને સંઘર્ષના દિવસોમાં મુલાકાત કરી હતી. ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રૅજ્યુએટ થઈને આવેલા મિથુનને (મૃણાલ સેનની) પહેલી જ ફિલ્મ ‘મૃગયા’માં નૅશનલ અવૉર્ડ મળ્યો હતો, પણ પછી તેને મુંબઈમાં ખાવાનાં ફાંફાં થઈ પડ્યાં હતાં. મિથુન અલી પીટર જૉનને પહેલી વાર મળ્યો ત્યારે તેણે કહ્યું હતું કે તે મુંબઈમાં ‘તાજી હવા, પાણી અને અપમાન પર જીવી રહ્યો છે.’
સિનેમાના લોકોમાંથી કોઈક તેને એવો ‘આદિવાસી’ કહેતું હતું જે ‘જંગલમાંથી ખોરાકની શોધમાં શહેરમાં આવ્યો છે.’ કોઈક તેને ‘દુનિયાનો પહેલો જાંબુડિયા રંગનો હીરો’ કહેતું હતું અને અમુક લોકો એટલા ક્રૂર હતા કે મિથુનને ફિલ્મ સ્ટુડિયોની ગંદી કૅન્ટીનોમાં વેઇટરની નોકરી ઑફર કરતા હતા. એ વખતે મિથુનના મનોબળને એટલો આઘાત લાગેલો કે તેને થતું કે પાછો કલકત્તા નાસી જાય, પણ એ શક્ય નહોતું; કારણ કે તેના પર કટ્ટર નક્સલવાદી હોવાનો સિક્કો લાગેલો હતો અને પોલીસ તેને શોધી રહી હતી.
મિથુન મુંબઈના ખાર-બાંદરા વિસ્તારમાં જુદા-જુદા પરિવારોમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. એ ત્યાંની ખ્રિસ્તી આન્ટીમાં લોકપ્રિય હતો, કારણ કે તે બહુ સારો ડાન્સર હતો અને જોક્સ કરતાં બહુ આવડતું હતું. અલી પીટર જૉનને તે બીજી વાર ખારની એક ઉડિપી હોટેલમાં મળ્યો ત્યારે વાતચીત શરૂ થાય એ પહેલાં તે બોલેલો, ‘ખાના ખિલાતે હો ક્યા? નહીં તો ઇન્ટરવ્યુ નહીં દે સકૂંગા. કલ રાત સે કુછ ખાયા-પિયા નહીં હૈ.’
મિથુન મુંબઈ આવ્યો એ પહેલાં તેની ‘કુખ્યાતિ’ મુંબઈ પહોંચી ગઈ હતી. ફિલ્મ દુનિયાના લોકો મિથુનના નક્સલ નેતા ચારુ મઝુમદાર સાથેના સંબંધોથી વાકેફ હતા. મિથુન એ ભૂતકાળથી પીછો છોડાવવા માટે જ મુંબઈ આવ્યો હતો, પણ તે જ્યાં જાય ત્યાં તેનો ભૂતકાળ સામે આવતો હતો. તેણે મુંબઈમાં થોડો સમય માટે તેનું નામ રાણા રેઝ પણ રાખ્યું હતું.
તેણે ત્રણેક વર્ષ સુધી નાની-મોટી ફિલ્મો કરી (એમાં સૌથી કામિયાબ ફિલ્મ હતી ૧૯૭૯માં આવેલી ‘સુરક્ષા’) અને એવામાં તેનો ભેટો લેખક-પત્રકાર ખ્વાજા અહમદ અબ્બાસ સાથે થયો. અબ્બાસ સાહેબ સામાજિક નિસ્બતવાળી ફિલ્મો બનાવતા હતા અને તેમણે જ બહારની દુનિયાને હિન્દી ફિલ્મોનો પરિચય કરાવ્યો હતો. તેઓ પારસી એડિટર રૂસી કરંજિયાના લોકપ્રિય ‘બ્લિટ્ઝ’ સમચારપત્રના સૌથી જૂના કટારલેખક હતા. રાજ કપૂરની ઘણી ફિલ્મોની વાર્તા અબ્બાસ સાહેબે લખી હતી.
૧૯૮૦માં અબ્બાસ સાહેબે મિથુનને એવી જ ફિલ્મ ઑફર કરી જેની તેને બીક હતી, ધ નક્સલાઇટ્સ. અબ્બાસ સાહેબે સાધારણ જીવન જીવતા અલગ-અલગ ધર્મ-જાતના લોકો કેવી રીતે નક્સલ અંદોલનમાં જોડાય છે એના પર વાર્તા લખી હતી અને તેમણે મિથુનને આ ફિલ્મ ઑફર એટલા માટે જ કરી હતી, કારણ કે તેનો ભૂતકાળ જ નક્સલનો હતો.
મિથુને અલી પીટર જૉનને કહ્યું હતું, ‘હું મારો ભૂતકાળ ભૂલવા માગતો હતો અને ત્યારે જ ખ્વાજા અહમદ અબ્બાસે મને શોધી કાઢ્યો. હું આ ફિલ્મ કરવાની ના જ પાડી દેવાનો હતો, કારણ કે મને ખબર હતી કે પોલીસથી નાસતા ફરવાના અને માથે મોતના જોખમવાળા દિવસો પાછા જીવંત થઈ જશે, પણ અબ્બાસ સાહેબના નામથી મને લાલચ થઈ ગઈ. મારી છાપ ઍક્ટરના બદલે ડાન્સર અને ફાઇટરની પડી ગઈ હતી અને મને અબ્બાસ સાહેબની ફિલ્મમાં ઍક્ટિંગ કરવા મળતું હતું. બીજું એક કારણ એ હતું કે મને એ ફિલ્મમાં સ્મિતા પાટીલ જેવી શાનદાર ઍક્ટ્રેસ સાથે કામ કરવા મળતું હતું.’
ફિલ્મમાં મિથુને અમોર કાલ નામના યુવાનની ભૂમિકા કરી હતી. તે વિક્ષિપ્ત અવસ્થામાં સ્થાનિક પોલીસને મળે છે. તેના મોઢા પર એક જ નામ છે, નક્સલબારી (તેનું ગામ). તેને જ્યારે ગામ જતી ટ્રેનમાં બેસાડી દેવામાં આવે છે અને ટ્રેન નક્સલબારીમાં પ્રવેશે છે ત્યારે ગામની હરિયાળી જોઈને હતાશ છોકરો ઉત્સાહમાં આવીને બોલે છે, ‘ઇતના હરા!’ ગીતકાર-શાયર મજરૂહ સુલતાનપૂરીએ ભોપાલથી નીકળતા સદા-એ-ઉર્દૂ નામના સામયિકમાં લખ્યું હતું :
‘ધ નક્સલાઇટ્સ’ નામથી જ સેન્સર બોર્ડ ઊંચું થઈ ગયું હતું. તેમણે જૂના ચોપડા ખોલીને નિયમો તપાસ્યા હતા. તેમણે કે. એ. અબ્બાસને એક કાગળ લખ્યો હતો કે તમારી ફિલ્મ રાજ્યતંત્ર માટે જોખમી છે. સેન્સર બોર્ડે જે નિયમનો આધાર લીધો હતો એમાં જુગાર, ડાન્સ અને બિઅર બાર બતાવવા સામે વાંધો હતો. મેં ‘ધ નક્સલાઇટ્સ’ જોઈ છે. આ ફિલ્મ ન તો દેશ માટે જોખમી છે કે ન તો રાષ્ટ્રીય એકતા સામે ખતરો છે. એ નક્સલબારીની તરફેણમાં પણ નથી. વાસ્તવમાં એ એની ટીકા કરે છે. એ નક્સલો પર ચીનતરફી હોવાનો અને ગેરમાર્ગે દોરવાયા હોવાનો આરોપ મૂકે છે. સાચું કહું તો આ નેહરુવાદીઓને અલગ દૃષ્ટિકોણ માફક જ નથી આવતો.’
મિથુન કહે છે, ‘આ ફિલ્મ એક સાહસિક પ્રયાસ હતો, પણ બૉક્સ-ઑફિસ પર ન ચાલી. મારા માટે તો એ ઉમદા અનુભવ હતો. ‘ધ નક્સલાઇટ્સ’ પછી હું ઘણી વાર અબ્બાસ સાહેબને મળ્યો હતો. તે સતત કામ કરતા હતા. મને તેમના છેલ્લા શબ્દો યાદ છે. તેમણે કહ્યું હતું કે એક દિવસ હું બહુ મોટો સ્ટાર બનવાનો છું. એવું થાય ત્યારે સફળતાને માથા પર ચડી જવા ન દેતો અને સિનેમાના લોકો અને કામદારો માટે મદદગાર બનજે. આજે હું એ જ કરી રહ્યો છું.’
અલી પીટર જૉન તેમની વાતમાં આગળ લખે છે, ‘બી. સુભાષ નામના એક ગુમનામ ડિરેક્ટરે, જે ક્યારેક કિશોરકુમારનો સહાયક હતો, તેને સાઇન કર્યો ત્યારે મેં એક જુદા જ મિથુનને જોયો. એ ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ હતી જેમાં ડિસ્કો ડાન્સર તરીકેની કુશળતા બતાવવા તેને મોકળું મેદાન મળ્યું હતું. ફિલ્મ ગોલ્ડન જ્યુબિલી હિટ થઇ અને મિથુનને ગણતરી ‘ગરીબોના અમિતાભ બચ્ચન’ તરીકે થઈ. મિથુનને આ સરખામણીથી મજા આવી ગઈ.
‘એ પછી મેં મિથુન ચક્રવર્તીનો સિતારો ચડતો અને ચડતો જ જોયો. ૧૯૮૬માં તે દેશનો નંબર વન કરદાતા હતો. તેનો સૂરજ તપતો હતો અને એક દિવસે તેનો ફોન આવ્યો કે તે મુંબઈને અલવિદા ફરમાવીને ઊટીમાં સ્થાયી થઈ રહ્યો છે. વીસ વર્ષ પછી તેના દીકરાને ઍક્ટર બનાવવા માટે તે પાછો મુંબઈ આવ્યો ત્યારે મને એની સૌથી પહેલાં ખબર પડી હતી. આજે તેને તેના દીકરા કરતાં પણ વધુ કામ મળે છે. તે આજે પણ એ જ મિથુન છે જેને મેં મુંબઈ છોડતાં પહેલાં જોયો હતો...’
બંગાળની ચૂંટણીમાં બીજેપી સફળ રહે અને મિથુન ચક્રવર્તી એમાં રાજનીતિની બાજીમાં એક્કો સાબિત થાય તો અલી પીટર જૉન માટે મિથુન ચક્રવર્તીના જીવનના ગોળ ફરેલા ચક્રનો મુંબઈથી કલકત્તા વાપસીવાળા ભાગને લખવાનો ચાન્સ રહેશે.
મિથુન સાથે અલપઝલપ...
રાજનીતિ કેમ?
હું ૧૮ વર્ષનો હતો ત્યારે મેં એ સપનું જોયું હતું કે હું ગરીબો માટે લડીશ, ગરીબોને સન્માન અપાવીશ, કારણ કે દુનિયાનાં તમામ અપમાન મેં સહન
કર્યાં છે.
બીજેપી જ કેમ?
બીજેપીની વાત છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આવ્યો છું. તમે તેમનાં સામાજિક કાર્યોને નજરઅંદાજ કરી ન શકોને!
મમતાદીદીથી કેમ કટ્ટી કરી?
- રાજનીતિમાં મતલબ સર્વોપરી બની જાય તો હું સહન ન કરી શકું. મારા માટે પહેલાં રાજ્ય, પછી રાજ્યવાસી અને પછી હુંનો સિદ્ધાંત છે. મમતા બૅનરજી ‘પહેલાં હું’માં વિશ્વાસ કરવા લાગી છે.
(સોર્સ: ટીવી ઇન્ટરવ્યુઝ)
જાણ્યું-અજાણ્યું...
મિથુને ઍક્ટ્રેસ શ્રીદેવી સાથે છૂપાં લગ્ન કર્યાં હતાં, પણ યોગિતા બાલીને છૂટાછેડા નથી આપ્યા એવી ખબર પડતાં શ્રીદેવીએ ત્રણ વર્ષ પછી લગ્ન ફોક કરી નાખ્યાં હતાં.
મિથુનના ડિસ્કો ડાન્સથી પ્રભવિત થઈને ડિસ્કોના એજન્ટ જિમી ઝીન્ચાક નામની એક કૉમિક બુક બહાર પડી છે, જે અમેરિકામાં બહુ લોકપ્રિય થઈ હતી.
મિથુન એકમાત્ર ઍક્ટર છે જેને પહેલી જ ફિલ્મ (મૃગયા) માટે નૅશનલ અવૉર્ડ મળ્યો હતો.
રશિયાના લાખો લોકોને મિથુનનું ગીત ‘જિમ્મી જિમ્મી આ જા આ જા...’ મોઢે છે.
મિથુને ૧૯૮૯માં એક જ વર્ષમાં હીરો તરીકે ૧૯ ફિલ્મો રિલીઝ કરી હતી, જે એક રેકૉર્ડ છે.