11 January, 2023 05:03 PM IST | Mumbai | Rashmin Shah
‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ` બુક અને ડેવિડ શ્વૉર્ટ્ઝ
અમેરિકન રાઇટર ડેવિડ શ્વૉર્ટ્ઝે લખેલી ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ અમિતાભ બચ્ચનની ફેવરિટ બુક પૈકીની એક છે. એ. આર. રહમાન અને શાહરુખ ખાનની એ ફેવરિટ બુક છે તો મુકેશ અંબાણીની પણ એ ફેવરિટ બુક છે. વાત અહીં નથી અટકતી. નરેન્દ્ર મોદીએ પણ આ બુક વાંચી છે અને એ પણ એક વાર નહીં, આઠથી દસ વાર અને તે પોતાના એક ઇન્ટરવ્યુમાં આમ કહી ચૂક્યા છે. ઇન્ડિયા જ નહીં, દુનિયાના કોઈ પણ દેશની સેલિબ્રિટીને તમે જોઈ લો, દર બીજી સેલિબ્રિટી પોતાની ફેવરિટ બુકમાં ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ને ગણાવશે અને માત્ર ગણાવે છે એવું પણ નથી; એ સૌ આ બુકને એક પૂજનીય સ્થાન પણ ગણે છે અને આ બુક છે પણ એવી જ.
‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ દર્શાવે છે કે કેવી રીતે આત્મવિશ્વાસ જગાડવો અને કેવી રીતે સેલ્ફ-કૉન્ફિડન્સ થકી ગોલને અચીવ કરવાની દિશામાં આગળ વધવું. માત્ર એટલું જ નહીં, ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ સમજાવે છે કે તમને જેની જરૂર છે એ પ્રકારના લોકો સાથે જોડાવા માટે શું કરવું અને આ જ બુક સમજાવે છે કે સફળ લોકોની સાથે ચાલવા માટે તેમના જેવી વિચારધારા કેવી રીતે ડેવલપ કરવી.
આ પણ વાંચો : જાતને સતત કોસવાનું બંધ કરી એને પ્રેમ કરો
ડેવિડ શ્વૉર્ટ્ઝની ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ બુકના આધારે અઢળક લોકોએ પોતાની સામાન્ય દેખાતી લાઇફને અસામાન્ય રૂપ આપવાનું કામ કર્યું છે તો આ જ બુકે સમજાવ્યું કે જો તમે વિચારો એ દિશામાં રસ્તો બનતો જવાનો હોય તો પછી મોટું વિચારવામાં ખોટું શું છે? બિગ થિન્કિંગ જ એ દિશા છે જે દિશા તમને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપવાનું કામ કરે છે અને એ માટે તમારે સજાગ થઈને માત્ર એટલું કરવાનું છે, મોટું વિચારો.
થિન્ક બિગ. સિમ્પલ. | મોટિવેશન ફીલ્ડની બની જનક હા, આ સત્ય હકીકત છે. ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ બુક મોટિવેશન ક્ષેત્રને દુનિયા સામે લાવવાનું કામ કરી ગઈ અને એ કામ એવી તે બેસ્ટ રીતે થયું કે મોટિવેશનની એક આખી દુનિયા શરૂ થઈ. ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ની વાત કરીએ તો ડેવિડની આ બુક ૧૯પ૯માં એટલે કે આજથી ઑલમોસ્ટ ૬પ વર્ષ પહેલાં પબ્લિશ થઈ અને એવા સમયે પબ્લિશ થઈ જે સમયે આ પ્રકારના મોટિવેશનલ રીડિંગ માટે કોઈ માર્કેટ છે કે નહીં એ વિશે પણ જાણકારી નહોતી. ડેવિડે બુક લખવાનું તો શરૂ છેક ૧૯પપમાં કર્યું હતું પણ એ પૂરી થઈને પ્રસિદ્ધ થવા સુધી પહોંચવામાં ચાર વર્ષ લાગ્યાં.
‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ની પહેલી જે આવૃત્તિ હતી એ આવૃત્તિની સૌથી મોટી બ્યુટી એ હતી કે એ એક-બે-ત્રણ એ રીતે મુદ્દાસર તૈયાર થઈ હતી અને માત્ર બેતાલીસ પાનાંમાં જ પોતાની વાત કહી દેવામાં આવી હતી. બેતાલીસ પાનાંની એ બુકની અસર એવી તે થઈ કે સિત્તેરનો દશક પૂરો થતાં સુધીમાં તો માલતુજારો ડેવિડ શ્વૉર્ટ્ઝને લિરટલી મોટું વિચારવું કઈ રીતે એની ટ્રેઇનિંગ માટે બોલાવવા લાગ્યા. ડિમાન્ડ વધતાં ડેવિડે આ જ વિષયના સેમિનાર શરૂ કર્યા અને મજાની વાત એ છે કે ડેવિડે દસ વર્ષ તો ફ્રીમાં સેમિનાર કર્યા!
પોતાને આ વિષય પર બોલવા મળે એ જ વાત ડેવિડને બહુ મોટી લાગતી હતી. એવું નહોતું કે ડેવિડ બેકાર હતો કે તેની પાસે કોઈ કામ નહોતું. ડેવિડ શ્વૉર્ટ્ઝ ઑલરેડી અમેરિકાની જ્યૉર્જિયા યુનિવર્સિટીમાં માર્કેટિંગ ભણાવતા ડિપાર્ટમેન્ટનો ચૅરમૅન હતો. સરકારી નોકરી હતી અને શાંતિની જિંદગી હતી, પણ ડેવિડને એ નહોતી જોઈતી અને ડેવિડને તેના એ જ સ્વભાવે આજે ફૉર્બ્સના એ લિસ્ટમાં મૂકી દીધો જ્યાં પહોંચવાનું સૌકોઈનું સપનું હોય છે.
ડેવિડ શ્વૉર્ટ્ઝનું નામ આજે દુનિયાના એવા ટોચના પાંચ રાઇટરમાં છે જે માત્ર ૧૦ મિનિટમાં રીડરના મન પર કબજો કરી લે છે અને આ સર્વે ફૉર્બ્સે જાહેર કર્યો છે!
આ પણ વાંચો : જીવનનો એ અનુભવ જે નિર્દોષ નજરે જોયો, અનુભવ્યો
કર્યા મૂળ આવૃત્તિમાં ફેરફાર | આગળ તમને કહ્યું એમ, ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ બુકની પહેલી આવૃત્તિ જે હતી એ માત્ર બેતાલીસ પાનાંની હતી, પણ વાચકોને આ જ વિષય પર વધારે વાંચવું હતું અને ઊંડાણપૂર્વક વાંચવું હતું એટલે તેમણે એકધારી એવી ડિમાન્ડ ચાલુ રાખી કે ડેવિડ ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ને આગળ વધારે. હકીકત એ પણ એટલી જ સાચી કે ડેવિડ પાસે આ જ વાતને આગળ લઈ જવા માટે તેની પાસે કોઈ પ્લાન જ નહોતો અને એટલે જ ડેવિડે ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ની એ આવૃત્તિ તૈયાર કરી, જે આજે દુનિયા સામે મોજૂદ છે.
‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ની અત્યાર સુધીમાં નેવું લાખ બુક વેચાઈ છે તો એ પણ એટલું જ સાચું કે આ બુકની અનઑફિશ્યલ આવૃત્તિ એનાથી પણ દસગણી વધારે વેચાઈ ગઈ છે!
‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ ઉપરાંત ડેવિડે માત્ર એક બુક લખી, જેનું ટાઇટલ છે ‘ધ મૅજિક ઑફ વૉટ યુ વૉન્ટ’. અલબત્ત, સ્વીકારવું જ રહ્યું કે આ બુકને જોઈએ એવો રિસ્પૉન્સ નહોતો મળ્યો.
સ્ટોરી શૉર્ટકટ
‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’માં કિસ્સાઓ તો આપવામાં આવ્યા જ છે પણ સાથોસાથ એ વાતને પણ સમજાવવામાં આવી છે કે મોટું વિચારવાના લાભ કેવા અને કેટલા છે. ડેવિડ શ્વૉર્ટ્ઝે પોતાની બુક ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ થકી કહે છે કે જો તમારે મોટા થવું હશે તો મોટું વિચારવું પડશે. મોટું વિચારશો નહીં તો તમારા આચરણમાં ક્યારેય એ મોટાઈ નહીં આવે જેની તમે અપેક્ષા રાખો છો.
ડેવિડ શ્વૉર્ટ્ઝેની ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’માં સૌથી વધુ ફોકસ જો કોઈ વાત પર કરવામાં આવ્યું હોય તો એ સકારાત્મક વિચારધારા પર કરવામાં આવ્યું છે તો એ સકારાત્મક વિચારધારાની અસર જીવન પર કેવી પડે છે એના વિશે કહેવામાં આવ્યું છે. ડેવિડ શ્વૉર્ટ્ઝે પોતાની બુક ‘ધ મૅજિક ઑફ થિન્કિંગ બિગ’ થકી કહે છે, ‘ખોટું અને ખરાબ વિચારીને ક્યારેય કોઈ ટોચ પર પહોંચ્યું નથી અને સારું, સાચું અને મોટું વિચારીને ક્યારેય કોઈ દુખી નથી થયું.’ કેટલી સીધી અને સરળ વાત!