ગુજરાતના ક્ષત્રિયો કેમ નારાજ?: એવું તે શું બન્યું કે રૂપાલા રાતોરાત અળખામણા બન્યા?

31 March, 2024 07:30 AM IST  |  Ahmedabad | Manoj Joshi

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજને નથી મળી

પરષોત્તમ રૂપાલા

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૃષિપ્રધાન પરષોત્તમ રૂપાલાએ કરેલા એક સ્ટેટમેન્ટને ક્ષત્રિયોએ એવી રીતે મન પર લઈ લીધું કે તેમને હવે રૂપાલાને ઉમેદવારીપદેથી હટાવવા જ છે અને એના સિવાય તેમને બીજું કશું નથી જોઈતું. ક્ષત્રિયને માઠું લાગી આવ્યું એ સ્ટેટમેન્ટ કયું હતું એના વિશે આપણે વાત કરવાની જરૂર નથી, કારણ કે વાત મહત્ત્વની એ છે કે એ સ્ટેટમેન્ટ પછી પરષોત્તમ રૂપાલાને પોતાને પણ લાગ્યું કે કાચું કપાઈ ગયું છે એટલે તેમણે ગણતરીના કલાકોમાં માફી પણ માગી લીધી, પણ હવે ક્ષત્રિય સમાજ એ વાત પડતી મૂકવા રાજી નથી. અહીં એ પણ યાદ દેવડાવવું રહ્યું કે રૂપાલાએ એક વાર નહીં, ત્રણથી ચાર વાર માફી માગી લીધી છે, પણ ક્ષત્રિય સમાજ હવે એક જ વાત લઈને બેઠો છે કે અમને માફી તો જ પહોંચશે જો રૂપાલાની લોકસભાની બેઠક ફેરવી નાખવામાં આવે. રૂપાલા અત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવે છે, તેમની બેઠક પાછી લેવામાં આવે અને તેમને જો અન્ય કોઈ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી દેવામાં આવે તો વાત પૂરી થઈ જાય એવું તમને લાગતું હોય તો તમે ભૂલ કરો છો. ધારો કે રાજકોટની બેઠકથી રૂપાલાને હટાવીને તેમને અમરેલીમાં બેઠક આપવામાં આવશે તો ત્યાં રહેલો ક્ષત્રિય સમાજ ઊભો થશે અને કહેશે કે અમને આ પ્રકારના ઉમેદવાર અહીં નથી જોઈતા.

કરવામાં આવેલું એક સ્ટેટમેન્ટ કેટલું મોંઘું પુરવાર થઈ શકે એનું આ સૌથી અસરકારક ઉદાહરણ છે એ વાત જેટલી અસરકાર રીતે અહીં ઉજાગર થાય છે એટલી જ અસરકારક રીતે એ વાત પણ બહાર આવે છે કે ગુજરાત ફરી એક વાર ૯૦ના દસકાની માનસિકતા સાથે કામ કરતો થયો છે. ૧૯૯પ પહેલાંના ગુજરાતમાં હંમેશાં ક્ષત્રિય અને પાટીદારોને આમને-સામને મૂકવામાં આવતા હતા, જે કામ કૉન્ગ્રેસ દરેક તબક્કે કરતી હતી. આ વખતે એ જ કામ કોઈ છાના ખૂણેથી શરૂ થયું હોય એવું વિનાસંકોચ કહી શકાય. કારણ કે પરષોત્તમ રૂપાલાએ કરેલા વિધાનમાં જે આક્રમકતા નહોતી એના કરતાં અનેકગણી વધારે આક્રમકતા ક્ષત્રિયો દ્વારા કરવામાં આવતી માગણીમાં છે. પાટીદારોને જે પ્રકારે ગુજરાતમાં મહત્ત્વ મળતું થયું છે એ વાત સહજ રીતે કોઈની પણ આંખમાં બળતરા આંજી જાય તો સામે પક્ષે જે ક્ષત્રિયોને દુઃખ થયું છે એ ક્ષત્રિય સમાજને તમે જુઓ. વટ અને વચન કાજે માથું ઉતારી દેવાનું તો તેમના લોહીમાં રહ્યું છે એટલે સ્વાભાવિક રીતે વાત વધારે મોટી થઈ ગઈ છે તો મોટી થયેલી આ આખી વાતની અંદર એ પણ એટલું જ મહત્ત્વનું બન્યું હશે કે આ વર્ષે લોકસભાના ઇલેક્શનમાં BJPએ ક્ષત્રિય સમાજને ટિકિટ પણ પ્રમાણમાં ઓછી આપી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજને નથી મળી એટલે એ પીડા પણ અત્યારે રૂપાલાના પક્ષમાં જમા થઈ છે. પરષોત્તમ રૂપાલાની એક ખાસ વાત કહેવાની. ગુજરાતીઓમાં રૂપાલા BJPના સ્ટાર પ્રચારક છે અને ક્યારેય પ્રચારક આ પ્રકારનાં નબળાં વિધાન કરે નહીં એવું જ તેમનું ઘડતર થયું હોય છે. એ પછી પણ તેમનાથી આ વિધાન નીકળી ગયું, જે સીધું એવા સમાજના કાને જઈ પડ્યું જે સમાજ અંદરખાને દુભાયેલો હતો. વાત પૂરી થાય એ જરૂરી છે અને વહેલી તકે પૂરી થાય એ પણ એટલું જ જરૂરી છે.

columnists gujarati mid-day gujarat news