29 September, 2024 03:19 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના થોડાક મર્મજ્ઞો અને વિચારકો પૈકી જેમની ગણતરી કર્યા વિના ચાલે નહીં એવું એક નામ છે હરીન્દ્ર દવેનું. હરીન્દ્રભાઈ તેમના આયુકાળમાં અંતિમ સમયે હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે તેમણે એક વાત કહેલી. તેમણે કહ્યું હતું કે જ્ઞાન અને બુદ્ધિ એ બધું આજીવન એકત્રિત કર્યું હોય તો પણ છેલ્લી ક્ષણોમાં એક ધડાકા સાથે બધું તૂટી પડે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે પરમ જ્ઞાન આપ્યું છે એ પરમ જ્ઞાનમાં તેમણે જ્ઞાન અને બુદ્ધિનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અર્જુનને કહ્યું છે કે ‘જ્ઞાન અને બુદ્ધિથી ઉત્તમ બીજું કશું નથી. જ્ઞાનને આમ સર્વોચ્ચ સ્થાન અપાયું હોવા છતાં એ જ્ઞાન વહેવારિક જીવનમાં જ્યારે એનો વિનિયોગ કરવાનો આવે છે ત્યારે એક ધડાકા સાથે તૂટી પડે છે.’
કસોટીની ક્ષણે
અર્જુન જે જ્ઞાન શ્રીકૃષ્ણ પાસેથી મેળવે છે એ જ્ઞાન તેની પાસે નહોતું એવું નથી. કૃષ્ણ પાસેથી બધું સાંભળ્યા પછી અર્જુન કહે છે...
‘તમે જેકંઈ કહ્યું છે એ હવે મને સમજાઈ ગયું છે’ એટલે કે શ્રીકૃષ્ણે તેને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનથી તે અજાણ્યો નહોતો. એ ગીતાનું આ જ્ઞાન જાણતો જ હતો અને છતાં જ્ઞાન જ્યારે કસોટીની ક્ષણે આવીને ઊભું રહ્યું ત્યારે અર્જુન જ્ઞાન ભૂલી જઈને શ્રીકૃષ્ણ સમક્ષ હાથ જોડીને ઊભો રહી જાય છે, ‘હે શ્રીકૃષ્ણ, તમે મને જે કહેશો એ હું કરીશ. અત્યારે મને કાંઈ સુઝતું નથી.’
જ્ઞાન અને બુદ્ધિ
રાવણ અજ્ઞાની નહોતો, પરમ જ્ઞાની હતો. યુદ્ધના અંતે શું પરિણામ આવશે એનાથી તે અજાણ નહોતો. લંકામાં જેકોઈ હતા એ બધાએ રાવણને ફરી-ફરીને સમજાવ્યો પણ હતો. વિભીષણ, સુમાલી, મંદોદરી એ બધાંએ તેને વળતા દિવસે શું બનશે એ વિશે સાવચેતીનો સૂર પણ આપ્યો હતો. રાવણ એ જાણતો પણ હતો, પણ અહંકાર નામની એક રાક્ષસી તે સમજતો હોવા છતાં એને ત્યજી શક્યો નહીં અને આ રાક્ષસીએ પૂરતું જ્ઞાન હોવા છતાં રાવણનો નાશ કર્યો.
જ્ઞાન અને બુદ્ધિ પરમ તત્ત્વો છે એનો ઇનકાર થઈ શકે નહીં અને છતાં આ બન્ને તત્ત્વ જીવનના છેલ્લા તબક્કામાં ઉપયોગી થાય એવું ભાગ્યે જ બને છે.
વિદ્યા અને અવિદ્યા
ઈશાવાસ્ય ઉપનિષદમાં વિદ્યા અને અવિદ્યા એ બે શબ્દોથી જ્ઞાનની ઓળખ આપી છે. જીવનમાં ટકી રહેવા માટે જેકાંઈ ઉપયોગી નથી લાગતું એ બધું પણ ઓછું ઉપયોગી નથી હોતું. જેને આપણે સ્થૂળ વિદ્યા કહીએ એ બધું જીવન જીવવામાં ભલે દેખીતી રીતે ઉપયોગી ન હોય તો પણ એના વિના ચાલે એમ નથી. અવિદ્યાથી સહેજ આગળ વધીને પરમ વિદ્યાની વાત પણ આ ઉપનિષદ આપણને કહે છે. ભલે અવિદ્યા હોય કે વિદ્યા, માણસ આ પરમ જ્ઞાનને છેલ્લી ક્ષણે ભૂલી શકતો નથી. જ્ઞાન અને બુદ્ધિ ઉત્તમ છે. એનો અસ્વીકાર થઈ શકે નહીં, પણ એનો તત્કાલીન ધોરણે સ્વીકાર કરવો સરળ નથી.
રાવણથી માંડીને હરીન્દ્ર દવે સુધીના પરમ જ્ઞાનીઓએ આપણને આ વાત કહી છે. અર્જુન જ્ઞાની હતો અને શ્રીકૃષ્ણથી ઊતરતી કક્ષાનો હોવા છતાં તે અજ્ઞાની નહોતો અને છતાં યુદ્ધની આખરી ક્ષણે એ બધું જ્ઞાન ભૂલી જઈને गांडीवं संस्रेत हस्तात त्वा चैवम परिदैहते। કહીને ઢગલો થઈ ગયો હતો.
વાત નાની છે, પણ બહુ મોટી છે. જ્ઞાન હોવું એ પૂરતું નથી, એ હોવા સાથે એની ઉપસ્થિતિ ભારે વજનદાર છે.