04 April, 2024 11:24 AM IST | Mumbai | Heena Patel
સ્લમનાં બાળકોને વિવિધ ઍક્ટિવિટી કરાવતી ધ પૉઝિટિવિટી પ્રોજેક્ટની ટીમ.
જો નિઃસ્વાર્થ ભાવે બીજા માટે સારું કામ કરવાનો વિચાર હોય તો આગળ વધવાનો રસ્તો આપોઆપ મળી જાય અને એમાં સાથ આપનારા લોકો પણ મળી રહે છે. આવું જ કંઈક થયું છે જુહુમાં રહેતા ૩૧ વર્ષના ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ જય શાહ સાથે. ગરીબ અને જરૂરિયાતમંદોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાના પ્રયાસમાં વર્ષે પચાસ સોશ્યલ વિઝિટ્સ કરવા માટે તેની સાથે સેંકડો વૉલન્ટિયર્સ જોડાઈ ગયા છે.
મૈં અકેલા હી ચલા થા
જાનિબ-એ-મંઝિલ મગર,
લોગ સાથ આતે રહે
ઔર કારવાં બનતા ગયા
પ્રસિદ્ધ ભારતીય ઉર્દૂ શાયર મજરૂહ સુલતાનપુરીની આ શાયરી યાદ અપાવી જાય છે જુહુમાં રહેતા ૩૧ વર્ષના જય શાહની સફર. આમ તો તે એક ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ છે, પણ સાથે-સાથે તેના મિત્રો સાથે મળીને ‘ધ પૉઝિટિવિટી પ્રોજેક્ટ સ્ટોરી’ નામથી એક ગ્રુપ ચલાવે છે, જેનો ઉદ્દેશ સમાજના ગરીબ, અસહાય અને દુખી લોકોના ચહેરા પર એક સ્મિત ફેલાવવાનો છે. સમાજ માટે કંઈક કરવું છે એ ભાવનાએ જયના મનમાં જન્મ લીધો અને એને વાસ્તવિકતામાં સાકાર કરવાનું બળ પૂરું પાડ્યું તેના પાંચ મિત્રોએ અને પછી જન્મ થયો ‘ધ પૉઝિટિવિટી પ્રોજેક્ટ સ્ટોરી’નો. જય શાહે શરૂ કરેલી આ સફરમાં તેની સાથે અત્યારે એક હજારથી વધુ યંગસ્ટર્સ જોડાયેલા છે જેઓ દર અઠવાડિયે અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ કેન્દ્રોના લોકો માટે વિવિધ પ્રવિત્તિઓનું આયોજન કરીને તેમના જીવનમાં રંગ ભરવાનો પ્રયત્ન કરે છે.
મમ્મીની બાળવાર્તામાંથી મળી પ્રેરણા
સમાજ ઉપયોગી કામ કરવાની ભાવના કઈ રીતે જાગી એ વિશે જય કહે છે, ‘હું નાનો હતો ત્યારે મારી મમ્મી મને એવી ઘણી વાર્તાઓ સંભળાવતી હતી જેમાંથી કોઈ બોધપાઠ મળે. આમાંથી એક સ્ટોરી એવી હતી જે મારા દિમાગમાં એવી રીતે ઘર કરી ગઈ કે એ હજી મને બરાબર યાદ છે. આ સ્ટોરી કંઈક આ રીતે છે. એક ગરીબ માણસ હતો. એ ખૂબ મહેનતુ અને દયાળુ હતો. એ દરરોજ જે પણ કમાણી કરતો એમાંથી થોડો ભાગ તે ગરીબોને દાનમાં આપતો. ધીમે-ધીમે તે પોતાની મહેનત અને ગરીબોના આશીર્વાદથી એક દિવસ ખૂબ અમીર વેપારી બની ગયો. અત્યારે તે એટલી કમાણી કરતો કે દરરોજ એક લાખ રૂપિયા દાનમાં આપી શકે. બીજી બાજુ તેનો દીકરો ખૂબ જ અહંકારી હતો. પિતાના પૈસાનો તેને ખૂબ ઘમંડ હતો. દીકરાના આવા વર્તનથી એ વેપારી ઘણો ચિંતિત હતો. એટલે તેણે દીકરાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એક દિવસ તેણે તેના દીકરાને બોલાવીને કહ્યું કે તારે આજથી એક રૂપિયો દાનમાં આપવાનો છે અને દરરોજ એ રકમ બમણી કરીને તારે દાનમાં આપવાની છે. આ વાત સાંભળીને તેનો દીકરો હસવા લાગ્યો, કારણ કે તેના માટે એક રૂપિયાની કોઇ વૅલ્યુ નહોતી. થયું એવું કે એક, બે, ચાર, આઠ, સોળ, બત્રીસ, ચોસઠ, એકસો ચોવીસ એમ રૂપિયા ડબલ કરતાં-કરતાં દાનની રકમ અઠ્યાવીસમા દિવસે તો એક કરોડને પાર પહોંચી ગઈ. એ પછી એ વેપારીના દીકરાનો જે ઘમંડ હતો એ તૂટી ગયો. એ પછી વેપારીએ તેના દીકરા પાસેથી વચન લીધું કે તે દરરોજ તેનાથી શક્ય હોય એટલું દાન કરશે. આ સ્ટોરી સાંભળ્યા પછીથી મેં મનમાં નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં જ્યારે હું પોતે પૈસા કમાતો થઈશ ત્યારે હું પણ જરૂરિયાતમંદો માટે કંઈક કરીશ. એવું કામ કરીશ કે તેમના જીવનમાં સકારાત્મક બદલાવ આવે.’
આ રીતે આઇડિયા આવ્યો
સમાજ માટે કંઈક કરવું છે, પણ શું અને કેવી રીતે કરવું છે એનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે જય શાહ કહે છે, ‘એ સમયની વાત છે જ્યારે હું ચાર્ટર્ડ અકાઉન્ટન્સી (CA)ની પ્રિપેરેશન કરી રહ્યો હતો. એ વખતે ૧૨-૧૫ કલાક બેસીને ભણો તોય ઓછા પડે. એમ છતાં એ સમયે હું દરરોજ સવારે અડધો કલાક મોટિવેશનલ વિડિયો જોતો. એ મારામાં એક નવી એનર્જી ભરવાનું કામ કરતા હતા. એ વખતે મને વિચાર આવ્યો કે અત્યારે તો હું આર્થિક રીતે મદદ કરી શકું એવી સ્થિતિમાં નથી, પણ કોઈને ઇમોશનલ સપોર્ટ તો આપી જ શકું છું. હું એમ વિચારતો કે મારા જેવા કેટલા લોકો હશે જેઓ એક્ઝામની પ્રિપેરેશનને કારણે નિરાશ અથવા તો ચિંતામાં રહેતા હશે. તેમનામાં એક સકારાત્મક ઊર્જા ભરવા માટે મારે કંઈક કરવું જોઈએ. એટલે પછી મેં દરરોજ મારા કોઈને કોઈ મિત્રને મેસેજ મોકલવાનું શરૂ કર્યું જેમાં હું તેમના સ્વભાવની સારી બાબતો વિશે લખતો જેથી તેમને પણ સારું ફીલ થાય. થોડા દિવસ સુધી આ ચાલ્યું, પછી મને ખ્યાલ આવ્યો કે મારું આ પૉઝિટિવિટી ફેલાવવાનું જે કામ છે એ ફ્રેન્ડ્સ સુધી જ સીમિત છે. મને થયું મારે સામાજિક સ્તરે પણ કંઈક કરવું જોઈએ. આમાં એ ખબર પડી રહી નહોતી કે કરવું તો શું કરવું? એવું કયું કામ હું કરી શકું? એક દિવસ હું મારા મિત્રો કોમલ, હેમાંગ, જય, જિયા, પ્રિયા સાથે ટ્રેકિંગ પર ગયો ત્યારે નિરાંતના સમયમાં મેં મારા મિત્રોને મારા મનની વાત કહી. એ પછી અમને જ્યારે સમય મળે ત્યારે આ વિશે ડિસ્કશન કરતા. અમારા ગ્રુપમાંથી કોમલે એવો આઇડિયા આપ્યો કે આપણે બધા પહેલાં એક વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાંના વડીલો સાથે સમય પસાર કરીએ. નક્કી કર્યા મુજબ અમે કિંગ જ્યૉર્જ મેમોરિયલ ઓલ્ડ એજ હોમમાં ગયાં અને ત્યાં બધા વડીલોને અમે અંતાક્ષરી, હાઉઝી જેવી ગેમ્સ રમાડી, ચૉકલેટ-ફ્રૂટ્સનું ડિસ્ટ્રિબ્યુશન કર્યું. એ દિવસે તેમના ચહેરા પર જે ખુશી હતી એ જોઈને અમને સમજાઈ ગયું કે આ દુનિયામાં આવા ઘણા લોકો છે જેમનું કોઈ નથી. જો આપણે તેમની સાથે થોડો સમય પણ પસાર કરીશું તો તેમને પણ એ વાતની ધરપત રહેશે કે આ દુનિયામાં તેમનું કોઈક છે, તેમને પણ પ્રેમ કરનારા લોકો છે.’
પ્રોજેક્ટની શરૂઆત
ધ પૉઝિટિવિટી પ્રોજેક્ટ સ્ટોરી હેઠળ કયાં-કયાં કામો થાય અને કેવી રીતે થાય છે એ વિશે જય શાહ કહે છે, ‘સૌથી પહેલાં તો અમે છ મિત્રોએ મળીને એક ગ્રુપ બનાવ્યું અને એને ‘ધ પૉઝિટિવિટી પ્રોજેક્ટ’ નામ આપ્યું. એ પછી અમે અમારા બીજા મિત્રોને પણ આ બધી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. એમ કરતાં-કરતાં ધીમે-ધીમે અમારા ગ્રુપનો વિસ્તાર થતો ગયો. આ ગ્રુપને ચલાવવામાં મારા મિત્રોનો ખૂબ જ સહકાર મળ્યો. એ પછી તો હું IIM લખનઉમાં મારા MBAના સ્ટડી માટે ચાલ્યો ગયો હતો છતાં આ ગ્રુપની જે ઍક્ટિવિટી હતી એ અટકી નહોતી.’
આ ગ્રુપ કઈ-કઈ પ્રવૃત્તિઓ કરે છે અને કઈ રીતે કામ કરે છે એ વિશે જય શાહ કહે છે, ‘અમે લગભગ દર અઠવાડિયે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, દિવ્યાંગ કેન્દ્રોમાં જઈને અમે તેમને વિવિધ ફન ગેમ્સ અને ઍક્ટિવિટી કરાવીએ તેમ જ સ્નૅક્સ-ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કરીએ. એ સિવાય અમે બ્લડ- ડોનેશન ડ્રાઇવ, ફુટપાથ પર ગરીબ બાળકોને ભણાવવાનું, વૃક્ષારોપણ વગેરે જેવાં કામો પણ કરીએ છીએ. અમે વૉટ્સઍપ પર વૉલન્ટિયર્સનું એક ગ્રુપ બનાવ્યું છે. એમાં અમે દર અઠવાડિયાની જે ઍક્ટિવિટી કરવાની હોય એની ડીટેલ્ડ પોસ્ટ કરીએ. એમાં પછી જે ફ્રી હોય એ લોકો જોડાય અને એ લોકો જ જે પણ કૅશ કૉન્ટ્રિબ્યુશન કરવાનું હોય એ કરે. અમે વર્ષમાં લગભગ ૫૦ જેટલી સોશ્યલ વિઝિટ કરીએ છીએ. અમારું માનવું છે કે જરૂરિયાતમંદો માટે તમે જ્યારે કોઈ કામ કરો ત્યારે તેમને આનંદની લાગણી થાય, પણ તેમના માટે કામ કર્યા પછી આપણને પણ એક આત્મસંતોષ મળે છે. સમાજ ઉપયોગી કામ કરીએ ત્યારે પૉઝિટિવિટી ફક્ત સામેવાળાના જીવનમાં નહીં, પણ આપણા જીવનમાં પણ ફેલાય છે.’