હજી ઘણું કામ બાકી છે... પ્રોડક્શન, ઍક્ટિંગ અને સિન્ગિંગમાં હજી ઘણું સારું કામ કરવું છે

24 August, 2024 12:17 PM IST  |  Mumbai | Pallavi Acharya

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ જીત્યા પછી માનસી પારેખ કહે છે...

માનસી પારેખ

ગયા અઠવાડિયે ૨૦૨૨ માટેના નૅશનલ ફિલ્મ અવૉર્ડ‍્સની જાહેરાત થઈ. એમાં સિંગર અને ઍક્ટર માનસી પારેખને ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં તેના અભિનય માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ જાહેર થયો એટલું જ નહીં, આ ફિલ્મને કુલ ૩ અવૉર્ડથી નવાજવામાં આવી છે. બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન માટેનો અવૉર્ડ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે નિકી જોશીને અને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ પણ ‘કચ્છ એક્સપ્રેસ’ને મળ્યો છે ત્યારે માનસી અત્યંત ખુશખુશાલ છે અને ગર્વ અનુભવી રહી છે. માનસી કહે છે, ‘અવૉર્ડની જાહેરાત થઈ ત્યારે હું અમદાવાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. મારી ફિલ્મને ૩ અવૉર્ડ મળ્યા છે એ જાણ્યું ત્યારે ઓહ માય ગૉડ... એ ફીલિંગ હું વર્ણવી નથી શકતી,  એટલી ખુશી થઈ આવી હતી કે હું ખૂબબધું રડી હતી. આલિયા ભટ્ટ અને ક્રિતી સૅનને આ અવૉર્ડ મેળવ્યો છે.’

માનસી પોતાના જીવનની આ ક્ષણને ક્યારેય ભૂલી શકશે નહીં, કારણ કે આ સન્માન તેની કારકિર્દીના વીસમા વર્ષમાં આવ્યું છે અને તેની મહેનતનું પરિણામ છે. સિંગર, ઍક્ટ્રેસ, પ્રોડ્યુસર અને સાડાસાત વર્ષની દીકરી નિર્વીની મમ્મી માનસી પારેખ હાલ ઘણાબધા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે અને તો પણ એકદમ કૂલ થઈ વાત કરે છે... ‘મિસરી’ નામની તેની એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, હિન્દી ફિલ્મ ‘જબ ખુલી કિતાબ’, વેબ-સિરીઝ ‘બ્લાઇન્ડેડ’, હિન્દી અને ગુજરાતી સૉન્ગ્સ, બેત્રણ પ્રોગ્રામ્સ તથા તેના પ્રોડક્શનની પણ ગુજરાતી-હિન્દી ફિલ્મો પાઇપલાઇનમાં છે.

થોડું ‘કચ્છ એક્સપ્રેસ’ વિશે

ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલના પોતાના પ્રોડક્શન હાઉસ સોલ સૂત્રએ પ્રોડ્યુસ કરી છે. દિગ્દર્શન વિરલ શાહનું છે. ફિલ્મનું શૂટિંગ કચ્છમાં થયું છે. દર્શિલ સફરી, રત્ના પાઠક શાહ અને વિરાફ પટેલે આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. મોંઘીનો લીડ રોલ માનસી પારેખે કર્યો છે. ફિલ્મની વાર્તા એક ગૃહિણીની છે, જેનો મુખ્ય મુદ્દો સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીસશક્તીકરણ છે. રત્ના પાઠક શાહ, માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફરી અને વિરાફ પટેલ મુખ્ય ભૂમિકામાં છે. સંગીત સચિન-જિગરે આપ્યું છે. ફિલ્મની વાર્તા, પટકથા રાહુલ મલિક, કરણ ભાનુશાલી અને વિરાફ પટેલનાં છે. સંવાદો રામ મોરીના છે.

નૅશનલ અવૉર્ડ્સનાં ૭૦ વર્ષમાં પહેલી વાર ગુજરાતી ફિલ્મને ૩ અવૉર્ડ્સ મળ્યા છે અને ગુજરાતી ફિલ્મની ઍક્ટ્રેસને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે જે માનસી અને અફકોર્સ, પાર્થિવ ગોહિલ માટે અત્યંત ગર્વની વાત છે.

હું વેરી લકી

મારા જીવનમાં એક નહીં, ઘણાબધા ટર્નિંગ પૉઇન્ટ છે એમ જણાવતાં ૩૮ વર્ષની માનસી કહે છે, ‘૨૦૦૪માં હું કૉલેજમાં હતી ત્યારે એકતા કપૂરની સિરિયલ ‘કિતની મસ્ત હૈ ઝિંદગી’ માટે મેં ઑડિશન આપ્યું. ૬૦ પાર્ટિસિપન્ટ્સમાં હું સિલેક્ટ થઈ અને શરૂ થઈ ઍક્ટિંગની કરીઅર. એ પહેલાં તો હું સિંગર હતી. કામ શરૂ કર્યું એટલે મને થયું કે અરે ઍક્ટિંગ પણ મને આવડે છે તો ચાલો આ પણ એક્સપ્લોર કરીએ. એ પછી ૨૦૦૫માં આવી ‘કૈસા યે પ્યાર હૈ’. ત્યાર બાદ ‘ઇન્ડિયા કૉલિંગ’, ‘કસૌટી ઝિંદગી કી’, ‘કાવ્યાંજલિ’, ‘રિમોટ કન્ટ્રોલ’, ‘સાત ફેરે : સલોની કા સફર’, ‘સપના બાબુલ કા... બિદાઈ’, ‘સાથ નિભાના સાથિયા’, ‘ઝિંદગી કા હર રંગ... ગુલાલ’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘સુમિત સંભાલ લેગા’ સહિત મને ખૂબ કામ મળ્યું. શોઝ, ફિલ્મો અને સિન્ગિંગનાં કામ મળતાં જ ગયાં. બીજું, મારા નાટક ‘મારો પિયુ ગયો રંગૂન’નું ઓપનિંગ લંડનના ગ્લોબ થિયેટરમાં થયું હતું. એક ગુજરાતી નાટક લંડનના ગ્લોબ થિયેટરમાં ઓપન થાય એ બહુ મોટી વાત છે. ત્રીજું, મારું ‘રાજા રાણી’ ગીત હિટ થયું, અમારા પ્રોડક્શનની ગુજરાતી ફિલ્મો ‘ગોળકેરી’ અને ‘ઝમકુડી’ પણ હિટ થઈ, ‘ડિયર ફાધર’માં પરેશ રાવલ જેવા કલાકાર અને સુપ્રિયા પાઠક તથા રત્ના પાઠક જેવા કલાકારો સાથે કામ કરવા અને શીખવા મળ્યું. અને હવે ‘કચ્છ એક્સપ્રેસ’ને ૩ અવૉર્ડ‍્સ મળ્યા... મારા કામને માન્યતા અને પ્રશંસા મળી.’

માનસી કૉલેજમાં હતી ત્યારથી જ ભારતીય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે. એમટીવી ઇન્ડિયા, ઝી ટીવી, સ્ટાર પ્લસ, 9X, સોની, સ્ટાર વન, સબ ટીવી જેવી લગભગ તમામ જનરલ એન્ટરટેઇનમેન્ટ ચૅનલ્સ પર તેણે કામ કર્યું છે; ડ્રામાથી લઈને કૉમેડી સુધી ફિક્શન અને નૉન-ફિક્શનમાં વિવિધ પ્રયોગો કર્યા છે. મ્યુઝિક રિયલિટી શો, ઍડ્સ, શૉર્ટ ફિલ્મો પણ કરી છે. ફિલ્મો, ટેલિવિઝન, જાહેરાત અને OTT પર પડકારરૂપ કંઈક નવું આપવા માટે માનસીએ ૨૦૧૩માં તેનું પ્રોડક્શન હાઉસ ‘સોલ સૂત્ર’ શરૂ કર્યું. ૨૦૧૯માં ગુજરાતી વેબ-સિરીઝ ‘ડૂ નૉટ ડિસ્ટર્બ’થી નિર્માત્રી તરીકે શરૂઆત કરી અને ૨૦૨૦માં પહેલી ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ બનાવી.

સંગીતે માંડી જિંદગી

માનસી નાની હતી ત્યારથી ગાય છે. તે કહે છે, ‘સ્કૂલમાં હતી, ૧૦ વર્ષની હતી ત્યારે મેં સિન્ગિંગના ૧૦૦ લાઇવ સ્ટેજ-શોઝ કર્યા હતા. પહેલો શો કર્યો એ મારી પહેલી કમાઈ હતી.’ માનસીએ ગાંધર્વ મહાવિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી લોકસંગીત પણ શીખી છે. ઝી ટીવીનો સિન્ગિંગ રિયલિટી શો ‘સ્ટાર યા રૉકસ્ટાર’ જીત્યો હતો. તે સારેગામાપા ગુજરાતી શોની પાર્ટિસિપન્ટ હતી. આ શો સિંગર પાર્થિવ ગોહિલે હોસ્ટ કર્યો હતો. અહીં માનસી અને પાર્થિવ પહેલી વાર મળ્યાં. એ પછી નેહરુ સેન્ટરમાં પાર્થિવના એક શોમાં માનસી ગઈ હતી ત્યાં પાર્થિવે તેના ડ્રેસનાં વખાણ કર્યાં. એકબીજાને ગમવા લાગ્યાં. માનસી પાર્થિવ સાથે શોઝ પણ કરતી હતી. માનસીએ ૨૧ વર્ષની ઉંમરે ૨૦૦૮માં પાર્થિવ સાથે લગ્ન કર્યાં.

અંગત સંગત

માનસીનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા છે. દાદર પારસી કૉલોનીમાં આવેલી જે. બી. વાચ્છા ગર્લ્સ હાઈ સ્કૂલથી સ્કૂલિંગ અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજથી ઇંગ્લિશ લિટરેચર સાથે ‍BA કર્યું છે. તેના પપ્પા મહેશ પારેખ વૈષ્ણવ વાણિયા છે અને ડાયમન્ડ મર્ચન્ટ છે અને હાલ પણ વર્કિંગ છે. મમ્મી મનીષા પારેખ પણ વર્કિંગ છે. ૪૦ વર્ષથી ટ્યુશન-ટીચર તરીકે કામ કરે છે. માનસી કહે છે, ‘અમારા ઘરમાં બધા વર્કિંગ છે. ખાલી કોઈ ન બેસે. હું સ્કૂલમાં હતી ત્યારથી જ શોઝ કરું છું ત્યારે મારા દરેક શોમાં મારી મમ્મી તેનાં ટ્યુશન્સ પતાવી મારી સાથે આવતી હતી.’

આકરી મહેનત

માનસી કહે છે, ‘હું સ્કૂલમાં હતી ત્યારથી જ ખૂબ મહેનત કરતી હતી. કૉલેજમાં જતી કે શોઝ માટે હું અને પાર્થિવ જતાં ત્યારે પણ અમે લોકલ ટ્રેનમાં જ ટ્રાવેલ કરતાં હતાં. મને અવૉર્ડ મળ્યો ત્યારે તેથી જ મારી કૉલેજના પ્રિન્સિપાલે મને ફોન કરીને પ્રાઉડ ફીલ કરતાં કહ્યું હતું કે તારી આકરી મહેનતના કારણે આજે તું આ લેવલ પર છે. સ્કૂલમાં હતી ત્યારથી જ હું હાર્ડ વર્કમાં માનું છું.’

ઘણું કામ છે

હજી ઘણું કામ બાકી છે એમ જણાવતાં માનસી કહે છે, ‘હજી વધુ વિમેન-ઓરિએન્ટેડ મૂવીઝ કરવી છે, સારી મૂવીઝ કરવી છે; પ્રોડક્શન, ઍક્ટિંગ અને સિન્ગિંગમાં પણ ઘણું સારું કામ કરવું છે. વધુ સારી ગુજરાતી અને હિન્દી મૂવી કરવી છે. આજના ડિજિટલ યુગમાં એવી વાર્તાઓ બનાવવી જરૂરી છે જે ઊંડે સુધી પડઘો પાડે અને પરિવારોને એકસાથે લાવે. કંઈક નવું આપીશું તો લોકો જોવાના જ છે.’

રોજેરોજ યોગ

માનસી યોગ રોજ કરે છે. તે સદ્ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા યોગને ફૉલો કરે છે. યોગ વિના એક પણ દિવસ તેનો જતો નથી. યોગને તે જીવનનો માર્ગ માને છે. કુકિંગ, ટ્રાવેલિંગ અને રીડિંગનો પણ માનસીને શોખ છે.

columnists manasi parekh dhollywood news entertainment news