21 December, 2024 04:58 PM IST | Mumbai | Deepak Mehta
પહેલા વિશ્વયુદ્ધ પછી સ્વદેશ પાછા ફરેલા અમેરિકન સૈનિકો
કવિ કલાપીએ ભલે ગયું હોય કે ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી’ પણ ઉદ્યોગ-ધંધા માટે તો ઘણી વાર એનાથી ઊલટું બનતું હોય છે : ‘જે મારતું તે પોષતું, એવો દીસે ક્રમ કુદરતી.’ પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રટિશ સલ્તનતને જરૂરી માલસામાન પૂરો પાડવા માટે આપણા દેશનાં કારખાનાં રાત-દિવસ ધમધમતાં હતાં પણ ૧૯૧૮ના નવેમ્બરની ૧૧મી તારીખે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું અને માત્ર હિન્દુસ્તાનમાં જ નહીં, દુનિયાના અનેક દેશોમાં રાતોરાત કેટલાંય કારખાનાં બંધ થવા લાગ્યાં. મજૂરો બેકાર થવા લાગ્યા. લાખો સૈનિકો યુદ્ધના મેદાન પરથી પોતપોતાને દેશ પાછા ફરવા લાગ્યા અને પાછા ફર્યા પછી બેકાર બનવા લાગ્યા. ૧૯૧૮માં અમેરિકામાં સૈનિકોની સંખ્યા હતી ૨૯ લાખ. ૧૯૧૯માં તેમાંથી સૈનિક તરીકેની નોકરી પર રહ્યા ૧૫ લાખ. અને ૧૯૨૦માં તો એ આંકડો ઘટીને થયો ૩.૮ લાખ. મોંઘવારી વધવા લાગી અને આજની ભાષામાં કહીએ તો અનેક દેશો રિસેશનમાં સપડાયા.
હિન્દુસ્તાનના ધંધા-ઉદ્યોગોને પણ ઝાળ લાગી. જમશેદપુરમાં પણ મજૂરોના વિરોધનો ગણગણાટ શરૂ થયો. લડાઈ દરમ્યાન ટ્રેનના પાટા અને બીજો લોખંડી સરંજામ પૂરો પાડવાનું કામ રાતદિવસ ચાલતું હતું એ એકાએક બંધ.
‘ઇન્ડિયન ઓપિનિયન’માં આર. ડી. (રતન) તાતાને ગાંધીજીએ આપેલી અંજલિ
આફત આવે છે ત્યારે એકલી નથી આવતી. ગ્રેટ બ્રિટન પછી તાતા સ્ટીલનો બીજો મોટો ઘરાક દેશ હતો જપાન. ૧૯૨૩ના સપ્ટેમ્બરની પહેલી તારીખે જપાનમાં ભયંકર ભૂકંપ થયો. લગભગ દોઢ લાખ લોકોએ જાન ગુમાવ્યા. ઉદ્યોગ-ધંધા, કારખાનાં ઢળી પડ્યાં. અર્થતંત્ર ખાડે ગયું. પોલાદની આયાત લગભગ બંધ. કોઈ લેવાવાળું ન હોય તો તાતાના કારખાનામાં પોલાદ બનાવ્યે રાખીને ફાયદો શું? પણ ઉત્પાદન બંધ થાય, વેચાણ ન જેવું થાય તો મજૂરોને દર મહિને પગાર ચૂકવવો કઈ રીતે? ચાલો, બૅન્ક પાસેથી લોન લઈને પગાર ચૂકવીએ. વર્ષોથી ઇમ્પીરિયલ બૅન્ક ઑફ ઇન્ડિયા (આજની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા) સાથે તાતા સ્ટીલને સારો સંબંધ. પણ આવા કપરા કાળમાં એ બૅન્કે પણ લોન આપવાની ના પાડી દીધી! મજૂરોમાં અને લોકોમાં અફવા ઊડી કે તાતા સ્ટીલ દેવાળું કાઢીને બંધ થાય છે.
પછી દોરાબજીએ બાજી પોતાના હાથમાં લીધી. પોતાની અંગત માલિકીની મિલકત વેચવા માંડી. પત્ની મેહેરબાઈને પોતાના દાગીના, ઝવેરાત, વગેરે ગિરવી મૂકવા સમજાવ્યાં. આ બધું કરીને એક કરોડ રૂપિયા (એ જમાનાના એક કરોડ એટલે આજના કેટલા?) તોય હજી બીજા એક કરોડ ખૂટતા હતા. અને ત્યારે મદદે આવ્યા ગ્વાલિયરના મહારાજા. તેમના દીવાન હતા એક પારસી, અવટંકે દિનશાહ. તાતા સ્ટીલની કંપની શરૂ થઈ ત્યારે પણ ગ્વાલિયરના મહારાજાએ એના શૅરમાં પોતાના પૈસા રોક્યા હતા. આ વખતે ખૂટતી રકમની લોન આ મહારાજાએ જ આપી. એ વખતે દોરાબજીના મનમાં એક જ વાત ઘુમરાયા કરતી હતી : કોઈ પણ મજૂરનો પગાર એક દિવસ પણ મોડો ન થવો જોઈએ. કાકા રતન (આર.ડી.) તાતા પણ ખભેખભો મેળવીને ઊભા રહ્યા. ૧૯૨૪માં શૅરહોલ્ડર્સની મીટિંગમાં કેટલાક શૅરહોલ્ડરોએ જોરદાર માગણી કરી કે આવી ખોટમાં જતી અને લોન પર જીવતી કંપનીને વેચી નાખવી જોઈએ. આર. ડી. તાતા ઊભા થયા અને ત્રાડ પાડી કહ્યું : ‘હું જીવતો છું ત્યાં સુધી આ કંપની વેચવાની કોની મગદૂર છે?’ અને પછી ટેબલ પર જોરથી મુઠ્ઠી પછાડી મીટિંગ છોડીને ચાલતા થયા.
જમશેદપુરમાં ભાષણ કરતા ગાંધીજી
પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી જે-જે મુશ્કેલીઓ ઊભી થઈ એનો સામનો કરીને કંપનીનો શ્વાસ હજી તો માંડ બેઠો હતો. ત્યાં વળી નવી આફત. બીજા ઘણા દેશોની જેમ ગ્રેટ બ્રિટન પણ આર્થિક રીતે પાયમાલ થયું હતું. પોતાના ઉદ્યોગોને બેઠા કરવા સરકારે ઠરાવ્યું કે જે જણસ દેશમાંથી જ મળતી હોય એ પરદેશથી મગાવવી નહીં. એ વખતે આર. ડી. તાતાના બે મિત્રો મદદે આવ્યા. તેમાંના એક તે પંડિત જવાહરલાલ નેહરુ અને બીજા તે મહમ્મદઅલી ઝીણા. બન્ને આર. ડી. તાતાના મિત્રો. તેમણે ગ્રેટ બ્રિટનની સરકારને સમજાવી કે હિન્દુસ્તાનના ઉદ્યોગો પડી ભાંગશે તો છેવટે નુકસાન તો તમને જ થશે. એટલે ગ્રેટ બ્રિટનથી હિન્દુસ્તાન થતી નિકાસ પર ડ્યુટી નાખો. અને કોણ જાણે કેમ, બ્રિટિશ સરકારને ગળે આ વાત ઊતરી ગઈ.
બહારની આફત ટળી ત્યાં અંદરની આફત ઊભી થઈ. એ વખતે તાતા સ્ટીલમાં ૫૫ હજાર મજૂરો કામ કરતા હતા. તેમાંના ૨૩ હજાર ખાણોમાં કામ કરે. આ બધા કામદારોએ ભેગા મળીને યુનિયન બનાવ્યું અને જાતજાતની માગણીઓ કરવા લાગ્યા. ગાંધીજીના નિકટના સાથી દિનબંધુ સી. એફ. ઍન્ડ્રુઝ આ યુનિયનના પહેલા સેક્રેટરી બન્યા. બીજી બાજુ સુભાષ ચંદ્ર બોઝે પણ તાતા સ્ટીલનો વિરોધ શરૂ કર્યો. તેમની મુખ્ય ફરિયાદ એ હતી કે કંપની ઊંચા હોદ્દાઓ પર પરદેશીઓની જ નિમણૂક કરે છે. ‘દેશી’ઓને એવી તક આપતી નથી. વખત જતાં બોઝ પોતે સેક્રેટરી બન્યા. એક બાજુથી ડાબેરીઓ અને બીજી બાજુથી અસામાજિક તત્ત્વો કંપનીને રોજેરોજ પજવવા લાગ્યાં. જમશેદપુરનો ચરુ ઊકળવા લાગ્યો.
અને ત્યારે વહારે ધાયા મહાત્મા ગાંધી પોતે. મોટા ઉદ્યોગોના વિરોધી હોવા છતાં ગાંધીજીને જમશેદજી તાતા માટે ઘણું માન કારણ કે જમશેદજી ‘સ્વદેશી’ના હિમાયતી હતા. જમશેદજીના અવસાન પછી ગાંધીજીએ તેમના સામયિક ઇન્ડિયન ઓપિનિયનમાં લખેલું : ‘જમશેદજી જે કોઈ કામ કરતા એ પૂરેપૂરા નિ:સ્વાર્થ ભાવે કરતા. સરકારી માન કે ખિતાબોની અપેક્ષા તેમણે કદી રાખી નહોતી. તેઓ જ્યારે સખાવત કરતા ત્યારે ન્યાત-જાત-ધર્મ, કશાયનો ભેદભાવ મનમાં ન રાખતા. ધનવાન હોવા છતાં તેમનું જીવન સાદું અને પવિત્ર હતું. હિન્દુસ્તાનને આવા બીજા ઘણા ‘તાતા’ની જરૂર છે.’
જમશેદપુરમાં ગાંધીજી અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ
દોરાબજીના ભાઈ આર. ડી. તાતા સાથે પણ ગાંધીજીને સારા સંબંધો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ગાંધીજીના ઇન્ડિયન ઓપિનિયન અખબારને અને સત્યાગ્રહની ચળવળને મદદ કરવા માટે આર. ડી. તાતાએ ૨૫ હજાર રૂપિયાના પાંચ હપતે સવા લાખ રૂપિયા (એ વખતના હોં!)ની મદદ કરી હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા ત્યારે તેમને હિન્દુસ્તાનથી દાન મોકલનારા આર. ડી. તાતા પહેલા હતા. આ દાનનો બીજો હપતો મળ્યા પછી ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનિયનમાં આર. ડી. તાતાની પ્રશંસા કરતો લેખ પણ લખ્યો હતો. તાતા સ્ટીલના મજૂરો અને તાતા ગ્રુપ વચ્ચે સમજૂતી સાધવાના ઇરાદે ગાંધીજી ૧૯૨૪માં જમશેદપુર આવ્યા. પછીથી આઝાદ હિન્દુસ્તાનના પહેલા પ્રમુખ બન્યા તે બાબુ રાજેન્દ્ર પ્રસાદ મૂળ બિહારના. એટલે ગાંધીજીએ તેમને પણ સાથે લીધા. પહેલાં તેમણે સ્ટીલ ફૅક્ટરીની મુલાકાત લીધી. થોડાક મજૂરો સાથે વાતચીત કરી. પછી કંપનીના ડિરેક્ટરના બંગલે આર. ડી. તાતા અને બીજા કેટલાક અધિકારીઓ સાથે ગાંધીજીએ વાટાઘાટ કરી અને મજૂરોની મુખ્ય ત્રણ માગણીઓ બાબતે સમાધાન કરાવ્યું. સાંજે ટિસ્કો ઇન્સ્ટિટ્યૂટ પાછળ આવેલા મેદાનમાં લગભગ વીસ હજાર મજૂરોની મેદની આગળ ભાષણ કર્યું. ભાષણને અંતે ગાંધીજીએ કહ્યું : ‘તમે સૌ જ્યારે તાતાની સેવા કરો છો ત્યારે સાથોસાથ આપણા દેશની પણ સેવા કરો છો, કારણ કે આ કોઈ સામાન્ય કારખાનું નથી. તમે અહીં દેશસેવાનું વધુ ઊંચું અને મહત્ત્વનું કામ કરી રહ્યા છો.’
lll
વેણીભાઈ પુરોહિતના એક કાવ્યની શરૂઆત આમ થાય છે :
ખજૂરની કવિતા કહો તો લખી દઉં,
મજૂરની કવિતા મારાથી લખાય ના
પણ આપણે તો આજે હિંમત કરીને કવિતા નહીં તો મજૂરોની થોડી વાત લખી નાખી. હવે પછી વાત કરીશું પરીકથા જેવી એક ઘટનાની, જે અલબત્ત, તાતા કુટુંબમાં બની હતી.