17 November, 2024 12:03 PM IST | Gandhinagar | Shailesh Nayak
ઔષધીય વનસ્પતિ, જડીબુટ્ટીઓને જોવા આવેલા કસ્ટમર્સ.
ઋષિ-મુનિઓનો ઔષધીય જડીબુટ્ટીઓનો વારસો જાળવી રાખવા સાથે એને સાચવી પણ રાખ્યો છે આદિવાસી સમાજે: ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, દાહોદથી લઈને અંબાજી સુધીના પ્રદેશોમાં આવેલાં જંગલો અને ડુંગરો ખૂંદી વળીને જડીબુટ્ટીઓ શોધી લાવીને ઉપચાર કરતા વૈદુભગતોની દુનિયામાં મારીએ એક લટાર
વિદારી કંદ, રાવણ બીલા, કૃષ્ણ ફળ, નાય કચરુ, કુણીત, આળુ, પેવટુ, પારાજિત બીજ, બિયોની છાલ, બેલ, જંગલી કવદર બીજ, સફેદ ક્વચા, કુયલી, બાફળી, હારે કંદ.
આટલું વાંચ્યા પછી બહુ ઓછા લોકોને ખબર પડી હશે કે આ નામ શેનાં છે. આ નામ દરેકને ખબર જ હોય એવું બને પણ નહીં, કેમ કે આ બધાં નામ આપણા માટે અજાણ્યાં છે, જોકે આ બધાં નામ જેટલાં અજાણ્યાં લાગે છે એટલાં જ આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.
જંગલો અને ડુંગરો પર ઊગતી વનસ્પતિઓ અને વૃક્ષોનાં ફૂલ, ફળ, છાલ, પાન, મૂળ અને ડાળીઓનું એક અલગ જ વિજ્ઞાન છે. ઔષધીય જડીબુટ્ટીઓને એના ખોળામાં આદિ-અનાદિકાળથી સાચવીને બેઠેલાં જંગલો અને ડુંગરોમાં ફરી-ફરીને, એક-એક વનસ્પતિ ઔષધીય જડીબુટ્ટીને ઓળખીને, એના ફાયદા-ગેરફાયદા સમજીને, પ્રાચીન ચિકિત્સા-પદ્ધતિ પ્રમાણે ઉપચાર કરીને આ વિજ્ઞાનને આદિવાસી સમાજ જીવંત રાખી રહ્યો છે.
જો તમે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ જશો તો સાતપુડાના પર્વતોની હારમાળાઓ, વિંધ્યાચલની ગિરિમાળાઓ, પાવાગઢના ડુંગરોથી લઈને અરવલ્લીની ગિરિમાળાઓનાં અનેક પર્વતીય ક્ષેત્રો જોવા મળશે. આ ક્ષેત્રોમાં ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, દાહોદથી લઈને છેક સાબરકાંઠા અને અંબાજી સહિતના પ્રદેશોમાં આવેલાં જંગલો અને ડુંગરો ખૂંદી વળીને વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ શોધી લાવીને ઉપચાર કરતા વૈદુભગતોની દુનિયામાં આજે વાચન થકી એક લટાર મારીએ.
જંગલ અને ડુંગર પરથી મળતાં જુદાં-જુદાં ફળ, વનસ્પતિઓ તેમ જ બીજ.
સસરા કાકડભાઈ પાસેથી મળ્યું જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલાં જંગલોમાં પોતાની દીકરીને સાથે લઈ જઈને વૃક્ષો, વનસ્પતિઓ બતાવીને એનો ઉપયોગ અને એના ફાયદા, એ કયા રોગમાં ગુણકારી છે એ વિશે સમજ આપતાં કપરાડા તાલુકામાં આવેલા આંબાજંગલ ગામનાં સુંદરી માહાલા ‘મિડ-ડે’ને કહે છે, ‘આજથી ૧૨ વર્ષ પહેલાં મારા સસરા કાકડભાઈ પાસેથી હું વૈદકીય સારવાર શીખી છું. જડીબુટ્ટી શોધવા માટે અમે વલસાડના કપરાડા તાલુકા તરફના જંગલના અંદરના ભાગે જઈએ છીએ. ડુંગરાઓની વચ્ચે ફરીને ઔષધીય ઉપચારમાં ઉપયોગી એવાં વૃક્ષો શોધીએ છીએ. એ શોધતાં અમને બે-ત્રણ દિવસ થઈ જાય. સાલય, સાગ, સરગવો, વરઘોડા લસણવેલ, પારીજાત, અર્જુન સાદડ, બીલવો, રોહડ સહિતનાં જાતજાતનાં વૃક્ષો હોય છે. એનાં ફળ-ફૂલ, છાલ અને ડાળીઓ સહિતની જે વસ્તુઓ સારવારમાં કામ આવતી હોય એને ઘરે લાવીને ધોઈને, છાલ કાઢીને સાફ કર્યા પછી એના ટુકડા કરીને સૂકવી દઈએ છીએ. સુકાઈ ગયા પછી ઘરઘંટીમાં એને દળી એનો પાઉડર બનાવીને પૅક કરીએ છીએ.’
નવી પેઢીમાં જ્ઞાનની પરંપરા
આદિવાસી સમાજની નવી પેઢીને પણ પરંપરાગત રીતે આ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે એની વાત કરતાં સુંદરીબહેન કહે છે, ‘ઔષધીય જડીબુટ્ટીથી થતી પરંપરાગત સારવારને હું આગળ લઈ જવા માગું છું અને એટલે જ અત્યારે અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી મારી દીકરી સંજનાને શીખવાડું છું. મને મારા સસરા કાકડભાઈએ આ બધું શીખવ્યું હતું. હવે જો અમે અમારાં સંતાનોને આ નહીં શીખવીએ તો આ પરંપરા કેવી રીતે આગળ વધશે? આ પરંપરાને છોડી દઈએ તો નહીં ચાલે. આ તો પરંપરાગત ચાલતું આવ્યું છે અને ચાલતું રહેવું જોઈએ. મારી દીકરી આ બધું જુએ, સમજે તો તેની જિંદગી પણ સુધરે, એના દ્વારા તે માણસોની સેવા પણ કરી શકે. મારી દીકરીનું વેકેશન પડે ત્યારે તેને હું જંગલમાં લઈ જાઉં છું અને વનસ્પતિ બતાવું છું. આ બધી વનસ્પતિઓ હું ઘરે લાવું તો એમાં પણ તે મને મદદ કરે છે.’
જનસેવા એ જ પ્રભુસેવાનો મંત્ર
જીવન જીવવા માટે મહેનત કરવી પડે એમ જણાવતાં છેલ્લાં ૧૨ વર્ષથી પરંપરાગત વૈદકીય ઉપચાર કરી રહેલાં સુંદરીબહેન કહે છે, ‘લકવા, પથરી, ડાયાબિટીઝ, દમ, ઍસિડિટી, વા, સંધિવા સહિતનાં દર્દોની દેશી વનસ્પતિ ઔષધથી હું અને મારા પતિ સારવાર કરીએ છીએ. એમાંથી જે આવક થઈ રહી છે એનાથી અમને સંતોષ છે. જનસેવા એ જ પ્રભુસેવાને ધ્યાનમાં રાખીને અમે સેવા પણ કરીએ છીએ, કેમ કે થોડી સેવા પણ કરવી પડે. જીવન જીવવા માટે મહેનત કરવી પડે, મહેનત વગર ફળ મળતું નથી.’
મધમાખીઓ અને આઠ પ્રકારનાં દેશી મધથી ઉપચાર
વનસ્પતિ ઔષધિઓને દેશી મધ સાથે ઉપચાર કરવાની પણ એક પદ્ધતિ આપણી પરંપરાગત ચિકિત્સામાં છે. એના દ્વારા ઉપચાર કરનાર તેમ જ મધમાખીના આઠ જાતનાં મધની વાત કરતાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રંભાસ ગામના ચંદ્રસિંગ છગનિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા બાપુજી માદાભાઈ અને દાદા કાસુભાઈએ મધ અને મધ દ્વારા થતા ઉપચાર તેમ જ ખાદ્ય પદાર્થો વિશે શીખવાડેલું છે. તેમણે અમને કહ્યું હતું કે અમારા રસ્તે ચાલવાનું હોય તો આંખ, કાન અને દાઢના સોગંદ લે. એ પછી હું આંખ, કાન અને દાઢ સહિતના રોગોની મધ તેમ જ વનસ્પતિ ઔષધીય રીતે સારવાર કરી રહ્યો છું. એમાં મધથી થતી સારવાર અલગ છે. કેમ કે મધમાખીઓ આપણે જોઈએ છીએ એમાંથી કેટલીક મધમાખીઓ એક કિલોમીટર દૂર જાય, કેટલીક મધમાખીઓ બે કિલોમીટર, ત્રણ કિલોમીટર, સાત કિલોમીટર કે સત્તર કિલોમીટર દૂર સુધી જાય. જેટલી મધમાખીઓ દૂર જાય એવું સારું મધ બને. અમારી ડાંગી ભાષામાં મધમાખીઓનાં આઠ પ્રકારનાં મધ હોય છે જેમાં ઝિમને કોતે મધ, રાંજુને કોતે મધ, આંડે મધ, સુકલે મધ, મીડિયમ મધ, મહુવર મધ, ભ્રમર મધ અને તુમસર મધ. આ આઠ પ્રકારનાં મધ દ્વારા અમે ઉપચાર કરીએ છીએ. તાવ આવતો હોય, રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય, શરદી-ખાંસી તેમ જ અમુક બીજા પ્રકારના રોગોમાં જડીબુટ્ટી સાથે એક ચમચી મધ ભેળવીને એ ખાઈ લેવાનું હોય છે જેથી રોગ દૂર થઈ જાય છે.’
દેશી પદ્ધતિથી ઉગાડેલાં ધાન્ય
ડાંગમાં ગાય આધારિત દેશી પદ્ધતિથી ખેતી કરીને ઉગાડેલાં ધાન્યની એક અલગ જ સોડમ હોય છે અને સ્વાસ્થ્ય માટે એ અકસીર છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘રાગીમાં કૅલ્શિયમ તત્ત્વ મળે છે તો લાલકડા નામનું અનાજ શુગરની બીમારી માટે સારું. દેશી કોલમ અને મગની દાળની ખીચડી બનાવીને ગાયનું ઘી નાખીને ખાવાથી મસાના રોગ માટે ઉપકારી છે. શરીરના દુખાવા માટે, પથરી માટે કે પછી રોગપ્રતિકારક શક્તિ માટે કુણિત, અડદ અને નાગલીનું ધાન્ય અકસીરમાં અકસીર છે. પથરી થઈ હોય તો કુણિતને બાફીને એને ઠંડું પાડી દેવાનું અને જમતાં પહેલાં ગાળીને એક ગ્લાસ પી જવાનું. આવાં બીજાં પણ ધાન્ય છે જે આપણે આહારમાં લઈએ તો સ્વાસ્થ્ય સારું રહે છે.’
ફળ, કંદ અને બીજનું વૈવિધ્ય
જંગલો અને ડુંગરો પર અનેક પ્રકારનાં ફળ, કંદ અને બીજ થતાં હોય છે. જો આપણે એને ઓળખી લઈએ અને એના ફાયદા વિશે જાણીએ તો આપણા સ્વાસ્થ્ય માટે એ રક્ષક બની જાય છે એ સંદર્ભે વાત કરતાં ચંદ્રસિંગભાઈ કહે છે, ‘જંગલી કેળનાં બીના પાઉડરને એક ચમચી મધ સાથે લઈએ તો લૂ માટે ગુણકારી છે તેમ જ મૂત્રપિંડને ફિલ્ટર કરવામાં ઉપયોગી છે. વિદારી કંદ જમીનમાં વેલા પર થાય છે. એનો પાઉડર બનાવીને દૂધમાં ભેળવીને બાળકને આપો તો જન્મથી બાળકમાં કોઈ ખૂટતું તત્ત્વ હોય તો એ આવી જાય છે. કૃષ્ણ નામના ઝાડના થડ પર થતું કૃષ્ણફળ અકસીર છે. આ ફળ ડાળી પર થતું નથી, થડ પર થાય છે. થડ પર તો ઘણાં બધાં ફળ હોય છે, પરંતુ સીઝનની શરૂઆતમાં થડ પર જે પહેલું ફળ થાય છે એ કૃષ્ણ ફળ હોય છે એટલે એ પહેલા ફળને સૂતરની દોરીથી બાંધી દેવામાં આવે છે જેથી ખ્યાલ રહે કે એ ઓરિજિનલ કૃષ્ણફળ છે. આ ફળ પાકે પછી એને લેવાનું હોય છે. પુરુષ અથવા મહિલામાં ખામી હોય તો તેને આ ફળ ખવડાવવાથી બાળક થાય છે. કૃષ્ણફળની જેમ રાવણ બીલા ફળ થાય છે. જોકે આ ફળ એ ઝેરી ફળોનો રાજા છે, પણ એની ખાસિયત એ છે કે એનો પાઉડર દાઢ, ત્વચા, પ્રોસ્ટેટના નિદાન માટે ઉપયોગી છે. એના પાઉડરને મધ સાથે લેવાનો હોય છે. નાયુ કચરુ નામનું ફળ પહેલા વરસાદ પછી એક મહિનામાં ઊગે છે. એને ધોઈ નાખીને એને સૂકવી દેવાનું અને એનો પાઉડર બનાવી દેવાનો. મધ સાથે આ પાઉડર લેવાથી ખાંસી-શરદી, તાવ અને માથાના દુખાવો મટી જાય છે.’
જંગલી શાકભાજીની બોલબાલા
જંગલ અને ડુંગરો પર અનેક પ્રકારની વનસ્પતિ થાય છે એમ સ્વાભાવિક રીતે અનેક પ્રકારનાં શાકભાજી પણ ઊગે છે અને એની પણ અનેક ખાસિયત હોય છે એના વિશે વાત કરતાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રાજેન્દ્રપુર ગામમાં રહેતા ઉમેશ બાગુળ ‘મિડ-ડે’ને કહે છે, ‘ડાંગનાં જંગલોમાં મોટા ડુંગર પર ઘણી બધી વનસ્પતિ ઊગે છે. જંગલમાં અમે પાંચ-દસ કિલોમીટર અંદર જઈએ અને ત્યાંથી જડીબુટ્ટી શોધી લાવીએ છીએ. મળે તો સારું, નહીં તો ઘણી વખત ખાલી હાથે પાછા ફરવું પડે છે. અમે ઘરેથી સવારે નીકળી જઈએ અને બે-ત્રણ દિવસ સુધી જંગલમાં ફરતા રહીએ છીએ. પાંદડાં પરથી અમને ખબર પડે કે આ કઈ વનસ્પતિ છે તેમ જ જે-તે ફળ તેમ જ ઔષધિને પણ ઓળખી લઈએ છીએ. આ બધું અમે અમારા બાપદાદા પાસેથી શીખ્યા છીએ. તેમની સાથે અમે જંગલમાં ફરતા હતા અને વનસ્પતિ તેમ જ શાકભાજીને ઓળખતા થયા. જેમ કે જંગલી બટાટા છે એ આપણને સાદા બટાટા જેવા જ લાગે. જોકે આ જંગલી બટાટા ચરબી ઓગાળે છે અને વજન ઓછું કરે છે. એક જંગલી બટાટાનો પાઉડર બનાવીને ચપટી ભરી પાણી સાથે ફાકી મારી લેવાની. દિવસમાં બે ટાઇમ ફાકી લેવાની. જંગલી હળદર જેવું પેવટું આવે છે એનો લેપ બનાવીને ઘૂંટણમાં દુખાવો થતો હોય કે વાઢકાપ થઈ હોય ત્યાં લેપ લગાવી દેવાનો, એનાથી સારું થઈ જશે. જંગલી ભીંડી આવે છે એ તાવ અને કમળામાં અકસીર છે. એની છાલ કાઢી વાટીને પાણીમાં પલાળીને એ પાણી પી જવાથી તાવ અને કમળામાં રાહત થાય છે. જંગલી આળુ આવે છે જે કૅલ્શિયમ માટે છે. જંગલી આળુને બાફીને છોલીને ખાવાનું. આ બધી વનસ્પતિઓ તેમ જ શાકભાજી જંગલમાંથી લાવીને સાફ કરીને એનો પાઉડર બનાવીને પૅક કરીએ છીએ.’
અમદાવાદમાં તાજેતરમાં પરંપરાગત આદિવાસી વનૌષધિ પ્રદર્શન અને વેચાણ મેળો યોજાયો હતો જેમાં પરંપરાગત ઔષધીય જ્ઞાનથી અને જંગલોની જડીબુટ્ટીઓથી રોગનું નિવારણ તેમ જ ઉપચાર કરતા વૈદુભગતો ડાંગ, વલસાડ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાંથી આવ્યા હતા. આ વૈદુભગતોએ વનસ્પતિ ઔષધિઓનું પ્રદર્શન કરવા ઉપરાંત સાંધાના રોગ, ચામડી, પાચનતંત્ર, લકવા, માથાનો દુખાવો, અનિદ્રા, સ્થૂળતા, ઍસિડિટી, પથરી, પ્રોસ્ટેટ સહિતના રોગનો ઉપચાર અને સારવાર પરંપરાગત વનસ્પતિ ઔષધીય જડીબુટ્ટીઓથી કર્યાં હતાં.
(ખાસ નોંધઃ આ લેખમાં જે વૈદુભગતોની મુલાકાત લીધી છે તેઓ બધા અનુભવી છે. બાપદાદાની પરંપરાગત ઉપચારપદ્ધતિથી તેઓ સારું કામ કરી રહ્યા છે, પરંતુ અહીં જે વનસ્પતિ જડીબુટ્ટીઓના ઉપચાર બતાવ્યા છે એની ખાતરી કરીને એનો પ્રયોગ કરવો હિતાવહ છે.)
સુંદરી માહલા તેમની દીકરી સંજના સાથે.
પર્યાવરણપ્રેમી વૈદુભગતો વૃક્ષને માટીથી લીંપી દે છે
જંગલમાં જઈને ઝાડનો સદુપયોગ કરવાનું અને એનું જતન કરવાનું શીખવાડે છે આદિવાસી વૈદુભગતો.
ડાંગનું જંગલ હોય કે કપરાડાનું, પાવાગઢના ડુંગર હોય કે અરવલ્લીની ગિરિમાળાઓ હોય, આદિવાસી સમાજ અને વૈદુભગતો પર્યાવરણનું જતન અને જાળવણી કરી રહ્યા છે. વૈદુભગતો વૃક્ષોનાં ફળ-ફૂલ અને ડાળીઓ તોડીને કે છાલ ઉખેડીને જતા રહે છે એવું નથી, પરંતુ જે-તે વૃક્ષ ફરી પાછું તાજું થાય અને હર્યુંભર્યું રહે એ માટે એનો ઉપયોગ કર્યા પછી એનું જતન પણ કરે છે.
સુંદરી માહલા કહે છે, ‘અમારે જે-તે ઝાડની છાલ જોઈતી હોય તો અમે એક બાજુએથી જ છાલ કાઢીએ, ચારે બાજુથી છાલ કાઢતાં નથી. અમે એમ કરીએ તો ઝાડ મરી જાય, એટલે ઝાડ મરે પણ નહીં અને આગળ વધે એનો ખ્યાલ રાખીએ છીએ. અમે ઝાડની છાલ કાઢીએ તો જ્યાંથી છાલ કાઢી હોય ત્યાં પાણીવાળી માટી કરીને લેપ કરીએ દઈએ છીએ જેથી ઝાડ જીવે છે. કોઈ વસ્તુ અમે તોડીએ તો પછી ત્યાં લેપ કરી દઈએ. આમ કરવાથી વૃક્ષની ચામડી આવી જાય. આમ અમે ઝાડનો ઉપયોગ કરીને એની રક્ષા પણ કરીએ છીએ.’
મને અહીંની જડીબુટ્ટીઓ ભરોસાપાત્ર લાગી
અમદાવાદમાં યોજાયેલા પરંપરાગત આદિવાસી વનૌષધીય પ્રદર્શન અને વેચાણમેળામાં આવેલા મૌલિક ઠક્કર અને તેમનાં પત્ની મયૂરી ઠક્કરે દેશી ઔષધિ અને મધ પણ ખરીદ્યું. તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘અહીં જે વૈદુભગતો આવ્યા છે તેમની જડીબુટ્ટીઓ અમને ભરોસાપાત્ર લાગી છે, વિશ્વાસપાત્ર છે. આપણી દેશી ઔષધિઓ યોગ્ય છે અને એનો ઉપયોગ આપણે કરવો જોઈએ એવું હું માનું છું અને એથી નૅચરલી ફાયદો થાય છે. ડાંગ સહિતના જિલ્લાઓનાં અંતરિયાળ ગામડાંઓમાં દેશી ઔષધિઓથી કામ કરતા આ વૈદુભગતોને અહીં પ્લૅટફૉર્મ મળે છે અને શહેરીજનોને પણ આપણી આ દેશી વનસ્પતિ ઔષધિયો અને જડીબુટ્ટીઓ શું છે એની માહિતી પણ મળી રહે છે ત્યારે આપણે આપણા આ કલ્ચરને પ્રમોટ કરવું જોઈએ.’