06 July, 2024 10:51 AM IST | Mumbai | Sharmishta Shah
નાટક `હું સ્પેશ્યલ છું`
શ્રી વાગડ ગ્રૅજ્યુએટ્સ અસોસિએશન (SVGA)ના શ્રી નાથાલાલ વાલજી સાવલા દિવ્યાંગ સપોર્ટ ગ્રુપ દ્વારા નિર્મિત તેમ જ ‘તારે ઝમીં પે’ ગ્રુપના પ્રેરણાસ્રોતથી ગુજરાતી રંગભૂમિ પર એક ખૂબ જ અનોખા વિષય સાથે ‘હું સ્પેશ્યલ છું’ નામનું નાટક રજૂ થઈ રહ્યું છે.
લાગણી અને સંવેદનાથી ભરપૂર આ નાટકમાં સ્પેશ્યલ બાળકોની વિવિધ અનુભૂતિઓ અને એના પર રચાયેલી તેમની જિંદગીની સફર જોવા મળે છે. જેનું કોઈ નથી હોતું તેનો ઈશ્વર હોય છે અને સાક્ષાત્ ઈશ્વર જેનો હોય તે તો ઈશ્વર જેવો સ્પેશ્યલ હોવાનો જ. આવી દૈવી ચેતનાનો અણસાર કરાવતી ખાસ કથા એટલે ‘હું સ્પેશ્યલ છું’ નાટક.
આ નાટકમાં દિવ્યાંગ બાળકોની વાસ્તવિક જિંદગીનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ફૅમિલી-ફોટોફ્રેમમાં પણ જે બાળકને સ્થાન ન મળે, લાગણી અને હૂંફના નામે જેની પાસે મા સિવાય કોઈ જ ન હોય એવાં દિવ્યાંગ બાળકો પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ બદલવાનો પ્રયાસ આ નાટકમાં થયો છે. દિવ્યાંગ બાળકોમાં પણ અનેક ખૂબીઓ હોય છે. એ ખૂબીઓને ઓળખીને દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવીને તેમનું જીવન કઈ રીતે સપ્તરંગી બનાવી શકાય એ દર્શાવવાનો અહીં પ્રયાસ થયો છે.
નાટકનું મુખ્ય પાત્ર સ્પેશ્યલ ચાઇલ્ડ ‘દેવ’ છે અને સમગ્ર કથા તેની આસપાસ જ ગૂંથવામાં આવી છે. ભાઈ-બહેન અને માતા-પિતા સાથેના પરિવારમાં રહેતા દેવને ઘરમાં માતાનો પ્રેમ તો મળે છે, પરંતુ પિતા તરફથી તેમ જ સમાજ તરફથી તેની ઉપેક્ષા જ થતી હોય છે. અહીં દેવના જીવનમાં સ્પેશ્યલ સ્કૂલમાં ગયા બાદ કઈ રીતે પરિવર્તન આવે છે એનું નિરૂપણ થયું છે અને છેલ્લે આવાં દિવ્યાંગ બાળકોનું અમારા ગયા પછી શું થશે એવી પેરન્ટ્સની મનોવ્યથા વચ્ચે એક સુંદર સૉલ્યુશન સહિત નાટકનો અંત આવે છે. દરેક પાત્રોનો ઉત્કૃષ્ટ અભિનય, સુંદર ડાયલૉગ, લાગણીભર્યાં ગીતો સાથે ઉત્કૃષ્ટ સંગીત અને હળવા હ્યુમરને કારણે આબાલવૃદ્ધ દરેક માટે આ નાટક માણવાલાયક બન્યું છે. નાટકમાં ચાર સ્પેશ્યલ બાળકોએ પણ કામ કર્યું છે. ‘હું સ્પેશ્યલ છું’ નાટકના મુંબઈના વિવિધ વિસ્તારોમાં તેમ જ પુણે અને વલસાડ સહિત અત્યારે ૨૭ શોનું આયોજન થયું છે. અત્યાર સુધી એના ૯ શો થઈ ચૂક્યા છે. નાટકના લેખક છે હેનિશ ખરવર. દિગ્દર્શક છે વિજય ગાલા. દિગ્દર્શન તેમ જ સંગીત છે રિષભ છેડાનું. ગાયક છે હિમાંશુ સંગોઈ, પરિતા છેડા અને અસલમ પરમાર. ગીતકાર હર્ષ ગડા છે. આ નાટક અત્યારે તો કચ્છ-વાગડના લોકો માટે જ ભજવાઈ રહ્યું છે.
લેખક હેનિશ ખરવર
‘હું સ્પેશ્યલ છું’ નાટકના લેખક હેનિશ ખરવર છે. આ નાટકનો વિષય ખૂબ જ અઘરો હતો, પણ મારા માટે આ ચૅલેન્જિંગ હતું એમ જણાવીને તેઓ કહે છે, ‘આ નાટક માટે અમે ખૂબ જ રિસર્ચવર્ક કર્યું છે, કારણ કે અમારે સ્પેશ્યલ ચિલ્ડ્રનની લાક્ષણિકતાઓને આબેહૂબ સ્ટેજ પર લાવવી હતી અને તથ્ય જ દર્શાવવું હતું. એ માટે અમે સ્પેશ્યલ ચિલ્ડ્રનના પેરન્ટ્સને મળ્યા, તેમની સ્કૂલોમાં ગયા અને ડૉક્ટર્સ તેમ જ કાઉન્સેલર્સને મળ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ નાટક નૉર્મલ નાટક નથી, આ નાટક પણ સ્પેશ્યલ બનવાનું છે. આ બાળકોની ફીલિંગ્સને સ્ટેજ પર લાવવા માટે હું પણ તેમનાં ઇમોશન્સ જીવ્યો છું. એક-એક પાત્રનું ઘડતર કરતી વખતે મેં તેમને મારામાં ઉતાર્યાં છે. આ નાટકમાં નાટકનો હીરો એવો છે જેના કોઈ ડાયલૉગ્સ નથી, ફક્ત તેના અભિનય દ્વારા લોકોને સંદેશ પહોંચાડવાનો હતો અને એ અમારા માટે મોટી ચૅલેન્જ હતી. હું સ્પેશ્યલ ચિલ્ડ્રનની શાળામાં ગયો હતો ત્યારે એક બાળકીએ મારી આંગળી પકડી લીધી અને મને સ્માઇલ આપતી હતી એ ફ્રેમ મારી આંખોમાં છવાઈ ગઈ અને ત્યાંથી મને પ્રેરણા મળી. આ એક હેવી સબ્જેક્ટ છે અને એની ખૂબ સુંદર રીતે હળવાશથી સ્ટેજ પર રજૂઆત કરવામાં આવી છે.’
દિગ્દર્શક વિજય ગાલા
‘હું સ્પેશ્યલ છું’ નાટકના દિગ્દર્શક વિજય ગાલા કહે છે, ‘આ એક યુનિક જ વિષય છે અને આ વિષય પર ક્યારેય નાટક બન્યું નથી. મારો એક કઝિન બ્રધર દિવ્યાંગ છે એથી મારા માટે આ વિષય હાર્ટ-ટચિંગ હતો. દિવ્યાંગ બાળકો પ્રત્યે સમાજનો નજરિયો ચેન્જ કરવાનો તેમ જ આવાં બાળકોને સેલ્ફ-સફિશિઅન્ટ બનાવવાનો અમારો મોટિવ છે.’
દિગ્દર્શક અને સંગીતકાર રિષભ છેડા
‘હું સ્પેશ્યલ છું’ નાટકમાં દિગ્દર્શન તેમ જ સંગીત આપનાર રિષભ છેડા કહે છે, ‘આ નાટક ખૂબ જ મહેનતથી અને અલગ પ્રકારે તૈયાર થયું છે જેનાં સૉન્ગ્સ ઇમોશનલ છે અને મ્યુઝિક પણ નવું જ છે. આમાં ૨૧ કલાકાર સહિત ૫૦ લોકોનું ગ્રુપ કામ કરી રહ્યું છે. આ નાટકમાં પ્રોસ્થેટિક મેકઅપ કરવામાં આવ્યો છે. નાટકના ચાર સેટ છે અને એમાં ૩૫ જેટલી અલગ-અલગ લાઇટિંગ ઇફેક્ટ છે. આ ઉપરાંત ૧૭ જેટલા મેપલ માઇકનો યુઝ થયો છે.’