ઑથેન્ટિસિટી ઇઝ મસ્ટ

17 September, 2023 02:10 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ના ગરબામાં આ જ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એ પણ માત્ર ગરબા પૂરતું જ નહીં, તમામેતમામ પ્રાંતના નૃત્ય દરમ્યાન પહેરવામાં આવેલા કૉસ્ચ્યુમ્સમાં પણ

ફાઇલ તસવીર

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ની વાતને કન્ટિન્યુ કરવાની છે, પણ એ પહેલાં કેટલાક સવાલો પુછાતા રહે છે એના જવાબો પણ આપવાના છે. નવરાત્રિ નજીક આવે ત્યારે અમુક સવાલો બહુ ઑબ્વિયસ લેવલ પર પુછાતા હોય છે. એ સવાલો પૈકીનો એક સવાલ એ છે કે નવરાત્રિમાં ગરબા લેવા જતા હોય એવા સમયે ધ્યાન કઈ-કઈ વાતનું રાખવું?

આ એક સવાલમાં અનેક જવાબો પણ છુપાયેલા છે. જો તમે ગરબા માટે અર્વાચીન દાંડિયામાં જતા હો તો તમારું સૌથી પહેલું ધ્યાન એ વાત પર હોવું જોઈએ કે કૉસ્ચ્યુમ્સ ટ્રેડિશનલ પહેરવાં, પણ એ પહેરતી વખતે ખાસ જોવું કે કૉસ્ચ્યુમ્સ તમને અનુકૂળ છે કે નહીં? તમને કમ્ફર્ટેબલ ન હોય એવાં કૉસ્ચ્યુમ્સ પહેરીને રૅમ્પ-વૉક કરી લેવાનું આસાન છે, પણ એ પ્રકારના કૉસ્ચ્યુમ્સ સાથે બે-અઢી કે ત્રણ કલાક ડાન્સ કરવાનું કામ અઘરું છે. જો તમે ગરબાના ધુરંધર ખેલાડી હો તો વાત જુદી છે, પણ ધારો કે તમે નવા-નવા ગરબા કરતા થયા હો તો માત્ર શોને ધ્યાનમાં રાખવાને બદલે તમારા કૉસ્ચ્યુમ્સ અને એને લીધે રહેતું કમ્ફર્ટ પણ ધ્યાનમાં રાખજો, કારણ કે ગરબામાં તમે જેટલા ફ્રી હશો એટલા જ તમે સારી રીતે સ્ટેપ્સ કરી શકશો. જો તમે કમ્ફર્ટેબલ નહીં હો તો નૅચરલી એની અસર સીધી જ તમારાં સ્ટેપ્સમાં જોવા મળશે અને તમે જે તૈયારી સાથે આવ્યા છો એ તૈયારી દેખાડી નહીં શકો. ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’માં અમે કોરિયોગ્રાફ કરેલા ગરબામાં પણ આ વાતનું ધ્યાન અમારા કૉસ્ચ્યુમ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ રાખ્યું હતું.

કૉસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં મનીષ મલ્હોત્રા બહુ મોટું અને પૉપ્યુલર નામ છે. બહુ જાણકાર પણ ખરા એટલે નૅચરલી તેમને ગરબાના ઑથેન્ટિક કૉસ્ચ્યુમ્સ વિશે ખબર જ હતી અને એ પછી પણ તે અમારા ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન સાથે બેઠા અને એ પછી તેમણે અમારી સાથે પણ વાત કરી, જેથી તેમને અમારી રિક્વાયરમેન્ટ પણ ધ્યાનમાં રહે.

એ પછી તેમણે પહેલાં તો કૉસ્ચ્યુમ્સની ડિઝાઇન તૈયાર કરી અને એ ડિઝાઇન ફિરોઝભાઈને દેખાડી અને અમને પણ ત્યારે બોલાવ્યા કે તમે પણ જોઈ લો અને કોઈ સજેશન હોય તો સૂચવો. તેમનું કામ એ સ્તરનું છે કે આપણે એના પર કંઈ કમેન્ટ કરવાની જરૂર જ ન પડે, પણ ઑથેન્ટિસિટી માટે અમારે જે કંઈ કહેવાનું હતું એ અમે અમારી રીતે નાનાં-નાનાં સજેશન આપ્યાં.

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ના ગરબાની ખાસિયત એ હતી કે એના માટે અમે કોઈ પણ જાતની બાંધછોડ કરી નહોતી તો અમારા ડિરેક્ટર ફિરોઝભાઈની પણ એ જ ડિમાન્ડ હતી કે આપણે એક પણ બાબતમાં બાંધછોડ કરવી નથી. છોકરાઓ જે માથા પર પાઘ બાંધે એ ગુજરાતના કયા પ્રાંતની હશે અને શું કામ એવી નાનામાં નાની વાતથી લઈને છોકરીઓ જે ચૂની પહેરશે એ કયા મટીરિયલમાંથી બની હશે એવી નાની-નાની વાતમાં ફિરોઝભાઈનું ઇન્વૉલ્વમેન્ટ હતું. અગાઉ એક વાર કહ્યું હતું કે ફિરોઝભાઈ પોતે ગુજરાતી એટલે તેમને ખાસ્સીએવી આ બધી વાતોમાં ખબર પડે. તેમણે અનેક ગુજરાતી નાટકો પણ કર્યાં છે તો ગુજરાતના બૅકડ્રૉપની ફિલ્મ ‘ગાંધી માય ફાધર’ પણ તેમનું જ ક્રીએશન એટલે નૅચરલી તેમણે એ બધી બાબતમાં સ્ટડી પણ પુષ્કળ કરી હતી. ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ ઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ના ગરબામાં જે છોકરા-છોકરીઓેએ કૉસ્ચ્યુમ્સ પહેર્યાં હતાં એમાં એ જ કાપડનો ઉપયોગ થયો હતો જે આપણા કાઠિયાવાડમાં પહેરાતાં ચોરણી અને કેડિયામાં વપરાતું હોય છે તો એ બધા પર જે ભરતકામ થયું હતું એ પણ સ્થાનિક કલાકારો પાસે જ કરાવવામાં આવ્યું હતું. છોકરીઓનાં કૉસ્ચ્યુમ્સ પર લાગેલાં આભલાં અને ટીકા જેવાં ગ્લિટર્સ પણ ખાસ કાઠિયાવાડમાંથી જ લેવામાં આવ્યાં હતાં.

જો તમને એ કૉસ્ચ્યુમ્સનું વજન કહીએ તો તમે ખરેખર અચરજ પામશો!

છોકરા અને છોકરીઓનાં કૉસ્ચ્યુમ્સનું કુલ વજન જ ૧૦૦ કિલોથી વધારે હતું! જેનું કારણ ઑથેન્ટિસિટી હતી. જો ધાર્યું હોત તો દૂરથી ઑથેન્ટિક લાગે એ પ્રકારનું મટીરિયલ વાપરી શકાયું હોત, પણ કહે છેને કે પ્લાસ્ટિકના ફૂલમાંથી આવતી ખુશ્બૂ અને રિયલ ફ્લાવરમાંથી આવતી ખુશ્બૂ વચ્ચે ફરક હોય અને એ ફરક ફિરોઝ અબ્બાસ ખાનને સહેજ પણ મંજૂર નહોતો, જેને લીધે અમારે કૉસ્ચ્યુમ્સ સાથે પણ ગરબામાં ખાસ્સો સમય રિહર્સલ્સ કરવાં પડ્યાં. જોકે એનો સૌથી મોટો ફાયદો એ થયો કે દરેકેદરેક ખૈલેયાએ કૉસ્ચ્યુમ્સનું એ વજન ઊંચકીને પણ એટલી જ સિફતથી ગરબા કર્યા જાણે શરીર પર કોઈ ભાર ન હોય.

columnists