25 August, 2024 02:24 PM IST | Mumbai | Pravin Solanki
ઇલસ્ટ્રેશન
રામાયણમાં ઊર્મિલાનું પાત્ર ખૂબ નાનું છે, નાનામાં નાનું. વાલ્મીકિએ એનું થોડી જ પંક્તિઓમાં ચરિત્રણ કર્યું છે. કેટલાક વિવેચકોએ આ માટે વાલ્મીકિની ટીકા પણ કરી છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિએ પણ આ માટે દુઃખ વ્યક્ત કર્યું છે. ટાગોરે ત્યાં સુધી કવિઓને આહવાન કરી દીધું કે વાલ્મીકિએ કરેલા ઊર્મિલાના અન્યાયને કવિઓએ ભરપાઈ કરી દેવો જોઈએ. રામની પિતૃભક્તિ કે અપરમાની માતૃભક્તિ કે સીતાજીની પતિવ્રતા ભક્તિ કે લક્ષ્મણની ભ્રાતૃભક્તિ કરતાં પણ ઊર્મિલાની ત્યાગવૃત્તિ અને ધૈર્યનો મહિમા અનેકગણો વધારે છે એ વાત પણ
અસંખ્ય ઠેકાણે લખાયેલી, ચર્ચાયેલી અને બિરદાવાયેલી છે.
આવી જ એક વાત હું આપની સમક્ષ રજૂ કરું છું.
મૂળ રામાયણ આધારિત પ્રસ્તુત વાત લેખકે મરાઠીમાં કરી છે. લેખની શરૂઆતમાં જ આપણને આશ્ચર્યજનક રીતે એક પ્રશ્ન કરતાં કહે છે કે મેઘનાદે લક્ષ્મણને બાણ મારીને લગભગ મૃત્યુની અવસ્થા સુધી પહોંચાડી દીધા હતા એ વાત જાણવા છતાં ઊર્મિલાના મોઢા પર સ્મિત શું કામ હતું?
સૌકોઈ જાણે છે કે કૈકેયીએ રામને વનવાસ પર મોકલવાની હઠ લીધી ત્યારે રામે આજ્ઞાંકિત બનીને એનો સ્વીકાર પણ કર્યો. સીતાજીએ રામ સાથે જવાની જીદ લીધી. લક્ષ્મણ પણ રામને એકલા કઈ રીતે જવા દે? તેણે પણ મા કૌશલ્યા અને મા સુમિત્રાને મનાવી લીધાં. હવે બાકી રહી ઊર્મિલા. ઊર્મિલાની રજા લેવા માટે લક્ષ્મણના પગ ડગમગવા લાગ્યા. માતા કૌશલ્યા અને મા સુમિત્રાની રજા તો સહેલાઈથી મળી ગઈ હતી, પણ ઊર્મિલાની રજા કઈ રીતે માગવી? તેને મનમાં ડર હતો કે આવી માગણી કરવાથી ઊર્મિલા રડી-રડીને પ્રાણ ત્યાગી દેશે. એવો પણ એક વિચાર આવ્યો કે જો એમ નહીં થાય તો ઊર્મિલા સાથે આવવાની જીદ તો અવશ્ય કરશે. લક્ષ્મણને લાગ્યું કે બન્ને બાજુથી તેનો મરો હતો. આગળ ખાઈ હતી, પાછળ કૂવો. જે થાય એ ખરું એમ વિચારીને તેણે લથડતા પગે ઊર્મિલાના મહેલ તરફ ડગ ભરવા માંડ્યાં. વાત કરવા માટે તેના હોઠ ધ્રૂજતા હતા, ચહેરો મ્લાન થઈ ગયો હતો, આંખો ભીની થઈ ગઈ હતી.
જેવો લક્ષ્મણે ઊર્મિલાના મહેલમાં પગ મૂક્યો કે ઊર્મિલા હરખભેર સામે આવી. આરતીનો થાળ તેણે તૈયાર જ રાખ્યો હતો. ઊર્મિલાએ પ્રેમથી લક્ષ્મણની આરતી ઉતારી. લક્ષ્મણ કંઈ વધારે પૂછે એ પહેલાં જ ઊર્મિલાનો મધુર અવાજ સંભળાયો, ‘નાથ, હું જાણું છું કે તમારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે. નાનપણથી તમે મોટા ભાઈની સેવા ખડેપગે કરી છે. તમારા જીવનનું એ એકમાત્ર ધ્યેય રહ્યું છે એ હું ક્યાં નથી જાણતી. રામ-સીતાને તમે એકલાં વનમાં નહીં જ મોકલો એની મને ખાતરી છે. રામની સેવા કરવાની આ તક તમને સાંપડી છે એમાં હું બાધારૂપ બનીશ એવું તમે મનમાં ધારી જ કેમ લીધું? તમે જરા પણ સંકોચ રાખ્યા વગર ભાઈ-ભાભીની સેવા કરવાનો આ સંકલ્પ પૂરો કરો. સાચું કહું તો મને તમારા આ સદ્ભાગ્યની ઈર્ષા આવે છે. નાથ, હું હૃદયપૂર્વક કહું છું કે હું વિઘ્નરૂપ નહીં બનું, તમારી સાથે આવવાની જીદ નહીં કરું એ માટે મારું વચન છે.’
આ રીતે ઊર્મિલાએ લક્ષ્મણનો તમામ સંકોચ દૂર કરીને પતિ તરફ કર્તવ્યપરાયણની ભાવના વ્યક્ત કરી. ઊર્મિલાનો પ્રેમભર્યો વ્યવહાર જોઈને લક્ષ્મણ મનમાં બોલ્યા કે હું કેવો સદ્ભાગી છું કે આવી પ્રેમાળ અને શાણી પત્ની મને મળી છે. લક્ષ્મણની આરતી ઉતાર્યા બાદ એક દીવો પ્રગટાવતાં ઊર્મિલા બોલી, ‘નાથ, એક વિનંતી કરું છું કે આ દીવો બળતો રહેશે ત્યાં સુધી કોઈ દિવસ તમે શ્વાસ રોકતા નહીં. તમે સમજજો કે તમારા સૌભાગ્યનો આ દીપ છે. આપણું સદેવ કલ્યાણ થશે.’
૧૪ વરસ ઊર્મિલાએ કઠોર તપ કર્યું. કઠોર તપ હું એટલા માટે હું કહું છું કે આ એક જુદી જાતનું તપ હતું, ઊંઘવાનું તપ. કુંભકર્ણ તો ૬ મહિના ઊંઘતો હતો, ઊર્મિલા સતત ૧૪ વરસ ઊંઘતી રહી. કારણ? વનવાસ દરમ્યાન રામ-સીતાની સેવા કરી શકે એ માટે લક્ષ્મણે નિદ્રાદેવીને પ્રસન્ન કરીને એક વરદાન મેળવ્યું હતું કે રામ-સીતાની સેવા દરમ્યાન મને ક્યારેય ઝોકું ન આવે, ઊંઘ ન આવે. લક્ષ્મણની આ ભાવનાથી પ્રસન્ન થઈને નિદ્રાદેવીએ વચન તો આપ્યું, પણ સાથોસાથ એક શરત પણ મૂકી. દેવીએ કહ્યું કે કોઈ એક એવી વ્યક્તિ શોધીને લાવો જે તારા ભાગની નિદ્રા ભોગવે. આ કઠોર જવાબદારી લક્ષ્મણે ઊર્મિલાને સોંપી અને આ જ કારણે ઊર્મિલાએ ફરજરૂપે કઠોર તપસ્યા કરવી પડી, ૧૪ વર્ષ નિદ્રાધીન રહ્યાં હતાં. ફક્ત જ્યારે મેઘનાદે લક્ષ્મણને બાણ મારીને મૂર્છાવશ કર્યા ત્યારે જ તેમની નિદ્રા તૂટી હતી.
હનુમાનજી જ્યારે સંજીવની જડીબુટ્ટી લઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે ભરતે હનુમાનને કોઈ રાક્ષસ સમજીને બાણ માર્યું અને એ બાણથી હનુમાન ધરતી પર પટકાયા હતા. ક્ષણભર પછી જ્યારે હનુમાનજી ભાનમાં આવ્યા એટલે તેમણે ભરતને બધી માંડીને વાત કરી. ભરતને તેમણે કહ્યું કે હું રાક્ષસ નહીં, રામદૂત છું; મારા વિશે કોઈ ગેરસમજ ન કરતા; લક્ષ્મણનો જીવ અત્યારે સંકટમાં છે અને મારે જલદી લંકા પહોંચવું પડે એમ છે. હનુમાનની વાત સાંભળીને ભરત પોતાની જાતને ઠપકો આપતાં મનમાં બોલ્યા કે કેવો અનર્થ થતાં રહી ગયો. માતા કૌશલ્યાએ હનુમાજીને કહ્યું કે કપિલેશ, તમે રામને સંદેશો આપજો કે કોઈ પણ સંજોગોમાં તમે લક્ષ્મણને લીધા વગર અયોધ્યામાં ક્યારેય પગ નહીં મૂકતા. માતા સુમિત્રાએ કહ્યું કે મારો પુત્ર શત્રુઘ્ન પણ રામની સેવા કરવામાં પાછીપાની કરે એવો નથી, તે તો આવી તકની રાહ જોઈને જ બેઠો છે. બન્ને માતાઓની વાત સાંભળીને હનુમાનજી ગદ્ગદ થઈ ગયા. લક્ષ્મણજીને મેઘનાદનું બાણ લાગ્યું કે ઊર્મિલાજીની તંદ્રા તૂટી હતી. હનુમાનજીને એ જ વાતનું આશ્ચર્ય થયું કે પતિને જીવલેણ બાણ વાગ્યાની વાત જાણ્યા પછી પણ આ સ્ત્રી આટલી નિર્વિકાર કઈ રીતે રહી શકે? હનુમાનજીના મનના ભાવ જાણી ગયાં હોય એમ ઊર્મિલાજી બોલ્યાં, ‘હે કપિરાજ, મારા પતિ બાબત હું નિશ્ચિંત એટલા માટે છું કે લક્ષ્મણજીની સુરક્ષા માટે મેં પ્રજ્વલિત કરેલો દીવો હજી ઝળહળી રહ્યો છે અને જ્યાં સુધી દીવો જલે છે ત્યાં સુધી મારા પતિનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. આ કારણે જ હું નચિંત છું.’ આટલું બોલીને હસતાં-હસતાં ઊર્મિલા ત્યાંથી નીકળી ગયાં.
હનુમાનજી જડીબુટ્ટી લઈને લંકા તરફ પ્રયાણ થયા અને જડીબુટ્ટીથી લક્ષ્મણ બચી ગયા એ જ ક્ષણે ઊર્મિલા નિદ્રાધીન થઈ ગયાં. રાવણવધ પછી ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અયોધ્યા આવ્યાં અને અનેક વર્ષ અયોધ્યા પર રાજ કર્યું. સમય જતાં અયોધ્યા પર કાળના ઓછાયા આવ્યા. યમરાજે સ્વયં રામને એકાંતમાં વાતચીત કરવાની વિનંતી કરી. સાથોસાથ એક શરત પણ રાખી કે આપણી વાતચીત અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ સાંભળે તો તેને મૃત્યુદંડ આપવો. રામે આ શરત સ્વીકારી અને લક્ષ્મણજીની પહેરેદાર તરીકે નિમણૂક કરી. જોગાનુજોગ એ જ ક્ષણે મુનિ દુર્વાસાનું ત્યાં આગમન થયું. જેવા મુનિ રામને મળવા અંદર જવા લાગ્યા કે લક્ષ્મણજીએ તેમને રોકતાં કહ્યું કે ક્ષમા કરજો મુનિરાજ, રામની આજ્ઞા પ્રમાણે હું આપને અંદર જવા નહીં દઈ શકું. આ શબ્દો સાંભળીને દુર્વાસા મુનિ કોપાયમાન થઈ ગયા. તેમણે લક્ષ્મણને કહ્યું કે જો આ ક્ષણે મને રામ નહીં મળે તો હું અયોધ્યા સહિત સમસ્ત વંશનો વિનાશ કરી નાખીશ. લક્ષ્મણે નાછૂટકે રામ અને યમરાજના સંવાદ સમયે વચ્ચે દખલગીરી કરવી પડી અને શરત પ્રમાણે શ્રીરામે લક્ષ્મણજીને મૃત્યુદંડ આપવો પડ્યો. ઊર્મિલાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે સહેજ પણ શોક કર્યા વગર મનમાં એટલું જ બોલ્યાં કે મારા પતિને જીવનભર રામ-સીતાજીની સેવા કરવાનું સદ્ભાગ્ય મળ્યું એનાથી વધારે ખુશી કઈ હોઈ શકે, મૃત્યુ પર્યન્ત ભ્રાતૃસેવાનો યશ મારા ભરથારને પ્રાપ્ત થયો છે એનો મને ગર્વ છે. એટલું બોલીને એ જ ક્ષણે ઊર્મિલાએ દેહ ત્યાગી દીધો.