સંવેદનોના કેસની અંતિમ દલીલ છું

07 July, 2024 02:47 PM IST  |  Mumbai | Hiten Anandpara

ક્લાસિક કક્ષાની વાર્તા લખનારો લેખક કોઈ-કોઈ વાર્તામાં સાવ સામાન્ય લાગે

પ્રતીકાત્મક તસવીર

પહેલી જુલાઈથી કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર થયો છે. આશા છે કે એને કારણે પીડિતોને જલદી ન્યાય મળશે અને અપરાધી માનસિકતા ધરાવતા ગુનેગારો પર કમસે કમ આંશિક રોક તો લાગશે. લાખો કેસના ભરાવાથી બેવડ વળેલી અદાલતો ન્યાયપ્રક્રિયામાં ગતિ હાંસલ કરે એ જરૂરી છે. હરકિસન જોશી અદાલતી બાનીમાં

વાત કરે છે...

તોડો તો એક ફૂલ છું, વાંચો તો વિલ છું

સંવેદનોના કેસની અંતિમ દલીલ છું

પાંચેય તત્ત્વ સાક્ષીઓ હૉસ્ટાઇલ થઈ ગયા

કાયાની કોર્ટમાંનો પરાજિત વકીલ છું

આપણું શરીર પંચતત્ત્વોથી બનેલું છે. વૃદ્ધાવસ્થામાં ઘણી વાર એક પછી એક અંગ પોતાનું દૈવત ગુમાવતું જાય ત્યારે શ્વાસની લડત ટકાવવી અઘરી પડે. પથારીવશ થવાની લાચારી ભોગવવી અને જોવી દયનીય હોય છે. અતિશય નબળી આંખો હોવા છતાં અતિશય સુંદર સર્જનકાર્ય કરનાર ભગવતીકુમાર શર્માનો આ શેર અનુભૂતિમાંથી આવ્યો છે...

અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા

કાના-માતરથી વેર પડ્યું

ખૂણેખૂણેથી ફાટીને

વિખરાઈ ગયેલો કાગળ છું

આપણે જે કામકાજ કરતા હોઈએ એમાં ઘણી વાર રિધમ તૂટતી જાય. સદીઓ પર સદીઓ ફટકારનાર બૅટ્સમૅન પાંચ-દસ રનમાં જ આઉટ થતો જાય. ક્લાસિક કક્ષાની વાર્તા લખનારો લેખક કોઈ-કોઈ વાર્તામાં સાવ સામાન્ય લાગે. ઉત્તમ કાવ્યોનો ફાલ આપનાર કવિ કેટલાંક કાવ્યોમાં નવોદિત જેવો લાગે. સમય સમયનું કામ કરતો હોય છે. રૂસ્વા મઝલુમી અપ્રત્યક્ષ રીતે રિયાઝની મહત્તા દર્શાવે છે...

પ્રત્યેક વિસામો ચાહે છે

આ મારી સફર થંભી જાયે

સમજું છું સમયની દાનતને

હું એથી વધારે ચાલુ છું

લોકસભાની શરૂઆતના સત્રમાં ભરપૂર અને ભારે ધમાલ થઈ. હસમુખ ગાંધીએ એક ​હિરોઇન માટે ‘બ્યુટિફુલ બંડલ ઑફ કૉન્ટ્રાડિક્સન્સ’ એવો શબ્દપ્રયોગ કર્યાનું આછું-આછું યાદ છે. રાહુલ ગાંધી વિરોધાભાસનું એવું જ વૈકુંઠ છે. પોતે સવારે જે બોલે એનું પોતે જ સાંજે ખંડન કરી શકે એવી અલૌકિક શક્તિ ધરાવે છે. આવા લોકોના હાથમાં ભૂલેચૂકે પણ જો સત્તા આવશે તો દેશ કેમ ચાલશે એની ચિંતા થાય. ખેર, સુનીલ શાહ મધ્યમ વર્ગની ખુમારી વ્યક્ત કરે છે...

એમ પીડાને હું હરાવું છું

તું વધારે છે, હું વધાવું છું

તું હશે સારથિ જગતનો પણ

મારા ઘરને તો હું ચલાવું છું

ઘર ચલાવવું એ પણ નાનકડી સરકાર ચલાવવા જેવું ભગીરથ કાર્ય હોય છે. બે છેડા ભેગા કરવાના હોય. સંતાનોનાં સપનાં ઉછેરવા પોતાનાં સપનાં હોમવાં પડે. જોકે આ ફરજમાં પણ સંતોષ સમાયેલો છે. ચિનુ મોદી સંબંધમાં વણાયેલો સ્નેહ નિરૂપે છે...

તું કહે છે કે હવે હું જાઉં છું

હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું

કોઈ છે ઇર્શાદ કે જેને લીધે

છૂટવા ઇચ્છું અને બંધાઉં છું

ફરજથી છૂટવાનું મુશ્કેલ હોય છે. જવાબદારી લીધી હોય તો એ પૂરી કરવી પડે. અધવચ્ચેથી હાથ ઊંચા ન કરી દેવાય. હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમ્યાન થયેલી નાસભાગમાં ૧૨૧ લોકોની જિંદગી રામશરણ થઈ ગઈ. આની જવાબદારી કોણ લેશે? આપણે ત્યાં પ્રવેશ-નિકાસ માટેના માર્ગમાં જે પાયાની વાતો ધ્યાનમાં લેવાની હોય એની ઘોર અવગણના કરવામાં આવે છે. મંદિરોમાં અવારનવાર થતી નાસભાગમાં મોત થયા જ રહે છે. આવી ઘટનાઓ વિશે વાંચીને ખામોશ થઈ જવાય. વંચિત કુકમાવાલા પ્રતીક્ષાની ખામોશી બયાં કરે છે...

તમે નક્કી ફરી મળશો, મને છે ખાતરી તેથી

નવેસરથી જૂનો વિશ્વાસ લઈ ખામોશ ઊભો છું

તમે જે રાહથી નીકળ્યા હતા વરસાદમાં છેલ્લે

ધરા પર ત્યાં ઊગેલું ઘાસ લઈ ખામોશ ઊભો છું

લાસ્ટ લાઇન

શાંત નહીં પણ સ્તબ્ધ છું, એટલે નિઃશબ્દ છું

 

સત્ય સાચો ધર્મ છે, એટલો હું સ્પષ્ટ છું

 

ભીડ વચ્ચે હું છું ક્યાં? ભીડમાં આત્મસ્થ છું

 

સુખ ને દુઃખમાં સ્થિર હું, કૃષ્ણ સમ સ્થિતપ્રજ્ઞ છું

 

સત્ય બોલું ડર વિના, અંધ ના, ના ભક્ત છું

 

બસ કરો નેતા હવે, વાયદાથી ત્રસ્ત છું

 

મોત થોડું થોભ તું, જિંદગીમાં વ્યસ્ત છું

 

‘સંભવામિ...’ શક્ય છે? કહે ગીતા, આશ્વસ્ત

સંજય રાવ

 

(સાહિત્યને લગતા અનેક કાર્યક્રમોને આકાર આપનારા લેખક જાણીતા કવિ, સૂત્રધાર, નાટ્યલેખક છે.)

columnists hiten anandpara