પૂર્વજન્મના પ્રારબ્ધરૂપ કર્મોનું ખંડન આ જન્મનાં સત્કાર્યો દ્વારા થઈ શકે છે

22 July, 2024 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પુરુષાર્થ કરો. મનુષ્ય પુરુષાર્થ કરીને જ સઘળું પામે છે. શાસ્ત્રમાન્ય કર્મ કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે અને એના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ પણ થતી રહે છે

પ્રતીકાત્મક તસવીર

આજે સંઘર્ષમય યુગમાં પારિવારિક તનાવની, માનસિક-આર્થિક તનાવની સ્થિતિ ઠેર-ઠેર જોવા મળે છે. ચિંતાથી કોઈ મુક્ત નથી. ચિંતા મનને થકવી નાખનારી, સમય અને શક્તિનો વ્યય કરનારી છે. એનાથી બચવા સ્વભાવને બદલો. સ્વને, પોતાને ઓળખી લો. આત્મનિરીક્ષણ કરતા રહો. હકારાત્મક અભિગમ રાખો. સફળતા મહેનત કરવાથી જ મળે છે.

સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પુરુષાર્થ કરો. મનુષ્ય પુરુષાર્થ કરીને જ સઘળું પામે છે. શાસ્ત્રમાન્ય કર્મ કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે અને એના દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ પણ થતી રહે છે. જ્ઞાન, ઉદ્યમ અને સૌજન્યપૂર્ણ વ્યવહારથી ધારેલું સઘળું મેળવી શકાય છે. આવું સુખ પ્રારબ્ધથી પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ અને એનું ફળ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, પણ પ્રારબ્ધ કે એનું ફળ આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી.

પુરુષાર્થ પૂર્વજન્મનો હોય એમ આ જન્મનો પણ હોય. પૂર્વજન્મમાં કર્મોનું ફળ એને પ્રારબ્ધ કહે છે, પરંતુ સાચી પુરવાર થયેલી હકીકત એ છે કે આ જન્મના પુરુષાર્થથી પૂર્વજન્મના પુરુષાર્થ (પ્રારબ્ધ)ને જીવી શકાય છે. પૂર્વજન્મના પ્રારબ્ધરૂપ કર્મોનું ખંડન આ જન્મનાં સત્કાર્યો દ્વારા થઈ શકે છે. પૂર્વજન્મનો દોષ આ જન્મમાં કરેલા શુભ પુરુષાર્થથી નિઃસંદેહ ટળી જાય છે. ‘આપણું જીવન દૈવ ચલાવે છે’ એવું માનનારા મનુષ્યનું મોં જોઈને લક્ષ્મી પાછી વળી જતી હોય છે. ધર્મ અને મોક્ષની સિદ્ધિ પણ પ્રારબ્ધથી કદી થતી નથી. પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવો એ સ્વાર્થ અને પરમાર્થ પણ છે. દીર્ઘ કરતાં દિવ્ય જીવન જીવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ.

આપણું દિવ્ય જીવન કેવું હોવું જોઈએ? આ બાબત માટે પ્રખ્યાત ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા રચિત ‘ભારતનો અમૂલ્ય વારસો’ પુસ્તકમાં લખ્યું છે એ વિચારવા જેવું છે. આધ્યાત્મિક અભણપણા અને આંતરિક કંગાલિયતના આ કાળમાં જ્યારે લોકોને જાણવા મળે કે ભૌતિક સંપ​ત્તિ હોય એના કરતાં ભલે અનેકગણી વધી જાય છતાં છેવટે એનાથી કશું જ પ્રાપ્ત થતું નથી, લોકોએ જીવનના સાચા કાવ્યતત્ત્વનો નાશ કરી નાખ્યો છે ત્યારે કૃત્રિમતાઓ વડે જાતને છેતરવી પડે છે. આવા સમયમાં આપણે એક વાત સમજવી જરૂરી છે કે સભ્યતા આંતરિક ચેતના વડે જ વિકસી શકે. ભૌતિક પ્રગતિને આંતરિક ઉન્નતિ માનવાની ભૂલ ન થવી જોઈએ. અશુભ માર્ગમાં ફસાયેલા મનને પ્રયત્નપૂર્વક શુભ માર્ગ પર લાવવું એ જ સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય છે.

 

- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન.એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)

columnists