28 October, 2023 02:01 PM IST | Mumbai | Deepak Mehta
મૂળજી જેઠા માર્કેટની દુકાનો
એક બાજુ આ સ્વપ્ન નગરી જેવું શહેર અને બીજી બાજુ એની નકરી વાસ્તવિકતાથી ધમધમતી મૂળજી જેઠા માર્કેટ.
પાત્રો : ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ના ફિલાડેલ્ફિયાવાસી લેખક નટવર ગાંધી, કવયિત્રી પન્ના નાયક, મૂળજી જેઠા માર્કેટના શેઠિયાઓ, મુનીમો, વાણોતરો, ઘાટીઓ, વગેરે. અને આપનો નાચીઝ દી.મ.
દી.મ. : ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચી ન હોય, એનું નામ પણ તરત યાદ ન આવે, એવું તો બને, પણ ગાંધીજીએ આત્મકથા લખી છે એ હકીકતથી તો ઘણાખરા શિક્ષિત લોકો વાકેફ હોય. પણ નટવરભાઈ, તમે પોતાની જાતને ‘અજાણ્યા ગાંધી’ તરીકે કેમ ઓળખાવો છો?
નટવરભાઈ : કારણ કે હું ભલે ગાંધી અટક ધરાવતો હોઉં તોય ખરેખર એક અદનો, અજાણ્યો માણસ છું. પણ દીપકભાઈ, એ તો કહો કે છેક ફિલાડેલ્ફિયા સમન્સ મોકલાવીને મને અને પન્નાને અહીં કેમ ખડા કરી દીધાં છે? અમારો કાંઈ વાંક-ગનો?
પન્નાબહેન : આખે રસ્તે મને પણ આ જ સવાલ પૂછ્યા કરતા હતા. મેં કહ્યું કે હું ઓળખું છું દીપક મહેતાને. અમે બંને એક જ સેન્ટ ઝૅવિયર્સ કૉલેજના અને મનસુખભાઈ ઝવેરી તથા ઝાલાસાહેબ – ગૌરીપ્રસાદ ઝાલા -- ના વિદ્યાર્થી. દીપકભાઈ આમ તો સારા માણસ હોય તેવું લાગે છે. એટલે બીક રાખવા જેવું તો કાંઈ નહીં હોય.
દી.મ. : અરે નટવરભાઈ, પન્નાબહેન, એવું કાંઈ નથી. પણ વાત એમ છે કે ગયા અઠવાડિયે મારે સ્વામી આનંદ અને વાછા શેઠ સાથે જામનગરથી દોરીલોટો લઈને મુંબઈ આવેલા મૂળજી જેઠા અને તેમના વંશજો વિશે વાતો થયેલી. ત્યારે મૂળજી જેઠા માર્કેટ વિશે પણ વાત નીકળેલી. અને નટવરભાઈ, વખત જતાં તો તમે અમેરિકા જઈ વૉશિંગ્ટન ડીસીમાં બહુ ઊંચા સરકારી હોદ્દા પર પહોંચ્યા. પણ તમારી કારકિર્દીની શરૂઆત તો કરેલી મૂળજી જેઠા માર્કેટથી. એટલે એ માર્કેટના તમારા અનુભવો વિશે વાતો કરવી છે. પણ એ વાત શરૂ કરતાં પહેલાં એ કહો કે પચાસના દાયકામાં તમે પહેલી વાર મુંબઈ આવ્યા ત્યારે મુંબઈ કેવું હતું?
નટવરભાઈ : હાશ, આ તો શૂળીનો ઘા સોયથી ગયો. અને તમે જે જાણવા માગો છો એ વિશે વાત કરવાનું તો મને બહુ ગમે છે.
પન્નાબહેન : અમેરિકામાં સ્થાયી થયાને હવે તો દાયકાઓ વીતી ગયા છે. પણ હજી આજેય તે અમારી વાતોમાં ક્યાંક ને ક્યાંક મુંબઈ તો ડોકાયા વગર રહે જ નહીં.
દી.મ. : પન્નાબહેન! તમારું પેલું ‘હોમસિકનેસ’ કાવ્ય સંભળાવોને!
પન્નાબહેન :
મેં tropical છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લૉસમ્સથી રંગાઈ જાય છે ત્યારે
મારું મન કેસુડે મોહે છે
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું...
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી!
આષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.
હું homesick થઈ ગઈ છું.
થાય છે
બધું ઉઠાવીને ઘેર જાઉં
પણ...
હવે મારું ઘર ક્યાં?
દી.મ. : નટવરભાઈ! મેટ્રિકનું ભણ્યા ત્યાં સુધી તમે વતન સાવરકુંડલામાં રહ્યા. પછી તમે નોકરીની શોધમાં મુંબઈ આવ્યા. તમે પહેલી વાર મુંબઈમાં પગ મૂક્યો એ વખતનો અનુભવ કેવો હતો?
નટવરભાઈ : મારા જીવનમાં જે વળાંકો આવ્યા છે, જે પરિવતર્નો થયાં છે, એમાં મોટામાં મોટું તે અમારા નાના ગામમાંથી મુંબઈ આવવું તે. દેશમાંથી અમેરિકામાં આવવા કરતાં પણ એ મોટો બનાવ હતો. મુંબઈ મારા માટે માત્ર દેશની જ નહીં, પણ દુનિયાની બારી હતું. અહીં મને પહેલી વાર ભાતભાતના લોકો જોવા-સાંભળવા મળ્યા. દેશવિદેશનાં અંગ્રેજી છાપાં અને મૅગેઝિન જોવાં-વાંચવાં મળ્યાં. મારી આખી દૃષ્ટિ બદલાઈ ગઈ. અંધારિયા કૂવાનો દેડકો જાણે કે મોટી માછલી બનીને મહાસાગરમાં તરવા માંડ્યો!
દી.મ. : તમે પહેલી વાર મુંબઈ આવ્યા તે વખતનું મુંબઈ કેવું હતું?
નટવરભાઈ : ઓગણીસસો પચાસના અને સાઇઠના દાયકાનું મુંબઈ આજ કરતાં ઘણું જુદું હતું. આધુનિક સગવડ વગરના નાના ગામમાં ઊછરેલા મારા જેવા માટે મુંબઈનું મહાનગર એ જ મોટું આશ્ચર્ય હતું! મેં જિંદગીમાં પહેલી જ વાર આટલા બધા માણસો અને આટલો બધો ટ્રાફિક જોયો. પાણીના રેલાની જેમ સરતી પીળી પીળી ટૅક્સીઓ, મુસાફરોથી ખીચોખીચ ટણણ કરતી દોડતી ટ્રામો, હજારો અને લાખો પરાંવાસીઓને સડસડાટ લાવતી ને લઈ જતી ઇલેક્ટ્રિક ટ્રેનો, ડબલ ડેકર બસો, ફોર્ટ એરિયાનાં આલિશાન મકાનો, ભવ્ય ગેટવે ઑફ ઇન્ડિયા અને એની સામે તાજમહાલ હોટેલ, મરીન ડ્રાઇવ, મલબાર હિલ, હૅન્ગિંગ ગાડર્ન, મુંબઈ યુનિવર્સિટી, રાજાબાઈ ટાવર, એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝૅવિયર્સ જેવી વિખ્યાત કૉલેજો, ઍરકન્ડિશન્ડ મૂવી થિયેટરો, હૉલીવુડની મૂવીઓ, ક્રિકેટ માટેનું બ્રેબોર્ન સ્ટેડિયમ, બોરીબંદર અને ચચર્ગેટ સ્ટેશન, ઊંચાં મકાનોમાં ઉપર નીચે લઈ જતી લિફ્ટો–આવું તો કઈં કઈં હું મારી ભોળી આંખે જોઈને અંજાઈ ગયો. પહેલી વાર લિફ્ટનો અનુભવ કંઈક અનોખો જ હતો!
દી.મ. : એક બાજુ આ સ્વપ્ન નગરી જેવું શહેર અને બીજી બાજુ એની નકરી વાસ્તવિકતાથી ધમધમતી મૂળજી જેઠા માર્કેટ. તમે એ માર્કેટમાં કઈ રીતે પહોંચી ગયા, નટવરભાઈ?
નટવરભાઈ : ‘હું તો બસ ફરવા આવ્યો છું’ એમ તો કહી શકું તેમ નહોતું. હું મુંબઈ આવ્યો ત્યારે મારી ઉંમર સત્તર વરસની. કશી ગતાગમ નહીં. છાપાં, મૅગેઝિન અને બૉલીવુડની મૂવીઓમાં જે મુંબઈ જોયેલું એ જ. મુંબઈમાં નોકરી ગોતવાની વાત તો બાજુ રહી, પણ એના રસ્તાઓ, બસ, ટૅક્સી, ટ્રામ, ટ્રેનમાં કેમ આવવું-જવું એનું પણ મને ભાન નહોતું. પણ ભલાં બહેનબનેવીએ મારી સંભાળ લીધી. બનેવી મને દૂરના એક માસા પાસે લઈ ગયા. એ કાલબાદેવીમાં મૂળજી જેઠા મારકેટની એક પેઢીમાં ગુમાસ્તા હતા. માસાને કહે કે તમારી પેઢીમાં નટુને હમણાં બેસાડો. માસા કહે, આવીને ભલે બેસે અને કામકાજ શીખે. પણ હમણાં એને પગારબગાર નહીં આપીએ. બનેવી કહે, વાંધો નહીં. પગારની જરૂર નથી. બસ, તમારા હાથ નીચે કેળવજો અને કામકાજ શીખવજો. ભલું થાજો એ માસાનું કે આમ એમને કારણે મને નોકરી મળી. આ મારી પહેલી નોકરી, જોકે પગાર વગરની.
દી.મ. : એ જમાનાની મૂળજી જેઠા માર્કેટ તમને કેવી લાગેલી?
નટવરભાઈ : મૂળજી જેઠા માર્કેટની દુનિયા જ જુદી હતી. એની હાયરાર્કીમાં સૌથી ઉપર શેઠ. તે ઉપર બેઠા-બેઠા બધા પર રાજ કરે. એની નીચે મહેતાજીઓ. પછી ગુમાસ્તાઓ, એની નીચે ઘાટીઓ. હું તો સાવ નવોસવો એટલે ઘાટીઓથી પણ નીચે. મારે તો બધું એકડે એકથી શીખવાનું હતું. પહેલાં તો મારે માર્કેટની ભૂગોળ શીખવાની હતી. અસંખ્ય ગલીઓ, અનેક ચોક, આજુબાજુની શેરીઓ, ચાનાસ્તાની દુકાનો, ખમતીધર શેઠિયાઓની ખ્યાતનામ પેઢીઓ, મિલોના એજન્ટની પેઢીઓ, મોટી મોટી બૅન્કો – આ બધું ક્યાં છે એ શીખવાનું હતું.
આ બધી જગ્યાએ જલદી કેમ જવાય એ ઘાટીઓ બરાબર જાણે. એ તો હાથગાડીઓમાં માલ ભરીને લોકોનાં ટોળાં વચ્ચે રસ્તો કાઢતા ઝટપટ દોડે. હું જોતો રહું.
દી.મ. : અને એ દુકાનમાં પહેલા દિવસે શેઠ સાથે કાંઈ વાતચીત થયેલી?
નટવરભાઈ : પહેલા દિવસે શેઠે મને પેઢીમાં જોયો.
શેઠ : મહેતાજી! આ છોકરો કોણ છે? અહીં કેમ આવ્યો છે?
મહેતાજી : શેઠસાહેબ, છોકરો દેશમાંથી આવ્યો છે. થોડા દિવસ આપણી પેઢીમાં બેસશે. પછી એનો રસ્તો કાઢી લેશે. આપણે એને પગાર આપશું નહીં એવી ચોખવટ પહેલેથી કરી લીધી છે. ગાંધી એનું નામ.
નટવરભાઈ : શેઠે મારી સામે જોયું. કાંઈ બોલ્યા નહીં. મને થયું કે મરી ગયા. પહેલે જ દિવસે રજા મળી કે શું? ત્યાં મોટા મહેતાજીનો હુકમ છૂટ્યો. ‘જા, ચા લઈ આવ!’ પણ ક્યાં જવું ચા લેવા?
દી.મ. : પછી? શેઠ નારાજ?
નટવરભાઈ : ના. પેઢીનો ઘાટી મારી વહારે ધાયો.
ઘાટી : ચાલ, તને બતાવું ક્યાંથી અને કેવી ચા લાવવાની. શેઠને માટે એક ઠેકાણેથી જ ચા લાવવાની, એ લોકોને ખબર છે કે શેઠને ફુદીનો અને આદુમસાલાવાળી જ ચા ભાવે છે. પાછા વળતાં શેઠ માટે પાન પણ લેતા આવવાનું. અને એ પણ અમુક જ પાનવાળા પાસેથી, કારણ કે એને ખબર છે કે શેઠને પાનમાં કેટલી તમાકુ ફાવે.
નટવરભાઈ : આમ પેઢીનો ઘાટી મારો ગુરુ બની ગયો. એણે મને એની પાંખમાં લીધો. કઈ બૅન્કમાં હૂંડી છોડાવવા જવું, કયો કૅશિયર આપણું કામ જલદી કરે, આ બધી એને ખબર.
દી.મ. : એ નોકરીમાં તમારા કામના કલાકો નક્કી કે પછી...
નટવરભાઈ : અમારો આવવાનો ટાઇમ નક્કી. જવાનો નહીં. ઘાટી અને ગુમાસ્તાઓ સવારે પહેલાં આવે. સાફસૂફી કરે. ગાદીતકિયા ગોઠવે, પછી આવે મહેતાજી. શેઠ કરતાં મહેતાજીનો રૂઆબ મોટો. જેવા એ આવે એવા એમના હુકમ છૂટવા માંડે : ચા લઈ આવ. મિલની દુકાનમાં જઈને આજ જે માલ છોડાવવાનો છે એનું ઇન્વૉઇસ લઈ આવ. બૅન્કમાં જઈને બૅલૅન્સ ચેક કરી આવ, વગેરે વગેરે.
દી. મ. : અને શેઠની પધરામણી ક્યારે થાય?
નટવરભાઈ : શેઠ તો મોડા-મોડા આવે. એ આવે એટલે પેઢીમાં થોડી વાર તો સોપો પડી જાય. થોડો સમય કોઈ કંઈ બોલે નહીં. શેઠ આજુબાજુ ઘૂરકીને જુએ. વાતાવરણ એકદમ તંગ હોય.
એમને માટે ચા આવે. એકાદ બે ઘૂંટડા ભરે. પછી વાતાવરણ કંઈ હળવું થાય. મહેતાજી સાથે સવાલજવાબ શરૂ થાય – આજે કઈ મિલનો માલ છોડાવવાનો છે, કેટલી હૂંડી ભરવાની છે, શેના સોદા કરવાના છે, ઉઘરાણી ક્યાં સુધી આવી, વગેરે.
દી. મ. : પન્નાબહેન, એક વાત પૂછું? આ નટવરભાઈ ક્યારેય થાકતા નથી? તે એમની ઉંમર...
પન્નાબહેન : પહેલા ગાંધીનો જન્મદિવસ બીજી ઑક્ટોબરે, તો આ બીજા ગાંધીનો ચોથી ઑક્ટોબરે. આ મહીને તેમનો ૮૩મો જન્મદિવસ ગયો. બલવંતરાય ઠાકોરની જેમ તેઓ પણ અવારનવાર સોનેટ લખે. તેમણે મને એક ચૅલેન્જ આપી. મારે એમને એમના ૮૦મા જન્મદિને એક છંદોબદ્ધ સોનેટ આપવું! હું અછાંદસમાં લખનારી. સોનેટની શિસ્ત મને ઓછી ફાવે. છતાં એ ચૅલેન્જ મેં સ્વીકારી અને પરિણામે શિખરિણી છંદમાં એક સોનેટ થયું. એ કેવું
થયું એ તો એ અને સહૃદય વાચક જાણે! એ સોનેટમાંથી થોડી પંક્તિઓ :
હજી ઝીણી આંખે જગ સકળનું માપ લઈને
હજી પૂછી પૂછી, સમજી ઘણું,
ઉલ્લાસ કરતો
હજી તેં માંડી છે નજર દૂર ક્ષિતિજ પર, ને
હજી તારે ઊંચે શિખર ચડી આકાશ અડવું,
હજી તારું હૈયું નિત થનગને, પ્રેમ ઊભરે,
મહત્ત્વાકાંક્ષાથી સભર નયનો સ્વપ્ન નીરખે,
થયાં ત્રાયાસી એ તો રમત બસ
કૅલેન્ડર તણી,
તને કેવી રીતે, પ્રિયતમ સખે, વૃદ્ધ ગણવો?
દી.મ. : પન્નાબહેન, નટવરભાઈ, આજે તો આપણી વાતો અહીં અટકાવવી પડશે. પણ આવતા શનિવારે ફરી મળીશું. આવજો.
નટવરભાઈ, પન્નાબહેન : આવજો.