09 June, 2024 11:53 AM IST | Mumbai | Chandrakant Sompura
પ્રતીકાત્મક તસવીર
ઇટાલિયન માર્બલનો લોકો શું કામ મોહ રાખે છે એ અમને ક્યારેય સમજાયું નથી. ઇટાલિયન માર્બલની સરખામણીમાં આપણે ત્યાં મળતો મકરાણાનો માર્બલ એની ઘનતા અને શુદ્ધતાની દૃષ્ટિએ ક્યાંય ચડિયાતો પુરવાર થયો છે અને એ પણ લૅબોરેટરીમાં. મકરાણા માર્બલ તરીકે જ આ માર્બલ પૉપ્યુલર છે. તમારી જાણ ખાતર આપણે ત્યાં મળતા આ મકરાણાના માર્બલથી જ આગરાનો તાજમહલ બનાવવામાં આવ્યો છે તો કલકત્તામાં આવેલું વિક્ટોરિયા મેમોરિયલ પણ આ જ મકરાણા માર્બલમાંથી બન્યું છે. વિક્ટોરિયા મેમોરિયલ કેવી રીતે બન્યું એની અગાઉ આ જ કૉલમમાં વાત કરી છે એટલે એ વિશે વાતનું પુનરાવર્તન કરવાને બદલે આપણે ભારતમાંથી મળતા પથ્થરો વિશે વાત કરીએ.
પથ્થરોની બાબતમાં રાજસ્થાનને ભગવાને અખૂટ આપ્યું છે. બંસી પહાડપુર પથ્થર જે કહેવાય છે એ પિન્ક પથ્થર પણ રાજસ્થાનમાંથી મળે છે તો મકારાણા માર્બલ પણ રાજસ્થાનમાંથી જ મળે છે. પહેલાં વાત કરીએ મકરાણાના માર્બલની.
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ૧૩પથી વધારે ગામો છે. એ ગામોમાં એક છે મકરાણા. મકરાણા અને એની આસપાસમાંથી મળતો માર્બલ એટલો પૉપ્યુલર થયો છે કે એને મકરાણા માર્બલ તરીકે જ ઓળખવામાં આવે છે. અત્યારે તો માત્ર મકરાણા જ નહીં, રાજસ્થાનના આખા નાગૌર જિલ્લાની ઇકૉનૉમી આ મકરાણા ગામમાંથી મળતા માર્બલ પર આધારિત છે. મકરાણાને સંગેમરમર નગરીનું નામ પણ મળ્યું છે તો ફૉરેનનાં પબ્લિકેશન્સમાં મકરાણાને માર્બલ મિરૅકલ ગણાવે છે.
મકરાણા માર્બલમાં શ્વેત આરસ મુખ્ય છે, પણ એ સિવાયના અનેક જુદા-જુદા માર્બલ ત્યાંથી મળે છે. સફેદ આરસની વાત કરું તો એકદમ દૂધ જેવો, જેમાં જરાક અમસ્તી પણ અન્ય કલરની ઝાંય ન હોય એવો માર્બલ માત્ર મકરાણામાંથી મળે છે. કહ્યું એમ મકરાણામાંથી બીજા રંગોના માર્બલ પણ મળે છે, પણ અહીંના વાઇટ માર્બલની બોલબાલા વધારે છે. એક સમય હતો કે રાજા-રજવાડાંના મહેલોમાં મકરાણા માર્બલથી ફ્લોરિંગ કરવામાં આવતું અને એ પછી એનો વપરાશ મંદિરોમાં પણ વધવા માંડ્યો. મકરાણા માર્બલની ઘનતા ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ હોવાની સાથોસાથ એમાં નકશીકામ કરવું પણ સહેલું છે. મિલીમીટરમાં જો તમારે કોતરણી કરવી હોય તો પણ મકરાણા માર્બલ ફાટતો નથી, જે એની સૌથી મોટી ખાસિયત છે તો સાથોસાથ એના પર એટલાં ઝીણાં આવરણ હોય છે કે આછા સરખા પૉલિશિંગને લીધે પણ એમાં નવા જેવી જ ચમક આવી જાય છે.
મકરાણા માર્બલમાં મુખ્યત્વે પાંચ માર્બલ મળે છે. થોડા સમય પહેલાં ત્યાંથી પિન્ક કલરનો માર્બલ મળવાનો પણ શરૂ થયો છે તો બ્લુ ઝાંય ધરાવતા માર્બલની પણ ડિમાન્ડ ખાસ્સીએવી રહે છે. જોકે આ કલરફુલ માર્બલનો મોટા ભાગે ઉપયોગ હોટેલ કે પછી આલીશાન બૅન્ક્વેટ કે ફ્લૅટોમાં વધારે થતો હોય છે. અબુ ધાબીની વિશ્વવિખ્યાત મસ્જિદમાં મકરાણા માર્બલનો ઉપયોગ થયો છે. જો મારી ભૂલ ન થતી હોય તો એ મસ્જિદમાં વપરાયેલો બ્લુ કલરનો માર્બલ મકરાણા માર્બલ છે. આ મસ્જિદમાં તો ઇટાલિયન માર્બલનો પણ ઉપયોગ થયો છે, પણ મકરાણા માર્બલનો વપરાશ તો કરવો જ પડ્યો છે.
ઇટાલિયન માર્બલ કરતાં પણ મકરાણા માર્બલ વધારે ટકાઉ છે. મકરાણા માર્બલની ખાસિયત છે કે એ વાતાવરણને ઠંડું રાખે છે અને ગરમીનું શોષણ કરે છે. ઇટાલિયન માર્બલમાં આ પ્રક્રિયા બહુ ઓછા પ્રમાણમાં થાય છે, જેને લીધે ઇટાલિયન માર્બલથી બનેલી ઇમારતમાં રહેનારાએ અત્યારે જે ગરમી પડે છે એ ગરમી વચ્ચે ઍર-કન્ડિશનર રાખવું પડે એવું બની શકે. જોકે હું ગૅરન્ટી આપું કે મકરાણા માર્બલની ઇમારતમાં આવી કાળઝાળ ગરમીમાં પણ કોઈ ઍર-કન્ડિશનરની જરૂર પડતી નથી.
મકરાણા માર્બલ જેવો જ જો કીમતી પથ્થર બીજો કોઈ હોય તો એ બંસી પહાડપુર પથ્થર છે. આ એ પિન્ક પથ્થર છે જેનો ઉપયોગ રામમંદિર બનાવવામાં થયો છે તો સ્વામીનારાયણ સંપ્રદાયનાં અક્ષરધામ મંદિરો પણ આ જ બંસી પહાડપુર પથ્થરમાંથી બન્યાં છે. બંસી પહાડપુર પથ્થર પણ રાજસ્થાનમાંથી જ મળે છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉપરવાસમાંથી મળતા આ પથ્થરની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ઠંડીમાં ગરમાવો આપે છે તો ગરમીના દિવસોમાં ઠંડક આપે છે, જ્યારે ચોમાસાના દિવસોમાં એ ધોવાઈને આપોઆપ નવું રૂપ ધારણ કરી લે છે.