26 June, 2024 02:15 PM IST | Mumbai | Chirantana Bhatt
વડોદરાના સર્કિટ હાઉસમાં જ્યોર્જ ફર્નાન્ડિસ અને કિરીટ ભટ્ટ - તસવીર અંગત કલેક્શન
ઇતિહાસ એ વાતનો પુરાવો છે કે દરેક મોટા રાષ્ટ્રને ક્યારેકને ક્યારેક આકરા સંજોગોનો સામનો કરવો જ પડ્યો છે. ત્રીસના દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સને કમરતોડ આર્થિક ઝટકો પડ્યો. ગ્રેટ ડિપ્રેશનના વર્ષો પછી એ જ દેશે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની મજબુત મિલિટરીનો ઘાણ વાળ્યો. મિલેનિયમ વર્ષનાં છેલ્લા દાયકામાં સોવિયેટ યુનિયનનો ગઢ પડ્યો એ સાથે સમાજવાદની નબળાઇઓ છતી થઇ ગઇ.
આપણા દેશનો પ્લસ પોઇન્ટ વિવિધતામાં એકતા રહ્યો છે. આઝાદી બાદ બંધારણને પગલે ઘડાયેલું ન્યાય તંત્ર અને દરેકને અભિવ્યક્તિ-વાણી સ્વતંત્રતા આપણા દેશનાં યુએસપી છે. (આટલા વર્ષોમાં આ બાબતનો વિવિધ રીતે ઘાણ વળી ચુક્યો છે પણ એ ફરી ક્યારેક). 1975ની સાલમાં ઇંદિરા ગાંધીની સરકારે કટોકટી જાહેર કરી અને આપણા દેશનાં મુળભુત આદર્શો હચમચી ગયાં. સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના ઇતિહાસનો અંધારયુગ એટલે કટોકટીનાં વર્ષો. એ ઘટનાને આજે ઓગણપચાસ વર્ષ થયાં છે અને નવી જાતની કટોકટીનાં નાના મોટાં આંચકા કોઇ ને કોઇ રૂપે વેઠી રહ્યાં છીએ. અલ્હાબાદ હાઇ કોર્ટે 1971માં ઇંદિરા ગાંધીની પુનઃચૂંટણીને એમ કહીને અયોગ્ય ઠેરવી કે ચૂંટણી દરમિયાન અનિતિઓ-ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે. આ ચુકાદાને 24મી જુન 1975માં સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો કારણકે ચુકાદા અનુસાર ઇંદિરા ગાંધી સંસદ સભ્ય હોવાં છતાં તેની પ્રક્રિયાઓમાં ભાગ ન શકે. વળી સ્વતંત્ર ભારતનાં ગાંધી ગણાતા જય પ્રકાશ નારાયણે (જેપી) આ ચુકાદા પછી સંપુર્ણ ક્રાંતિ માટે લલકાર કર્યો એટલું જ નહીં પણ ઇંદિરા ગાંધીનાં રાજીનામાની માંગ કરી. જે દિવસે કટોકટીની જાહેરાત કરાઇ ત્યારે જેપીએ તો દરેક રાજ્યો-જિલ્લાઓમાં ઇંદિરા વિરોધી દેખાવોની યોજના ઘડી રહ્યા હતાં. ગાંધીજીની અસહકારની ચળવળનો તંતુ જેપીએ પકડ્યો હતો અને તેમણે સૈન્ય, પોલીસ અને બ્યુરોક્રસીને પણ ઇંદિરા ગાંધીનાં હુકમનો અનાદર કરીને બંધારણને વળગી રહેવા અપીલ કરી.
કોટકટીની ઝાળમાં બંધારણ ભડકે બળ્યું. ઇંદિરા ગાંધીએ મન ફાવે એમ કાયદા એ રીતે બદલ્યા કે સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઇ કોર્ટનાં ચુકાદાને ઉથલાવી દેવો પડે. નાગરીકોનાં મુળભુત અધિકારો એ રીતે છીનાવાયાં કે એવો પણ તબક્કો આવ્યો કે ગેરકાયદે કોઇની હત્યા થાય તો પણ કોઇ પગલાં ન લઇ શકાય. આર્ટિકલ 356નો આધાર લઇને ઇંદિરા ગાંધીએ ગુજરાત અને તમિલનાડુની સરકાર વિખેરી નાખી. આર્ટિકલ 352ને આધારે જેપી, વિજયરાજે સિંધિયા, મોરારજી દેસાઇ, જીવતરામ ક્રિપલાણી, અડવાણી જેવા વિરોધી અગ્રણી નેતાઓની તેમનાં સહકારીઓ સાથે ધરપકડ કરવામાં આવી. જેલમાં આકરું ટોર્ચર કરવામાં આવતું. કેટલાય નેતાઓએ ભુગર્ભવાસ વેઠીને વિરોધી કામગીરી ચાલુ રાખી.
આ સમય દરમિયાન રાષ્ટ્ર વ્યાપી રેલ્વે હડતાળને કારણે જ્યોર્જ ફર્નાન્ડિઝ ઘરેઘર ગાજતું નામ હતું. ત્રણ અઠવાડિયા ચાલેલી આ હડતાળનો પ્રભાવ ઊંડો હતો તો એની લગોલગ જ પરિવર્તનની માંગ કરતી જે પી મુવમેન્ટની શરૂઆત થઇ હતી. કેટલાય નેતાઓની ધરપકડ કરાઇ પણ જ્યોર્જ ફર્નાન્ડિસ ક્યારેક સરદારજી તો ક્યારેક સાધુના વેશમાં ભુગર્ભમાં રહી સરકારની હાઇ હેન્ડેડનેસનો વિરોધ કરતી પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં. બરોડા ડાઇનામાઇટ કેસ જ્યોર્જ ફર્નાન્ડિસ અને તેમનાં કેટલાક મિત્રોએ મળીને કરેલી યોજના હતી. જાનમાલને નુકસાન ન થાય તે રીતે ડાઇનામાઇટ્સ ફોડવાની આ યોજના પુરેપુરી રીતે પાર ન પડી શકી પણ આ જુવાળની અસર પ્રસરી ચોક્કસ. બરોડા ડાઇનામાઇટ કેસમાં ઇન્ડિયન એક્સપ્રેસનાં પત્રકાર કિરીટ ભટ્ટ સાથે અન્ય સાથીઓ વિક્રમ રાવ, જશવંત સિંહ ચૌહાણ, મોતીભાઇ કનોજીયા જેવાં પરિવર્તનશીલ વિચાસરણી ધરાવનારા લોકોએ જ્યોર્જ ફર્નાન્ડિસનો સાથ આપ્યો. આ લેખ લખાય છે ત્યારે મારી નજર સામેથી મારા જ ઘરમાં લેવાયલી જ્યોર્જ ફર્નાન્ડિસની તસવીરો પસાર થઇ રહી છે. હું કટોકટી પછીની પેદાશ છું પણ મારા પિતા કિરીટ ભટ્ટની અડધી રાત્રે થયેલી ધરપકડ, તેર મહિના વેઠેલો જેલવાસ, મારી મા પ્રજ્ઞા ભટ્ટે પોતાનું નામ બદલીને કરેલી નોકરી, જેલમાંથી આવેલા કાગળો મને એ સમયનો ચિતાર આપવાં પુરતાં છે. જ્યોર્જ ફર્નાન્ડિસ અને બરોડા ડાઇનામાઇટ કેસને મારે માટે ¬‘ક્લોઝ ટુ માય હાર્ટ’ છે.
કટોકટી લદાઇ ત્યારે ઇંદિરા ગાંધી માટે પોતાની સત્તાથી ઉપર કંઇ જ નહોતું. પરંતુ આ દરમિયાન વડોદરા ડાયનામાઇટ કેસ હેઠળ જેલવાસ ભોગવી રહેલા પત્રકાર કિરીટ ભટ્ટ – મારા પપ્પા – પોતાની પત્ની પ્રજ્ઞા અને ત્રણ સંતાનોને નિયમિત પત્રો લખતાં. આ કાગળો એ વાતનો પુરાવો છે કે પરિણામ અને સમયની અચોકસાઇ વચ્ચે ભાંગી પડેલા મનને કોઇ કેવી રીતે સ્વસ્થ રાખી શકે અથવા કમ સે કમ પોતાના પરિવાર સામે પોતે સ્વસ્થ છે એમ બતાવવામાં કોઇ કચાશ ન છોડે. પ્રખર અને પ્રતિષ્ઠ પત્રકાર કિરીટ ભટ્ટની એક બીજી ઓળખાણ હતી વડોદરાની મધ્યસ્થ જેલના કાચ કેદી નંબર 1211 તરીકેની. ત્રણ સંતાનોના પિતાને ખબર નથી કે પોતે જેલમાંથી ક્યારે બહાર આવશે. તેને એક જ અપેક્ષા છે કે તેને ઘરનનાં હાલ-હવાલની વિગતો સરખી રીતે જણાવવામાં આવે. કેસનું આગળ શું થશે તેની કોઇ કલ્પના નથી. મોટે ભાગે વાસ્વવાદી વલણ રાખનાર વ્યક્તિને ઇશ્વરના હોવા પર વિશ્વાસ આવી રહ્યો છે કારણકે જેલના એકાંતમાં ચિંતન કરવાનો સમય મળે છે. ઇશ્વર તરફથી મળથી મદદ અને કસોટી બંન્નેનો સંદર્ભ જેલમાંથી લખાયેલા કાગળમાં છે.
“માણસ સુખદુઃખમાંથી સહન કરતાં શીખે છે, પણ જ્યારે જબ્બર આઘાર કે મોટો અકસ્માત જીવનમાં આવે છે, ત્યારે કાં તો માણસ તુટી જાય છે, અથવા તો પછી તેના અંતરના ઊંડાણમાં પડેલો એનો ઉન્નત આત્મા સળવળવાથી જાગી જાય છે. અને લાગણી અને અનુભવના જબ્બર દબાણો વચ્ચે કદાચ માનવીનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ પૂર્ણપણે પ્રગટી ઊઠે છે. આ પ્રાકટ્ય એને જીવનની કોઇ નવી જ દિશામાં દોરી જાય છે.
ઇશ્વરનું ચિંતન ચાલે છે પણ નિકટતા અનુભવવાનું ભારે જટિલ છે. પણ એમ જરુર લાગે છે, કે અદ્રશ્ય શક્તિ ભારે ચોંપથી અને ધ્યાનથી આપણને જોઇ રહી છે. આપણો અવાજ જરૂર સાંભળે છે. મદદ પણ કરે છે અને કસોટી પણ કરે છે.”
એક પિતા જેને નથી ખબર કે તે તેના સંતાનોને ફરી ક્યારે મળશે તે ઇચ્છે છે કે તેના સંતાનોમાં અમુક ગુણ ચોક્કસ વિકસે અને એ માટે તે પોતાના પત્રમાં લખે છે કે,
“બાળકો તંદુરસ્ત રહે, પ્રામાણિક, મહેનતુ, મહાત્વાકાંક્ષી, હેતુલક્ષી, હિંમતવાળા અને ગૌરવશીલ થાય એવી ભાવના સાથે ઉછેરજે અને સંભાળજે. બાકીનું બધું આપોઆપ ઠીક થઇ જશે.”
પત્ની જે નામ બદલીને નોકરી કરે છે, માથા ભારે સાસરિયાંઓના મ્હેણાં વચ્ચે ત્રણ સંતાનોને સાચવી રહી છે, જેને ખબર નથી કે પતિ ઘરે પાછા ફરશે તેના કાગળોમાં નિરાશા, આશા, પ્રેમ, ઝંખના બધું જ દેખાઇ આવે છે. મારાં મા-બાપનો રોમાન્સ મને બહુ કિંમતી લાગે છે કારણકે મમ્મીના કાગળની પહેલી લીટી કંઇક આવી છે...
“કિરીટ, પત્રાવલી, મિલન, મુલાકાત આ બધું સ્મરણીય બની રહેશે. ક્યાંયે શબ્દાડંબર નહીં છતાં યે, શબ્દે શબ્દે ને વાક્યે વાક્યે લાગણીઓ ટીપે ટીપે ટપકે, લાગણીઓ સુક્ષ્મ અને શબ્દાતીત છે તેની સાચી અનુભૂતિ થાય છે.
ઘર અને બાળકોની ફિકર કરશો નહીં, ગાડું ગબડે છે અને ગબડશે જ! ભગવાન પર પૂરો ભરોસો છે છતાં ય 10મીની રાત્રે થોડું રડી લીધું છાનુંમાનું!”
પત્રમાં દીકરાના સવાલો લખ્યા છે કે, “શું પપ્પાને જેલમાં બહું ગમે છે? ઘેર કેમ નથી આવતા?”
દૂધના ખર્ચથી માંડીને પોતાના પતિના એટલે કે મારા પપ્પાના રુમમાં જઇને ન બેસી શકતી મારી મમ્મીનો કાગળ વાંચું ત્યારે મને થાય કે આ બંન્ને જણા આટલી બધી અચોકસાઇઓ વચ્ચે રહ્યાં હોવાં છતાં ય કેટલું પ્રેમથી જીવન જીવ્યાં. આ કાગળમાં એક ઉલ્લેખ કંઇક આવો છે જેમાં મારી મમ્મીએ લખ્યું છે,
“તમારા 120 દિવસ જે તારીખે પૂરા થશે – 11મી જૂલાઇએ આપણાં લગ્નનો દિવસ પણ છે. જોઇએ હવે શું થાય છે.”
આવા અનેક કાગળો છે જે કટોકટીને કારણે વિખરાયેલા અને દિશા હિન બનેલા પરિવારની વાત કરે છે. પહેલાં વડોદરાની મધ્યસ્થ જેલ અને પછી દિલ્હીની તિહાર જેલ વચ્ચે આ પત્રવ્યવહાર ચાલ્યા. મારા પપ્પાના જેલ વાસ વિશે મેં મોટે ભાગે બીજાઓ અને મારી મમ્મી પાસેથી જ વાત સાંભળી છે કારણકે તે પોતાના કામમાં વ્યસ્ત રહેતા. એકબીજા તરફથી મળતી ઉષ્મા અને પ્રેરણાને આધારે મારા પપ્પાનો 13 મહિનાનો જેલવાસ આ લોકોએ માનસિક જેલમાં, ઘરમાં, લોકોની અવગણના અને ડરની વચ્ચે કાઢ્યો હતો. આવા કેટલા દસ્તાવેજો કટોકટીના એ કાળા કાળના પુરાવા છે. મેં સાંભળ્યું છે કે જેલમાંથી મારા પપ્પા બહાર આવ્યા પછી તેમને રાજ્યસભાની બેઠક ઑફર થઇ હતી પણ તેમણે એ સ્વીકારવાની ના પાડી અને ધી ઇન્ડિયન એક્સપ્રેસમાં જ કામ કરવાનું ચાલુ રાખ્યું. નીચે મારા માતા-પિતાના લગ્નનાં દિવસની તસવીર.
ગુજરી ગયા ત્યાં સુધી ટુ વ્હિલર પર ફરનારા, નાની કદ કાઠી ધરાવતા મારા પપ્પાની હિંમત વિશે મેં લોકોને બોલતા સાંભળ્યા છે, ઝૂંપડપટ્ટીના કાચા મકાનો તુટે નહીં એ માટે બુલડોઝરની સામે ઉભેલા અને રમખાણોમાં ટુ વ્હીલર પર અડધી રાત્રે લોકોની મદદ કરવા દોડી જતા મેં જોયા છે. કટોકટીએ મારા મા-બાપની જિંદગી બદલી નાખી એવું આ કાગળો અને એ પછીની તેમની જે જિંદગી મેં જોઇ તેની પરથી હું સમજી શકી છું. નીચેની તસવીરમાં જેલમાંથી બહાર આવેલા મારા પપ્પા સાથે તેમનાં બા અને મારા મોટાં ભાઇ બહેન.
હવે આ અંગત પત્રોમાંથી બહાર નીકળી ફરી એકવાર કટોકટી અને રાજકારણ તરફ વળીએ. કેટલાંકને મતે કટોકટી તંત્રની સરિયામ નિષ્ફળતાનું પરિણામ હતી. ‘ઇંદિરા ગાંધી, ધી ઇમર્જન્સી એન્ડ ઇન્ડિયન ડેમોક્રસી’ પુસ્તકમાં પ્રૉ.એન ધારે આ પગલાંને જાણે સહકાર આપતા હોય એમ લખ્યું છે કે ઇંદિરા ગાંધી રાજીનામું આપે એ માટે વિરોધ પક્ષોએ કરેલું દબાણ કટોકટીનું કારણ હતું. ખુશવંત સિંઘે પણ ઇંદિરા ગાંધીનાં આ પગલાનો બચાવ કરતાં લખ્યું હતું કે 1975ના મે મહિના સુધીમાં ઇંદિરા ગાંધી સામેનાં જાહેર વિરોધો એ હદે વકર્યા હતાં જેમાં નારાબાજીથી માંડીને દુકાનો-વાહનોની તોડફોડ થઇ રહ્યાં હતાં. વિરોધ પક્ષો ટાઢે કોઠે આ જોઇ રહ્યાં હતાં કારણકે તેમને અપેક્ષા હતી કે કોઇ તબક્કે આ અંધાધુંધી ઇંદિરા ગાંધીને રાજીનામું આપવા ફરજ પાડશે.
ઇંદિરા ગાંધીની સત્તા ભુખ એ હદે પ્રબળ હતી કે પોતાનું ઇંદ્રાસન બચાવવા તેમણે કટોકટી જાહેર કરી દીધી. કટોકટીનાં બદનસીબ સમયનો લાભ વડા પ્રધાનનાં પુત્ર સંજય ગાંધી સિવાય કોઇને ન મળ્યો. તુંડ મિજાજી સંજય ગાંધીનાં હુકમો ન માનનારા કેબિનેટ મંત્રીઓનો પાણીચું પકડાવી દેવાયુંનાં તો પરિવાર નિયોજનને નામે બળજબરી નસબંધી પણ કરાવાઇ હતી. દેશમાં પોતાની મરજી ચલાવવા માટે સંજય ગાંધી પાસે વડાપ્રધાનના દીકરા હોવા સિવાય બીજી કોઇ લાયકાત નહોતી. સંજય ગાંધીને લોકશાહી શબ્દ સાથે જરાય લાગતું વળગતું નહોતું. કટોકટી ઉઠાવી લેવાની વાત કરી ત્યારે સંજય ગાંધી પોતાની મા પર ભારે ચિઢાયા હતાં એમ પણ કહેવાય છે. (સત્તા પર બેઠેલી માનાં તુમાખી ભરેલા આ દિકરાએ દેશને મારૂતી કાર આપવાનું મોટામાં મોટું કામ કર્યું, બાકી કશું નહીં.)
અખબારો પર લાગેલી સેન્સરશીપ એવી આકરી હતી કે ઇન્ડિયન એક્સપ્રેસ સિવાય બીજા કોઇ અખબારે તેનો વિરોધ કરવાની હિંમત ન કરી. 28મી જુને ઇન્ડિયન એક્સપ્રેસ દિલ્હી એડિશનમાં એડિટોરિયલ કોરું છપાયું તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં ટાગોરની કવિતા છાપવામાં આવી. ઇંદિરા ગાંધીની સુચના પર કામ કરતી સરકારે કટોકટીના એક દિવસમાં જ 26મી જુન 1975ના દિવસે પ્રસાર માધ્યમો પ્રત્યે લોકશાહી અભિગમ રાખતા મંત્રી આઇ.કે.ગુજરાલને આવજો કહીને વિદ્યા ચરણ શુક્લને બેસાડી દીધા. રામનાથ ગોઇન્કાએ પોતાના અખબાર થકી ઇંદિરા ગાંધીને લડત આપવામાં કંઇ બાકી ન રાખ્યું. જ્યારે વિનોદ મહેતાને કહેવાયું કે તેમનું મેગેઝીન ‘ડેબોનિયર’ છપાય એ પહેલાં મંજુરી મેળવવી ત્યારે તેમણે કહેલું કે ‘પોર્ન? ઠીક હૈ, પોલિટિક્સ નો.’
કટોકટીનાં 19 મહિના બહુ આકરા હતાં. 1977માં ચૂંટણી જાહેર કરાઇ અને ઇંદિરા ગાંધીની સરકાર ગઇ. મોરારજી દેસાઇ સત્તા પર આવ્યા, કોંગ્રેસને માત્ર 153 બેઠકો મળી જેમાંની એકેય ઇંદિરા ગાંધી કે સંજય ગાંધીને નહોતી મળી. શાહ કમિશનના રિપોર્ટને પગલે કટોકટી દરમિયાનની હાઇ હેન્ડેડનેસ છતી થઇ. આ તખ્તાનો જોરદાર સીન હતો જ્યારે ઇંદિરા ગાંધીની ધરપકડ કરાઇ.
બાય ધી વેઃ કટોકટીને કારણે ભારતીય સમાજની હિંમત પણ છતી થઇ તો ભીરૂતા પણ દેખાઇ આવી. નૈતિક અને અનૈતિક વચ્ચેની ભેદરેખા જાણે મટી ગઇ જેનું પરિણામ હજી પણ દેશ ભોગવી રહ્યો છે. કટોકટીનાં બે વર્ષ પહેલાં જેની શરૂઆત થઇ હતી તે જેપી મુવમેન્ટને કટોકટીને સમાંતર ચાલી. કટોકટી અને જે પી મુવમેન્ટ બંન્ને અલગ ઘટનાઓ હોવા છતાં બંન્નેએ એક વાત ઉઘાડી કરી. કટોકટીમાં ઇંદિરા સામે લડવાની હામ બહુ ઓછામાં હતી તો બિલકુલ એ જ રીતે પરિવર્તનની જે પીની હાકલમાં સુર પુરાવવાની હિંમત કરનારા પણ થોડા હતા. અંતે ઇંદિરા ગાંધી 1980માં પુરા જોરથી પાછા ફર્યા કારણકે મોરારજી દેસાઇની સરકારની નબળાઇઓ ત્યાં સુધીમાં છતી થવા માંડી હતી. જો કે જનતા દળે ઇંદિરાની સરકાર ઉથલાવી દીધી એ ચોક્કસ.
(આ લેખનો મહદંશ ગુજરાતમિત્રની બહુશ્રુત કૉલમમાં ભૂતકાળમાં પ્રકાશિત થયો છે)