થૅન્ક્સ ટુ ગવર્નમેન્ટ: સરકારના એક આખા ડિપાર્ટમેન્ટે આઠથી નવ મહિના મહેનત કરી

13 October, 2024 12:46 PM IST  |  Ayodhya | Chandrakant Sompura

CSIR-CBRI તરીકે ઓળખાતા ભારત સરકારના ડિપાર્ટમેન્ટે સ્ટોનથી બનતી ઇમારત માટે જરૂરી સંશોધન તો કર્યું જ, સાથોસાથ સૉફ્ટવેર પણ ડેવલપ કરવાનું કામ કર્યું

અયોધ્યાના રામમંદિરને ૨પ૦૦ની સાલ સુધી મેઇન્ટેન કરવામાં ન આવે તો પણ એના પર હવામાન કે કુદરતી આપત્તિઓની એક ટકાભાર અસર નહીં જોવા મળે.

આપણે વાત કરીએ છીએ અયોધ્યાના રામમંદિરની, જેને માટે અમારે સરકારમાં સર્ટિફિકેટ આપવાનું હતું કે મંદિર અર્થક્વેક સહન કરી શકે એમ છે અને અમારી મોટી મજબૂરી હતી કે પથ્થરના મંદિરની ધરતીકંપ પ્રતિરોધકતા માપવા માટેનું કોઈ સૉફ્ટવેર બન્યું જ નથી. જો સિમેન્ટ-કૉન્ક્રીટની ઇમારત હોય તો એને માટે તમે અર્થક્વેક-પ્રૂફનું સર્ટિફિકેટ આસાનીથી મેળવી શકો. એને માટે અનેક ઇન્સ્ટિટ્યૂટ પણ છે તો ઘણી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ કંપની પણ છે જે એ ચેક કરવાનું કામ કરે છે. એ સૉફ્ટવેરમાં શું હોય એ તમને સમજાવું.

તમે કેટલા ગ્રેડેશનની સિમેન્ટ વાપરી છે અને કેટલા ગેજના સળિયા વાપર્યા છે એ ડેટા તમે સૉફ્ટવેરમાં નાખો એટલે તમને સૉફ્ટવેર જ કહી દે કે એ ઇમારત કેટલો ભૂકંપ સહન કરી શકવાને સમર્થ છે. અત્યારના નિયમ મુજબ ૮ રિક્ટર સ્કેલનો ભૂકંપ સરળતાથી સહન કરી શકે એવી ઇમારત બનાવવાની હોય છે. અમારો પ્રશ્ન અહીં જુદો હતો. આ પથ્થરનું મંદિર હતું. ન તો એમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નથી તો એમાં લોખંડ વાપરવામાં આવ્યું તો એવા સમયે સૉફ્ટવેરમાં કયા ડેટાની એન્ટ્રી કરવી જેનાથી મંદિરની પ્રૂફનેસના આંકડા સામે આવે. અમે બહુ મથામણ કરી. સમજાવવાનો પ્રયાસ પણ કર્યો અને અમે એ કહેવાનો પણ પ્રયાસ કર્યો કે આનો કોઈ માપદંડ નીકળી જ ન શકે તો સાથોસાથ અઢળક પ્રૂફ પણ આપ્યાં કે આ બધું તમે જુઓ, પથ્થરથી બનેલી આ એક પણ ઇમારતને ધરતીકંપની કોઈ અસર થઈ નથી.

સોમનાથ મંદિરથી લઈને ગાંધીનગરમાં અમે બનાવેલાં અક્ષરધામ તો સૌથી મોટાં પ્રૂફ હતાં. એ મંદિરો બંસી પહાડપુર પથ્થરમાંથી જ બન્યાં છે અને તેમણે છેલ્લાં ૫૦ વર્ષનો સૌથી ભીષણ કહેવાય એવો ગુજરાતનો અર્થક્વેક જોયો છે અને એ પછી પણ એ મંદિરની એક કાંગરી પણ ખરી નથી. બધું તેમની આંખ સામે હતું એટલે માન્યા સિવાય તેમની પાસે છૂટકો નહોતો પણ એમ છતાં સર્ટિફિકેટની માગ તો ઊભી જ રહે. એક તબક્કે તો લંડનના નીસડનમાં અમે બનાવેલા સ્વામીનારાયણ મંદિરના એ બધા પુરાવા પણ મૂક્યા જે અમે બ્રિટિશ આર્કિટેક્ટ્સ અને કાઉન્સિલમાં મૂક્યા હતા. એ પુરાવાની સાથે અમે એ પણ પુરાવા મૂક્યા કે જુઓ ત્યાં કેટલા પ્રકારની ટેસ્ટ કરી લેવામાં આવી છે. બધા અમારી વાત સમજે, સહર્ષ સ્વીકારે પણ પછી વાત એ જ આવીને ઊભી રહે કે સર્ટિફિકેટનું તો કંઈક કરવું પડશે. અમે સમજતા હતા કે તેમની માગણી પણ ખોટી નથી.

ફાઇનલી આખી વાત ગઈ CSIR-CBRI તરીકે ઓળખાતા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટમાં. કાઉન્સિલ ઑફ સાયન્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી રિસર્ચ (એટલે કે CSIR)ના નેજા હેઠળ આવતા સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના સિનિયર સાયન્ટિસ્ટ દેબદત્તા ઘોષે અમને બાંયધરી આપી કે આપણે બ્રિટનમાં તમારી સાથે જે બન્યું હતું એના ડેટાને બેઝ બનાવીને આપણી રીતે સૉફ્ટવેર ડેવલપ કરીએ અને જોઈએ કે એમાં શું રિઝલ્ટ આવે છે. ભારત સરકારે આ સૉફ્ટવેર ડેવલપ કરવા માટે ડિપાર્ટમેન્ટને છૂટ આપી જેને માટે મિસ્ટર ઘોષે પણ ખાસ્સો સમય લડત આપવી પડી અને પછી ટેમ્પરરી બેઝ પર સૉફ્ટવેર ડિઝાઇન થયું અને એ સૉફ્ટવેરમાં મંદિરમાં વપરાયેલા સ્ટોનની સ્ટ્રેંગ્થ ચકાસવામાં આવી અને એના આધારે નક્કી કરવામાં આવ્યું કે અયોધ્યા રામમંદિર ૮ નહીં, પણ ૧૦ રિક્ટર સ્કેલનો અર્થક્વેક પણ સહન કરવાને સક્ષમ છે.

આ આખી પ્રોસેસમાં અમારા ઓછામાં ઓછા ૮થી ૯ મહિના ગયા હશે, પણ ફાઇનલ રિઝલ્ટ પછી ખુશી એ વાતની હતી કે અમે અમારા અનુમાનમાં સહેજ પણ ખોટા નહોતા!

columnists ram mandir ayodhya religious places