ઘૃણા અને દ્વેષ મિટાવીને હૃદયની અંદર પ્રેમને પ્રકટ કરે એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ

25 September, 2024 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મ એટલે મનુષ્યની સ્વસ્થ જીવનશૈલી. હિન્દુ ધર્મની વાત આવે છે ત્યારે આપણી સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું છે કે ઇટ્સ અ વે ઑફ લાઇફ.

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ ધર્મની. 
શ્રીમદ્ ભાગવતને માત્ર ત્રણ વાક્યમાં કહેવી હોય તો કઈ રીતે કહી શકાય? આ જ વાત બીજા દૃષ્ટિકોણથી જોઈએ કે શ્રીમદ્ ભાગવતના સંદેશને માત્ર ત્રણ વાક્યમાં કહેવો હોય તો કઈ રીતે કહી શકાય?

આખી ભાગવત કથામાં ભગવાન વેદવ્યાસે આ ત્રણ વાત શીખવી છે. મનુષ્યનું કર્તવ્ય બીજા મનુષ્ય માટે શું છે એટલે કે માણસે બીજા મનુષ્ય સાથે કઈ રીતે રહેવું જોઈએ. બીજું, મનુષ્યનું કર્તવ્ય મનુષ્યત્તર એટલે કે આ સૃષ્ટિ પર મનુષ્ય સિવાયના જે કોઈ જીવ છે; પ્રાણીઓ હોય, પશુ હોય, પક્ષી હોય કે પછી કિટક હોય એના પ્રત્યે માણસનો વ્યવહાર કેવો હોવો જોઈએ અને ત્રીજી વાત, મનુષ્યનું કર્તવ્ય પ્રકૃતિ પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે કેવું હોવું જોઈએ. આખી શ્રીમદ્ ભાગવતની કથા આ ત્રણ સંદેશ પ્રદાન કરે છે. આ ત્રણ કર્તવ્યનું પાલન કરવું એનું નામ ધર્મ. આપણે ત્યાં ધર્મ શબ્દને માત્ર રિલિજન અથવા તો ઉપાસના પદ્ધતિના રૂપમાં લેવામાં આવ્યો નથી. ધર્મ એટલે મનુષ્યની સ્વસ્થ જીવનશૈલી. હિન્દુ ધર્મની વાત આવે છે ત્યારે આપણી સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું છે કે ઇટ્સ અ વે ઑફ લાઇફ.

એક સ્વસ્થ, એક આદર્શ, એક સુંદર જીવન શૈલીનું નામ હિન્દુ ધર્મ છે એટલે નિશ્ચિતપણે મનુષ્યને જે મનુષ્ય બનાવે એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ. ઘૃણા અને દ્વેષ મિટાવીને અને હૃદયની અંદર પ્રેમને પ્રકટ કરે એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ. પરમાત્મા માટે પ્રેમ અનુરાગ જગાવે એ જ શ્રેષ્ઠ ધર્મ. પરમાત્મા એટલે માત્ર સાતમા આસમાનમાં રહેલું વ્યક્તિત્વ નહીં, પણ જડચેતન સૌ રૂપમાં, મારી-તમારી આસપાસ અને આપણા સૌના હૃદયની અંદર જે વસે છે, જેને કારણે આપણા શ્વાસ ચાલે છે, જેને કારણે આપણું જીવન છે એ પરમાત્મા અને એટલા માટે જ કહેવાયું છે કે જેનું આચરણ કરવાથી જડચેતન સૌના પ્રત્યે અનુરાગ જાગે એ ધર્મ. આ રીતે શાસ્ત્રોમાં ધર્મની સ્વસ્થ, ઉદાર પ્રેમ-પ્રેરક વ્યાખ્યા આપી છે. સ્મૃતિકારોએ એવું કહ્યું છે.

યતો અભ્યુદય નિઃશ્રેયસ સિદ્ધિઃ સ ધર્મઃ

આ ધર્મની યુનિવર્સલ વ્યાખ્યા છે. વૈશ્વિક ધર્મની વાત છે. જેનું આચરણ કરતાં તમારો અભ્યુદય થાય, તમારું વર્તમાન જીવન સર્વપ્રકારે સમૃદ્ધ થાય અને નિઃશ્રેયસ સિદ્ધિઃ અર્થાત્ તમારું કલ્યાણ થાય, તમારો પરલોક પણ સુધરે જેનું આચરણ કરતાં સ ધર્મઃ એ ધર્મ છે. માનવતાના ધર્મનો મહિમા તો આના દ્વારા સ્પષ્ટ થયો, તો પછી હોમ-હવન, ક્રિયાકાંડ આ બધું આવશ્યક છે કે નહીં? એવું આજનો ભણેલોગણેલો બુદ્ધિમાન માણસ પૂછે અને કહે કે હવનમાં વસ્તુઓ, સામગ્રીઓ હોમી દઈએ છીએ એને બદલે કોઈના જઠરાગ્નિને ન ઠારીએ? સવાલના જવાબમાં એક સરસ પ્રસંગ કહેવાનો, પણ આવતા બુધવારે...

_ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

columnists culture news life and style