midday

પોલાદ બનાવતા તાતાને સાબુ બનાવતા કર્યા એક પાદશાહે

14 December, 2024 06:09 PM IST  |  Mumbai | Deepak Mehta

જ્યાં કોઈ બી જાતનો સાબુ વપરાતો નહીં હોય એવું કોઈ ઘેર મલવું આજે મુશ્કેલ. પન ૧૮૯૫ સુધી નહાવા કે કપડાં ધોવા માટેના સાબુથી આપણો દેશ લગભગ અજાણ્યો હુતો! એ વરસમાં સૌથી પહેલો કપડાં ધોવા માટેનો સાબુ પરદેશથી કલકત્તા લાવવામાં આયો.
હમામ સાબુની જાહેરખબર

હમામ સાબુની જાહેરખબર

જ્યાં કોઈ બી જાતનો સાબુ વપરાતો નહીં હોય એવું કોઈ ઘેર મલવું આજે મુશ્કેલ. પન ૧૮૯૫ સુધી નહાવા કે કપડાં ધોવા માટેના સાબુથી આપણો દેશ લગભગ અજાણ્યો હુતો! એ વરસમાં સૌથી પહેલો કપડાં ધોવા માટેનો સાબુ પરદેશથી કલકત્તા લાવવામાં આયો. એનું નામ ‘સનલાઇટ.’ હિન્દુસ્તાન મોકલવા માટેના સાબુના રૅપર પર મોટે અક્ષરે છપાતું હુતું : Made in England. જમશેદજીના જમાનાથી તાતા કુટુંબ સાથે સંકળાયેલા હુતા એક ખૂબ જ બાહોશ, અઠંગ અભ્યાસી, સાહસિક એવા બરજોરજી પાદશાહ. એવને એક વખત દોરાબજીને કહ્યું : ‘ચાલો! ફક્ત દિવાળી જેવા વાર-તહેવારે વાપરવા માટે આપણે એક સાબુ બનાવીને વેચવા મૂકીએ!’ દરખાસ્ત હતી જરા અલાયદી, પન દોરાબજીને ગલે ઊતરી ગઈ. બરજોરજીએ નક્કી કીધું કે આપનો સાબુ હરીફના સાબુ કરતાં અલગ હોવો જોઈએ. એટલે એનો આકાર લંબચોરસ નહીં, ગોળ. આકાર ગોળ એટલે નામ રાખીએ મોતી. એની સુગંધ પણ લવન્ડર જેવી પરદેશી નહીં પણ ચંદન, ગોલાબ અને નીમ (લીમડો) જેવી દેશી. સાબુને પૅક કરવાનો પૂંઠાના ચોરસ ખોખામાં.

તાતા ઑઇલ મિલ્સનો આય મોતી સાબુ જોતજોતામાં દેશનો દિવાલી માટેનો માનીતો સાબુ બની ગિયો. પન કાંઈ દિવાલીથી દિવાલી સુધી સાબુના કારખાનાને બંધ તો ન રાખી સકાય. એટલે રોજિંદા વપરાશના સાબુ તો બનાવવા જ પડે. એટલે કંપનીએ બજારમાં મૂક્યો ‘હમામ’. આ સાબુ માટેની પહેલી જાહેરખબર આ સાથે મૂકેલી છે. તેમાંની ઘન્ની બાબતો ખાસ ધ્યાન ખેંચે એવી છે. જેમ કે આજે જેને આપને ‘લઘુમતી કોમ’ કહીએ છીએ એ કોમના એક પુરુષનું ચિત્ર અહીં મુખ્ય સ્થાને છે. દેખીતી રીતે એ સાબુનો વેપારી છે. જાહેરખબરના બે મુખ્ય સંદેશ એના મોરાથી અપાયા છે. એક : હરીફ પરદેશી કંપનીના સાબુ કરતાં હમામ સાબુ વધારે મોટો છે. બે : એ સ્વદેશી છે. બરજોરજી પોતે એકદમ શાકાહારી હુતા. પગરખાં ચામડાનાં નહીં, કૅન્વસનાં પહેરતા. ઘોરાગાડી કે બળદગાડીમાં કભ્ભી બી બેસતા નહીં. એટલે આય સાબુમાં પ્રાણીની ચરબી વપરઈ નથી એવું સાફ લખિયું છે. બીજું ચિત્ર છે બે હિન્દુ (બન્નેને કપાળે ચાંદલો છે) સ્ત્રીઓનું. એ બન્ને ડાહી, સમજુ, શાણી સ્ત્રીઓ (Wise Women)નું પ્રતિનિધિત્વ કરે છે. પછી ઝીણા અક્ષરમાં સાબુની ગુણવત્તા અને કિફાયત ભાવની વાત કરી છે. હમામ સાબુનું વજન બી આપ્યું છે. અને હરીફ કંપનીના સાબુના જેટલા જ ભાવમાં ઘન્નો વધારે સાબુ મલે છે એમ બી જણાવિયું છે. પછી ફરી મોટ્ટા અક્ષરમાં આ સાબુ નહાવા માટેનો છે અને મોટો (BIG) છે એ દોહરાવ્યું છે. એટલું જ નહીં, મફત સૅમ્પલ સાબુ મેળવવા માટેની કૂપન બી છાપી છે.

તાતા બૅન્કનો ચેક

નહાવાના સાબુ પછી કપડાં ધોવા માટેનો સાબુ. તાતાએ પોતાના સાબુનું નામ રાખિયું 501. આજે આપુનને થાય કે કેમ આવું નામ રાખિયું હોસે? બે કારન. એક : હરીફ કંપનીના સાબુની સામે એ વખતે એકુ ફ્રેંચ કંપનીનો સાબુ ટક્કર ઝીલી રહ્યો હુતો. એનું નામ હુતું 500. શેરને માથે સવા શેર તેમ ૫૦૦ને માથે ૫૦૧. તાતાના સાબુ માટે આય નામ પસંદ કરનાર હુતા દાદાભાઈ નવરોજીના બેટાના બેટા જાલ નવરોજી. બે : આપના દેશના ચાલ મુજબ છેવટે મીંડું આવતું હોય એ આંકડો શુભ મનાતો નથી, પણ અંતે એકડો આવતો હોય તો એ શુભ મનાય છે. એટલે ૫૦૧. તાતાએ આ સાબુનો ભાવ રાખ્યો ૧૦૦ ગોટીના દસ રૂપિયા! એટલે હરીફ પરદેસી કંપનીએ પોતાના સાબુનો ભાવ કરી નાખિયો ૧૦૦ ગોટીના છ રૂપિયા! પન ત્રણ મહિના પછી હારી-થાકીને હરીફ કંપનીએ ફરી અસલના ભાવે પોતાનો સાબુ વેચવાનું શરૂ કર્યું.

તાતાને સાબુ બનાવતા કરનાર હુતા બરજોરજી જામાસ્પજી પાદશાહ. એવન બી એક ગજબની ખોપરી હુતા. બરજોરજીનો જનમ મુંબઈમાં, ૧૮૬૪ના મે મહિનાની સાતમી તારીખે. એવનનું કુટુંબ બી મૂલ નવસારીનું. એટલે જમશેદજી તાતા અને જામાસ્પજી બન્ને દોસ્તો. ૧૮૮૦માં જામાસ્પજી બેહસ્તનશીન થિયા પછી જમશેદજીએ બરજોરજીને પોતાની પાંખમાં લીધા એટલું જ નહીં, બરજોરજી જમશેદજી તાતાના જમાઈ થતાં-થતાં રહી ગિયા. પોતાની દીકરી ધનબાઈનું સગપણ જમશેદજીએ બરજોરજી વેરે કીધેલું. પન દસ વર્ષની ઉંમરે ૧૮૭૧માં ધનબાઈ પરવરદેગારને પ્યારાં થઈ ગિયાં. બરજોરજી એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ સાથે ૧૮૮૪માં બીએ થિયા. મમ્મા કહે કે તારા મોટા ભાઈની જેમ ICS થા. પન ના. બાપ પાસેથી મળેલા પૈસાને પ્રતાપે માદામ બ્લેવત્સ્કી સાથે પહોંચ્યા ગ્રેટ બ્રિટન. કારન એ વેળાએ બરજોરજી પર માદામની થિયોસૉફીની ઘન્ની જ અસર હુતી. પન પરદેશ ગિયા પછી બરજોરજી સમજીયા કે ઊજલું એટલું દૂધ નથી. એટલે માદામને મૂકીને કૅમ્બ્રિજમાં ગણિતશાસ્ત્રના સ્ટડી માટે જોડાયા.

હમામ સાબુની જાહેરખબર 

પાછા મુંબઈ આવિયા વેરે જમશેદજી તાતાએ પોતાની સાથે જોરાવા બરજોરજીને ઇજન દીધું. અગાઉ બી એક વાર જમશેદજીએ આવું નોતરું દીધેલું, પન તે વારે બરજોરજીએ ના ભણી હુતી. બરજોરજી જોરાયા પછી જમશેદજીએ એવનને સું કામ સોંપીયું હોસે? કહે કે દુનિયા આખી ફરી આવો અને એજ્યુકેશનની મોટ્ટી મોટ્ટી સંસ્થાઓની મુલાકાત લો. પન કેમ વારુ? તો કહે કે એ વેળાએ જમશેદજીના મનમાં હિન્દુસ્તાનમાં સાયન્સના ઉચ્ચ અભ્યાસ માટેની એક સંસ્થા સ્થાપવાની મુરાદ જાગી હુતી. પાછા આવીને બરજોરજીએ જે રિપોર્ટ આપીયો એને આધારે પછીથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની સ્થાપના થઈ. જમશેદજીએ સ્વદેશી મિલ શુરુ કીધા વેરે બરજોરજીને તેના એકુ ડિરેક્ટર બનાવવા ચાહ્યું. પન બરજોરજીએ ના ભણી. કેમ વારુ? તો કહે કે મારા વિચારો મજૂર તરફી છે. એટલે હું ડિરેક્ટર હોવસ તો તમુને કબી બી પ્રૉબ્લેમ થઈ સકે.

બરજોરજીની સલાહથી તાતા ગ્રુપ બીજા એક નવા એરિયામાં બી દાખલ થિયું : તાતા ઇન્ડસ્ટ્રિયલ બૅન્ક. આ બૅન્ક સુરુ કરવા માટે દોરાબજી તૈયાર હુતા નહીં. પછી એવને બૅન્કના નિયમોમાં એક એવો નિયમ મુકાવિયો કે આય બૅન્ક તાતા ગ્રુપની કોઈ બી કંપનીને કભ્ભી ભી લોન આપશે નહીં! ૧૯૧૭માં સુરુ થયેલી આ બૅન્ક તે પહેલવહેલી પૂરેપૂરી ‘સ્વદેશી’ બૅન્ક. જો કે આય બૅન્ક પછીથી લાંબુ જીવી નહીં. ૧૯૨૩માં એ સેન્ટ્રલ બૅન્ક સાથે ભલી ગઈ.

બરજોરજી પાદશાહ

કારણ તો માલમ પડિયું નથી પણ ૧૯૩૧માં તાતા ગ્રુપથી બરજોરજી છુટ્ટા પરિયા. પછી એવને સુ કીધું? કોઈ બીજી કંપનીમાં જોરાયા હોસે. ના, ના. એવન તો ઉપરી ગિયા દુનિયાની સફરે. જેથ્થે બી જાય, યુનિવર્સિટીમાં જાય, પ્રોફેસરો અને સ્કૉલરોને મળે. જાતભાતના વિષયો પર ચર્ચા કરે. ૧૯૪૧ના જૂનની ૨૦ તારીખે એવન બેહસ્તનશીન થિયા.

તાતા ગ્રુપ પર આવી પડેલી એકુ નહીં, બે અનધારી આફતની વાત હવે પછી.

tata trusts tata group tata steel tata power tata motors columnists deepak mehta