17 January, 2025 12:17 PM IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર
નિરંજના શાહ, ૯૦ વર્ષ : સિનિયર સિટિઝન કૅટેગરીમાં સૌથી મોટી ઉંમરનાં મહિલા
ખારમાં રહેતાં ૯૦ વર્ષનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ નિરંજના શાહ કહે છે, ‘હું છેલ્લા એક દાયકાથી મૅરથૉનમાં ભાગ લઈ રહી છું. મૅરથૉન તો હમણાં આવી છે, હું તો સ્કૂલમાં હતી ત્યારથી સ્પોર્ટ્સમાં ઍક્ટિવ હતી અને અનેક ઇનામો પણ જીતી છું. પહેલાં હું ૨૧ કિલોમીટરની હાફ મૅરથૉનમાં ભાગ લેતી હતી, પણ હવે બે-ત્રણ વર્ષથી ડ્રીમ મૅરથૉનમાં અને પાંચ-સાત કિલોમીટરની રન થાય છે એમાં ભાગ લઉં છું. ઘણા લોકોને નવાઈ લાગે છે કે આ લેડી આટલી ઉંમરે કેવી રીતે મૅરથૉનમાં ભાગ લઈ શકે છે, કોઈ હેલ્થ-ઇશ્યુ તો નહીં આવતા હોય જેવા પ્રશ્નો ઘણાને થતા રહે છે; પણ સાચું કહું તો મને કોઈ તકલીફ થતી નથી કે નથી કોઈ બીમારી. બીજું કે હું પોતે ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ છું એટલે હું જાતે મારી ડાયટ બનાવું છું જે મને ફિટ અને ફાઇન રાખવામાં મદદ કરે છે. ફૂડ પણ હું બૅલૅન્સ્ડ લઉં છું. પ્રોટીન વધારે લઉં છું જેથી મને મસલ્સ બનાવવામાં મદદ મળે. મારી સક્સેક્સફુલ જર્ની માટે ત્રણ D ઘણા મહત્ત્વના છે ઃ ડાયટ, ડિટર્મિનેશન અને ડિસિપ્લિન. એને હું વળગી રહું છું અને મારે આજની જનરેશનને પણ એ જ કહેવું છે કે ગમે ત્યારે સમય મળે એટલે ચાલી લેવું. વૉકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સસાઇઝ. મૅરથૉનની ડેટ નક્કી થાય એટલે હું પણ મારી વૉકિંગ અને રનિંગની પ્રૅક્ટિસ વધારી દઉં છું. આ સાથે ટાઇમિંગને પણ હું ધ્યાનમાં રાખું છું કે કેટલા સમયમાં મારો ટાર્ગેટ પૂરો થઈ શકે છે. એને લીધે હું દર વખતે પ્રાઇઝ લાવું જ છું. લાસ્ટ યર તો હું ફર્સ્ટ આવી હતી. મારાં ફૅમિલી અને ફ્રેન્ડ્સને મારા પર ખૂબ પ્રાઉડ ફીલ થાય છે જેની મને ખુશી છે. હું આજે માત્ર મારી હેલ્થ અને મૅરથૉન પર જ ધ્યાન નથી આપતી, હું આજે પણ મારા એજ્યુકેશન ફીલ્ડમાં અને ન્યુટ્રિશનિસ્ટ તરીકે પણ ઍક્ટિવ છું. હું માત્ર મુંબઈમાં જ નહીં, આખા દેશમાં સિનિયર મોસ્ટ ડાયટિશ્યન છું.’
જયંત સોની, ૯૫ વર્ષ : સિનિયર સિટિઝન કૅટેગરીના સૌથી મોટી ઉંમરના પુરુષ
જેને રોજ ચાલવાની આદત હોય, સાદું જીવનધોરણ હોય અને મનોબળ મક્કમ હોય તે માણસ ૧૦૦ વર્ષની ઉંમરે પણ મૅરથૉનમાં ભાગ લઈ શકે છે એવું મૅરથૉનમાં ભાગ લઈ રહેલા સુપર સિનિયર સિટિઝનને જોઈને કહી શકો છો. તેમનાં જોશ અને એનર્જી આ ઉંમરે પણ યુવાનોને શરમાવે એવાં છે. વડાલામાં રહેતા ૯૫ વર્ષના જયંત સોની કહે છે, ‘હું છેલ્લાં ૧૦ વર્ષથી મૅરથૉનમાં ભાગ લઈ રહ્યો છું. અમારા સિનિયર સિટિઝન માટેની દોડ અને નિયમ અલગ હોય છે. અમારે દોડવાને બદલે પાંચ કિલોમીટર ચાલવાનું હોય છે. જોકે હું ગાડી પાર્ક કરીને ત્યાંથી અડધો કિલોમીટર ચાલીને મૅરથૉન માટે જાઉં છું અને મૅરથૉન પૂરી થાય પછી ત્યાંથી અડધો કિલોમીટર ચાલીને મારી કાર સુધી આવું છું એટલે મારે સાડાપાંચ-છ કિલોમીટરની મૅરથૉન થઈ જાય છે.’
આ ઉંમરે પણ એકસાથે આટલા કિલોમીટર ચાલી શકવા માટે તેઓ કેવી રીતે સક્ષમ છે એ વિશે માહિતી આપતાં અને ચોથી પેઢી સાથે મળીને આનંદથી લાઇફ માણી રહેલા જયંતભાઈ કહે છે, ‘હું સ્વિમિંગ અને યોગ કરું છું એને લીધે આજે પણ મારું શરીર મજબૂત છે. એ સિવાય કેટલાંય વર્ષોથી મારા ચા-કૉફી કે ઠંડાં પીણાં બધું બંધ છે. ખોરાક પણ તદ્દન સાદો, નો જન્ક ફૂડ. સૌથી મુખ્ય વસ્તુ છે આનંદિત રહેવાનું. કોઈ ખોટું ટેન્શન કે મગજમારીમાં પડવાનું નહીં. આ દરેક વસ્તુ મને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ભગવાનની દયાથી આજે મને નખમાં પણ રોગ નથી. રહી વાત મૅરથૉનમાં ભાગ લેવાની તો હું રોજ ત્રણેક કિલોમીટર ચાલું છું. ચાલવામાં તકલીફ નથી પડતી, પણ ઉંમરના હિસાબે દાદરા ચડ-ઊતર કરવામાં મુશ્કેલી આવે છે. બાકી કોઈ હેરાનગતિ નથી. આખો દિવસ વાંચન અને ઇતર પ્રવૃત્તિ સાથે પૂરો કરું છું. સ્ટૅમ્પ અને કૉઇન્સ ભેગાં કરવાનો પહેલાંથી શોખ છે અને આજે પણ આ શોખ રાખ્યો છે જેને લીધે મારો સમય પસાર થઈ જાય છે.’
મીના પારેખ, ૭૪ વર્ષ : હાફ મૅરથૉનમાં સૌથી મોટી ઉંમરનાં મહિલા
હું કૅન્સર સર્વાઇવર છું અને છેલ્લાં ૬ વર્ષથી મૅરથૉનમાં ભાગ લઈ રહી છું એમ જણાવતાં સાયન રહેતાં ૭૪ વર્ષનાં મીરા પારેખ કહે છે, ‘હું છેલ્લાં બે વર્ષથી હાફ મૅરથૉનમાં ભાગ લઈ રહી છું. એ પહેલાં હું ૧૦ કિલોમીટરની દોડમાં ભાગ લેતી હતી. મને ૧૯૯૪-’૯૪માં બ્રેસ્ટ કૅન્સર ડિટેક્ટ થયું હતું જેની બે વર્ષ સુધી ટ્રીટમેન્ટ ચાલી હતી. જોકે હું એમાંથી રિકવર થઈ ગઈ છું, પણ ફૉલોઅપ હજી ચાલુ છે. આજે મારે ઉંમર અને પાસ્ટ કૅન્સર હિસ્ટરીને લીધે મૅરથૉનની પ્રૅક્ટિસ કરતી વખતે અન્યો કરતાં થોડું વધારે ધ્યાન રાખવું પડે છે. જોકે મારા મિશન ફિટનેસ ગ્રુપના કોચ રવિ વર્માનાં ગાઇડન્સ અને મદદને લીધે હું અહીં સુધી આવી શકી છું. ત્રણ વર્ષથી હું ટૉપ-થ્રીમાં સ્થાન હાંસલ કરી શકી છું. નૉ ડાઉટ, એ બધા પછી મને ઘણી વખત મસલ-પેઇન કે ઑર્ગનમાં દુખાવો થઈ જાય છે, પણ ઇટ્સ ઓકે. મને નાનપણથી અન્ય સ્પોર્ટ્સ કરતાં ક્રિકેટમાં વધારે રસ હતો. એ સિવાય સ્વિમિંગ વગેરે હું કરતી, પણ હાર્ડ કોર રસ મને સ્પોર્ટ્સમાં નહોતો. મારા પપ્પાને સ્પોર્ટ્સમાં ખૂબ લગાવ હતો. તેઓ અનેક સ્પોર્ટ્સ રમી ચૂક્યા છે, પણ કહેવાય છે કે એક સારો કોચ તમારી જીવનની દિશા બદલી શકે છે એમ મને પણ બેસ્ટ કોચ મળ્યા અને હું તેમની પાસેથી રનિંગ કરવાનું શીખી અને ધીરે-ધીરે પહેલાં પાંચ કિલોમીટર અને પછી દસ કિલોમીટર અને પછી હાફ મૅરથૉન સુધી પહોંચી શકી છું. હું જ્યારે મૅરથૉનમાં ભાગ લેવા માંડી ત્યારે મેં જોયું કે મારી આસપાસના જ નહીં, ઘણા લોકો મારાથી ઇન્સ્પાયર થવા માંડ્યા હતા જેઓ કોઈ ને કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. મને આજે એ વાતનો આનંદ છે કે હું કોઈકની પ્રેરણા બની શકી છું અને આ જ કારણસર હું ગમે એટલી થાકતી હોઉં કે પછી પીડામાં હોઉં તો પણ મૅરથૉનમાં ભાગ લઉં જ છું.’
અનન્યા દલાલ, ૧૫ વર્ષ : 10K દોડમાં ભાગ લેનારી યંગેસ્ટ ફીમેલ
હું બહુ જ એક્સાઇટેડ છું. એક તો હું પહેલી વખત મૅરથૉનમાં ભાગ લઈ રહી છું અને બીજું એ કે મારી મમ્મી પણ પ્રથમ વખત મૅરથૉનમાં મારી સાથે ભાગ લેશે એમ જણાવતાં મરીન ડ્રાઇવમાં રહેતી ૧૫ વર્ષની અનન્યા દલાલ કહે છે, ‘હું માત્ર ૧૫ વર્ષની હોવાથી ૧૦ કિલોમીટરની મૅરથૉનમાં ભાગ લઈ શકીશ. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ હાફ અથવા ફુલ મૅરથૉનમાં ભાગ લઈ શકતી નથી. હું ખૂબ એક્સાઇટેડ તો છું જ અને સાથે મને વિશ્વાસ છે કે હું મૅરથૉનની આ દોડ પંચાવન મિનિટ્સમાં પૂરી કરી લઈશ. મને રનિંગ કરવાની પ્રૅક્ટિસ છે અને હું સ્પોર્ટ્સપ્રેમી પણ છું. ટેનિસ, ફુટબૉલ વગેરે સ્પોર્ટ્સ હું રમતી આવી છું એટલે મને મૅરથૉનમાં પહેલેથી જ રસ રહ્યો છે. એક મહિના પછી દસમાની બોર્ડ એક્ઝામ છે છતાં હું સવારે એક કલાક જેટલો સમય કાઢીને મૅરથૉન માટે દોડવાની પ્રૅક્ટિસ કરવા જાઉં છું. હું મારા ગ્રુપ સાથે રોજ સવારે પાંચ વાગ્યે રનિંગ કરવા જાઉં છું. મારા ગ્રુપમાં બધા અલગ-અલગ એજના છે અને અમે બધા મૅરથૉનમાં ભાગ લેવાના છીએ. મારા ગ્રુપમાં મારી મમ્મી પણ છે જે પણ આ વખતે પ્રથમ વખત મૅરથૉનમાં ભાગ લેવાની છે અને અમે બન્ને સાથે દોડીશું.’
સૌમ્ય સાવલા, ૧૮ વર્ષ : ફુલ મૅરથૉન દોડનારો યંગેસ્ટ પુરુષ
વસઈમાં રહેતો અને વર્તક કૉલેજમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહેલો ૧૮ વર્ષનો સૌમ્ય સાવલા કહે છે, ‘હું પ્રથમ વખત ફુલ મૅરથૉનમાં ભાગ લેવાનો છું. અગાઉ હું કચ્છી મૅરથૉનમાં ભાગ લઈ ચૂક્યો છું, જે ૨૧ કિલોમીટરની હતી. હવે હું ૧૮ વર્ષનો થયો છું તો મને ફુલ મૅરથૉનમાં ભાગ લેવા મળશે એટલે હું એમાં ભાગ લઈ રહ્યો છું. ફુલ મૅરથૉન ૪૨ કિલોમીટરની હોય છે. ૨૧ કિલોમીટરની દોડ મેં બે કલાક ૧૮ મિનિટમાં પૂરી કરી હતી, જ્યારે આ ૪૨ કિલોમીટરની દોડ પાંચથી સાડાપાંચ કલાકમાં પૂરી કરી શકીશ એવું હું ધારું છું. જોકે ટાઇમિંગ મારો ગોલ નથી, મારે તો બસ ૪૨ કિલોમીટરનું અંતર કાપવું છે. મૅરથૉન માટેની તૈયારીની વાત કરું તો મારી એક્ઝામને લીધે હું અગાઉથી કોઈ પ્રૅક્ટિસ કરી શક્યો નથી. બસ, આ લાસ્ટ વીક જ મને તૈયારી કરવા માટે મળ્યું છે.’