31 March, 2024 02:57 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી તમારા દીકરાને તરત જ GEBમાં ઑપરેટરની નોકરી મળી જશે.’
આવી અફવા કોઈએ મારાં માતા-પિતાને સમજાવી હતી એ દિવસથી એ લોકોના મનમાં એવું કે તેમનો દીકરો તો સરકારી અધિકારી બની જાશે ને એયને મસ્તીથી આખા ગોંડલનું પાવર-સપ્લાય જોશે. હકીકત એ હતી કે ત્યારે મને ગોંડલમાં GEB પણ નહોતું જડતું ને પછી તો નોકરી પણ મળી નહીં. એટલું ઓછું હોય એમ મારી ભેળા GEBનાં સપનાં જોનારા ને મારી જ સાથે ભણનારા એક મિત્ર અત્યારે પણ GCB હાંકે છે.
રાજકોટ પૉલિટેક્નિકના એ દિવસો હસવા જેવા જરૂર હતા, પરંતુ હસી કાઢવા જેવા હરગિજ નહોતા. છ સેમેસ્ટરનો ટોટલ ડિપ્લોમા હતો અને દર છ મહિને વગર બોલાવ્યે પરીક્ષા આવી જતી. એક વિષયમાં અંદાજે સોળ ચૅપ્ટર રહેતાં. ચારેક ચૅપ્ટર સાહેબ ભણાવતા તો ચારેકમાં અમે બન્ક મારતા. ચારેક બહુ અઘરા લાગતાં અને છેલ્લા ચારેકમાંથી પરીક્ષામાં કંઈ ખાસ પુછાતું નથી એવું અમને લાગતું એટલે એ છેલ્લાં ચાર ચૅપ્ટર અમે અભેરાઈએ ચડાવી દેતા. પૉલિટેક્નિકના એ અનુભવનો સરવાળો એ થ્યો કે ઓછું સાંભળીને ઝાઝું લખવાનું મારું કૌશલ્ય કૉલેજકાળમાં વિકસ્યું જે છેક આ લેખ લગી અકબંધ રહ્યું છે.
આત્મનિર્ભર યોજના સરકારે ભલે હમણાં જાહેર કરી, પણ પરીક્ષામાં ૧૯૯૨થી અમે આત્મનિર્ભર હતા. મૅથ્સ (વન) વિષય ત્યારે મને કોઈ પિશાચ જેવો ભાસતો અને સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા મને ધોળિયા વાળવાળી ને બોખા મોઢાવાળી ડાકણ્યું લાગી છે.
અંદાજે ૬૫૦ પાનાંની આઇ. કે. થેરાજાની દળદાર બુક મને છાશવારે સપનામાં આવીને બિવડાવતી. પાંભરસાહેબ એ સમયે ખૂબ રસાળ શૈલીમાં EM એટલે કે Electric Machine શીખવતા, પણ અમારા મગજના મશીનમાં બહુ કંઈ ઊતરતું જ નહીં. મશીનનું વાઇન્ડિંગ સાહેબને કડકડાટ હતું, પરંતુ એ લેક્ચર પછી અમારામાંથી ઘણાયને વાઈ આવી જતી જેને અમે ‘વાઇન્ડિંગની વાઈ’ તરીકે ઓળખતા.
ડિપ્લોમા પહેલાં શેરીના ખૂણે ઉકરડાની ઉપર હડિંગ દસ્તા જેવું ટ્રાન્સફૉર્મર ઘૃણાભરી નજરે જોયેલું હતું. ડિપ્લોમા દરમિયાન એ ટ્રાન્સફૉર્મર જ અમારે ભણવું પડ્યું. ‘આંયનું આંયા જ છેને!’ એ વાત શિક્ષણ દ્વારા એ દિવસોમાં દૃઢ થઈ. ટ્રાન્સફૉર્મરની એક-એક ઇનકમિંગ અને આઉટગોઇંગ લાઇન સમજવી એટલી અઘરી હતી કે અમારા ક્લાસમાંથી બે મિત્રોને તાવ આવ્યો અને બે જણે રાજકોટ પૉલિટેક્નિકમાંથી અમદાવાદ ટ્રાન્સફર લઈ લીધી. જોકે ત્યાં ગયા પછી સૌને ખ્યાલ આવ્યો કે ટ્રાન્સફૉર્મર તો અહીં પણ ભણવું જ પડે છે. Red-Yellow-Blue જેને ટૂંકમાં R.Y.B. કહેતા એ વાયરિંગની આખી પૅટર્ન ત્યારે ગાંધીબાપુના ત્રણ બંદર જેવી લાગતી. કૉલેજમાં સાહેબ જ્યારે R.Y.B.નું ડીટેલિંગ સમજાવતા ત્યારે અમારા વર્ગના ૭૦ ટકા વિદ્યાર્થીઓ મનોમન એમ જ કહેતા કે અમે કંઈ સાંભળતા નથી, બોલતા નથી કે જોતા નથી.
ECom એટલે Electrical Communication નામનો વિષય પણ અમને ભણાવવામાં આવતો, પણ અમે અમારા કમ્યુનિકેશનમાંથી નવરા પડીએ તો સમજીએને! પરિણામે ઇલેક્ટ્રિકલ કમ્યુનિકેશન બરાબર આવડ્યું નહીં અને અમારા કમ્યુનિકેશનમાં કંઈ વળ્યું નહીં. ઍપ્લાઇડ ફિઝિક્સ નામનો એક સુંદર સબ્જેક્ટ પણ ભણવામાં આવ્યો હતો, પરંતુ એ જેવો આવ્યો એવો જ ગયો. એનું કારણ શોધતાં એવું જાણવા મળ્યું કે જે મૅડમ આ ફિઝિક્સ ભણાવતાં હતાં તેમનું ફિઝિક્સ જ બહુ બેડોળ હતું.
જાડેજાસાહેબ નામના એક પ્રોફેસર ખૂબ લાઇવ સ્ટાઇલથી EC એટલે કે Electric circuit ભણાવતા જેમાં થોકબંધ સર્કિટ દોરવાની આવતી. સાપસીડી કે પઝલની જેમ ડાયોડ, કેથોડ, એનોડ ગોઠવવાના રહેતા. એક ઊંધોચત્તો ડાયોડ ગોઠવાઈ જાય તો પાવર રિટર્ન મારતો અને સાહેબ ધોલ મારતા.
અમે આઠેક મિત્રોએ મળીને પ્રોજેક્ટમાં મસમોટું ઇન્વર્ટર બનાવેલું જેમાં ટા’ણે જ લાઇટ ન થઈ, કારણ કે એક છેડો ટ્રાવેલિંગમાં હલી ગયો હતો. જીવનમાં અંધારું થાય ત્યારે અજવાળું ક્યાંથી પાછું લાવવું એ જ્ઞાન અમને ઇન્વર્ટરમાંથી મળેલું. અમારો પ્રોજેક્ટ ફેલ થયો અને પછી અમારાં દયામણા મોં જોઈને સાહેબે અમને પાસ કરેલા.
અમારી સાથે પ્રોજેક્ટ કરનાર એક મિત્રએ અગાસીમાં ઇન્વર્ટરના હોલસેલ વેપારનું કર્યું અને એકે તો પ્રોજેક્ટર બનાવવાનું જ કારખાનું કર્યું એ સહેજ તમારી જાણ ખાતર.
G&T એટલે કે જનરેશન & ટ્રાન્સમિશન નામનો જોરદાર વિષય પણ ડિપ્લોમામાં આવતો, પરંતુ એ અમને કોઈ કંપની જેવો લાગતો. ત્યારે અમે L&T અને G&Tને એક જ સમજતા.
પાવરની H.T. અને L.T. લાઇન ભણવામાં ગળું સુકાઈ જતું. ડિપ્લોમા દરમિયાન થર્મલ પાવર-સ્ટેશનની વિઝિટ એ ખારા સમંદરમાં મીઠી વીરડી સમાન રહેતી. અમદાવાદ, વ્યારા, ધુવારણના પાવર-સ્ટેશનની વિઝિટમાંથી જેટલું શીખવાનું મળ્યું એથી વધુ મિત્રો સાથે પ્રવાસમાંથી શીખ્યા.
ST બસમાં વહેલી સવારે સાથે જવાનું હોય ત્યારે ગિરદી પણ ખૂબ રહેતી. દૂબળા દેહને લીધે કદાવર મિત્રો મને બસની બારીમાંથી ગળકાવી જગ્યા રોકવા માટે ઉપયોગ કરતા એ હજીયે યાદ છે.
રાજકોટ પૉલિટેક્નિકમાં GSનું ઇલેક્શન ઉત્તર પ્રદેશ અને બિહારની ચૂંટણી કરતાં વધુ રોમાંચક થતું. નવા સ્ટુડન્ટનું રૅગિંગ પણ થતું. આ લખનારને ત્યારે બાબા સહગલનું રૅપ સૉન્ગ ‘ઠંડા ઠંડા પાની’ આખું કંઠસ્થ હતું. સિનિયરોએ લગભગ એક અઠવાડિયા સુધી એ ‘ઠંડા ઠંડા પાની’ના વર્ચ્યુયલ પાઠ મારી પાસે કરાવેલા.
હું ડાબોડી છું અને ડાબોડી હોય તેનું ડાબું મગજ વધુ સતેજ હોય એવો વહેમ મેં પહેલેથી સંભાળીને અખંડ સાચવ્યો છે. એ સમયે ઝુમરી તલૈયા નામની ઑડિયો કૅસેટ બહાર પડેલી. આ બાપુડો એમાંથી લગભગ બાવીસ ફિલ્મસ્ટારના અવાજની મિમિક્રી કરતો. પરિણામે મને ટકાઉ મિત્રો ઝડપથી મળ્યા. આ મિમિક્રી અને રૅપ સૉન્ગને લીધે મારે સૅન્ડવિચના ખર્ચા બચેલા એ પણ અત્યારે તમારી પાસે સ્વીકાર કરવાનો.
કેમિકલવાળા પોતાને ઉચ્ચ વર્ણના ગણતા જેથી તેઓ સિવિલવાળા સામે નજર પણ ન માંડતા. ઇલેક્ટ્રિક અને મેકૅનિકલ લગભગ એકસરખા હોવાથી એ બે ફૅકલ્ટીમાં મિત્રો ઝડપથી બનતા, પરંતુ કેમિકલવાળાને બતાડી દેવા ઘણી વાર નાની-નાની બાબતોમાં શીતયુદ્ધ થતાં.
કેમિકલવાળાને અમે દ્રાવ્ય થયેલા ગણતા, ઇલેક્ટ્રિકવાળાને તાર પર ટીંગાયેલા ગણતા, મેકૅનિકલવાળાને બેરિંગમાં ભઈડાયેલા ગણતા તો સિવિલવાળાને રોડે ચડેલા ગણતા. એન્જિનિયરિંગ કૉલેજમાં આ ચાર ફૅકલ્ટીઓ ચાર વર્ણવ્યવસ્થા કરતાં પણ વધુ ખતરનાક હોય છે.
ડિપ્લોમા સીધી રીતે મને ભલે ક્યાંય કામ ન લાગ્યો, પરંતુ મારા જીવનઘડતરમાં હું એક વાત સ્વીકારીશ કે જો DEE ન હોત તો કદાચ હું શ્રેષ્ઠ મિત્રો બનાવતાં ન શીખ્યો હોત. ૧૯૯૪ના નવેમ્બરની ૨૮ તારીખ, કૉલેજનો છેલ્લો દિવસ આજે પણ લીલોછમ છે. જિગરિયા સૌ મોતીની જેમ વેરાયા હતા. મિત્રો ન હોત તો હું હોત ખરો? જે થાય એ સારા માટે જ હોં! આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે થાય છે કે જો ડિપ્લોમા ન કર્યો હોત તો ભાઈબંધીમાં PhD કરવા ન મળ્યું હોત.