અમેરિકાના ગુજરાતીઓમાં ભારત–પાકિસ્તાનની મૅચનો ફીવર ચરમસીમાએ

09 June, 2024 08:05 AM IST  |  Mumbai | Shailesh Nayak

કોઈ કપલ ફ્લાઇટમાં નવ કલાકની મુસાફરી કરીને સૅન ફ્રા​ન્સિસ્કોથી પહોંચશે ન્યુ યૉર્કના  સ્ટેડિયમમાં તો પાંચ ફ્રેન્ડ્સ પાંચ કલાક કાર ડ્રાઇવ કરીને બૉસ્ટનથી પહોંચશે મૅચ જોવા

રોહિત શર્મા, બાબર આઝમ

ભારત-પાકિસ્તાનની મૅચ ભલે દુનિયાના કોઈ પણ ખૂણે હોય, એનો રોમાંચ ચરમસીમાએ જ હોય છે અને એવું જ કંઈક થઈ રહ્યું છે અમેરિકામાં. આજે ન્યુ યૉર્કમાં ભારત–પાકિસ્તાન વચ્ચે રમાનારી T20 ક્રિકેટ વર્લ્ડ કપની મૅચને લઈને ક્રિકેટર​સિયા અમેરિકન ગુજરાતીઓમાં અને ભારતીયોમાં હાઈ ક્રિકેટ-ફીવર સાથે અમેરિકન મુંબઈકર ગુજરાતીઓમાં ગજબના ક્રેઝ સાથે મૅચ માટેનું એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે.

ભારતીયો આમ પણ ક્રિકેટઘેલા છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. એમાં પણ ગુજરાતી ફૅન્સનું તો પૂછવું જ શું. ન્યુ યૉર્કમાં રમાનારી આજની મૅચ જોવા માટે અમેરિકામાં રહેતું મૂળ મુંબઈનું એક કપલ સૅન ફ્રાન્સિસ્કોથી નવ કલાક ફ્લાઇટમાં મુસાફરી કરીને સ્ટેડિયમમાં પહોંચશે તો અમેરિકામાં મુંબઈના ચાર અને અમદાવાદના એક મળીને પાંચ ફ્રેન્ડ્સ બૉસ્ટનથી પાંચેક કલાક કાર ડ્રાઇવ કરીને મૅચ જોવા પહોંચશે. શિકાગોથી પણ ક્રિકેટશોખીનો મૅચના સાક્ષી બનવા ન્યુ યૉર્ક પહોંચી ગયા છે. આ તો ઠીક, આ રોમાંચક મુકાબલાનો લુફ્ત ઉઠાવવા અમદાવાદ અને સુરત સ​હિત ગુજરાતમાંથી ક્રિકેટર​સિકો ન્યુ યૉર્ક પહોંચી ગયા છે. અમેરિકામાં પહેલી વાર ઇન્ટરનૅશનલ ​​ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની મોટી ક્રિકેટ-ટુર્નામેન્ટ યોજાઈ રહી છે અને એમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની મૅચ અમેરિકામાં રમાય એ રૅર કેસ જેવું હોવાથી ગુજરાતીઓમાં આ મૅચને લઈને કેવો ઇન્તેજાર અને રોમાંચ પ્રવર્તી રહ્યો છે એની રસપ્રદ વાત અમેરિકન ગુજરાતીઓ પાસેથી જાણીએ. 

ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા જશે મિતિ અને અક્ષત શાહ

મુંબઈમાં હતાં ત્યારે કાંદિવલીમાં રહેતાં અને હવે અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોના ફ્રીમોન્ટમાં સેટલ થઈ રહેલાં મિ​તિ અને અક્ષત શાહ આ મૅચની રાહ જોઈ રહ્યાં હતાં. એની વાત કરતાં મિતિ કહે છે, ‘મારા ઘરે તો આમ પણ દાદા-દાદી બધા સાથે મળીને મૅચ જોતાં. અહીં અમેરિકામાં સ્ટેડિયમમાં બેસીને ભારત-પાકિસ્તાનની મૅચ જોવાનો લહાવો કંઈક ઑર જ હશે. પહેલી વાર ભારત-પાકિસ્તાનની મૅચ જોવાનું એક્સાઇટમેન્ટ જબરદસ્ત છે. એમાં પણ અમેરિકામાં પહેલી વાર વર્લ્ડ કપની મૅચ રમાઈ રહી છે એટલે મજા આવી જશે. આ મૅચ માટે અમે રાહ જોઈ રહ્યા હતા. અમે ફ્લાઇટમાં નવ કલાકની સફર કરીને મૅચ જોવા પહોંચીશું. મારો ફેવ​રિટ ખેલાડી જસપ્રીત બુમરાહ છે, પરંતુ અહીં અમે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ મૅચ ભારત જીતે એવું અમે ઇચ્છીએ છીએ. આ મૅચ ઉપરાંત અમે ભારત-અમેરિકા વચ્ચે રમાનારી મૅચ પણ જોવા જવાના છીએ.’

પોતાના ઘરે બનાવેલી ક્રિકેટ-વૉલ

વિરાટ કોહલીની ઑસ્ટ્રેલિયા સામેની ઇનિંગ્સ જોઈને તેનો ડાઇ-હાર્ડ ફૅન બની ગયેલો અને પોતાના ઘરે ક્રિકેટ-વૉલ બનાવનાર અક્ષત શાહ કહે છે, ‘હા, હું વિરાટ કોહલીનો જબરો ફૅન છું. ​મિ​તિએ મને એક ક્રિકેટ-વૉલ ​ગિફ્ટ કરી છે. અમેરિકામાં પહેલી વાર ભારત-પાકિસ્તાનની મૅચ જોવાનો ઉત્સાહ બહુ છે. એમાં પણ આ મૅચ અમે સ્ટેડિયમમાં બેસીને લાઇવ જોઈશું એનો રોમાંચ કંઈક અલગ જ હશે. અમારા માટે આ અનુભવ અદ્ભુત બની રહેશે. ખાસ કરીને આપણી ટીમમાં ગુજરાતી ખેલાડીઓ હા​ર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ પણ રમી રહ્યા છે ત્યારે તેમને મેદાનમાં રમતા જોવા અમે ઉત્સાહી છીએ.’

રો​હિત અને કોહલી હવે અમેરિકામાં રમવા ક્યારે આવશે? એટલે મૅચ જોવા જઉં છું 

અમેરિકામાં ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ હવે પછી ક્યારે રમવા આવશે એ વિશે કંઈ કહેવું મુશ્કેલ જણાઈ રહ્યું છે ત્યારે જુહુની અને હાલ બૉસ્ટન પાસેના મેડફર્ડમાં રહીને બાયોટેક કંપનીમાં જૉબ કરતી કાજલ મહેતા કહે છે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલીની હું ફૅન છું. આ બન્ને લેજન્ડ ખેલાડીઓને લાઇવ રમતા જોવા એ એક લહાવો છે. હવે પછી તેઓ અમેરિકામાં રમવા ક્યારે આવશે એ નક્કી નથી એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવા અમે ફ્રેન્ડ્સ જઈ રહ્યા છીએ. આમ પણ મને ક્રિકેટનો ક્રેઝ છે. મારા ઘરે IPLની મૅચ હોય કે વન-ડે મૅચ હોય કે પછી T20ની મૅચ હોય, ઘરના સભ્યો સાથે બેસીને જોતા. મારી ફૅમિલી પણ ક્રિકેટની ફૅન છે. મેં કોઈ દિવસ ભારત અને પાકિસ્તાનની મૅચ સ્ટેડિયમમાં બેસીને જોઈ નથી ત્યારે અહીં રમાનારી મૅચ તો હિસ્ટો​રિકલ જેવી કહી શકાય. આ મૅચ જોવાની તક મને મળી છે એટલે હું બહુ જ ખુશ અને ઉત્સા​હિત છું. આ મૅચનો મને ઇન્તેજાર છે.’ 

મીત વીરા, અશ્વ​જિત સોમેશ્વર, કાજલ મહેતા, હ​ર્ષિલ અખાણી અને સ્વરાજ તકલકર

ઝંડા અને પોસ્ટર બનાવીને મૅચ જોવા પહોંચશે મુંબઈકર ફ્રેન્ડ્સ

એક સમયે મુંબઈના ચિંચપોકલીમાં અને હવે અમેરિકાના બૉસ્ટનમાં રહેતા અને ત્યાં ક્રિકેટ રમતા મીત વીરા અને તેના મિત્રોએ મૅચ જોવા માટેની બધી તૈયારીઓ કરી લીધી છે. એ વિશે વાત કરતાં મીત વીરા કહે છે, ‘આ મૅચ જોવા અમે પાંચ મિત્રો જવાના છીએ. મારી સાથે અમદાવાદનો હર્ષિલ અખાણી, જુહુની કાજલ મહેતા, નવી મુંબઈનો અશ્વ​જિત સોમેશ્વર અને બોરીવલીનો સ્વરાજ તકલકર મૅચ જોવા આવશે. અમે પાંચેય મિત્રો અહીં પાંચ વર્ષથી છીએ અને એક જ યુનિવર્સિટીમાં ભણ્યા હોવાથી મિત્રતા થઈ હતી. મૅચ જોવા માટેની તૈયારી અમે કરી લીધી છે. ખાસ તો ઝંડા લઈને તેમ જ સ્લોગન લખેલાં પોસ્ટરો બનાવીને જવાના છીએ જેથી ટીમ ઇન્ડિયાને ​ચિયર-અપ કરી શકીએ. અમે પાંચ મિત્રો બૉસ્ટનથી અંદાજે સાડાચારથી પાંચ કલાક કાર ડ્રાઇવ કરીને ન્યુ યૉર્ક પહોંચીશું. ભારત-પાકિસ્તાનની મૅચને લઈને અહીં જબરદસ્ત જુવાળ છે. યંગસ્ટર્સમાં પણ બહુ જ એક્સાઇટમેન્ટ છે. હું લેફ્ટ આર્મ સ્પિન બોલર તરીકે અહીંની ન્યુ ઇંગ્લૅન્ડ યોદ્ધા ટીમમાંથી મૅચ રમું છું. અમેરિકામાં ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની મૅચ રમાય એ રૅર કેસ છે એટલે અમે માનીએ છીએ કે આ મૅચ અમારા માટે લાઇફટાઇમ અપૉર્ચ્યુનિટી છે અને એટલે જ અમે ફ્રેન્ડ્સ આ મૅચ જોવા જઈ રહ્યા છીએ.’

સુરત અને અમદાવાદના ક્રિકેટ-ચાહકો અમેરિકાના પ્રવાસની સાથે આજની મૅચની પણ મોજ માણશે

રવીન્દ્ર જાડેજાની સાથે સુરતના સુરેશ વઘાસિયા

ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ વિશ્વમાં ક્યાંય પણ રમાતી હોય, ગુજરાતી ક્રિકેટ-ચાહકો ત્યાં પહોંચી જ જાય. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકા ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની મૅચનો પણ લહાવો માણશે એની વાત કરતાં સુરતથી અમેરિકા ફૅમિલી સાથે ફરવા ગયેલા સુરેશ વઘા​સિયા કહે છે, ‘સુરતથી અમે ઘણાબધા અમેરિકાની ટૂર પર છીએ. મારાં બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે એટલે તેમને મળવાનું થઈ જશે, ફરવાનું થશે અને સાથે-સાથે ભારત-પાકિસ્તાનની મૅચ પણ જોવાશે. મૅચ મારા માટે પ્રાયોરિટી છે. હું લંડન પણ મૅચ જોવા ગયો હતો. જૂના ખેલાડીઓમાં રો​હિત શર્મા અને વિરાટ કોહલી મારા ફેવરિટ ખેલાડી છે, જ્યારે સૂર્યકુમાર યાદવ સહિતના નવા ખેલાડીઓ પણ સારું પર્ફોર્મ કરી રહ્યા છે. આ ઉપરાંત આપણા ગુજરાતી ખેલાડીઓ તો છે જ. આ બધા ખેલાડીઓને અમેરિકાની ધરતી પર પાકિસ્તાન સામે મૅચ રમતા જોવાનો લહાવો અવિસ્મરણીય બની રહેશે. અહીં અમેરિકામાં ફ્રેન્ડ્સનું અમારું ગ્રુપ છે. અમે ૧૦ જેટલા મિત્રો સાથે મળીને મૅચ જોવા જવાના છીએ. આ ઉપરાંત ન્યુ જર્સીમાં રહેતા ગુજરાતીઓ સહિત લગભગ ૫૦ જેટલા ભારતીયો મૅચ જોવા જવાના છે.’

ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા મનીષ શર્મા કહે છે, ‘ભારતમાં અને અમેરિકામાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે અને ટૂરિઝમની સીઝન છે. આ સમય દરમ્યાન જ અમેરિકામાં આ વખતે T20 વર્લ્ડ કપની ટુર્નામેન્ટ ચાલી રહી છે અને એમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની છે એટલે અમેરિકાની ટૂરમાં મૅચનો પણ સમાવેશ કર્યો છે. આવું પહેલી વાર થઈ રહ્યું છે કે ટૂરની સાથે પ્રવાસીઓને મૅચ જોવાનો મોકો મળશે. અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાંથી ૯૦થી વધુ લોકો અમેરિકાની ટૂરની સાથે-સાથે મૅચ જોવા ગયા છે.’ 

ક્રિકેટ-ફીવર હાઈ હોવાથી મૅચને લઈને જડબેસલાક સુરક્ષા

​શિકાગોના ડૉ. ​નીલેશ મહેતા ભારતીય ક્રિકેટરો સાથે

અમેરિકાના શિકાગોમાં ૪૦ વર્ષથી સ્થાયી થયેલા કૅન્સર અને બ્લડ-સ્પેશ્યલિસ્ટ ૬૪ વર્ષના ડૉ. નીલેશ મહેતાનો ક્રિકેટ-ક્રેઝ આજે પણ અકબંધ છે. T20 ક્રિકેટ વર્લ્ડ કપની મૅચ જોવાની સાથે-સાથે જુદાં-જુદાં મીડિયા પ્લૅટફૉર્મ માટે કવર પણ કરી રહેલા ડૉ. નીલેશ મહેતા કહે છે, ‘ભારત-પાકિસ્તાનની મૅચને લઈને એમ કહી શકાય કે અહીં રહેતા ભારતીયોમાં ગાંડો ક્રેઝ છે. મારા પર ફોન આવી રહ્યા છે કે ​ટિકિટની વ્યવસ્થા કરી આપોને. ન્યુ યૉર્કના સ્ટેડિયમમાં અંદાજે ૩૨,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી કૅપે​સિટી છે. ટીમ ઇન્ડિયા જે હોટેલમાં રહે છે એની બહાર ઢગલાબંધ ક્રિકેટ-ફૅન્સ ઊમટી રહ્યા છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સ​હિતના ક્રિકેટરોની એક ઝલક જોવા માટે તેમના ફૅન્સ તરસી રહ્યા છે ત્યારે મૅચને લઈને અહીં સિક્યૉરિટી ટાઇટ છે. હે​લિકૉપ્ટર દ્વારા અને ઘોડેસવાર પોલીસ સ​હિતની સુરક્ષા એજન્સીઓ ખેલાડીઓની સુરક્ષા માટે તહેનાત છે અને એજન્સીઓ કોઈ ચાન્સ લેવા માગતી નથી. આ મૅચને લઈને વર્લ્ડ કપ ફીવર વેરી હાઈ છે અને ભારત એક પછી એક મૅચ જીતતું જશે એમ-એમ ક્રિકેટ-ફીવર વધતો જશે.’  

columnists shailesh nayak t20 world cup india pakistan united states of america gujarati community news