27 May, 2023 03:01 PM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
સુરતના તક્ષશિલા કાંડને હજી પણ લોકો ભૂલ્યા નથી. એક પણ જાતની સુવિધા વિના, સાવચેતી વિના ખડકી દેવામાં આવેલા આ બિલ્ડિંગમાં લાગેલી આગના કારણે સુરતના બાવીસ ટીનેજરોનો જીવ ગયો હતો. હાહાકાર મચી ગયો હતો. નવું લોહી હતું, આંખોમાં સપનાં હતાં અને એ સપનાં વચ્ચે કંઈક કરી દેખાડવાનું ઝનૂન તે સૌનાં હૈયાંમાં ભારોભાર છલકાતું હતું. ક્લાસમાં જવા માટે રવાના થયા ત્યારે કોઈએ એવું ધાર્યું નહીં હોય કે તેઓ આજે આ અંતિમ યાત્રા પર નીકળી રહ્યા છે. કંઈ કેટલાંય બાળકોએ ક્લાસ પૂરા થયા પછી શું કરવું એનો પ્રોગ્રામ બનાવ્યો હતો તો કંઈ કેટલાંય માબાપ એવાં હતાં જે બાળકો ક્લાસમાંથી પાછાં આવે એ પછીના પ્લાનિંગમાં રત હતાં અને અચાનક સમાચાર આવ્યા કે તક્ષશિલામાં આગ લાગી છે, જે સમાચારે બાવીસ બચ્ચાંઓના પેરન્ટ્સના જીવનમાં આગ લગાડી દીધી.
એ ઘટનાને ચાર વર્ષ પૂરાં થઈ ગયાં. હજી હમણાં બે દિવસ પહેલાં જ ચોથી વરસી એ ઘટનાની ગઈ, જે સમાચારની સાથોસાથ એ સમાચાર પણ મળ્યા કે એ કેસમાં જે કોઈને પ્રાથમિક દૃષ્ટિએ દોષી ગણવામાં આવ્યા હતા એ સૌ જામીન પર છૂટી ગયા છે. અરે શરમ કરો શરમ તમે, બાવીસના જીવ લેનારા એ દોષી જો જામીન પર છૂટીને બહાર ફરતા હોય તો ખરેખર આપણે ડૂબી મરવું જોઈએ.
ક્યાંક ને ક્યાંક તેમનો વાંક હતો જ હતો. અજાણતાં હોઈ શકે, પણ વાંક હતો એ કોઈએ ભૂલવું ન જોઈએ અને એ પણ ન ભૂલવું જોઈએ કે (કદાચ) અજાણતાં થયેલી એ ભૂલના કારણે દેશના બાવીસ એવા ટીનેજરોએ જીવ ગુમાવ્યો છે જે ભવિષ્યમાં પોતાનાં માબાપનો આધારસ્તંભ બનવાના હતા. તેમની આંખોમાં સપનાં હતાં અને કંઈ કરવાની તેમની મહેચ્છા હતી. એ સપનાં અને એ મહેચ્છા સાથે તેઓ જીવતા સળગ્યા છે. અરે, આવી ઘટનામાં જામીન માગનારાઓ કેમ એ વાત ભૂલી શકે કે તેમની એ એક ભૂલ આજે એ માબાપનું જીવતર હરામ કરી ગઈ છે. એ સમયે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, ભ્રષ્ટાચાર એવા સમયે જ થતો હોય છે જે સમયે નીતિમત્તા અને પ્રામાણિકતા કોરાણે મુકાતી હોય છે. એક બિલ્ડિંગ બને છે, એમાં ક્યાંય વેન્ટિલેશનની સિસ્ટમ નથી, એમાં ક્યાંય ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખવામાં નથી આવી કે પછી એમાં કોઈ પ્રકારની એવી અગમચેતી નથી રાખવામાં આવી કે જે માણસની જિંદગી બરબાદ કરી શકે છે તો પછી તમે કેવી રીતે તમારી જાતને જામીન પર બહાર લાવીને પણ શાંતિથી જીવી શકશો? એક નાનકડી અમસ્તી કાંડીની ઝાળ પણ જો તમારા શરીરને ઝાટકો આપી જતી હોય, જો સિગારેટનું આગળનું ટોપકું પણ અડકે અને તમારાથી રાડ નીકળી જતી હોય તો તમે જરા વિચાર તો કરો, અહીં તો બચ્ચાંઓ જીવતાં ભૂંજાયાં હતાં. શરમ છે, ખરેખર શરમ છે કે આવી ઘટના આપણે ત્યાં ઘટે છે અને એ પછી આપણે ન્યાય માટે ચાર વર્ષ સુધી રાહ જોતા હોઈએ છીએ. ન્યાયાલયે આ ઘટનામાં વહેલી તકે દોષીઓને સજા આપવાનું કામ કરવું જોઈએ જેથી જે ખરેખર નિર્દોષ હતા અને એ પછી પણ પકડાયા હતા એના પરથી એ કાળી ટીલી દૂર થાય અને જેનો વાંક હતો અને એ પછી પણ જામીન પર બહાર ફરે છે એ સળિયા પાછળ જાય.