વૅલેન્ટાઇન્સ ડે

11 February, 2024 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખી વાર્તા અહીં વાંચો

પ્રતીકાત્મક તસવીર

અદ્વિકા અધીરાઈથી વારંવાર દલ લેકની સામે આવેલી રેસ્ટોરાંની બારીમાંથી બહાર જોયા કરતી હતી. તેણે ફરી એક વાર પોતાની ઘડિયાળમાં સમય જોયો. સાંજના પાંચ વાગવામાં હજી દસ મિનિટની વાર હતી.
‘આર્મીમૅન તો સમયના પાબંદ હોય છે, પણ હું જ વહેલી આવી ગઈ.’ અદ્વિકા જાત પર જ હસી પડી, પણ કોઈ જુએ તો... એ વિચારથી તરત સભાન થઈને ફરીથી બારીની બહાર જોવા લાગી.
‘પ્રેમમાં પ્રતીક્ષા કેટલી દુષ્કર લાગે છે?’ તે મનોમન વિચારવા લાગી. હજી થોડા સમય પહેલાં તો ઓળખતા પણ નહોતા.
પાડોશી દેશના ઉશ્કેરણીજનક હુમલાના જવાબમાં ભારતની જાંબાઝ વાયુસેનાએ વળતી સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ભારતની વાયુસેનાના યુવાન પાઇલટ કૅપ્ટન આદિત્ય શર્માએ ઉચ્ચતમ વીરતાનું પ્રદર્શન કરીને દુશ્મન દેશનું ફાઇટર પ્લેન તોડી પાડ્યું હતું તથા દુશ્મનની અનેક છાવણીઓ અને ભૂગર્ભ સુરંગોનો નાશ કરી હેમખેમ પાછા ફરીને ભારતની શાન વધારી દીધી હતી.
અવારનવાર ટીવી અને અખબારમાં ઝળકતો ચહેરો અદ્વિકાને રોમાંચિત કરી નાખતો હતો.
કાશ્મીરની ટૂર પર જવા અદ્વિકા અને તેની બે સહેલીઓ કાવ્યા અને રીવા દિલ્હી ઍરપોર્ટ પર શ્રીનગરની ફ્લાઇટ માટે વહેલી જ પહોંચી ગઈ હતી. હવે ઍરપોર્ટ પર સમય વિતાવવા તેઓ આમતેમ ફરતી હતી. ત્યાં સામેથી ચાર યુવાનો આવી રહ્યા હતા. અદ્વિકા હર્ષથી બોલી ઊઠી : કૅપ્ટન આદિત્ય શર્મા...
આસપાસના બધા લોકો ભારતના યુવાન હીરોને જોવા એકઠા થઈ ગયા. ​સિ​વિલ ડ્રેસમાં હોવા છતાં ઓળખી જવા બદલ આદિત્ય અદ્વિકા સામે હેરતભરી નજરથી જોઈ રહ્યો. અદ્વિકા દોડતી નજીક આવી અને વેલ ડન કૅપ્ટન આદિત્ય બોલીને તાળી પાડી ઊઠી. અદ્વિકા સાથે બધા લોકો જોડાયા અને આદિત્યનું અભિવાદન કરવા લાગ્યા. આ તકનો લાભ લઈને અદ્વિકાએ પર્સમાંથી પેપર અને પેન કાઢી આદિત્ય સામે ઑટોગ્રાફ માટે ધર્યાં.

આદિત્યએ એક હાથ હૃદય પર મૂકીને નમ્રતાથી સૌને ‘થૅન્ક યુ’ કહ્યું અને અદ્વિકાના હાથમાંથી પેપર લઈ લીધો. તેના અચરજ વચ્ચે પેપર પર એક ફોન-નંબર લખેલો હતો. તેણે માર્મિક હસતાં સહી કરી અદ્વિકાને પેપર પાછો આપી દીધો. હવે ટોળું વધી જશે તો સિક્યૉરિટી જોખમાશે એમ વિચારીને ચારે યુવાનો ઝડપથી જતા રહ્યા.
ઘણા દિવસો થઈ ગયા પછી અદ્વિકા પણ ફરવામાં એ વાત ભૂલી ગઈ.
અચાનક તેમનો શ્રીનગરમાં છેલ્લો દિવસ હતો ત્યારે અદ્વિકાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો...
‘હલો... કોણ?’
સામે છેડેથી શાંતિ રેલાઈ...
‘હલો... કોણ છો? આ નંબર ક્યાંથી મળ્યો?’
‘જુઓ... એક તો તમે જ નંબર આપો અને પછી ભૂલી જાવ એ કેમ ચાલે?’ સરસ મર્દાના અવાજમાં સહેજ હાસ્ય ભળ્યું.
 ‘ઓ... આદિત્ય... આઇ મીન કૅપ્ટન આદિત્ય.’
‘નજીકના લોકો માટે આદિ... અરે, તમે ચૂપ કેમ થઈ ગયાં?’
‘હું નજીકના લોકો માટેના ​લિસ્ટમાં આવું છું?’
‘હાસ્તો વળી, એટલે તો ફોન કર્યો.’
‘તો ફોન કરવા આટલો બધો સમય કેમ લીધો?’
‘અદ્વિકા, મેં હમણાં જ એક ખતરનાક મિશન પાર પાડ્યું છે. નૅચરલી દુશ્મન પોતાનું વઢાયેલું નાક ફરીથી ચોંટાડવા મારા પર બદલો લઈ શકે. મને કોઈ હની ટ્રૅપમાં ફસાવી શકે, અપહરણ કરી શકે. એ માટે મારે તારું બૅકગ્રાઉન્ડ તપાસવું હતું. થૅન્ક ગૉડ બધું બરાબર નીકળ્યું.’
‘અમે કાલે શ્રીનગર છોડી દઈશું આદિ...’
‘અરે, એમ કંઈ થોડા જવાય? હજી તમે શ્રીનગર બરાબર જોયું ક્યાં છે? અને પરમ દિવસે વૅલેટાઇન્સ ડે છે. આપણે મળીશુંને?’
અદ્વિકા મનોમન મલકાતી રહી. કેટલું ઝડપથી બધું બની ગયું. આ બે દિવસમાં દર કલાકે આદિત્યનો ફોન આવતો રહેતો. મળ્યા વગર લાગતું હતું કે જન્મોજનમની ઓળખાણ છે.
બરાબર પાંચના ટકોરે આદિત્ય દૂરથી આવતો દેખાયો. આમ તો પહેલાં જોયો હતો, પણ આજે નજરમાં પ્રેમ ભળી ગયો એટલે અદ્વિકા પલક મારવાનું પણ ભૂલી ગઈ એટલો સરસ દેખાતો હતો.
છ ફુટની ઊંચાઈ સાથે સ્નાયુબદ્ધ શરીર પર રૉયલ બ્લુ કલરનું ટી-શર્ટ ઓપી રહ્યું હતું. એવિયેટર સનગ્લાસિસથી શોભતો ચહેરો હૅન્ડસમ લાગી રહ્યો હતો. રેસ્ટોરાંમાં પ્રવેશ્યો અને સઘળાનું ધ્યાન ખેંચાયું.
‘હાય બેબી... સૉરી ટુ કીપ યુ વેઇટિંગ...’ કહીને અદ્વિકાને હળવું આલિંગન આપ્યું.
‘થૅન્ક યુ અદ્વિકા, વધુ રોકાઈ જવા બદલ. બસ, હજી આજે જ ફ્રી થયો છું. મારે વૅલેટાઇન્સ ડે તો તારી સાથે જ વિતાવવો હતો.’
‘બાય ધ વે, તારી ફ્રેન્ડ્સ ક્યાં છે?’

‘નજીકમાં જ છે. આપણને એકલા મૂકવા માગતી હતી.’ કહેતાં અદ્વિકા થોડું શરમાઈ.
ક્યાંય સુધી વાતો ચાલતી રહી. સહેજ અંધારું ઊતરવા લાગ્યું. રીવા અને કાવ્યા પણ આવી ગઈ.
‘ઓકે... તો અદ્વિતા, આપણે રીવા અને કાવ્યાને તમારી હોટેલ પર છોડીને એક સ્પેશ્યલ જગ્યાએ જઈશું.’ આદિત્યએ ઊભા થતાં કહ્યું. બધા આદિત્યની ગાડીમાં ગોઠવાઈ ગયા.
આદિત્યની ગાડી હોટેલનો ઢાળ ઊતરી બીજી પહાડી પર ચડવા લાગી. ગાડીમાં રોમૅન્ટિક ગીતો વાગતાં હતાં અને ત્રણે છોકરીઓ ગીત સાથે સૂર મિલાવી રહી હતી. હવે ઘાટ થોડો નિર્જન ભાસતો હતો. સૂરજ આજના દિવસનું કામ આટોપીને પહાડોની પાછળ સરકવાની તૈયારીમાં હતો.
આદિત્યએ ​રિઅર મિરરમાં જોઈને નોંધ્યું કે એક જીપ છેક હોટેલથી પીછો કરી રહી છે. તેણે ગાડીની ઝડપ વધારી, પણ પહાડ પરના સાંકડા વળાંક પર એ શક્ય નહોતું. એક અજાણી આશંકા તેને ઘેરી વળી. પીછો કરતી જીપ પણ ગતિ વધારીને એકદમ પાછળ આવી ગઈ. આદિત્યએ એને સાઇડ આપી, પણ એ ઓવરટેક ન કરીને પાછળ જ આવતી રહી. હવે આદિત્યને પાકો વિશ્વાસ થઈ ગયો કે દાળમાં કંઈક કાળું છે.

તેણે મ્યુઝિક ધીમું કરીને ત્રણે છોકરીઓને વાકેફ કરી અને હિંમત રાખવા કહ્યું. રીવા અને કાવ્યા ડરની મારી રડવા જ લાગી.
હજી બરાબર અડધી મજલ બાકી હતી. પાંચ મિનિટ પછી એક વળાંક આવ્યો જ્યાં પહાડની એક તરફ ઊંડી ખીણ હતી અને બીજી તરફ પથ્થરની મોટી ​શિલાઓ હતી.
આદિત્ય કંઈ વિચારે એ પહેલાં જ જીપ એકદમ ઓવરટેક કરીને આડી ઊભી રહી ગઈ.
ફટાક કરતો દરવાજો ખૂલ્યો અને હાથમાં બંદૂક સાથે બુકાનીધારી માણસ દોડતો આવી પહોંચ્યો. તેણે ધડ કરીને આદિત્યની સાઇડની વિન્ડો પર નાળચું ઠોક્યું અને કાચ નીચે કરવાનો ઇશારો કર્યો.

આદિત્ય પાસે ગન નહોતી અને ત્રણ યુવાન છોકરીઓની જવાબદારી હતી.
તેણે કાચ નીચે કર્યો.
‘એ હીરો, ચલ નીચે ઉતર. ઔર તુમ સબ હિરોઇન ભી ઉતરો... અભી.’
ત્યાં સુધીમાં બીજો શખ્સ પણ આવી ગયો. તેણે અદ્વિકા તરફનો દરવાજો ખોલી નાખ્યો અને ગન તાકીને ઊભો રહ્યો.
‘કૌન હો તુમ? ક્યા ચાહિએ?’ આદિત્યએ સંયત સ્વરમાં પૂછ્યું.
‘તેરા સર... બહુત ઉંચા હો ગયા હૈ ના... આજ થોડા કાટ લેંગે.’
‘દેખો, ઐસા કુછ ભી નહીં હૈ. તુમ ચાહો તો મૈં સારે પૈસે દેને કે લિયે તૈયાર હૂં.’ આદિત્ય સમજાવટના સ્વરે બોલ્યો.
‘વો ભી લેંગે બેટે, પર પહલે તેરી ગર્લફ્રેન્ડ્સ કે સાથ ખેલ લેં. યે સબસે ખૂબસૂરત હૈ વો તેરીવાલી હૈ ના... બહૂત દિનોં સે પીછા કર રહે હૈં તેરા... ચલો, સબ લાઇન મેં ખડે હો જાઓ.’
‘બહૂત હવા મેં ઉડતા હૈના કૅપ્ટન, આજ તેરી માશૂકા ઔર ઉસકી સહેલીઓ કો હમસે બચાકે દેખ.’
‘પ્લીઝ... ઇન તીનોં કો જાને દો. આપકો મુઝસે દુશ્મની હૈ તો મુઝે મારો...’ આદિત્ય સમય વર્તીને બોલ્યો.
‘અરે, મરને સે ક્યા હોગા? સહી બદલા તુઝે તડપાકર મિલેગા. તેરી વજહ સે તીન માસૂમ ​ઝિંદગી બરબાદ હો જાએગી ઐસા હાલ ઉનકા કરેંગે.’
આદિત્યએ અસહાયતાથી આસપાસ જોયું. કોઈ મુસાફર ગાડી લઈને આવે તો...
‘તુઝે બચાને કોઈ નહીં આએગા. હમને દોનોં તરફ સે રાસ્તા બંધ કર દિયા હૈ... સમઝે.’ કહીને એક જણે આદિત્યને જોરથી લાફો માર્યો. તેણે રીવાને જોરથી પોતાના તરફ ખેંચીને તેનો દુપટ્ટો લઈ લીધો અને આદિત્યના હાથ આગળથી બાંધી દીધા.

રીવા અને કાવ્યા બેહદ ગભરાઈને કાલાવાલા કરવા લાગી.
અદ્વિકા એ જોઈ ન શકી. તેણે એક નજર આદિત્ય તરફ નાખી અને હિંમતથી બંને આતંકવાદી સામે આવીને ઊભી રહી.
‘દેખો, આપકો આદિત્ય સે બદલા લેના હૈ, તો મૈં ઉસકી મંગેતર હૂં. આપ મેરે સાથ જો કરના હૈ કરિએ, મગર યે દોનોં કો છોડ દીજિયે પ્લીઝ...’
‘વાહ, બડી સમઝદાર લડકી હૈ. અભી હિંમત દિખા રહી હૈ. જબ તેરી અશ્લીલ રીલ સોશ્યલ મીડિયા મેં આએગી તબ પતા ચલેગા.’
આદિત્ય રાડ પાડી ઊઠ્યો. બદલામાં તેને વધુ માર પડ્યો.
‘પ્લીઝ, મત મારીએ. મૈં તૈયાર હૂં. લે ચલિએ જહાં જાના હૈ.’ અદ્વિકા આજીજીપૂર્વક બોલી.
‘ઠીક હૈ... જાના કહીં નહીં હૈ. તેરે આશિક કે સામને હી તૂ કપડે ઉતારેગી ઔર હમ વિડિયો લેંગે...’
બંને જણે એક હાથમાં બંદૂક તાકીને બીજા હાથે મોબાઇલ બહાર કાઢ્યો. એકે ટૉર્ચ ચાલુ કરી અને બીજાએ વિડિયો ન કર્યો.
‘અદ્વિકા, આઇ ઍમ સૉરી. મારે લીધે તારે આજે ભોગવવું પડે છે. હું તને ખૂબ જ ચાહું છું અને કંઈ પણ થાય, જો જીવિત રહીશ તો તારી સાથે જ લગ્ન કરીશ. આઇ લવ યુ.’ કહેતાં આદિત્યની આંખ વરસી રહી. તેણે ફરી વાર આકાશમાં અસહાયતાથી જોયું. કદાચ ગજેન્દ્ર મોક્ષના હાથીએ આટલી આર્તતાથી નારાયણને પોકાર્યા હશે.
‘ચલ બે હિરોઇન, શુરૂ હો જા...’ આતંકવાદીના શબ્દો વાદળમાંથી બહાર આવતાં બે હેલિકૉપ્ટરના અવાજમાં ડૂબી ગયા. એક જોરદાર પ્રકાશનો શેરડો નીચે ફેંકાયો.
બંને શખ્સ કંઈ સમજે એ પહેલાં નીચે આવી ગયેલા એક હેલિકૉપ્ટરમાંથી સનનન ગોળીઓ છૂટી અને બંને આતતાઈના પગને વીંધી ગઈ.
દર્દભરી ચીસોથી પહાડી ગૂંજી ઊઠી. એટલામાં તો સાઇરન વગાડતી પોલીસની જીપ પણ આવી પહોંચી અને બંનેને તાબામાં લઈ લીધા.
આદિત્યના હાથ છોડવામાં આવ્યા. તે જોરથી અદ્વિકાને ભેટી પડ્યો.
‘અદ્વિકા, મારા કારનામા પછી મને વીંટીના રૂપમાં એક પૅનિક બટન આપવામાં આવ્યું છે. મેં હાથ બંધાતાં પહેલાં જ ઑન કરી દીધેલું.’
‘ઓ આદિ... પ્રાઉડ ઑફ યુ.’
પોલીસ ઑ​ફિસરે આદિત્ય પાસે આવીને સૅલ્યુટ કરી.
‘થૅન્ક યુ ઑ​ફિસર.’ આદિત્યએ સૅલ્યુટ ઝીલતાં કહ્યું.
ઑ​ફિસર સ્મિતસહ બોલ્યો... 
‘હૅપી વૅલેટાઇન્સ ડે બોથ ઑફ યુ.’

columnists gujarati mid-day