અપ-ડાઉન

31 March, 2024 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખી વાર્તા અહીં વાંચો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મૌલિક થોડા દિવસથી તેના રોજિંદા જીવનમાં આવેલા બદલાવથી ખુશ હતો, કારણ હતું કાવ્યા.
મુંબઈ જેવા મહાનગરમાં કરોળિયાના જાળાની જેમ પથરાયેલા લોકલ ટ્રેનોના થોડો ઓછો વિકાસ પામેલા વસઈ-દિવા રૂટ પર વસઈ રહેતો અને અપ-ડાઉન કરતો ૨૮ વર્ષનો ઊંચો હૅન્ડસમ યુવાન મૌલિક સંઘવી પનવેલમાં આવેલી એક કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતો હતો.
સવારે ૯ વાગ્યાની વસઈથી શરૂ થતી એ લોકલ ટ્રેનમાં રોજનું મિત્રવર્તુળ અને બીજા સહ-પ્રવાસીઓ સાથેનો એક-દોઢ કલાક મસ્તી-મજાક અને ગપ્પાં-ગોષ્ઠિમાં ક્યાં પસાર થઈ જતો એની ખબર જ ન રહેતી. ફરી પાછા વળતી વેળાએ સાંજે ૭ વાગ્યાની પનવેલથી દહાણુ જતી મેમુ શટલ પકડીને વસઈ ઊતરી ઘરે પહોંચી જતો. લગભગ રોજનો આ ક્રમ હતો, પણ છેલ્લા એક અઠવાડિયાથી આ અપ-ડાઉન પ્રવાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું હતું, એ પ્રકરણનું નામ હતું કાવ્યા.
રોજના પ્રવાસી ગણમાં ખૂબસૂરત, ભાવવાહી આંખો, લિપસ્ટિકની જરૂર પણ ન પડે એવા આછા ગુલાબી હોઠ, કાળી સોનેરી લટો ધરાવતી ઠીકઠાક લાંબી કેશરાશિ, સુરાહીદાર ગરદન પર શોભતા ચેહરા વાળી અને સપ્રમાણ દેહ્યષ્ટિ ધરાવતી સહ-પ્રવાસી કાવ્યા ઉમેરાઈ હતી.

કાવ્યાને જોઈને મૌલિક પોતાનું દિલ હારી બેઠો હતો. મેમુ લોકલની એક ભાગની ૬ સીટ પર મૌલિક અને તેના મિત્રો બેસતા અને બીજી બાજુ બીજી ૬ સીટ પર કાવ્યા, તેની ત્રણેક નવી બનેલી બહેનપણીઓ તથા બચેલી બેઠકો પર અન્ય પ્રવાસીઓ બેસતા. ટ્રેનનો ડબ્બો રોજનો એ જ રહેતો, પણ ક્યારેક બેઠકની જગ્યા આમતેમ અદલાબદલી થઈ જતી.
ક્યારેક કાવ્યા મૌલિક તરફની બેઠકો પર ગોઠવાઈ જતી, તો ક્યારેક મૌલિક જગ્યા ઓછી પડે તો કાવ્યા તરફની બેઠકો તરફ સરકી જતો. સાંજની વેળાએ કાવ્યા એકાદ કલાક વહેલી નીકળી જતી અને એ સમયની મેમુ પકડી લેતી.
આ સહ-પ્રવાસને લગભગ ત્રણેક મહિના થઈ ગયા હોવા છતાં મૌલિક અને કાવ્યા વચ્ચે ક્યારેક નજર એક થઈ જતાં એકાદ આછેરા સ્મિત સિવાય બીજો કોઈ વ્યવહાર શરૂ નહોતો થયો.
હા, મૌલિકનો નજીકનો મિત્ર શ્યામ જે સાથે રોજ એ મેમુમાં જ જતો તે મૌલિકનું મન કળી ગયો હતો. એક દિવસ મેમુમાં મૌલિક જ્યારે ચોરનજરથી કાવ્યાને જોઈ રહ્યો હતો ત્યારે શ્યામે તેની નજર પકડીને પાછળ પીઠમાં હળવેકથી ધબ્બો મારતાં કહ્યું હતું...

‘જવા દે મૌલિયા... તું જે ઝંખી રહ્યો છે એ તારી પહોંચની બહાર છે. તું એક સ્થાનિક કંપનીના પરચેઝ વિભાગમાં કામ કરતો જુનિયર ઑફિસર. એક હજારના વેતનવધારા માટે તારે કેટલાં વૈતરાં કરવાં પડે છે અને તે બાજુની આપણાથી મોટી, મલ્ટિ નૅશનલ કંપનીમાં અસિસ્ટન્ટ મૅનેજરના મોટા હોદ્દાની ઇન્ટર્નશિપ ટ્રેઇનિંગ માટે એક વર્ષ માટે આવેલી સ્ટાફ-મેમ્બર. જમીન-આસમાનનો તફાવત છે દોસ્ત. એવાં સપનાં ન જોઈશ જે પૂરાં થવાની સંભાવનાઓ નહીં બરાબર હોય.’
શ્યામની વાત સાચી હતી. કાવ્યા આમ ગુજરાતી, પણ દક્ષિણ ભારતના ઊભરતા શહેર હૈદરાબાદમાં જન્મેલી અને સ્થાયી થયેલી છોકરી હતી જે ટ્રેઇનિંગ માટે થોડો સમય મુંબઈ આવી હતી. જ્યાં મૌલિક રહેતો હતો એ વસઈના અંબાડી રોડથી થોડે દૂર અંદર આવેલા એક ગામમાં ભાડે લીધેલા ફાર્મહાઉસમાં તેના રિટાયર ફૌજી પિતા સાથે રહેતી હતી. એ લોકો વધુ ભણેલા તથા ગર્ભશ્રીમંત લોકો હતા અને મૌલિક એમકૉમ સુધી માંડ પહોંચેલો અને એક સારા પગારવાળી નોકરી દ્વારા પરિવારને સ્થાયી કરવા માગતો, સંઘર્ષ કરતો એક આમ યુવાન.
મૌલિક અને કાવ્યા વચ્ચે કોઈ સરખામણી શક્ય જ નહોતી એથી વાસ્તવિકતાને સ્વીકારીને મૌલિકે કાવ્યા સાથેનાં સપનાંઓ પર લગભગ પૂર્ણવિરામ મૂકી દીધું હતું. હાલ તે રોજ ચોરનજરથી એકાદ વાર કાવ્યા અને તેની આંખો ઉલાળતી મસ્તીભરી અદાઓને જોઈ રહેતો.

મૌલિકને લખવાનો ઘણો શોખ હતો. કવિતાઓ, ગઝલો, વાર્તાઓ... ખાસ કરીને પોતાની રોજની ડાયરીમાં તેણે કાવ્યા માટેના એકપક્ષી પ્રેમનો એહસાસ શબ્દોમાં વણીને ટપકાવી રાખ્યો હતો.
આમ જ દિવસો વીતતા રહ્યા અને ચોમાસું બેઠું. અસહ્ય ઉકળાટ પછી જુલાઈ મહિનાની વરસાદી ફુહારો પણ એ ટ્રેન-સફરમાં ઉમેરાઈ. જોતજોતાંમાં એ ફુહારો અનરાધાર તોફાની વરસાદમાં બદલાતી ગઈ અને મુંબઈ જળબંબાકાર બનતું ગયું. આવી જ એક તોફાની વરસાદી સાંજે ઑફિસો ખાલી થવા માંડી. લોકો ઘરે પહોંચવા રોજ કરતાં વહેલા ભાગ્યા. મૌલિકને એક જરૂરી કામ પતાવતાં થોડી વાર લાગી અને તે મોડી સાંજે ઑફિસથી નીકળ્યો અને ભારે વરસાદ વચ્ચે અટવાતો પનવેલ સ્ટેશન પહોંચ્યો ત્યાં સુધીમાં તેની રોજવાળી મેમુ ટ્રેન નીકળી ચૂકી હતી. હવે પછીની લોકલ અડધા કલાક પછીની હતી. તે એક બેન્ચ પર બેસી ગયો અને લોકલ ટ્રેનની રાહ જોવા લાગ્યો. લગભગ ૧૫ મિનિટ પછી સ્ટેશન પર એક સૂચના અપાઈ, ‘આગળ પાટા પર પાણી ભરાઈ ગયાં હોવાને કારણે હવે પછીની લોકલ ટ્રેનો કૅન્સલ થઈ છે.’

મૌલિક ગૂંચવાયો. કારણ કે રદ થયેલી આ મેમુ વસઈ તરફ જનારી છેલ્લી ટ્રેન હતી. તે વિચારવા લાગ્યો કે હવે શું કરવું. ત્યાં જ પાછળથી સ્લીવલેસ બ્લાઉઝ સાથે આછી રેશમી, થોડી ભીની થઈ ગયેલી સાડી સંકેલતી તથા ખોલેલી છત્રી બંધ કરવાની કોશિશ કરતી આવી રહેલી કાવ્યા દેખાઈ. તેના ચહેરા પર આવેલી વરસાદી બૂંદો ત્યારે તેને વધુ ખૂબસૂરત બનાવી રહી હતી.
તે લગભગ મૌલિકની પાસે આવીને ઊભી રહી ગઈ ત્યાં સુધી તેનું ધ્યાન મૌલિક પર નહોતું. મૌલિક સાથે નજર મળતાં જ મૌલિકે જાણે તેને હમણાં જ જોઈ હોય એવો ડોળ કરવા લાગ્યો. આજે પહેલી વાર કાવ્યા મૌલિક સાથે વાત કરતી હતી.

‘ઓહ! આજે તમે પણ મારી જેમ મોડા પડ્યા એમ? આજે મને પણ મોડું થઈ ગયું. હવે આપણી બીજી ટ્રેન ક્યારે આવશે?’ કાવ્યા સુમધુર અવાજમાં બોલી.
‘આમ તો ત્રીસેક મિનિટ પછી આવવાની હતી, પણ ભારે વરસાદને કારણે એ ટ્રેન રદ થઈ ગઈ હોવાની ઘોષણા હમણાં જ થઈ...’ મૌલિકે કાવ્યાની કાજલી મોટી આંખો સામે જોતાં કહ્યું.
‘મારી ટ્રેનવાળી એક બહેનપણીએ કહ્યું કે અહીંથી દાદર તરફની લોકલ ટ્રેન પકડીને ત્યાંથી પાછી વસઈ માટે બીજી ટ્રેન પકડીને પહોંચી શકાય... તમને તો એ ટ્રેન-રૂટ ખબર જ હશે. ચાલો ત્યાંથી જઈએ.’

કાવ્યા સડસડાટ બોલી ગઈ અને બદલામાં મૌલિકે શાંતિથી આછું હસતાં જવાબ આપ્યો,
‘આખા મુંબઈમાં ભારે વરસાદ છે. મેં તપાસી લીધું. એ તરફ જનારી બધી ટ્રેનો યા તો કૅન્સલ થઈ ચૂકી છે, યા તો જે જઈ રહી છે એ પાટા પર પાણી ભરાવાને કારણે વચ્ચે જ અટકી ગઈ છે.’
‘તો હવે ઘરે કેવી રીતે જઈશું?’ કાવ્યાના ચહેરા પર ચિંતાના ભાવ ઊપસી આવ્યા.
‘એક રસ્તો છે... ભલે થોડો સમય લાગશે, પણ ઘરે પહોંચી જવાશે. અહીંથી રાજ્ય સરકારની બસ એ તરફ જતી હોય છે. મને ક્યારેક ઑફિસમાં કોઈ કામને કારણે મોડું થયું હોય ત્યારે હું ઘણી વાર એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી) બસમાં ગયો છું. અહીંથી ભિવંડી સુધી ગમે તેમ પહોંચી જઈએ. ત્યાંથી એ બસ ઊપડશે. થોડી ફરીને જશે, પણ લગભગ એક-દોઢ કલાકમાં વસઈ પહોંચાડી દેશે.
‘જો તમને ફાવે તો આપણે એ રસ્તે જઈએ. બીજા રસ્તાઓ પર ટ્રાફિક જૅમ હશે એટલે પ્રાઇવેટ ટૅક્સીઓનો વિકલ્પ પણ વ્યર્થ છે. જલદી પહોંચવાની ઉતાવળ હોય ત્યારે આવા ફરીને જનારા વાહનવ્યવહારમાં લોકોને રસ ઓછો હોય, એટલે આપણને ભીડ પણ નહીં નડે...’ મૌલિક એકસાથે બોલી ગયો.
કાવ્યાએ પોતાની કાંડા ઘડિયાળમાં જોતાં કહ્યું, ‘ચાલો એ રસ્તે જઈએ.’
 બન્નેએ એક ઑટો પકડી ભિવંડી પહોંચીને રાજ્ય સરકારની થોડી ખખડધજ બસ પકડી લીધી અને વસઈ જવા રવાના થયાં. બસ એની ગતિએ ચાલી રહી હતી. બહાર વરસાદ લગભગ બંધ થઈ ચૂક્યો હતો. રાત થઈ ચૂકી હતી. 
આજે તો જાણે મૌલિકની લૉટરી જ લાગી ગઈ હતી. તેનું મનગમતું પાત્ર તેની બાજુમાં અડોઅડ બેઠું હતું. તે આ થોડા વખતના સંગાથની ક્ષણોને પોતાના શ્વાસમાં ભરીને માણી રહ્યો હતો. બન્ને વચ્ચે ઘણી વાતો થઈ. પરિવારની, ઑફિસના કામની, એકબીજાના શોખની.
‘તમે એ જ મૌલિક સંઘવી છોને?
જેની ટૂંકી વાર્તાઓ અવારનવાર ગુજરાતી ‘મિડ-ડે’ના રવિવારની ‘શૉર્ટ સ્ટોરી’ કૉલમમાં છાપાતી હોય છે!’
મૌલિક આશ્ચર્ય પામ્યો અને પૂછ્યું, ‘તમને કેવી રીતે ખબર?’

જવાબમાં કાવ્યાએ સ્મિત આપતાં કહ્યું, ‘મારા ઘરે એ જ અખબાર આવે છે. તમારી લગભગ બધી જ વાર્તાઓ વાંચી છે. બહુ સરસ લખો છો. વાર્તા સાથે તમારો ફોટો પણ છાપાતો હોય છે એટલે તમને જોવાથી ઓળખું છું, પણ ટ્રેનમાં પોતપોતાના વર્તુળમાં બિઝી હોવાથી ક્યારેય આપણી વચ્ચે વાતો નથી થઈ શકી.’
મૌલિક માટે તો આ બધું સપનાથી ઓછું નહોતું! મૌલિકને કાવ્યા પહેલેથી ઓળખતી હતી અને તેની વાર્તાઓની કાયલ હતી એટલું જ મૌલિકને પોરસાવા માટે પૂરતું હતું.
લગભગ પોણા કલાક પછી ચિંચોટી હાઇવેથી વળાંક લઈને એક કાચા-પાકા રસ્તા પાસેથી પસાર થતી વખતે બસના ટાયરમાં પંક્ચર પડ્યું અને કન્ડક્ટરે કહ્યું કે ‘ટાયર બદલીને બસ ઉપાડતાં લગભગ અડધો કલાક લાગશે...’ એટલે બીજા મુસાફરોની જેમ મૌલિક અને કાવ્યા પગ છૂટો કરવા રસ્તા પર લટાર મારવા નીકળ્યાં.
માદક વાતાવરણમાં ચાંદની પથરાયેલા ભીના રસ્તે આંખોના ખૂણેથી જોઈ લેતી કાવ્યા સાથે ચાલતાં-ચાલતાં મૌલિકે પોતાની અમુક કવિતાઓ પણ તેને સંભળાવી હતી. એ રાતે મોડું થતાં મૌલિક કાવ્યાને મૂકવા છેક તેના ઘર સુધી ગયો હતો અને તેના કરડો ધારદાર ચહેરો ધરાવતા રિટાયર ફૌજી પિતાના મજબૂત પણ આભાર માટે લંબાયેલા હાથમાં હાથ મિલાવીને પોતાના ઘરે પહોંચ્યો હતો.
એ ઘટના પછી ટ્રેનના અપ-ડાઉનનું જાણે વાતાવરણ જ બદલાઈ ગયું હતું. મૌલિક અને કાવ્યા એક સીટ પર બાજુબાજુમાં બેસીને સફર કરવા લાગ્યાં હતાં અને તેમનાં સ્ટેશન આવી જતાં તેમની વાતો ખૂટતી નહોતી એવો માહોલ બની ગયો હતો.
આમ ને આમ બીજા બે-ત્રણ મહિના વહી ગયા. એક સવારે ટ્રેનની સફર દરમ્યાન કાવ્યાએ મૌલિકને કહ્યું, ‘કાલે શનિવાર છે. કાલે ઑફિસથી થોડો વહેલો નીકળજે. કાલે આપણે ક્યાંક બહાર કૉફી પીવા સાથે જઈશું.’

‘કેમ કાલે કંઈ ખાસ છે? તારો જન્મદિવસ કે કંઈ એવો બીજો ખાસ દિવસ!’ મૌલિકે જાણવા ખાતર પૂછ્યું.
‘હા, કાલે અહીં મારી ટ્રેઇનિંગ પૂરી થઈ રહી છે. અહીંની કંપનીમાં કાલે મારો છેલ્લો દિવસ છે. હવે મારે અમારી કોઈ એક બ્રાન્ચમાં અપૉઇન્ટમેન્ટ લેટર સાથે સીધું જોડાવાનું છે. ઑફિસના મિત્રોને ઑફિસમાં અને ટ્રેનના મિત્રોને સવારે ટ્રેનમાં જ ફેરવેલ પાર્ટી આપી દઈશ, પણ આ બધામાં તું મારો ખાસ મિત્ર છે એટલે તારા માટે કાલે સ્પેશ્યલ ટ્રીટ મારા તરફથી...’ કાવ્યાએ મૌલિક સામે જોઈને મસ્તીભર્યું સ્મિત આપ્યું. મૌલિકને સોય ખૂંચવા જેવી તીણી વેદના મનમાં ઊઠી, પણ તેણે પોતાના હાવભાવ પર પરાણે અંકુશ રાખીને સામે સ્મિત આપ્યું.
એ રાતે મૌલિક ઊંઘી ન શક્યો. તે ચાહતો હતો કે કાલે પોતાના મનની વાત કાવ્યાને કહી જ દે અને ગમે તેમ કરીને કાવ્યાને જતી રોકી લે, પણ પછી મિત્ર શ્યામે કહેલા શબ્દો યાદ આવ્યા અને પડખું ફેરવતાં એક ગમગીનીભર્યું સ્મિત લાવીને મનોમન મશહૂર પંક્તિઓ બબડવા માંડ્યો...

‘જિસ અફસાને કો અંજામ તક લે જાના ના હો મુમકિન... 
 ઉસ અફસાને કો એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા...’ 
બીજા દિવસે શનિવારે સાંજે ઑફિસથી થોડે દૂર આવેલી એક રેસ્ટોરાંમાં બન્ને સામસામે બેઠાં હતાં. મૌલિકે એક મોટું કવર કાઢીને કાવ્યાના હાથમાં મૂક્યું. કાવ્યાએ ઉત્સુકતાથી એ કવર ખોલ્યું તો એમાં
તેને મૌલિકે લખેલી વાર્તાઓ અને કવિતાઓનાં કટઆઉટ્સ થોડા ડેકોરેશન કરીને મૂક્યાં હતાં.
‘હવે ખબર નહીં ક્યારે મળાશે? મળાશે કે નહીં એ પણ ખબર નથી. તને મારી વાર્તાઓ અને કવિતાઓ ગમે છેને? આ એનો આખો સંગ્રહ છે. ક્યારેક વાંચીશ તો એ બહાને મને યાદ કરીશ. સોશ્યલ મીડિયા દ્વારા સંપર્કમાં તો રહીશને?’ મૌલિક જાણે દર્દ છુપાવતો હોય એમ બોલ્યો.
‘હાસ્તો વળી... એમ કાંઈ થોડી ભૂલી જઈશ તને? તારી કંપની તો રોજ મિસ કરીશ...’ કાવ્યા પોતાનો ચહેરો પોતાના ટેબલ પર ટેકવેલી હથેળી પર મૂકતાં બોલી.
ચા-કૉફી-નાસ્તો થઈ ગયાં. બિલ ચૂકવાઈ ગયું. મૌલિક બેસિન તરફ ગયો અને હાથ ધોઈને પાછો આવ્યો ત્યારે તેના ટેબલ પર એક સફેદ રંગનું ઘડી વાળેલું ટિશ્યુપેપર પડેલું હતું.
મૌલિકે એ ખોલ્યું તો એની અંદર હોઠના આકારવાળાં લિપસ્ટિકનાં નિશાન હતાં અને એની નીચે મૌલિકની જ એક કવિતાની ચાર પંક્તિઓ લખેલી હતી...
‘હરિયાળી પણ ગમે છે અને રણ
પણ ગમે છે, 
તમે સાથે હો એ દરેક ક્ષણ મને ગમે છે, 
નફરતોના કાંકરાઓથી ખૂંચતી આ દુનિયામાં 
અમને તમારા પ્રેમનો કણ-કણ
ગમે છે...’

મૌલિકે એ વાંચ્યા બાદ સુખદ આશ્ચર્ય સાથે કાવ્યા સામે જોયું તો કાવ્યા પોતાની પાંપણ ઝુકાવીને શરમથી ગુલાબી થઈ ગયેલા ચહેરે બેઠી હતી. મૌલિકે ટેબલ પર મૂકેલા કાવ્યાના કોમળ ગોરા હાથ પર પોતાનો હાથ મૂકતાં કહ્યું...
‘હવે જઈએ? નહીંતર આજે ટ્રેન પાછી છૂટી જશે...’ અને કાવ્યા શરમાતા ચહેરે બોલી હતી,
‘આજે ટ્રેન છૂટવા જ દઈએ... પાછાં જઈએ એ દિવસની જેમ... ફરી-ફરીને જતી બસમાં...’
બન્ને હસી પડ્યાં અને એ હાસ્યનો મીઠો રણકાર એ ઢળતી સાંજમાં વિલીન થઈ ગયો.

columnists gujarati mid-day