24 February, 2023 04:21 PM IST | Mumbai | Bhavini Lodaya
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
આજે આપણે બીજાને જોવાના ચક્કરમાં પોતાની જાત તરફ ધ્યાન આપવાનું ભૂલી ગયા છીએ. તો પછી કેવી રીતે પોતાની મેન્ટલ હેલ્થ આપણે સારી રાખી શકીશું? આજે આપણને આપણી કાબેલિયત નથી દેખાતી, પણ સામેવાળાની કાબેલિયત પર આપણું ધ્યાન તરત જ જાય છે. પરીક્ષામાં ક્વેશ્ચન પેપર બધાને સરખાં જ મળતાં હોય છે, પણ જિંદગી બધાને અલગ-અલગ ક્વેશ્ચન પેપર લાઇફમાં આપીને જાય છે.
ડિપ્રેશન એટલે ‘કેમિકલ ઇમ્બૅલૅન્સ’. ડિપ્રેશન અને સ્ટ્રેસ એ નવી સદીના રોગ છે. આ એક બદલાતી લાઇફસ્ટાઇલની બાય પ્રોડક્ટ છે. જ્યારે આપણી સહનશક્તિ ઘટે એટલે સમજવું કે શરીરમાં રોગ વધ્યા. કારણ વગરની ચિંતાથી આપણે ડિપ્રેશનના શિખર પર પહોંચીએ છીએ. આજે આપણને આપણા પ્રશ્નો સૉલ્વ કરતા જ નથી આવડતા, એનું કારણ મને લાગે છે કે આપણે પ્રૉબ્લેમને સ્વીકારવા જ તૈયાર નથી. મારી જનરેશનના યુવાનો પર ડિપ્રેશન હાવી થઈ રહ્યું છે અને લાઇફને બરબાદ કરી રહ્યું છે. ૧૬,૦૦,૦૦૦ બાળકોએ સોશ્યલ મીડિયા પર પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. લગભગ ૭૦ ટકા યુવાનો કમ્પેટિટિવ એક્ઝામ આપવાવાળા ડિપ્રેશનના શિકાર થયા છે અને ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા એ સૌથી મોટો ડિસીઝ થવાની તૈયારી કરી રહી છે. એકલતા અનુભવવી, વાતે-વાતે નિરાશ થવું, કૉન્ફિડન્સ ડેફિસેન્સી, પોતાને એક રૂમમાં બંધ કરી દેવી, પોતાનામાં આવડત નથી, હું કંઈ કરી નથી શકતો, હું એકદમ બેકાર વ્યક્તિ છું, દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને નેગેટિવ વિચારો કરતા રહેવાનું વલણ ખૂબ વધી ગયું છે.
આ પણ વાંચો: આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તમને ન વાપરે એનું ધ્યાન રાખો
યુુવાનોમાં ભણવાનું દબાણ અસહ્ય છે. જેના કારણે જાત પર સ્ટુડન્ટ્સને વિશ્વાસ જ નથી રહ્યો. એક વય પછી વ્યક્તિ ઘરના કંકાસ, પરિવારની ચિંતા, વધુ પડતી અપેક્ષાઓ; ઑફિસમાં પર્ફોર્મન્સનું દબાણ અનુભવતો જોવા મળે છે. આ નકારાત્મક ચક્ર છે જે ડિપ્રેશન લાવે છે. આ ડિપ્રેશનને જો આપણે કાયમ માટે પોતાની લાઇફમાંથી કાઢી નાખવું હોય તો હવે તો ઉપાયો પણ સહુને ખબર છે જ. મેડિટેશન, ડાન્સ કરવો, ગીતો સાંભળવાં, લોકો સાથે વાત કરવી, બીજા સાથે સમય વિતાવો, વાંચન શરૂ કરી શકાય તેમ જ મોટિવેશનલ સ્પીચ સાંભળી પોતાના પ્રૉબ્લેમ્સનું સૉલ્યુશન આવી જ શકે છે. પૉઝિટિવ કૉન્ફિડન્સ રાખવો, મને આવડશે અને હું કરીશ જ વગેરે જેવાથી આપણે ડિપ્રેશનમાંથી મુક્ત થઈ શકીએ.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)