01 December, 2024 05:18 PM IST | Mumbai | Rajendra Bhatia
શેરબજાર
પ્રતીક અને તેની પત્ની શીતલ હાલ ઇક્વિટી માર્કેટમાં આવેલા કરેક્શનથી ગભરાઈને માર્ગદર્શન લેવા માટે અમારી ઑફિસ આવ્યાં હતાં. તેમનો ડર સ્વાભાવિક હતો. અમે એક જ વાક્યમાં તેમને વાત સમજાવી દીધી. સર્ફ એક્સેલની જાહેરખબરનું ‘દાગ અચ્છે હોતે હૈં’ એ સૂત્ર શૅરબજારના કરેક્શનને પણ લાગુ પાડી શકાય છે. આવાં કરેક્શન રોકાણકારો માટે લાંબા ગાળે ઉપયોગી સાબિત થાય છે.
મેં તેમને વધુ એક કિસ્સો કહ્યો. મેં થોડા સમય પહેલાં અમેરિકાના જાણીતા રોકાણ સલાહકાર, લેખક અને પ્રશિક્ષક નિક મરીની ઑનલાઇન મીટિંગમાં ભાગ લીધો હતો. નિકે એ મીટિંગમાં કહ્યું હતું કે બજારમાં કરેક્શન આવ્યું હોય ત્યારે પોતાની સ્વસ્થતા ટકાવી રાખનાર રોકાણકાર જ સફળ નીવડે છે. તેમણે નસીમ તાલેબના પુસ્તક ‘ઍન્ટિ ફ્રેજાઇલ’નું ઉદાહરણ આપ્યું હતું. બજારના ઉતાર-ચડાવ સામે ઝીંક ઝીલીને ટકી રહેનાર વ્યક્તિ જ લાંબા ગાળે સંપત્તિ ઊભી કરી શકે છે. આવા લોકો દરેક કરેક્શન બાદ વધુ સારી સ્થિતિમાં આવતા હોય છે.
મેં પ્રતીક અને શીતલને કહ્યું કે નિફ્ટીમાં ૧૯૯૦થી અત્યાર સુધીનાં ૩૪ વર્ષોમાં લગભગ દર વર્ષે વચ્ચે-વચ્ચે ૧૦થી ૨૦ ટકા તથા દર પાંચ વર્ષના ગાળામાં સરેરાશ ૩૦ ટકાનું કરેક્શન આવ્યું છે. ૧૯૯૦, ૨૦૦૧ અને ૨૦૦૯માં તો ઇન્ડેક્સ ૫૦ ટકા સુધી ઘટી ગયો છે છતાં સરેરાશ વાર્ષિક ૧૪ ટકાના દરે વધીને નિફ્ટીમાં કુલ ૩૪ વર્ષમાં ૮૦ ગણી વૃદ્ધિ થઈ છે. આને ચક્રવૃદ્ધિનું ગણિત કહેવાય. જે રોકાણકાર ઇક્વિટી માર્કેટ મારફત સંપત્તિસર્જન કરવા ઇચ્છતા હોય તેમણે વચ્ચે-વચ્ચે આવ્યા કરતા ઘટાડાને સહન કરીને લાંબા ગાળા સુધી ટકી રહેવું આવશ્યક હોય છે.
આ તબક્કે પ્રતીકે બહુ અગત્યનો સવાલ કર્યો: ‘બજાર ટોચ પર હોય ત્યારે પોર્ટફોલિયો ખાલી કરીને બજાર તળિયે હોય ત્યારે ફરીથી પ્રવેશ કરવામાં આવે તો શું વધુ કમાણી ન થાય?’ મારો જવાબ આ હતો: ‘બજારમાં ક્યારે ટોચ આવશે અને ક્યારે તળિયું આવશે એ કોઈ કળી શકતું નથી. ૨૦૧૯માં નિફ્ટી ૧૨,૦૦૦ના સ્તરે હતો અને આજે ૨૩,૫૦૦ના સ્તરે છે. વચ્ચે કોવિડનો ભયંકર રોગચાળો આવ્યો અને હજી પણ યુદ્ધ ચાલી રહ્યાં છે છતાં ઇન્ડેક્સ લગભગ બમણો થઈ ગયો છે. જે લોકોએ ૧૨,૦૦૦ના સ્તરે બધું વેચી દીધું હશે તેમને કદાચ બજારમાં પછીથી એ સ્તરે પ્રવેશવા મળ્યું જ નહીં હોય અને હવે પછી પણ કદાચ નહીં મળે. આ જ રીતે બજારની ટોચને પણ કોઈ જાણી શકતું નથી. વાસ્તવમાં બજારમાં જ્યારે ઘણો ઘટાડો થઈ ગયો હોય ત્યારે રોકાણ કરવા માટેનો સર્વોત્તમ સમય હોય છે, પરંતુ અગાઉ કહ્યું એમ તળિયું પારખી શકાતું ન હોવાથી રોકાણકાર માટે સારામાં સારો રસ્તો લાંબા ગાળા માટે રોકાણ કરવું અને વચ્ચે-વચ્ચે ઘટાડો થાય ત્યારે રોકાણ કરવા માટે થોડા પૈસા અલાયદા રાખી મૂકવા.’
મારી સાથે વાત કર્યા બાદ પ્રતીક અને શીતલને ઘણી નિરાંત થઈ ગઈ.