11 December, 2024 04:44 PM IST | Mumbai | Sudhir Shah
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
૨૦૨૫ની ૨૦મી જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળશે અને તેઓ અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટ તરીકે કામગીરી બજાવશે. ઇમિગ્રન્ટો પ્રત્યેના અને ખાસ કરીને ઇલ્લીગલ ઇમિગ્રન્ટો પ્રત્યેના ટ્રમ્પના વિચારોથી વિશ્વમાં તો ખળભળાટ મચી જ ગયો છે.
આ પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે પ્રેસિડન્ટ પદ સંભાળ્યું હતું કે તરત જ ૨૦૧૭ની ૨૭ જાન્યુઆરીએ એક એક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડીને દુનિયાને દંગ કરી નાખી હતી. સાત મુસ્લિમ દેશોના રહેવાસીઓને અમેરિકામાં ફરવા આવવા માટે, ઇમિગ્રન્ટ તરીકે કાયમ રહેવા આવવા માટે તેમ જ રેફ્યુજી સ્ટેટસ મેળવવા માટેની તેમણે મનાઈ ફરમાવી દીધી હતી. તેમના ૨૦૧૮ની ૩૦ જાન્યુઆરીના સૌપ્રથમ યુનિયનના સંભાષણમાં તેમણે બૉર્ડર સિક્યૉરિટીને ખૂબ મોટું ફન્ડ આપવાનું, વીઝા લૉટરીને બંધ કરવાનું અને ફૅમિલી બેઝ્ડ ઇમિગ્રેશન પર નિયંત્રણો લાદવાનું જાહેર કર્યું હતું. હવે કદાચ તેઓ તેમના આ જાહેરનામામાં જણાવેલાં કાર્યો ૪૭મા પ્રેસિડન્ટ તરીકે અમલમાં લાવશે.
અમેરિકામાં લગભગ પચાસ લાખથી વધુ પરદેશીઓ ગેરકાયદેસર રહે છે. એમાંના દસ લાખથી વધુ ભારતીયો છે અને એ દસ લાખમાંના પાંચ લાખથી વધુ ગુજરાતીઓ છે. આથી આ બધા જ અમેરિકામાં ઇલ્લીગલી રહેતા ભારતીયોના મનમાં પુષ્કળ ફફડાટ પેસી ગયો છે. અમારું હવે શું થશે? ટ્રમ્પ અમને કે ભારત પાછા મોકલી આપશે કે દેશનિકાલ કરતાં પહેલાં જેલમાં મોકલશે? અમારી અહીં જે માલમિલકત છે એનું શું થશે? અમારાં સંતાનો જેમણે અમેરિકાની ધરતી ઉપર જન્મ લીધો છે અને એ કારણે અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું છે તેમનું શું થશે? અમે અમારા ભારતમાં રહેતાં માબાપ, ભાઈબહેન, પતિપત્ની અને સંતાનો માટે જે જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરીઓ હેઠળ ઇમિગ્રન્ટ વીઝાની પિટિશનો દાખલ કરી છે એનું શું થશે? અનેક ભારતીયો જેઓ અમેરિકામાં કાયદેસર રહે છે ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે અને જેમનાં ભારતમાં ખેતરો છે જેની ઊપજ ઉપર ભારતમાં ટૅક્સ ભરવો નથી પડતો પણ અમેરિકામાં ભરવાનો રહે છે અને જેમણે એ ઊપજની કમાણી પર અમેરિકામાં ટૅક્સ ભર્યો નથી હોતો તેમને ફફડાટ થવા માંડ્યો છે કે શું ટ્રમ્પ તેમની આગળથી ન ભરેલા ટૅક્સની રકમ વસૂલ કરશે? એ ન ભરવા માટે તેમને શિક્ષા કરશે, દંડ કરશે? જેમણે ખરુંખોટું કરીને અમેરિકામાં પ્રવેશ મેળવ્યો છે તેમને હવે ભીતિ લાગવા માંડી છે.
ડોનલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશનની બાબતમાં કેવા-કેવા ફેરફારો કરે છે એ જાણવા સૌ અત્યંત આતુર છે. એક વાત નક્કી છે કે ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકોને હવેથી અમેરિકા સાંખી નહીં લે.