20 January, 2025 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્મના કાયદામાં પુરુષાર્થનો અર્થ બરાબર સમજ્યા વગર કેટલાક ચુસ્ત પ્રારબ્ધવાદીઓ એમ જ માને છે કે માણસે કાંઈ પણ પુરુષાર્થ કરવાની જરૂર નથી, પ્રારબ્ધમાં જે હશે એ મળશે. કર્મ, પ્રારબ્ધ અને પુરુષાર્થની આ આખી વાત હીરાભાઈ ઠક્કરે લખેલા પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’માં સમજાવવામાં આવી છે. તેઓ લખે કે આવા ગાંડા પ્રારબ્ધવાદીઓ પુરુષાર્થનો અર્થ સમજ્યા જ નથી. પ્રારબ્ધમાં હોય તો જ મળે એ વાત સાચી છે, પરંતુ પ્રારબ્ધ ક્યાંથી બને છે અને પુરુષાર્થ ક્યાં કરવો એનો વિવેક માણસે બરાબર સમજી લેવો જોઈએ. નોકરી મળવી એ પ્રારબ્ધ છે, પણ નોકરી ટકાવી રાખવી એ પુરુષાર્થ છે. પૈસા મળવા એ પ્રારબ્ધ છે પણ કેવી રીતે સદુપયોગ કરવો એ પુરુષાર્થ છે. દીકરા કે દીકરી મળે એ પ્રારબ્ધ છે, તેમને સારી કેળવણી આપવી એ પુરુષાર્થ છે. કર્મ વિશે અનુભવાનંદજી રચિત પુસ્તક ‘કર્મની ગતિ’ પણ વાંચવા જેવું છે. પૈસા ઓછાવત્તા મળે એ પ્રારબ્ધ છે પરંતુ નેકીથી એ કમાવા એ પુરુષાર્થ છે. વધુ પૈસા મળે તો જ સુખી થવાય એવું નથી, અધર્મથી પ્રાપ્ત કરેલો અર્થ (પૈસા) અનર્થ બની જાય છે. પાપથી પ્રાપ્ત કરેલા પૈસાથી ધનાઢ્ય બનેલા શેઠિયાઓ દુખી પણ હોય છે. શાસ્ત્રમાં તમામ ઇચ્છાઓના ચાર વિભાગ પાડેલા છે (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ. આ ચાર પૈકી ધર્મ અને મોક્ષ માટે માણસે સતત પુરુષાર્થ કરવો જોઈએ, એને કદાપિ પ્રારબ્ધ પર છોડાય જ નહીં. પરંતુ આપણે એની ઊંધી જ દિશામાં ફરીએ છીએ. મનુસ્મૃતિમાં લખ્યું છે કે જે કર્મ કર્યા થકી પોતાનો અંતરાત્મા પ્રસન્ન થાય એ કર્મ પ્રયત્નપૂર્વક કરવું અને જે કર્મ કરવાથી અંતરાત્મા નારાજ થાય કે કોચવાય એવાં કર્મો ન કરવાં. કર્મનો સિદ્ધાંત આપણી સંસ્કૃતિમાં જનમાનસમાં ઊંડે સુધી પ્રસરેલો છે. આગલા ભવનાં પાપ-પુણ્ય અને કર્મો આ ભવનાં સુખદુ:ખનું કારણ છે, પણ હવે આ વિચારસરણીને બારીકાઈથી મૂલવવાનો સમય આવી ગયો છે.
કુદરતે સર્જેલી આફતો અકસ્માતોમાં જે લોકો મૃત્યુ પામ્યા આ તમામ લોકોને પૂર્વભવનાં કર્મનું ફળ મળ્યું છે? વાત વિચારવા જેવી છે. આ વિશ્વ ભગવાને બનાવ્યું છે પણ સમાજ અને નીતિનિયમો મનુષ્યે બનાવેલા છે. આ નીતિનિયમો તોડો એ પાપ અને પાળો એ પુણ્ય. તેને અને ઈશ્વરને કોઈ લેવાદેવા હોતી નથી.
આપણાથી થઈ શકે તો નીચેની પ્રાર્થના મુજબ જીવવાની કોશિશ કરવી. ‘ઇતની શક્તિ હમેં દેના દાતા મન કા વિશ્વાસ કમઝોર હો ના. હમ ચલે નેક રસ્તે પે હમસે ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના. ફૂલ ખુશીયોં કે બાટેં સભી કો સબ કા જીવન હી બન જાએ મધુબન.’ પુણ્ય જમા કરવાનો શ્રેષ્ઠ માર્ગ આ પ્રાર્થનાનો અમલ કરવાથી ખૂલતો જશે અને કદાચ આપને મોક્ષની પ્રાપ્તિની અનુભૂતિ આ જીવનમાં જ થઈ જશે. -હેમંત ઠક્કર