26 April, 2019 11:43 AM IST | | રશ્મિન શાહ - સોશ્યલ સાયન્સ
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ સાયન્સ
વાત ખોટી નથી અને એમાં કોઈ જાતનું તત્વજ્ઞાન પણ નથી. નિષ્ફળતા ક્યારેય કોઈને બરબાદ નથી કરતી. એ ઠોકર આપે, જ્ઞાન આપી જાય, પણ નિષ્ફળતા જગાડવાનું કામ પણ કરે. તાતા નેનોની નિષ્ફળતા જ સમજાવે કે કંઈક કશુંક ખૂટે છે અને ખૂટી રહેલા એ સત્વને લાવવા માટે મહેનત કરવાની છે. સીડીએમએ નામની ટેક્નૉલૉજીની નિષ્ફળતા જ નેટવર્ક ઇન્ડસ્ટ્રીની ફોર્થ જનરેશન (એટલે કે ફોર-જી)ના દરવાજા ખોલે. એનાથી અવળું. નોકિયાનું સિમ્બીએન પ્લૅટફૉર્મની સક્સેસના તોરમાં હો ત્યારે જ ગૂગલ સાથે ઍન્ડ્રૉઇડ પ્લૅટફૉર્મ માટે ટાઈઅપ નહીં કરવાની મૂર્ખામી થાય અને કોકા કોલાનું બ્રૅન્ડ-નેમ મોટું હોવાની રાઈ જ થમ્સઅપ બંધ કરવાની ગુસ્તાખી કરાવે અને પછી સમય આવ્યે એ ભૂલ સુધારવાની સદ્બુદ્ધિ પણ આપે.
યાદ રાખજો, નિષ્ફળતા ક્યારેય બરબાદ નથી કરતી, બરબાદ કરવાની જવાબદારી તો સફળતાના શિરે હોય છે. જોઈ લેવું હોય તો તમે જોઈ લેજો, ઇતિહાસ પણ ગવાહ છે કે નિષ્ફળતા કરતાં સફળતાએ વધારે લોકોને તબાહ કર્યા છે. એનું કારણ પણ સ્પષ્ટ છે. નિષ્ફળતા તમને સજાગ કરી દે, ઢંઢોળી દે અને તમારે નાછૂટકે જાગી જવું પડે, પણ સફળતા એવું પ્રસ્થાપિત કરતી રહે કે બધું બરાબર છે, ડોન્ટ વરી, ફિકર કી કોઈ જરૂરત નહીં હૈ.
પ્રસ્થાપિત થયેલું આ આશ્વાસન ક્યારે દિશા બદલી નાખે, ક્યારે અહમ્ અને ઘમંડને શરીરમાં દાખલ કરી દે એની ખબર પણ નથી પડતી અને એટલે, એટલે જ સફળતાની ટોચ પછી સીધી જ અંધકારમય ખીણ આવે છે. પડવું ખોટું નથી, ખોટું છે અયોગ્ય વાતમાં પડવું, સફળતાના નાદમાં પડવું. પચાવવાની સફળતાને હોય, નિષ્ફળતાની સાથે રહેવાનું હોય. જો સલીમ-જાવેદ ‘શોલે’ પછી સાથે રહ્યા હોત તો તેમણે જીવનમાં ક્યારેય ‘મિસ્ટર ઇન્ડિયા’ લખી ન હોત, પણ ‘શોલે’ સાથે દુનિયાઆખી હતી એટલે તેમણે પોતાની પથારી એ ફિલ્મ પાસે પાથરી રાખવાને બદલે બિસ્તરા-પોટલાં રાખ્યાં ‘ઈમાનધરમ’ જેવી ફિલ્મ પાસે. યાદ કરાવી દેવાનું કે ‘ઈમાનધરમ’ સલીમ-જાવેદની સુપરફ્લૉપ ફિલ્મ હતી.
સફળતા સાથે રહેવું અને સફળતા પાસે પડ્યા રહેવું એ બન્ને વચ્ચે બહુ મોટો ફરક છે. સફળતા આવે અને એનો આનંદ લેવામાં આવે એ સમજી શકાય એવી ભાવના છે, પણ મળેલી સફળતામાં રાચ્યા રહેવું એ ટોચથી ટૉ સુધી આવવાની સફરની શરૂઆત છે. નિષ્ફળતાનો અફસોસ ક્યારેય કરવો નહીં અને ઓછી મહેનતે મળી ગયેલી સફળતાને ક્યારેય ગાંઠે બાંધવી નહીં. કહેવાનું મન ચોક્કસ થાય કે જો નિષ્ફળતા મળે તો એ દિવસ ઘરે મિષ્ટાન્ન જમજો, પણ સફળતા મળે ત્યારે એ સફળતાની રાત ભૂખ્યા પેટે પસાર કરજો.
સફળતા જરૂરી છે, એનાથી મહેનતને આશ્વાસન મળે છે, પણ જો લડી લેવાની ભાવના મનમાં હોય તો નિષ્ફળતાની યાચના કરતાં રહેજો. નિષ્ફળતા જાતનું પોસ્ટમૉર્ટમ કરવાની ભાવના આપશે અને જે સમયે એ ભાવના આવશે એ સમયે જાતમાં રહેલી કમીઓને સુધારવાની અને જાતમાં રહેલા અવગુણોને કાઢવાની માનસિકતા દૃઢ બનશે. સફળતા અવગુણોમાં પણ ગુણોની ખુશબૂ ભરતી હોય છે, જ્યારે નિષ્ફળતા ગુણોને પણ વધારે જાતવાન બનાવવાનું ઝનૂન લઈ આવે છે. કોઈ પણ નજીકની વ્યક્તિને શરૂઆતના તબક્કામાં નિષ્ફળતા મળે ત્યારે ખુશ થજો. હાસ્યાસ્પદ હશે આ વાત, પણ એનો ભાવાર્થ ગંભીર છે. શરૂઆતના સમયમાં એ આપ્તજનને સફળતા મળે એવી યાચના પણ ભગવાનને નહીં કરતા. નથી જોઈતી ક્ષણભંગુર સફળતા કે પછી ક્ષણિક ખુશીઓ. કિલ્લા જેવી મજબૂત સફળતા માટે એના પાયામાં નિષ્ફળતાનું ચણતર જોઈશે. ૫૮ ગ્રેડની મજબૂત સફળતા માટે નિષ્ફળતાની સિમેન્ટ જોઈશે. જો એ હશે તો જ સફળતાને પચાવવાની અને એને ગળા નીચે ઉતારવાની તાકાત આવશે અને એના માટે નિષ્ફળતાની તૈયારી રાખવી પડશે.
આ પણ વાંચો : સ્ટિચીઝના ડાઘ રિમૂવ કરાવવા વિકી કૌશલ જશે અમેરિકા
નિષ્ફળતાથી જોજનો દૂર રહેવા માગતા હકીકતમાં તો પોતાની જાતને અન્યાય કરતા હોય છે. ભૂલ થવી જોઈએ, ભૂલની નિષ્ફળતા પણ લલાટે લખાવી જોઈએ અને ભૂલમાંથી નવેસરથી શીખવાની ભાવના પણ પ્રબળ બનાવવી જોઈએ. ભૂલ પાસે પડ્યા રહેવાનો પણ હક નથી અને ભૂલને છાવરી લેવાની માનસિકતાનો પણ કોઈ અર્થ નથી. છાવરી લેવામાં આવેલી ભૂલ એક અધિકાર બની જાય છે અને આ અધિકાર પછી રગશિયા ગાડા જેવી જિંદગી થઈ જાય છે. જો જીવનમાં ભૂલ થકી નિષ્ફળતા આવે તો એને આવવા દેજો. અરે, એ આવે ત્યારે ભગવાનનો પાડ માનજો કે એણે તમારી સામે જોયું. જો તમે ઇચ્છતા હો કે સફળતા એવી મળે જે મગજને બાઉલ બનાવીને રાઈનો વઘાર ન કરે તો પછડાટની તૈયારી રાખજો અને પછડાટ આવે ત્યારે મનોમન ઈશ્વરનો આભાર માની લેજો. આ પછડાટ એણે આજે એટલે આપી છે કે ભવિષ્યમાં જ્યારે સફળતા આવે ત્યારે પણ એ તમને ઊંઘવા ન દે. જો ઊંઘવું ન હોય, જો સજાગ રહેવું હોય અને જો કાયમી સફળતાની ખેવના હોય તો આજની નિષ્ફળતાને હક સાથે સસ્નેહ સ્વીકારજો. કોઈ આવીને ભૂલ દેખાડે તો એને પણ એટલા જ પ્રેમથી આવકારજો. જો મજબૂતીથી ઠસોઠસ સફળતા જોઈતી હોય તો...