તમે તમારી આસપાસની પરિસ્થિતિઓને પોતાના કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો છો?

26 August, 2019 04:04 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

તમે તમારી આસપાસની પરિસ્થિતિઓને પોતાના કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો છો?

પ્રતીકાત્મક તસવીર

જો આ સવાલનો જવાબ હા હોય તો સમજી લો કે આ આખી કવાયત જ નિરર્થક છે. તેથી શ્રેષ્ઠ તો એ જ છે કે બીજા બધાને પોતાના તાબામાં કરવાના સ્થાને તમે તમારા જીવનની લગામ પોતાના હાથમાં લો અને પોતાની સમગ્ર શક્તિઓ એ એક કામમાં લગાડી દો જે કરવા તમારું દિલ હંમેશાંથી તડપતું રહ્યું છે

મારાં એક ભાભી છે. તેમણે કમ્પ્યુટરનો કોર્સ કર્યો છે તેથી તેમને કમ્પ્યુટરના માઇક્રોસૉફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપૉઇન્ટ વગેરે જેવા બધા જ પ્રોગ્રામ વાપરતાં આવડે છે. પરિણામે જ્યારે અને જ્યાં તક મળે ત્યારે અને ત્યાં તેઓ પોતાની આ કાબેલિયતનો ઉપયોગ કરવાનું ચૂકતાં નથી. એમાંય એક્સેલ તો તેમનો ફેવરિટ પ્રોગ્રામ છે. તેઓ જ્યારે જુઓ ત્યારે આ પ્રોગ્રામ પર પોતાના રોજિંદા ખર્ચાથી માંડી પોતાનાં પ્રત્યેક કામની યાદી જ બનાવ્યા કરતાં હોય છે. ઘરે શું-શું સામાન લાવવાનો છે એની યાદી, કોઈ પ્રસંગ હોય તો આવનારા મહેમાનોની યાદી, તેમના માટે શું ભોજન બનાવવાનું છે એની યાદી, એ માટે કઈ-કઈ સામગ્રી લાવવી પડશે એની યાદી, બાળકોની રજાની યાદી, તેમની પરીક્ષાનું ટાઇમટેબલ, કામવાળીઓએ લીધેલી રજાઓની યાદી... ખરું પૂછો તો તેમને એટલીબધી યાદી બનાવવાનો શોખ છે કે તેમની યાદીઓની યાદી જ બહુ લાંબી છે. એક વાર મેં તેમને પૂછ્યું કે ભાભી, તમે આટલી બધી યાદીઓ શા માટે બનાવ્યા કરો છો? આટલી બધી યાદીઓ બનાવ્યા કરવાનો તમને કંટાળો નથી આવતો? તો તેમનો જવાબ હતો, આ યાદીઓ બનાવવાનાં બે કારણ છે. પહેલું, આ રીતે હું મારી જાતને વધુ ઑર્ગેનાઇઝ્ડ રાખી શકું છું અને બીજું, એમ કરીને હું મારી જાતને ઑર્ગેનાઇઝ્ડ રાખી શકતી હોવાથી અંદરથી મને એ બાબતનું સારું લાગે છે કે મારા જીવનમાં બધી નહીં તો પણ કેટલીક બાબતો એવી છે જેના પર મારો સંપૂર્ણ કન્ટ્રોલ છે. આ વસ્તુ મને અંદરખાને સેન્સ ઑફ એમ્પાવરમેન્ટ આપે છે.

મારાં ભાભીની આ વાત મને સારી લાગી. સામાન્ય રીતે આપણે બધા આપણા સંજોગોથી માંડી આપણી આસપાસના લોકો પર પોતાનો કાબૂ જમાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પતિ  પોતાની પત્નીને પોતાના કાબૂમાં રાખવાનો પ્રયાસ કરશે, મા પોતાનાં સંતાનોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરશે, ઑફિસમાં બૉસ પોતાના કર્મચારીઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરશે વગેરે-વગેરે. આમ બધાને પોતાના વશમાં રાખવા, તેમના પર પોતાનું આધિપત્ય જમાવવું, તેમના પર પોતાનું એકચક્રી શાસન ચલાવવું આપણો મનુષ્ય સહજ સ્વભાવ છે. સામે પક્ષે જેવું કોઈ આપણા પર પોતાનો કન્ટ્રોલ જમાવવાનો પ્રયત્ન કરે કે તરત જ તેની સામે બળવો પોકારવો એ પણ આપણી એટલી જ મનુષ્ય સહજ પ્રતિક્રિયા છે. તેથી જેવો પતિ પોતાના પર જોહુકમી કરવાનો પ્રયત્ન કરે કે તરત જ પત્ની એનો વિરોધ કરશે અને દામ્પત્યજીવનમાં તરખાટ ઊભો થશે. જેવો મા સંતાનોને એક હદથી વધારે પોતાના કહ્યામાં રાખવાનો પ્રયાસ કરશે કે તરત જ સંતાનો રડશે, કકળશે, તેની સામે થશે અને ઘરમાં ટેન્શન ફેલાશે. ઑફિસમાં બૉસ પોતાના કર્મચારીઓને દબાવવાનો પ્રયત્ન કરશે તો તરત જ તેમનો અણગમો વહોરી લેશે. 

તકલીફ એ છે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને પોતાના કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણે ઇચ્છતા હોઈએ છીએ કે તે એવું જ કરે જે આપણે ઇચ્છીએ છીએ, તે એવું જ વિચારે જે આપણે વિચારીએ છીએ, તે એવી જ બને જેવા આપણે છીએ. ટૂંકમાં એ આપણી પ્રતિકૃતિ હોય, આપણી ક્લોન જેવી હોય; પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે દરેક વ્યક્તિની પોતાની એક અલગ ઓળખ હોય છે, અલગ લાક્ષણિકતાઓ અને આવડત, હોશિયારી હોય છે જે તેને આપણાથી અલગ અને યુનિક બનાવે છે. વાસ્તવમાં વ્યક્તિ તરીકે આપણો પ્રયત્ન આપણી આસપાસની પ્રત્યેક વ્યક્તિની યુનિકનેસને એન્જૉય કરવાનો અને એને સેલિબ્રેટ કરવાનો હોવો જોઈએ. તો જ એ વ્યક્તિ અને એ વ્યક્તિ સાથે આપણે પણ ખુશ રહી શકીએ. જો તમે કોઈને પોતાના કાબૂમાં રાખવામાં સફળ થઈ પણ જાઓ તો એનો અર્થ એવો થયો કે તમે એ વ્યક્તિની ખૂબીઓને ખતમ કરી દીધી અને તેના અંતરાત્માનું ખૂન કરી દીધું. એક સમયે તમે એ વ્યક્તિની જે બાબતો તરફ આકર્ષાયા હતા એનો જ તમે સમૂળગો નાશ કરી દીધો. આવી જીત પણ શું કામની?

તો વળી કેટલાક એવા હોય છે જેમને પોતાના સંજોગોને કાબૂમાં રાખવાનો ચસકો હોય છે, પરંતુ આપણા સંજોગો ફક્ત આપણા જ નથી હોતા. એની સાથે બીજાનાં જીવન પણ જોડાયેલાં હોય છે. તેથી આપણી જેમ તેમણે પણ પોતાના સંજોગોને પોતાને ફાવે એ રીતે અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યો જ હોય છે. પરિણામે અઢળક પ્રયત્નો બાદ પણ જ્યારે આપણે સંજોગો પર કાબૂ મેળવી શકતા નથી ત્યારે આ આખી કવાયત કેટલી નિરર્થક છે એનો આપણને અહેસાસ થાય છે અને આપણે આપણાં હથિયાર હેઠાં મૂકી દઈએ છીએ.

મને લાગે છે કે મારાં એ ભાભીને પણ જીવનના કોઈ તબક્કે પોતાની આસપાસના લોકોને કે પોતાના સંજોગોને કન્ટ્રોલમાં રાખવાની આખી પ્રક્રિયા કેટલી નકામી છે એ સમજાઈ ગયું હોવું જોઈએ. તેથી જ હવે તેઓ બીજા બધાને પોતાના તાબામાં રાખવાને સ્થાને પોતાના જીવનને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી સેલ્ફ-એમ્પાવરમેન્ટની લાગણી અનુભવી રહ્યાં હશે.

કુદરતે આપણને બધાને અઢળક શક્તિઓ આપેલી છે. મનુષ્ય તરીકે આપણું કર્મ એ શક્તિઓને યોગ્ય દિશામાં વાળવાનું છે. એમ કરવાથી આપણે ઘણી બધી અવ્યવસ્થા અને અસમંજસથી પોતાની જાતને બચાવી શકીએ છીએ. તેથી બીજા બધાને કન્ટ્રોલમાં રાખવા કરતાં પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ વધુ બહેતર વિકલ્પ છે. તેથી જ્યારે એવું લાગે કે જીવન પર આપણો કોઈ કન્ટ્રોલ નથી અને બધી ઘટનાઓ આપણા હાથની બહાર જઈ રહી છે ત્યારે શ્રેષ્ઠ તો એ જ છે કે તમે થોડાં પગલાં પાછળ હટી જાઓ અને અનેક પગલાં પોતાની અંદર જતા રહો.

અહીં જગપ્રસિદ્ધ જર્મન કવિ રિલ્કેએ એક નવોદિત કવિની કવિતા પર પોતાનો પ્રતિભાવ આપતાં લખેલી એક વાત યાદ આવે છે. રિલ્કેનું કહેવું હતું કે ‘દુનિયાની કોઈ વ્યક્તિ તમને સલાહ આપી શકે કે મદદ કરી શકે નહીં. કોઈ નહીં. પણ એક કામ ચોક્કસ થઈ શકે. તમારી અંદર જાઓ અને એવાં કારણો શોધવાનો પ્રયત્ન કરો જે તમને લખવા પર મજબૂર કરે છે અને જુઓ કે શું એ કારણોનાં મૂળ તમારા હૃદયનાં ઊંડાણ સુધી પ્રસર્યાં છે કે નહીં. વિચારો કે જો કાલે ઊઠીને તમને લખવા ન મળ્યું તો શું તમે મરી જશો? વળી આ પ્રશ્ન દિવસના કોલાહલમાં નહીં, પરંતુ રાત્રીની શાંતિમાં પોતાની જાતને પૂછો. પોતાના હૃદયના ઊંડાણમાં ઊતરવાનો પ્રયાસ કરો અને જો આ સવાલનો જવાબ ‘હા’માં મળે તો બીજું બધું ભૂલી પોતાના સમગ્ર જીવનને એ દિશામાં વાળી દો.’

આ પણ વાંચો : મૉબ મેન્ટાલિટી: આ ટોળાને કોઈ સમજણ આપો, આ ટોળાશાહીને કોઈ બુદ્ધિ આપો

રિલ્કેનો આ જવાબ ફક્ત લખવા માટે જ નહીં, પરંતુ આપણા જીવનની એવી દરેક ઝંખના માટે છે જે અંદરથી આપણને ઝંપવા દેતી નથી. જો તમારી કોઈ એવી પૅશન છે, કોઈ એવી ઇચ્છા, મહત્ત્વાકાંક્ષા કે સપનું છે જે તમને ક્યાંય ઠરવા દેતું નથી, જેના માટે તમને એવું લાગતું હોય કે આ જ તો એ કામ છે જે કરવા માટે તમારો જન્મ થયો છે તો બીજું બધું ભૂલી જાઓ અને પરિસ્થિતિઓ કે સંજોગોના પ્રવાહમાં વહી જવાના સ્થાને પોતાની સમગ્ર શક્તિઓ એ એક સપનું પૂરું કરવા પાછળ લગાડી દો. પછી જુઓ કે તમને કોઈ બીજા પર કાબૂ મેળવવાનો વિચાર સુધ્ધાં નહીં આવે, કારણ કે તમારી અંદર જ તમને એક આખું વિશ્વ એવું મળશે જે સંપૂર્ણપણે તમારા તાબામાં થવા તત્પર હશે.

columnists