સોશ્યલ મીડિયાના ફૉલોઅર્સ એક ઇલ્યુઝનથી વધારે કાંઈ નથી

17 December, 2022 03:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું મારા કામને, મારી ટૅલન્ટને સોશ્યલ મીડિયા પર ફ્રીમાં પીરસતો નથી અને છતાં આજે મારી પાસે ભરપૂર કામ છે. સોશ્યલ મીડિયા પર હશો તો ટકશો એવું માનવું એ મૂર્ખામીથી બીજું કાંઈ નથી

સોશ્યલ મીડિયાના ફૉલોઅર્સ એક ઇલ્યુઝનથી વધારે કાંઈ નથી

જો મારી વાત કરું તો મને લોકોના સોશ્યલ મીડિયાના અકાઉન્ટમાં નહીં, પણ લોકોના દિલમાં રહેવાનું ગમે છે અને એટલે જ હું મારા કામને, મારી ટૅલન્ટને સોશ્યલ મીડિયા પર ફ્રીમાં પીરસતો નથી અને છતાં આજે મારી પાસે ભરપૂર કામ છે. સોશ્યલ મીડિયા પર હશો તો ટકશો એવું માનવું એ મૂર્ખામીથી બીજું કાંઈ નથી

જો તમારે સબ બંદર કા વેપારી બનવું હોય તો સોશ્યલ મીડિયા પર ટાઇમ વેસ્ટ ન કરી શકો. હું દરેક યુવાનને કહીશ કે તમે સોશ્યલ મીડિયા પર પણ કન્સ્ટ્રક્ટિવ વસ્તુઓ કરો. ઇન્સ્પાયર થઈને પછી કામે લાગો. યાદ રાખજો કે જે પણ તમને ફ્રી મળે છે એ સૌથી વધારે તમારો સમય ખાય છે અને સમય અત્યંત કીમતી છે.

યસ, આઇ બિલીવ ઇન ચેન્જ. હું પરિવર્તનનો હિમાયતી છું અને એનો ખુલ્લા દિલે સ્વીકાર કરનારો માણસ છું. જીવનમાં અઢળક વસ્તુઓ મેં નવી કરી છે. મને હજી પણ યાદ છે કે હું જ્યારે વિદેશમાં પ્રોગ્રામ્સ આપવા જતો ત્યારે ઘણા શોમાં ગુજરાતી ઑડિયન્સ બહુ મોટા પ્રમાણમાં હોય એટલે તેમની સાથે કનેક્ટ થઈ શકાય, તેમની સાથે ઘરોબો કેળવી શકાય એ માટે હું ગુજરાતી શીખ્યો. શરૂઆત ભલે મેં બોલવાથી કરી, પણ પછી એકાદ વાર ગુજરાતી ડાયરો કરવાની તક અનાયાસ જ નવરાત્રિ દરમ્યાન મળી તો એ કામ પણ કર્યું. ગુજરાતી ગીતો પણ ગાયાં છે અને એવું જ બીજી ભાષામાં પણ મેં કર્યું છે. પંજાબી પણ આજે હું જાણું છું અને ભોજપુરી પર પણ મારી જબરદસ્ત ફાવટ છે. 

શીખવું મારો સ્વભાવ છે અને માણસ શીખી ત્યારે જ શકે જ્યારે પરિવર્તનને સ્વીકારવાની તેનામાં ત્રેવડ હોય, પણ આજકાલ લોકો કંઈક જુદી જ દિશામાં ભાગતા થઈ ગયા છે. સોશ્યલ મીડિયા પર તમે કેમ ઍક્ટિવ નથી એવું કહીને તમે નવા બદલાવથી દૂર ભાગી રહ્યા છો એવો સિક્કો મારવા માટે તલપાપડ હોય એવા ઘણા લોકો તમે પણ જોયા હશે. હું એવી દરેક વ્યક્તિને કહીશ, જરા વિચાર કરો કે સોશ્યલ મીડિયા પર આજકાલ ચાલી શું રહ્યું છે. કબૂલ, એકસાથે અનેક લોકો સુધી પહોંચવા માટે સોશ્યલ મીડિયાથી એક્સલન્ટ માધ્યમ બીજું કોઈ હોઈ જ ન શકે, પણ વાત એટલે સુધી હોત તો ઠીક હતી, આજે તો એનું સ્વરૂપ જ આખું બદલાઈ રહ્યું છે. 

પેઇડ ફૉલોઅર્સ, કામધંધા વિનાના લોકોની બફાટ અને એમાં આપણે એટલા માટે રહેવાનું, કારણ કે દુનિયાને એમ લાગે છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ. આઇ મસ્ટ સે કે ભાઈ સૉરી, જરાય નહીં. મારા કેસમાં આ પરિવર્તન એક્સેપ્ટેબલ નથી. દરેક બદલાવ ગાડરિયા પ્રવાહની જેમ સ્વીકારવાની જરૂર નથી. બદલાવનો સ્વીકાર પણ તમારી બુદ્ધિને ઠેકાણે રાખીને કરવાનો હોયને? 
સોશ્યલ મીડિયા પર રીલ્સ બનાવવી એક વાત થઈ અને સ્ટેજ પર હજારોની જનમેદની વચ્ચે પર્ફોર્મન્સ આપવો એ બીજી વાત થઈ. ૯૦ ટકા ઑડિયન્સ સામે પર્ફોર્મન્સ પછી મને સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું છે. આ ઘટનાને તમે કેટલા લાઇક્સ સાથે કમ્પેર કરશો? હું છેને ગુજરાતીઓની વચ્ચે રહ્યો છું. મારી ભાષા સાંભળીને કોઈ કહી ન શકે કે હું ગુજરાતી નહીં હોઉં. ગુજરાતીઓ પાસે કોઠાસૂઝ કમાલની હોય છે. આ કોઠાસૂઝ મારામાં પણ અદ્ભુત રીતે કલ્ટિવેટ થઈ છે અને કદાચ એનું જ પરિણામ છે કે આજે જ્યારે આખો પ્રવાહ પ્રો-સોશ્યલ મીડિયાનો છે ત્યારે પણ હું સોશ્યલ મીડિયાના વાવાઝોડામાં તણાવાથી જાતને રોકી શક્યો છું. એક વાત સમજો મારી કે જ્યારે પણ કોઈ વ્યક્તિને વિકસિત થવું હોય ત્યારે તમારે તપવું પડે. પારાવાર હોમવર્ક કરવું પડે અને ખૂબ ઘસાવું પડે. એમાં સમય પણ જોઈએ, શક્તિ પણ જોઈએ અને એ કક્ષાના લોકોનો સહવાસ પણ જોઈએ. સોશ્યલ મીડિયાથી પોતાની કરીઅરની દિશા નક્કી કરનારા લોકો આ બાબતોથી દૂર થઈ જાય છે. આજે હું ઍન્કર છું, ઍક્ટર છું, વૉઇસઓવર આપું છું. બે ફિલ્મના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. વેબ-સિરીઝ પર કામ ચાલે છે અને સ્ટેજ-શો તથા ફૉરેન ટૂર તો સતત ચાલુ જ છે. ભગવાનની કૃપાથી ભરપૂર કામ છે અને સાચું કહું છું કે મારે પોતાના માર્કેટિંગ માટે એકેય રીલ બનાવવાની આજ સુધી જરૂર નથી પડી. ઇન ફૅક્ટ, હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે ફ્રીમાં હું રીલ્સના માધ્યમે મારા જોક્સ કહું અને એ વાઇરલ કરવાની બાબતમાં મને જરાય રસ નથી. 

છેલ્લાં ૩૫ વર્ષમાં માત્ર ને માત્ર મારી ટૅલન્ટની ગુડવિલે મને આજ સુધી સાચવ્યો છે અને આગળ પણ સાચવશે. યાદ રાખજો કે જે વ્યક્તિ પોતે ટૅલન્ટેડ છે તેને સોશ્યલ મીડિયાની પ્રેઝન્સ બહુ અટ્રૅક્ટ નથી કરતી, કન્સિસ્ટન્ટ્લી જ્યારે તમારી કૉમેડીનું સ્તર મેઇન્ટેન થયેલું હોય. પોતાના પરિવાર સાથે બેસીને લોકો ખડખડાટ હસી શકતા હોય અને પછી આપણને મળીને ખુશખુશાલ થઈને ભેટી શકતા હોય એનાથી વધારે બીજું શું જોઈએ યાર. બસ, આ જ સૌથી મોટા ફૉલોઅર્સ છે મારા માટે. મેં મારી કારકિર્દીમાં આ જ ગેઇન કર્યું છે. સોશ્યલ મીડિયા પર વિઝિબલ નથી એ લોકો પણ કામમાં સતત વ્યસ્ત હોઈ શકે અને સોશ્યલ મીડિયા પર દેખાતા હોય એ જ લોકો કામ કરતા હોય એ બધી ખોટી ભ્રમણા છે. 

કૉમેડીમાં હવે મહિલાઓની સંખ્યા વધી રહી છે અને તેઓ ખૂબ ક્વૉલિટી કન્ટેન્ટ લાવી રહી છે એ બહુ મોટો બદલાવ મને દેખાય છે. કૉમેડીની દુનિયામાં ઘણા પૉઝિટિવ બદલાવ પણ આવી રહ્યા છે. એનાં પ્લૅટફૉર્મ્સ વધ્યાં છે. દુનિયામાં કોવિડે જે સેડનેસ આપી એને હળવી કરવાની બહુ મોટી જવાબદારી અમારા જેવા હાસ્યકલાકારોને માથે હતી, જે નિભાવવાની તક પણ મળી. છેલ્લા આઠ મહિનામાં ૧૨ ફૉરેન ટૂર કરી છે મેં. 

માણસ પોતાની ટૅલન્ટથી અને માત્ર ટૅલન્ટથી જ લાંબી રેસનો ઘોડો બને છે એ હકીકત ક્યારેય ભૂલતા નહીં. તમે જોજો ઘણા લેજન્ડરી કલાકારો છે જેમણે ક્યારેય પોતાની આવડતને પ્રૂવ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર વેવલાવેડા કરવાની જરૂર નથી પડી. તેમને ક્યારેય ફૉલોઅર્સ વધારવાનું બર્ડન નથી લાગ્યું. હકીકત એ છે કે તમારામાં કેટલો દમ છે અને તમે લોકોના હૃદયમાં કેવા વસેલા છો એની સાચી ઝલક લાઇવ શો પછી જ ખબર પડે. એમાં તમારી ચુંબકીય શક્તિ કેટલી તેજ છે એની સમજ પડતી હોય છે. મને ઘણા સોશ્યલ મીડિયા પર કૉમેડીમાં લાખો ફૉલોઅર્સ ધરાવતા લોકો પૂછતા હોય છે કે ‘સર, આપ બિના સોશ્યલ મીડિયા કે લોગોં કો ઇતના ઇમ્પ્રેસ કર કૈસે લેતે હો?’ 

હવે શું જવાબ આપું? 
મને લોકોને સરપ્રાઇઝ કરવાનું બહુ ગમે છે અને મારી પાસે પૅશન્સ બહુ છે. દરેક નવી બાબતમાં જાતને નિખારવાનો મને શોખ છે અને મારો સીધો હિસાબ છે કે જો તમારે સબ બંદર કે વેપારી બનવું હોય તો સોશ્યલ મીડિયા પર ટાઇમ વેસ્ટ ન કરી શકો. હું દરેક યુથને કહીશ કે તમે સોશ્યલ મીડિયા પર પણ કન્સ્ટ્રક્ટિવ વસ્તુઓ કરો. ઇન્સપાયર્ડ થઈને પછી કામે લાગો. યાદ રાખજો કે જેટલી પણ તમને ફ્રીમાં મળે છે એ સૌથી વધારે તમારો સમય ખાય છે અને સમય અત્યંત કીમતી છે. ફૉલોઅર્સના ચક્કરમાં લોકો જિંદગી વેડફી રહ્યા છે. તમે કોઈ પણ મોટા ઇન્વેન્ટરને જોશો તો આ દેખાશે કે તેઓ પોતાના કામને કેટલું નખશિખ રીતે કરતા હોય છે. તેઓ પોતે જ એનો ઢીંઢોરો નથી પીટતા. તેમનું કામ બોલે છે. તમારું પણ કામ બોલે એવું કંઈક કરોને. યાદ રાખજો કે તમારી પાસે બે મિલ્યન ફૉલોઅર્સ હોય, પણ કામ ન હોય એ અવસ્થા કરતાં પણ તમારી પાસે ૨૦૦ ફૉલોઅર્સ હોય અને તમે પાવરપૅક્ડ વ્યસ્ત હો એ સ્થિતિ લાખ ગણી સારી છે. 

columnists saturday special social networking site