જોજો, સોશ્યલ મીડિયાના ‘રામબાણ ઇલાજ’થી રામ બોલો ભાઈ રામ ન થઈ જાય

23 July, 2023 10:41 AM IST  |  Mumbai | Ruchita Shah

હેલ્થની બાબતે આંધળું અનુકરણ નહીં ચાલે, નહીં ચાલે, નહીં જ ચાલે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા અને ખાસ કરીને યુટ્યુબ જોઈ-જોઈને વૈદકીય નુસખા કરવાની લોકોમાં રીતસરની ટેવ પડી ગઈ છે અને આ ટેવ ઘણા કિસ્સામાં જીવલેણ નીવડે છે. ઝારખંડમાં જ હમણાં યુટ્યુબ જોઈને દાંતના દુખાવાની દવા કરવામાં જીવ ગુમાવવાનો કિસ્સો બન્યો છે. આ તો એક કિસ્સો સામે આવ્યો, પણ અનેક કેસ એવા છે જે જાહેરમાં આવતા જ નથી. બધા કેસમાં કાંઈ જીવ નથી જતો, પણ શરીરને નુકસાન થાય જ છે. મુલુંડના અમિત જસાણી નો આવો જ કિસ્સો છે. સોશ્યલ મીડિયાના વાદે ચડવાથી કેવી આડઅસર થઈ શકે છે એ વિશે ‘મિડ-ડે’નાં રુચિતા શાહે હેલ્થ-એક્સપર્ટ‍્સ સાથે ‘સન્ડે લાઉન્જ’ની કવર-સ્ટોરીમાં વિગતે ચર્ચા કરી.

તાજેતરમાં ઝારખંડમાં ૨૮ વર્ષનો યુવક યુટ્યુબ પર જોયેલા નુસખા પ્રમાણે દાંતનો દુખાવો દૂર કરવા ગયો અને તેણે જીવ ગુમાવ્યો. ‘દસ દિવસમાં પાંચ કિલો વજન ઘટાડો’, ‘પિમ્પલ્સથી છુટકારો માત્ર સાત દિવસમાં’, ‘હૃદયરોગની બીમારીનો રામબાણ ઇલાજ’ જેવા આકર્ષક શબ્દો સાથે આ કહેવાતા સોશ્યલ ટ્યુબના હેલ્થ-એક્સપર્ટ‍્સની ટિપ્સ જીવલેણ બની શકે છે. એક જ વસ્તુનો વ્યક્તિની પ્રકૃતિ અને બીમારી મુજબ જુદો પ્રભાવ હોઈ શકે. હેલ્થ સેગમેન્ટમાં કાર્યરત કેટલાક અગ્રણીઓ સાથે આ અતિગંભીર વિષય પર ચર્ચા કરીએ...

અમિત જસાણી, બિઝનેસમૅન

અમેરિકન ઑર્ગેનાઇઝેશન PEW રિસર્ચ સેન્ટર દ્વારા થયેલો એક સર્વે કહે છે કે સામાન્ય રીતે એક વ્યક્તિ દિવસના અઢી કલાક સોશ્યલ મીડિયા પર વિતાવે છે અને દુનિયામાં બની રહેલી ઘટનાઓથી માહિતગાર રહેવા માટે અને કોઈ પણ માહિતી મેળવવા માટે લોકો બહુ મોટા પ્રમાણમાં સોશ્યલ મીડિયાને આધીન થતા જાય છે. લગભગ ૬૨ ટકા અમેરિકનો સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાની જાતને ઇન્ફર્મેશનની બાબતમાં અપટુડેટ રાખે છે. ઇન ફૅક્ટ ન્યુઝ અને વિવિધ વિષયો પરના સંશોધનાત્મક લેખ વાંચવા માટે પણ સોશ્યલ મીડિયા મહત્ત્વનું માધ્યમ બની ચૂક્યું છે. એમાં પાછો બીજો એક ચોંકાવનારો સર્વે પણ મળે છે. ડિજિટલ ઇકૉનૉમી રિસર્ચ ઇન બ્રીફ નામનો MITએ કરેલો એક સર્વે  રિપોર્ટ કહે છે કે ‘ફોલ્સ ન્યુઝ ઇઝ અપીલિંગ ન્યુઝ’. એટલે કે ખોટા-મનઘડંત સમાચારો કે વાતો વધુ આકર્ષક હોય છે અને સાચી વાત કરતાં એ ત્રણ ગણી ઝડપથી ફેલાય છે. એનું કારણ એ છે કે આપણે એવા સમાચાર અથવા તો વાતોથી જલદી પ્રભાવિત થઈ જઈએ છીએ જે આપણને આશ્ચર્યમાં મૂકી દેનારી હોય, જે આપણને ઉત્તેજિત કરનારી હોય. સોશ્યલ મીડિયાની સૌથી મોટી ખૂબી કહો તો ખૂબી અને ખામી કહો તો ખામી કે અહીં કોઈ પણ વ્યક્તિ મન ફાવે એ વસ્તુ મૂકી શકે અને દુનિયા સુધી પહોંચી શકે. દરરોજ સવારે ઊઠીને ચાની ભૂકી ચાવી જવાથી ગોરા થવાય એવું પણ જો કોઈ ઇચ્છે તો મૂકી શકે અને લોકો એને જુએ પણ ખરા અને અખતરો પણ કરે. આ કહેનાર વ્યક્તિ કોણ છે, તેની લાયકાત શું છે, તેણે જે કહ્યું છે એમાં કેટલું સત્ય છે એમાં કોઈ વેરિફિકેશન કરવાની જરૂરિયાત લોકોને નથી લાગતી.

સોશ્યલ મીડિયાએ ક્યાંક ને ક્યાંક આંધળા અનુકરણનો વ્યાપ વધાર્યો છે અને હેલ્થની દુનિયામાં એ અમુક અંશે ઘાતક પણ સાબિત થઈ રહ્યો છે. ગયા મંગળવારે એવી જ એક ઘટના ઘટી. ૨૮ વર્ષનો એક્ઝામની તૈયારી કરી રહેલો એક યુવક આવા જ કેટલાક યુટ્યુબ વિડિયોને કારણે જીવથી હાથ ધોઈ બેઠો. ઝારખંડમાં રહેતા આ યુવાનને દાંતમાં દુખાવો ઊપડ્યો હતો. શું કરવું એ સમજાતું નહોતું એટલે તેણે યુટ્યુબના બની બેઠેલા ડૉક્ટરોનો સહારો લીધો અને એમાં તેણે જાણ્યું કે કરેણનાં પાનનો રસ પીવાથી દાંતનો દુખાવો મટી જશે. તેણે કરેણનાં પાનનો પ્રયોગ કર્યો અને વિષની માત્રા ધરાવતાં આ પાનના અતિસેવનને લીધે તેનો જીવ ગયો એવું તેના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાયું. આવા તો કેટલાયે નુસખાઓ લોકો પોતાના ડે-ટુ-ડે જીવનમાં અજમાવતા હોય છે. લોકો માને છે કે પાંદડાં, હળદર, અજમો કે વરિયાળી જેવા પ્રયોગથી શું લૂંટાઈ જવાનું. બસ, આ કમ્ફર્ટ ઝોન અને સાથે આ વિડિયો મૂકનારાઓના આકર્ષક દાવા કઈ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે એ વિશે આજે વાત કરીએ.

ગજબ કિસ્સાઓ

ડૉ. મહેશ સંઘવી,  આયુર્વેદાચાર્ય

સાંભળ્યું છે કે યુટ્યુબવાળી માહિતીના આધારે કરેલા ઇલાજમાં ઊલમાંથી ચૂલમાં પડ્યા પછી પોતાની પાસે આવનારા કિસ્સાઓની વાત માંડતાં ગોલ્ડ મેડલિસ્ટ આયુર્વેદિક ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આજે લોકો માહિતી અને જ્ઞાનનો ભેદ ભૂલી ગયા છે એનું જ આ પરિણામ છે. ગૂગલ કે અન્ય કોઈ પણ પ્લૅટફૉર્મ તમને માહિતી આપી શકે, પરંતુ એને જ્ઞાન માનીને એનું અનુકરણ નુકસાન કરી શકે. ઉચિત નિર્ણય માટે તમારે અનુભવ અને જ્ઞાન જેમની પાસે હોય તેમની પાસે જવું જોઈએ. તમને દાખલા આપું. વચ્ચે એવું ખૂબ ચાલ્યું હતું કે દૂધીનો રસ હાર્ટ માટે ખૂબ સારો અને વજન ઘટાડવા માટે ખૂબ સારો વગેરે વગેરે. બે પેશન્ટ્સ દૂધીનો રસ પીને બેહોશ થઈ ગયા. અમારી પાસે કેસ આવ્યો. પેશન્ટની હાલત એવી બગડી કે તેમને આઇસીયુમાં શિફ્ટ કરવા પડ્યા. ઇલાજ દરમ્યાન એક પેશન્ટનું મૃત્યુ થયું અને એકને અમે બચાવી શક્યા. મૃત્યુ પછી જ્યારે કારણની ટેસ્ટ કરાવી ત્યારે ખબર પડી કે તેમણે જે કડવી દૂધીનો રસ પીધો હતો એણે તેમને માટે વિષનું કામ કર્યું. આપણે ત્યાં દૂધી, કાકડી, તુરિયાં જેવાં શાકને સમારતી વખતે ચાખવાની પરંપરા છે. આ શાક જો કડવાં હોય તો એ ન જ ખવાય. જોકે સાંભળેલી વાતમાં કડવી દૂધીનો રસ ન પીવાય એવી માહિતી તેમને નહોતી. આયુર્વેદમાં દેશ, અવસ્થા, પ્રકૃતિ જેવાં ઘણાં ફૅક્ટર છે જેનું મહત્ત્વ દવા માટે છે. અતિયોગ, મિથ્યાયોગ અને હીનયોગને આયુર્વેદમાં વર્જ્ય માનવામાં આવ્યો છે, જેમ કે હરડે. આયુર્વેદમાં હરડે માટે લખાયું છે કે એક વાર માતા નારાજ થાય, પણ હરડે નારાજ ન હોય એટલી ગુણવાન ઔષધિ છે, પરંતુ એ પછી કેટલાક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ આવે છે કે હરડે કોણે ન ખવાય. ચાર અવસ્થામાં હરડેનું સેવન ન કરવાની વાત છે. વૃદ્ધ હોય, દુર્બળ હોય, ગર્ભવતી મહિલાઓ અને ટીબીની બીમારી હોય એ ચારેય જણે હરડે ન ખાવી. એ પછી ધારો કે આ ચારને હરડે આપવાની હોય તો કેવા સંયોજન સાથે આપવી એની પણ વાત આવે છે.’

સાઇડ ઇફેક્ટ નથી એમ?

આપણે ત્યાં ધારણા બેસાડવામાં આવી છે કે નૅચરલ પ્રોડક્ટની ક્યારેય સાઇડ ઇફેક્ટ નથી હોતી. જોકે આ વાસ્તવિકતા નથી. ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘કોવિડ દરમ્યાન લોકો ભાન ભૂલીને ઉકાળા પીવા માંડ્યા હતા. એનો જ એક કેસ મારી પાસે આવેલો. અડધી રાતે મને ફોન આવ્યો કે એક ભાઈને એ દરમ્યાન મોઢામાંથી લોહી પડવા માંડ્યું છે. તેમને તાત્કાલિક કોવિડ સેન્ટરમાં મોકલાવીને સીટી સ્કૅન કરાવ્યું તો ખબર પડી કે ફેફસાંમાં કાણાં પડી ગયાં છે. કારણ? તો અતિગરમ દવા અને સાથે એકધારો ગરમ ઉકાળાનો મારો. ફેફસાં બિચારાં ક્યાં જાય? આ તો તેમનાં નસીબ સારાં કે ૧૧ દિવસ આઇસીયુમાં રહ્યા અને તેમનો જીવ બચી ગયો. ધારો કે વધુ પડતું લોહી વૉમિટમાં નીકળી ગયું હોત તો કદાચ તેઓ બચી ન શકત. એક વસ્તુ સમજો કે ઍલોપથી, આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી કે બીજી કોઈ પથી હોય; એકેય પદ્ધતિ ખોટી નથી, પણ સમજણપૂર્વકનો એનો ઉપયોગ મહત્ત્વનો છે. અતિસેવન થાય તો કોઈ પણ વસ્તુની આડઅસર થાય છે, પછી એ પાણી જેવું પાણી જ કેમ ન હોય. બીજું, તમારી પ્રકૃતિનું ધ્યાન રાખ્યા વિના સેવન થાય તો એ નુકસાન કરી શકે છે. ધારો કે ગરમીનો કોઠો હોય અને એ વ્યક્તિ ખાંસીમાં હળદરવાળું દૂધ પીએ તો તેની ખાંસી મટે નહીં, પણ વધે. હવે ખાંસી થાય ત્યારે હળદરવાળું દૂધ પીવું એવું આપણે ત્યાં ઠસાવી દેવામાં આવ્યું છે. શું કરવું, શું ન કરવું અને ક્યાં અટકવું એ ત્રણ બાબતને લોકો નિષ્ણાતની સલાહ લીધા વિના સોશ્યલ મીડિયા પર શોધે તો અધૂરા જ્ઞાનવાળા કઈ રીતે એનો જવાબ આપશે? આપણે સામો સવાલ નથી પૂછતા. આપણને અનુકૂળ સમાધાન દેખાય તો આપણે શંકા કરવા પણ તૈયાર નથી હોતા. એક મિત્રનો જ કેસ છે આવો. થોડા સમય પહેલાં એક મિત્રએ વૉટ્સઍપ પર વિડિયો જોઈને મારો સંપર્ક કર્યો. વિડિયોમાં ફલાણી પોઝિશનમાં પગ રાખીને હાથ વડે એને દબાવો તો એવી વ્યક્તિને ક્યારેય હાર્ટ-પ્રૉબ્લેમ ન થાય એવો દાવો હતો. એ ભાઈને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ ડૉક્ટરે આપેલી, પણ તેમને એ કરાવવી નહોતી એટલે પેલા ભાઈના રવાડે ચડીને તેઓ પગ દબાવતા રહ્યા અને પછી અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો એટલે મિત્ર હોવાના નાતે મને ફોન કરીને પૂછ્યું. હવે મારે આનો જવાબ શું આપવાનો? બીજા એક કિસ્સામાં એક ભાઈને ગુપ્તાંગમાં ગાંઠ જેવું થઈ ગયું હતું. ગાંઠ મોટી થતી જતી હતી. સોશ્યલ મીડિયા પર તેને રસ્તો મળ્યો કે આવા કિસ્સામાં જે ભાગમાં સમસ્યા છે ત્યાં કોપરેલ સાથે તમાકુનું પાન બાંધી રાખવું. તેણે ઇલાજ કર્યો, પણ ફરક ન પડ્યો અને ત્રણ દિવસમાં તકલીફ એવી વધી ગઈ કે રાતે ૩ વાગ્યે મને ફોન આવ્યો. બીજા દિવસે સંઘ તરફથી ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની કામગીરી બદલ લાલ કૃષ્ણ અડવાણી દ્વારા મારું સન્માન થવાનું હતું. આ અચાનક આવી પડેલા ઑપરેશનને કારણે હું ત્યાં જઈ ન શક્યો. ધારો કે એ પેશન્ટ હજી મોડો પડ્યો હોત તો તેની વાટ લાગી જવાની હતી. તેનો જીવ કદાચ અમે બચાવી ન શક્યા હોત.’

એક ભાઈએ અઠ્ઠાઈ કરી. આઠ દિવસ કંઈ જ ખાધું નહીં એટલે મળ આવવાનું બંધ થઈ ગયું. ડૉ. મહેશ એ કિસ્સાને યાદ કરતાં કહે છે, ‘પારણાં કર્યા પછી એ ભાઈએ પીત્ઝા ખાધા અને પેટ સાફ થાય નહીં. ફરીથી યુટ્યુબ વગેરે પર જોઈને જાતજાતનાં ચૂરણ લીધાં, પણ ફરક ન પડ્યો. પેટ કડક થઈ ગયું અને દુખાવો વધ્યો એટલે આવ્યા. આવીને મને કહે કે એનિમા આપી દો એટલે સારું થઈ જશે, મેં ગૂગલ પર જોયું છે. હાલત જોઈને મેં કહ્યું, ‘ભાઈ ઍડ્મિટ થઈ જા.’ સોનોગ્રાફી અને સીટી સ્કૅન પછી ખબર પડી અને ભાઈનું પોણાબે ફુટનું સડી ગયેલું આંતરડું ઑપરેટ કરીને કાઢી નાખવું પડ્યું. ધારો કે તેણે હજી દેશી નુખસા અહીંતહીં જોઈને ચાલુ રાખ્યા હોત તો તેના શરીરમાં નુકસાન વધતું જ ગયું હોત.’

લોકો વિચારતા જ નથી

ડૉ. મિતેશ વોરા,  હોમિયોપૅથ

કોવિડ દરમ્યાન હોમિયોપથીની દવાઓનું નિઃશુલ્ક વિતરણ થયું હતું અને એમાં પણ ઘણા કિસ્સામાં લોકોને નુકસાન થયું હતું. પોતાના અનુભવ શૅર કરતાં જાણીતા હોમિયોપથી ડૉ. મિતેશ વોરા કહે છે, ‘કોવિડમાં લોકો આર્સેનિક આલબમ નામની દવા ચણા-મમરાની જેમ લેવા માંડ્યા હતા. પછી હાઇપર ઍસિડિટી, આખા શરીરમાં બળતરા, યુરિન વખતે બળતરા જેવા સાઇડ ઇફેક્ટવાળા પેશન્ટ્સ આવ્યા ત્યારે ખબર પડી. હોમિયોપથી નુકસાન નથી કરતું, પણ જો એની દવા પણ રાઇટ ગાઇડન્સ વિના, ખોટા પાવર અને ખોટા ડોસેજથી લેવામાં આવે તો નુકસાન કરી પણ શકે છે. સોશ્યલ મીડિયા પર ક્રૅશ ડાયટ કોર્સ ફૉલો કરીને પછી અન્ય એક હજાર સમસ્યાનો ભોગ બનેલા ઘણા પેશન્ટ્સ મારી પાસે આવ્યા છે, જેમાં પછીથી તેમને શરીરમાં દુખાવો, વાળ ખરવા, સ્કિનના પ્રૉબ્લેમ્સ, મસલ્સ લૉસ, સ્ટ્રેંગ્થનો અભાવ જેવી સમસ્યા થઈ હોય. એવી જ રીતે ઘણા લોકો ઑનલાઇન વાંચીને કે સાંભળીને જાતે-જાતે વાયેગ્રાના ડોઝ લઈ લેતા હોય છે અને પછી એની આડઅસરમાં પેલ્પિટેશન, હાર્ટબર્ન અને હાર્ટ પ્રૉબ્લેમ સાથે ડૉક્ટર પાસે પહોંચતા હોય છે. સ્કિનની કેમિકલ પિલ્સનો આડેધડ ઉપયોગ કરવાનો આજકાલ સોશ્યલ મીડિયા પર જબરો ટ્રેન્ડ ચાલ્યો છે, પરંતુ કોઈ એ નથી વિચારતું કે કૃત્રિમ કેમિકલ દ્વારા તમારા ચહેરાની સ્કિનના સેલ્સને સમય કરતાં વહેલા ડેડ કરીને નવી સ્કિન લાવવાની ઉતાવળ લાંબા ગાળે સ્કિન ટિશ્યુઝને ડૅમેજ કરવાનું કામ કરી શકે છે. લોકો શૉર્ટકટ પાછળના નુકસાન વિશે જરાય વિચારવા તૈયાર નથી એની નવાઈ લાગે છે.’

હવે આગળ બોલો

ડૉ. સુુશીલ શાહ, જનરલ ફિઝિશ્યન

ઘણા લોકો એવા છે જેઓ દવા ભલે ઑનલાઇન જોઈને ન લેતા હોય, પણ રોગ શું છે એની તેમને ખબર પડી ગઈ હોય છે. દરરોજ બે-ત્રણ આવા પેશન્ટ્સ મારી પાસે આવે છે એવી ચોખવટ સાથે જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જુઓ ડૉક્ટર, મને ઍપેન્ડિક્સનું પેટમાં દુખે છે એટલે હવે આગળ આપણે શું કરવાનું એનો જવાબ આપો. હું આ સાંભળીને શરૂઆતમાં દંગ રહી જતો. મને એમ કે બીજા કોઈ ડૉક્ટરને પપૂછ્યું હશે, પણ પછી ખબર પડે કે આ તો ભાઈએ જાતે-જાતે ગૂગલ પર લક્ષણના આધારે તારણ લગાડ્યું છે. એટલે આવા જાતે જ રોગનું ડાયગ્નોસ કરનારા ભરપૂર પેશન્ટ્સ આવતા હોય છે. હવે ગૂગલ તો બે દિવસની શરદી-ખાંસીમાં પણ ન્યુમોનિયાની સંભાવના દેખાડી શકે છે. એમાં તો તમને એક્સ્ટ્રીમ જ મળવાનું. ડૉક્ટર એકસાથે તમારાં અઢળક ફૅક્ટર્સ જુએ છે અને એના આધારે બીમારીનું ડાયગ્નોસિસ કરે છે. લોકો આજકાલ ભોળવાઈ રહ્યા છે. જે ઇન્ફ્લુઅન્સર સોશ્યલ મીડિયા પર છે તેમને માત્ર પોતાના બેનિફિટની પડી છે. તેઓ એવું ટાઇટલ મૂકશે કે તમે એ લિન્ક પર કે વિડિયો પર ક્લિક કરો. તમે ક્લિક કર્યું એટલે તેને ફાયદો થઈ ગયો. હવે એ વાતને ફૉલો કરીને તમને ફાયદો થશે કે નહીં એની સાથે તેને હકીકતમાં કોઈ નિસબત નથી. ધારો કે ફાયદો ન થયો તો કંઈ તમે તેનું ગળું પકડવા જવાના નથી. તેમનું નૉલેજ, તેમની લાયકાત, તેમની ડિગ્રી કોણ-ક્યારે ચકાસવા ગયું છે? તેઓ જે વાત કહી રહ્યા છે એ તેમના મનનો તરંગ પણ હોઈ શકે અને નેટ પર ક્યાં કોઈ જાતની સેન્સરશિપ છે. આજે અડધાથી વધુ ફેક ડૉક્ટર્સ પોતાનું ક્લિનિક ખોલીને બેધડક બેસી શકે છે ત્યારે આ તો સોશ્યલ પ્લૅટફૉર્મ છે. અહીં તો કોઈ પકડાવાનું જોખમ નથી અને કોઈ રોકટોક પણ કરવાનું નથી. હવે લોકો જો મૂરખા હોય કે આવા સામાન્ય જ્ઞાનથી દૂર ગણાતા ટોચકાને સાચા માનીને એનું આંધળું અનુકરણ કરે તો તેમને હેરાન થવાનો હક છે. તેઓ બુદ્ધિ નથી ચલાવતા અને ઑથેન્ટિક છે કે નહીં એની પરવા નથી કરતા, તો કોઈ બીજું શું કરી શકે? આજે ક્રૉસિનની ગોળી લેશો તો તાવમાં રાહત મળશે એવું કહેતાં પહેલાં એ ક્રૉસિનની ગોળીની અકસીરતા ચેક કરવા માટે કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે ત્યારે એ વાત બોલી શકાય છે, પણ સવારે હિંગવાળું પાણી પીવાથી વજન ઘટે કે રાતે માથું ધોઈને સૂવાથી વાળ વધે એવું કયા વૈજ્ઞાનિકનું રિસર્ચ બોલે છે. તમે એની ઑથેન્ટિસિટી ચેક કરવાની તસ્દી તો લો.’

પછી સમજાયું

મુલુંડમાં રહેતા અમિત જસાણીએ યુટ્યુબના વિડિયોની નેગેટિવ અસર સહી છે. બિઝનેસ કરતા અમિતભાઈ પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘હું હંમેશાં દેશી દવાનો હિમાયતી રહ્યો છું એટલે જાતે જ પોતાની બીમારીને કેવી રીતે દૂર કરાય એના રસ્તા શોધતો હોઉં છું. એમાં યુટ્યુબ અને ગૂગલનો મેં ખૂબ ઉપયોગ કર્યો છે. થોડા સમય પહેલાં મારા રિપોર્ટમાં કૅલ્શિયમની કમી આવી. મેં બે-ચાર યુટ્યુબ વિડિયો જોયા તો એમાં ચૂનાનું પાણી પીવાનો ઉલ્લેખ હતો. મેં શરૂ કર્યું અને એમાં મને ઘણો ફાયદો થયો. જોકે એવી જ રીતે ‘બી ટ્વેલ્વ’ની કમીમાં સરગવાની સિંગ ખાવાની સલાહ મેં એક વિડિયોમાં જોઈ. મેં ખાવાનું શરૂ કર્યા પછી મને પેટની સમસ્યા શરૂ થઈ. પાચન ન થાય. કૉન્સ્ટિપૅશન શરૂ થયું. પેટ સાફ કરવા માટે મારે ચૂરણ લેવું પડ્યું. શું કામ આવું થાય છે એવું વિચારતાં આ સરગવાની સિંગ કારણ હોઈ શકે એમ લાગ્યું એટલે એ બંધ કરી દીધી અને મારો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ ગયો. આ મારા જીવનની મહત્ત્વની શીખ હતી. મને હંમેશાં એમ જ હતું કે દેશી દવાથી નુકસાન ન થાય, પરંતુ દેશી વસ્તુઓની સાઇડ ઇફેક્ટ્સ હોય છે જેની ચર્ચા ક્યારેય આવા વિડિયોમાં નથી થતી. મારી સમસ્યા નાની હતી, પણ એ વધી શકી હોત. એ પછી તો ચૂનાના પાણીના નુસખા માટે મેં ડૉક્ટરની સલાહ લઈ લીધેલી. અતિપ્રયોગ નુકસાનકારક હોઈ શકે અને ડૉક્ટરને એક વાર કોઈ પણ નવી વસ્તુ શરૂ કરતાં પહેલાં જરૂર પૂછી લેવું અને સાથે ઑથેન્ટિક પુસ્તકો વાંચીને નૉલેજ વધારતા જવું.’

સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હેમંત બલસારે શું કહે છે આ વિશે?

જ્યારે કોઈ પણ બાબત લોભામણી લાગે ત્યારે લોકો એનું અનુકરણ કરવા લલચાય છે. સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હેમંત બલસારે લોકો આવા ટ્રૅપમાં શું કામ અટવાય છે અને આવા ફેક વિડિયોને પણ શું કામ લાખો લોકો જોતા હોય છે એની પાછળનું કારણ આપતાં કહે છે, ‘એક તો અવેલિબિલિટી, બીજી જરૂરિયાત અને ત્રીજું કારણ એની સરળતા. ઇન્ટરનેટ પર એકેય રૂપિયો વધારાનો ખર્ચ્યા વિના મળતું મફતનું જ્ઞાન લોકોને વાંધાજનક નથી લાગતું. બીજું અને ત્રીજું કારણ એ કે વજન ઘટાડવું છે અને અત્યાર સુધી જે રસ્તા સાંભળ્યા એ અઘરા હતા. એમાં કોઈ ઇન્સ્ટન્ટ અને ઇઝી રસ્તો દેખાડે તો લોકો જલદી એ ટ્રૅપમાં ફસાય છે, એનાથી ફાયદો મેળવવા માટે લલચાય છે. અમુક કેસમાં સમયનો અભાવ, ફાઇનૅન્શિયલ બર્ડન ન લેવાથી ઇચ્છા પણ હોય છે. ધારો કે સમય નથી ડૉક્ટર પાસે જવાનો, અપૉઇન્ટમેન્ટ લેવી પડે એવો સમય નથી ત્યારે તરત જ ઘેરબેઠાં સમય વેડફ્યા વિના સમાધાન મળી જાય તો વાય નૉટ? સાથે ડૉક્ટર પાસે જશો તો નાનકડા પ્રૉબ્લેમ માટે ફી આપવાની, પાછા એ ૧૭ પ્રકારની ટેસ્ટ કરાવવાનું કહેશે એનો નવો ખર્ચ. એના કરતાં ઘરે રહીને જ પ્રયાસ કરોને, જો સારું થઈ જતું હોય તો એવી માનસિકતા પણ લોકોને આવા અધકચરી ઇન્ફર્મેશનવાળા વિડિયો તરફ આકર્ષતા હોય છે. આ ઉપરાંત ડૉક્ટરોની અને મેડિકલ ફીલ્ડના લોકોની ખરાબ થયેલી ઇમેજ, તો સામે દેશી નુસખાથી નુકસાન ન થાય એવી ભ્રમણા પણ આવા કેસમાં વધારો કરે છે. જોકે લોકોએ જાગ્રત થવું જોઈએ. સમજદારીપૂર્વક સેકન્ડ ઓપિનિયન લઈને જ આગળ વધવું જોઈએ.’

લાખો વ્યુઝ મેળવનારા યુટ્યુબ વિડિયોનો રિયલિટી ચેક જાણીએ ડાયટિશ્યન ડૉ. મેઘના પારેખ-શેઠ પાસેથી

વિડિયો નંબર ૧ : યુટ્યુબ ચૅનલ ‘સ્કિની રેસિપીઝ’ પર ફૅટ કટર ડ્રિન્કનો વિડિયો છે જેને અત્યાર સુધી ૯૭ લાખ લોકો જોઈ ચૂક્યા છે. વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ સવારે 
લીંબુ, મધ અને ચિયા સીડ નાખવાથી એક મહિનામાં પાંચ કિલો વજન ઘટશે.

વિડિયો નંબર ૨ : આ જ ચૅનલ પર બીજો એક ફૅટ કટર ડ્રિન્કનો વિડિયો છે, જેમાં કોઈ પણ જાતની કસરત કે એક્સરસાઇઝ વિના જીરું અને મીઠા લીમડાને પાણીમાં ઉકાળીને એમાં કાળાં મરી અને હળદર ઉમેરીને તૈયાર થયેલું આયુર્વેદિક ડ્રિન્ક પીવાથી પેટ સપાટ થઈ જાય અને એ પણ માત્ર પાંચ દિવસમાં. આ વિડિયોને ૧૭ લાખ લોકો જોઈ ચૂક્યા છે અને ૧૦૦૦થી વધુ લોકોએ વિડિયો પર કમેન્ટ પણ કરી છે.

રિયલિટી ચેક  ઃ આવું કોઈ મૅજિક ડ્રિન્ક હોઈ જ ન શકે. બધું બકવાસ છે. દરેક ઇન્ગ્રેડિયન્ટની ખૂબી હોય, પણ માત્ર તેને પીવાથી વજન ઘટે કે પેટ ઓછું થાય એ માત્ર ઊઠાં ભણાવવાની વાત છે. ઇન ફૅક્ટ ઘણા કેસમાં સવારે ખાલી પેટે લીંબુ પીવાથી લોકોને જૉઇન્ટ પેઇન, દાંતના ઇનેમલમાં ખરાબી અને હાઇપર ઍસિડિટી જેવાં લક્ષણ દેખાતાં હોય છે. મધ પણ આજકાલ ડુપ્લિકેટ મળતું હોવાથી ડાયાબિટીઝના જ નહીં, પણ અન્ય ઘણા લોકોને નુકસાન કરી શકે. ચિયા સીડમાં ઓમેગા થ્રી નામની ફૅટ હોય છે, પરંતુ 
એનો કે એના જેવાં અન્ય સીડ્સનું સેવન એક ચમચીથી વધારે દિવસમાં થાય તો એ વજન ઘટાડવાને બદલે વધારી શકે છે. એમાં પણ પાંચ દિવસમાં પેટ સપાટ થઈ જાય એ તો તદ્દન ખોટો અને લોકોને ગેરમાર્ગે દોરનારો દાવો છે. તમે આ ડ્રિન્ક પીધા પછી જો કોઈ ઍક્ટિવિટી નહીં કરો કે પીત્ઝા-બર્ગર ખાવાનું ચાલુ રાખશો તો તમારું વજન ઘટશે નહીં, વધી શકે છે. લાઇફસ્ટાઇલમાં ચેન્જ ન કરો ત્યાં સુધી આવા એકેય ઉકાળા, ડ્રિન્ક, હર્બલ ટી વજન ઘટાડી ન શકે.

આ વિડિયો જોવાથી માત્ર એ મૂકનાર વ્યક્તિને ફાયદો થાય છે, લોકોને નહીં.

વિડિયો નંબર ત્રણ : ફિટટ્યુબર નામની એક ચૅનલ પર ‘બૉડી ડિટૉક્સ કરે ૧૦ મિનટ મેં’ ટાઇટલ સાથે એક વિડિયો મૂકવામાં આવ્યો છે. એમાં માત્ર નારિયેળનું કે તલનું તેલ મોઢામાં નાખીને ૧૦ મિનિટ રાખીને મોઢામાં ફેરવો અને પછી થૂંકી નાખો. પ્રાચીનકાળથી ચાલી આવતી પદ્ધતિ અને મૉડર્ન વિજ્ઞાન પણ એને પુષ્ટિ આપે છે એ હવાલા સાથે અનિદ્રા, માઇગ્રેન, કૉન્સ્ટિપૅશન, પીસીઓડી, અસ્થમા જેવા ૩૦ રોગ સરળતાથી સારા થઈ જશે. આ વિડિયો ૪૨ લાખ લોકોએ જોયા છે.

રિયલિટી ચેક  ઃ આ વિડિયોમાં આપવામાં આવેલી અડધી માહિતી ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. મોઢામાં નારિયેળનું કે અન્ય કોઈ તેલ લેવાથી ઓરલ હેલ્થ સુધરી શકે, પરંતુ તમારા મહિનાઓ પહેલાં ખાધેલા ખોરાકને કારણે પેટમાં થયેલી ગરબડ એનાથી મટે, પેટનાં ટૉક્સિન્સ મોઢામાં આવી જાય કે અસ્થમા અને પીસીઓડી મટે એ તદ્દન પાયાવિહોણી વાત છે. મોઢાના બૅક્ટેરિયાને દૂર કરવામાં કદાચ ફાયદો થાય, પણ એ સિવાયના બધા દાવા બેબુનિયાદ અને વૈજ્ઞાનિક સંશોધનોથી પર છે. બીજી વાત એ કે બૉડીને અલગથી ડિટૉક્સ કરવાની જરૂર જ નથી. એ કામ માટે ભગવાને શરીરમાં લિવર આપ્યું છે. તમે જો માત્ર સરખી લાઇફસ્ટાઇલ રાખતા હો, સમયસર ખાતા હો, હેલ્ધી ફૂડ ખાતા હો, પૂરતી ઊંઘ લેતા હો અને એક્સરસાઇઝ કરતા હો તો એ જ બધા માટે પૂરતું છે.

columnists ruchita shah social networking site instagram youtube facebook