ફ્લૅટમાં તો કેવું; છત તમારી નહીં, ભોંયતળિયું તમારું નહીં અને દીવાલ પણ તમારી નહીં

06 June, 2024 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણા મુંબઈના ફ્લૅટો કેવા નાના થતા જાય છે, તમે તમારી રૂમમાં ખાનગીમાં પણ કંઈ વાત કરો તોય બાજુમાં સંભળાય

પ્રતીકાત્મક તસવીર

હું હમણાં ઘર શોધું છું. ગોરાઈમાં મારું ઘર છે અને મારે આ જ વિસ્તારમાં ઘર લેવું છે. ઑલમોસ્ટ એક વર્ષથી મારી આ મહેનત ચાલે છે. આ એક વર્ષની મહેનત મારે તમારી સાથે શૅર કરવી છે.

આપણા મુંબઈના ફ્લૅટો કેવા નાના થતા જાય છે. મારા જેવાએ બે-ચાર ડગલાં માંડ્યાં હોય ત્યાં તો ફ્લૅટ પૂરો થઈ જાય. ત્રણસો અને ચારસો ફુટના ફ્લૅટ હોય. તમે તમારી રૂમમાં ખાનગીમાં પણ કંઈ વાત કરો તોય બાજુમાં સંભળાય. કબૂલ કે આપણા મુંબઈમાં જમીનની કિંમત બહુ વધી ગઈ છે એટલે હવે આપણે આવી પરિસ્થિતિ સહન કરવી પડે છે, પણ મારું કહું તો હું ફ્લૅટ નથી લેવાનો. હું અત્યારે પણ રૉહાઉસ ટાઇપના બંગલામાં જ રહું છું અને મને એવો જ બંગલો ખરીદવો છે જે સેપરેટ હોય. ખબર નહીં પણ મારો સ્વભાવ છે કે હું સ્ટેજ પર આવું ત્યારે મને આખું થિયેટર ભરેલું જોઈએ અને ઘરમાં આવું ત્યારે મને આજુબાજુમાં કંઈ ન જોઈએ. સામસામે ફ્લૅટની સિસ્ટમ મને આજે પણ સમજમાં નથી આવતી. તમારું પોતાનું સ્વતંત્ર મકાન હોય તો તમે બધા પ્રકારની આઝાદી માણી શકો. ફ્લૅટમાં તો મને એમ થાય કે ઉપરની છત મારી નહીં ને નીચેનું તળિયું પણ મારું નહીં, ચાર દીવાલો પણ મારી નહીં; પણ સ્વતંત્ર મકાનમાં બધેબધું તમારું હોય અને તમારે જે રીતે જીવવું હોય એમ તમે જીવી શકો.

ભલે હું ઍક્ટર રહ્યો, પણ મૂળભૂત હું અંતઃર્મુખી માણસ છું. મને બોલવા બહુ ઓછું જોઈએ. સ્વતંત્ર મકાનમાં તમને એ વાતનો પણ લાભ થાય. તમારી ઇચ્છા નથી તો પણ કોઈ સામે મળે તો તમારે પ્લાસ્ટિ​કિયું સ્માઇલ કરવાનું અને કેમ છો પૂછવાનું? સારી આદત છે જો તમે કોઈને પણ આ રીતે પૂછી શકતા હો તો, પણ મને આવી આદત નથી અને મારે એવી આદત પાડવી પણ નથી. હું ઇચ્છતો પણ નથી કે વગર કારણે કોઈ મારી સામે પ્લાસ્ટિકિયું સ્માઇલ કરે. હું ઘણી વાર વૉક પર જઉં ત્યારે ફૅન મળી જાય. પછી તે સેલ્ફી પાડે ને ફોટો પડાવે ને ઘણી વાર તો પોતાની ઘરે વિડિયો-કૉલ કરીને મને દેખાડે પણ ખરો કે જુઓ, આશિષભાઈ મળી ગયા. ઠીક છે એ બધું. પાર્ટ ઑફ ગેમ છે. હું તમને નામ આપી શકું કે ઘણા ઍક્ટરો એવા છે જેઓ તોછડાઈ સાથે તુચ્છકાર આપી દે, પણ મને નથી ગમતું તો પણ હું એ હસતા મોઢે કરી લઉં અને સામેવાળાને પૂરતો સહકાર પણ આપું. કારણ સિમ્પલ છે કે અમે એ માટે તો આ લાઇનમાં આવ્યા છીએ. અમને ફેમ જોઈએ છે, ફૅન્સ જોઈએ છે અને એ ફૅન્સ અમને પ્રોત્સાહન આપે છે. તો મારે એ સ્વીકારવું પણ જોઈએ, પણ હું ઘરમાં આવું ત્યારે... ત્યારે મને શાંતિ જોઈએ. હું મારી વાઇફનો આશિષ બનીને રહું એટલું જ મને જોઈએ.

 

- આશિષ ભટ્ટ (અનેક સુપરહિટ ગુજરાતી નાટકો આપી ચૂકેલા લેખક ગુજરાતી નાટકોના જાણીતા ડિરેક્ટર પણ છે)

columnists