જમશેદજી તાતા: પાંચગણીની સ્ટ્રૉબેરીથી મુંબઈની હોટેલ તાજ મ‍હલ પૅલેસ

09 November, 2024 04:45 PM IST  |  Mumbai | Deepak Mehta

જમશેદજી શેઠ પોતે મોનામાં ચાંદીની ચમચી લઈને જનમિયા હુતા નહીં. જાતમહેનત કીધી હુતી. પોતાનાં ફરજંદોને ભણવા-ગણવામાં કાબિલ બનાવિયા, પન તેમને ક્યારેય તૈયાર ભાને જમવા બેસારિયા નહીં.

મુંબઈની પહેલવહેલી મોટરના માલિક જમશેદજી તાતા.

જમશેદજી શેઠ પોતે મોનામાં ચાંદીની ચમચી લઈને જનમિયા હુતા નહીં. જાતમહેનત કીધી હુતી. પોતાનાં ફરજંદોને ભણવા-ગણવામાં કાબિલ બનાવિયા, પન તેમને ક્યારેય તૈયાર ભાને જમવા બેસારિયા નહીં. દીકરા દોરાબજીને શીખવા માટે વિલાયત મોકલિયા. ભણીગણીને પાછા આવિયા તે વારે જમશેદજીની નાગપુરની એમ્પ્રેસ મિલ ધમધોકાર ચાલતી હુતી. દોરાબજી એ મિલમાં ઊંચી પાયરીએ આસાનાથી ગોઠવાઈ સકિયા હોતે. પન નહીં. મુંબઈના ‘બૉમ્બે ગૅઝેટ’ નામના અખબારમાં એક મામૂલી રિપોર્ટર તરીકે દોરાબજીને નોકરી કરવા મોકલિયા. બે વરસ નોકરી કીધા પછી મોકલિયા પૉન્ડિચેરી, ત્યાં એક ખાસ કિસમનું ફ્રેન્ચ કાપડ તૈયાર થતું હુતું એ એમ્પ્રેસ મિલમાં કેમ બનાવવું એ જાણવા માટે. જોકે પછીથી જણાયું કે નાગપુરમાં આય કપરું બનાવવાનું બનશે નહીં એટલે એ વાત પરતી મૂકી.

જમશેદજીએ પાંચગણી (પંચગની)માં પુષ્કળ જમીન ખરીદી હુતી. ત્યાં ખેતી કરવાની એવનની મુરાદ હુતી. મુંબઈથી એવન વારંવાર પાંચગણી જતા. એ વખતે મુંબઈથી ત્યાં વેર પોચતાં લગભગ ૨૪ કલાક લાગતા. મુંબઈથી પૂનાની ટ્રેન રાતે નવ વાગે પૂના પૂગે. ત્યાંથી બીજી ટ્રેન અને પછી છેવટની મુસાફરી ટાંગામાં. થોરો વખત તો જમશેદજી આય રીતે પાંચગણી ગિયા. પન પછી મુંબઈથી પાંચગણી જવા માટે જ ખાસ મોટર ખરીદી. મુંબઈમાં પોત્તાની મોટર ધરાવનાર જમશેદજી પહેલવહેલા ઇસમ હુતા.

તાતા પાવર-સ્ટેશન – પહેલું મકાન. 

પાંચગણીમાં પહેલાં તો એવને ઇજિપ્શિયન કૉટન ઉગાડવાની જહેમત કીધી, પણ એમાં બહુ ફાવ્યા નહીં એટલે ત્યાં સ્ટ્રૉબેરી ઉગાડવાનું શરૂ કીધું. આજે તો ઠંડીની સીઝનમાં પાંચગણી અને મહાબળેશ્વરની સ્ટ્રૉબેરી મુંબઈમાં અને બીજે ઢગલાબંધ વેચાય છે, પન આય સ્ટ્રૉબેરી પાંચગણીમાં ઉગાડવાની સુરૂઆત કરનાર હુતા જમશેદજી.

એમના જમાનાની સગવડ-અગવડ જોતાં જમશેદજી દેશ-પરદેશમાં ઘન્નું ફરિયા, પણ કેથ્થે બી જાય, માદરે વતન હિન્દુસ્તાન તો છાતીએ વળગેલું જ રહે. એક વાર ગયા ફ્રાન્સ. બજારમાં ફરતાં એવનની નજર ફ્રાન્સમાં બનતા એક ખાસ સિસમના રેશમી કાપડ પર પરી અને જમશેદજીના મનમાં બત્તી થઈ. હિન્દુસ્તાનમાં બૅન્ગલોરની આબોહવા બી અહીંના જેવી જ છે. તો અહીં બને છે એવું રેશમી કપરું તાં કેમ નહીં બને? પૂછીગાછીને થોડા કોશેટા ખરીદ્યા. લાંબી દરિયાઈ મુસાફરીમાં એનું જતન કરીને મૈસોર લઈ ગિયા. તાં બી એવનની ઘન્નીબધી જમીન તો હુતી જ. ત્યાં આ કોશેટા ઉછેર્યા. રેશમી કાપર બનાવિયું. લોકોને ઘન્નું પસંદ પરીયું અને ‘મૈસોર સિલ્ક’ તરીકે દેશભરમાં નામીચું થિયું.

૨૧ ઑક્ટોબર ૧૯૦૩ના અખબારમાં પ્રગટ થયેલી પહેલી જાહેરખબર. 

૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે સાઉથ આફ્રિકાથી પાછાં આવીને ગાંધીજી અને કસ્તુરબા અપોલો બંદર પર ઊતરિયાં ત્યારે ત્યાં ગેટવે ઑફ ઇન્ડિયા હુતો જ નહીં, કારણ એનું બાંધકામ પૂરું થિયું છેક ૧૯૨૪માં. પણ એ વખતે અપોલો બંદરને અડીને આવેલી તાજ મહાલ હોટેલ તો ઊભી હુતી. ૧૮૯૬થી ૧૮૯૯ વેરનાં વરસ આય મુંબઈ શહેર માટે ઘન્ના કપરા હુતા. શહેરમાં પ્લેગનો રોગ ફેલાયો હુતો. નહીં નહીં તો ૧૮ હ લોકો આય પ્લેગમાં સપરીને ગુજરી ગિયા. પન મુંબઈની એક ખાસિયત છે. ક્યારેય હારતું નથી એવું તો નથી, પણ હારીને તરત બેઠું થાય છે. બેઠું થઈને તરત ડોરવા લાગે છે. વીસમી સદીની સુરૂઆતમાં તો મુંબઈ ફરી ડોરતું થઈ ગિયું હુતું. એ જમાનામાં સારી ગણાય એવી ફક્ત ત્રણ હોટેલ હુતી મુંબઈમાં. વૉટસન હોટેલ, ગ્રેટ વેસ્ટર્ન હોટેલ અને અપોલો હોટેલ. તનેયમાં ફક્ત ગોરાઓ રહી સકે. જમશેદજીને થયું કે મુંબઈમાં એક એવી હોટેલ બાંધવી જોઈએ જેમાં કાલા-ગોરાના ભેદ વગર હર કોઈ દાખલ થઈ સકે. અપોલો બંદર પાસેની જમીન ૯૯ વરસના લીઝ પર લીધી. એ વખતે મુંબઈમાં ઘન્ની મોટ્ટી-મોટ્ટી ઇમારતો બંધાતી હુતી ઃ વિક્ટોરિયા ટર્મિનસ, મ્યુનિસિપાલિટીનું મકાન, બીબીસીઆઇ (આજની વેસ્ટર્ન) રેલવેના વડા મથકનું મકાન વગેરે. ફ્રેડરિક સ્ટીવન્સ આય બધ્ધા મકાનના આર્કિટેક્ટ. એવનના બે ‘દેસી’ મદદગાર, મરાઠી માણૂસ રાવસાહેબ સીતારામ ખંડેરાવ અને પારસી બાવા ડી. એન. મિર્ઝા. પોતાની હોટેલનું બાંધકામ જમશેદજીએ આ બે ‘દેસી’ઓને સોંપિયું. જમશેદજી મુંબઈમાં એકુ હોટેલ બાંધવાના છે એ વાતની તેમનાં સિસ્ટરને ખબર પરી. એવન તો થઈ ગિયાં રાતાપીલાં, ‘ટુ તો આપરા તાતા ખાનદાનનું નામ બોરવા બેઠો છે. ભઠિયારખાનું સુરુ કરીને આપરા કુટુંબનું નામ બોરવા બેઠો છે. જરાક તો લાજ-સરમ રાખ આપરા નસરવાનજી બાવાની!’ જમશેદજીએ તરત જ કહ્યું, ‘આય કામ માટે આપરા ખાનદાનની એક દમરી બી વાપરસ નહીં. બધ્ધા પૈસા મારી જાતકમાઈની આવકમાંથી ખરચીસ. ૧૮૯૮ના નવેમ્બરની પહેલી તારીખે એક નાલ્લી પૂજા કરીને બાંધકામ સુરુ કીધું. ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે આય હોટેલ, તાજ મહલ પૅલેસ ખુલ્લી મુકાઈ. એ વેલા એકુ રૂમનું એકુ દિવસનું ભારું હુતું મોંઘુંદાત, ૬ રૂપિયા! 

પન આય બધાં કામ તો જમશેદજી માટે ડાબા હાથના ખેલ. સ્વામી વિવેકાનંદને લખેલા લેટરમાં જે બીજા સપનાની વાત કીધી હુતી એ હુતું મુંબઈ શહેરને ઇલેક્ટ્રિસિટી પૂરી પારવા માટે હાઇડ્રોલિક પાવર સ્ટેશન શુરુ કરવાનું. લોણાવલા પાસેની એકુ જગા જોઈને જ એવનને થિયું કે અહીં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઊભું કરી મુંબઈને પાવર પહોંચારી સકાય. પરદેસથી એક્સપર્તોને બોલાવિયા. તેમણે બી કીધું કે ‘હા, આમ જરૂર થઈ સકે તેમ છે.’ પન આ પાવર-સ્ટેશન ધમધમતું થિયું તે સર સાહેબ બેહસ્તનશીન થયા પછી. આય તાતા પાવર-સ્ટેશન આજે બી મુંબઈ શહેરના ઘન્ના ભાગોમાં પાવર પૂરો પાડે છે અને એ રીતે લોકો આજે બી સર સાહેબને યાદ કરે છે.

જમશેદજી સેઠ બેહસ્તનશીન થિયા પછી એવનને વાસ્તે દલગીરી જાહેર કરવાને આપરા ટાઉન હૉલમાં એક મોટ્ટી મીટિંગ ભરાઈ હુતી. તે વેલા જસ્ટિસ નારાયણ ગણેશ ચંદાવરકર શોકના ઠરાવને ટેકો આપવા ઊભા થિયા ત્યારે બોલ્યા હુતાઃ ‘કેટલાક લોક કહેચ કે સર જમશેદજી તાતાના દિમાગમાં રોજનવા-નવા વિચાર આવતા હતા. તો ઘન્ના લોક વલી બોલેચ કે એ હંમેશાં બીજાઓને નવાં-નવાં કામ કરવા ઇન્સ્પિરેશન આપતા હુતા. પન કદાચ વધુ સાચી વાત તો એ છે કે સર જમશેદજી નસરવાનજી તાતા એટલે રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી.’

tata power tata group mumbai columnists deepak mehta tata