પોતાની મૂડીની પાઈએ પાઈ દાનમાં આપી દેનાર દોરાબજી તાતા

07 December, 2024 04:51 PM IST  |  Mumbai | Deepak Mehta

આજે જો મારે સૌથી પહેલાં કોઈનો આભાર માનવાનો હોય તો તે મારા બાવા સર જમશેદજી નસરવાનજી તાતાનો. હા, એવને આ ફાની જિંદગાનીમાં પૈસા ઘન્ના બનાવિયા એની ના નહીં.

તાતા કંપનીનો પહેલો પાવર પ્લાન્ટ

૧૯૧૧ના ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખની બપોરે લોનાવલા ખાતે યોજાયેલા તાતા પાવરના શિલાન્યાસ સમારંભમાં બોલવા માટે સર દોરાબજી તાતા ઊભા થયા અને કહ્યું :

આજે જો મારે સૌથી પહેલાં કોઈનો આભાર માનવાનો હોય તો તે મારા બાવા સર જમશેદજી નસરવાનજી તાતાનો. હા, એવને આ ફાની જિંદગાનીમાં પૈસા ઘન્ના બનાવિયા એની ના નહીં. પન એવનના એકુ પોરિયા તરીકે જ નહીં, એક હમસફર તરીકે બી બોલું છું એટલે જરૂરથી કહેવસ કે પૈસા બનાવવા એ કબ્બી બી એવનની જિન્દગાનીનો પહેલો મકસદ હૂતો નહીં. પોતાના માદરેવતનને વેપાર-ઉદ્યોગની બાબતમાં કેમ કરીને બને તેટલો આગલ વધારવો એ એક જ વાત તેમના દિલોદિમાગમાં હતી. આય પાવર પ્લાન્ટ શુરુ કરવાનું ડ્રીમ તેઓ પોતાની ફાની જિંદગાનીમાં તો પૂરું કરી સાકિયા નહીં, પણ મુને ખાતરી છે કે આજે એવનની રૂહ જેથે બી હોસે, એને હાસકારો થસે.

બીજી કબૂલાત મારે એ કરવાની છે કે એવા દિવસો બી આવિયા હુતા કે જ્યારે મુને લાગતું હુતું કે બાવાજીનું આય ડ્રીમ હું કે વારે બી પૂરું કરી સકસ નહીં. કેમ કે આય દેશમાં હજી આવા મોટ્ટા ઉદ્યોગો બહુ ઓછા સુરુ થયેલા છે. એટલે અહીંના લોક તેમાં પોતાના પૈસા રોકવા તૈયાર થતા નથી છે. બરાબર એ જ તાણે નેકનામદાર ગવર્નર સર જ્યૉર્જ ક્લાર્ક સિડનહૅમ, જેઓ આજે અહીં પધારિયા છે, તેમની મદદ અમોને મળી. પોતાનાં ભાષણોમાં એવને ‘દેશી’ લોકોને અમારા આ સાહસમાં પૈસા રોકવા ઉશ્કેર્યા. આજે અહીં જે પાવર પ્લાન્ટનું બાંધકામ સુરુ થવાનું છે તેની પાછળ જે મૂડી રોકવામાં આવશે તેનો ઘન્નો મોટ્ટો હિસ્સો આપરા દેસના લોકોએ અમુને આપેલો છે. એ લોકોને મારે ખાતરી આપવી જોઈએ કે જે વિસવાસ તમે અમારી કંપનીમાં મૂકિયો છે તેને રોશન કરવાની મહેનત હું પોત્તે અને મારી પછી આવનારી અમારી પેઢીઓ બી કરશે. 

સર દોરાબજી તાતા 

દોરાબજી બોલી રહ્યા વેરે એવન નામદાર ગવર્નર અને લેડીસાહેબા અને બીજા થોરા માનવંતા મહેમાનોને લઈને થોરે દૂર બનાવેલા માંચડા પર લઈ ગિયા. સૌથી પેલ્લી તો દોરાબજીએ સલાહકાર એન્જિનિયર આલ્ફ્રેડ ડિકિન્સન અને કંપનીના જનરલ મનેજર હૅરી પાર્કર ગિબ્સની ઓળખ નામદાર ગવર્નર સાથે કરાવી. એ પછી તુરત જ દારૂગોળાના ભડાકા કરવામાં આવિયા હુતા. તેના એકો આખી ખીણમાં પડિયા હુતા. એ પછી નામદાર અને લેડી ગવર્નરના માનવંતા હાથ વરે પાયાનો પથ્થર એની જગોએ મૂકવામાં આવીયો. તાર બાદ ગવર્નર સાહેબ બોલવા ઊભા થિયા. એવાને દોરાબજીને શાબાસગી આપી અને કહ્યું :

સરકારની ઇન્કમ ટૅક્સની આવક જુઓ, બૅન્કોની વધતી જતી ફિક્સ્ડ ડિપોઝિટ જુઓ, કોલસા, મૅન્ગેનીઝ, સોનું, પેટ્રોલ, વગેરે જનસોનું ઉત્પાદન પણ સતત વધતું રહ્યું છે. અને એવું પણ નથી કે ખેતીવાડીને ભોગે આ ઔદ્યોગિક પ્રગતિ થઈ રહી છે. દસ વરસ પહેલાં ૧૮૦ મિલિયન એકરમાં ખેતી થતી હતી. આજે ૨૧૮ મિલ્યન એકર જેટલી જમીનમાં ખેતી થાય છે. અને આ બધાની સાથોસાથ – તેમને બદલે કે તેમને ભોગે નહીં – હિન્દુસ્તાનનો ઔદ્યોગિક વિકાસ પણ થઈ રહ્યો છે. માનવંતા મહેમાનો, આપને થતું હશે કે આ બધી વાતોને અને આજના આ કાર્યક્રમને શો સંબંધ? અને આ ગમાર ગવર્નર આજે આ બધી વાત કેમ બોલી રહ્યો છે! તો મને કહેવા દો કી આજે જે પાવર પ્લાન્ટનો પાયાનો પથ્થર મૂકવાનું કામ મારે હાથે થયું છે તે પોતે તો હિન્દુસ્તાનની ઔદ્યોગિક પ્રગતિનો એક બુલંદ સિતારો છે જ પણ આ પાવર પ્લાન્ટમાં જે વીજળી પેદા થશે તેને પરિણામે મુંબઈ અને બીજા કેટલાક પ્રદેશોમાં ઔદ્યોગિક વિકાસની ઝડપ પણ ઘણી વધશે.

પત્ની મહેરબાઈ સાથે દોરાબજી તાતા 

હું જાણું છું કે છેલ્લા કેટલાક વખતથી આ દેશમાં ‘સ્વદેશી’ની હિમાયત જોરશોરથી થઈ રહી છે. પણ ‘સ્વદેશી’ એ વિશેષણ માત્ર નાના નાના કે ઘરઘરાઉ ઉદ્યોગોને જ લાગુ પડે છે એવું નથી. હમણાં મેં જેનો પાયાનો પથ્થર મૂક્યો એવા મોટા ઉદ્યોગોને પણ આ વિશેષણ લાગુ પડે છે. આપણા પોત્તાના ખિસ્સામાં પૈસા હોય તો બીજા પાસેથી ઉધાર ન લઈએ એમાં જેમ ડહાપણ છે તેમ જ જો દેશમાંથી જ જરૂરી પૈસા ઊભા થઈ શકતા હોય તો વિદેશી મદદ ન લેવી જોઈએ એટલું તો કોઈ પણ સમજે. પિતા જમશેદજીનું સપનું સ્વદેશી મૂડી વડે સાકાર કરવા માટે દોરાબજીએ જે જહેમત ઉઠાવી છે એનો હું સાક્ષી છું. અને એ જહેમતને પરિણામે આજનો દિવસ આપણે જોઈ શક્યા છીએ તે માટે તેમનો આભાર માનું છું. અને હા, આજે મારે હાથે જે મુકાયો છે તે માત્ર કોઈ બાંધકામનો પાયાનો પથ્થર જ નથી, હિન્દુસ્તાનના લોકોની પોતાની જાતમાં રહેલી શ્રદ્ધાનો પાયો પણ તે છે. મને ખાતરી છે કે એક દિવસ અહીં પેદા થયેલી વીજળી તાર દ્વારા મુંબઈ સુધી પહોંચશે અને ત્યાંના વેપાર-ઉદ્યોગને જ નહીં, ત્યાંના લોકોના જીવનને પણ ઉજાળશે.

(બેસેલા ) જમશેદજી તાતા, આર. ડી. તાતા અને દોરાબજી તાતા અને (ઊભેલા) રતન તાતા   

lll

જમશેદજી વારસામાં સારીએવી પૂંજી મૂકી ગયા હુતા. અને દોરાબજીએ તેમાં ઘન્નો વધારો કીધો. પન એ ધન ન પોતાને માટે રાખિયું, ન પોતાના વારસો માટે. એવને એક ટ્રસ્ટ શુરુ કીધું અને પોતાની બધ્ધી મિલકત – પોતે પહેરતા તે મોતી મઢેલી ટાઇ-પિન સિક્કે – એ ટ્રસ્ટને લખી આપી. એવનનાં ધનિયાની ગુજરી ગયા વેરે એવને આય ટ્રસ્ટ કીધું. અને એવને લખી જનાવિયું કે દેશ, જાત, ધરમ, કે બીજા કોઈ બી ભેદભાવ વગર આ ટ્રસ્ટના પૈસા વિદ્યા અને સંશોધનનાં કામોમાં, આફતગ્રસ્ત લોકોની મદદ માટે અને બીજાં જાહેર સખાવતી કામોમાં વાપરવાં. આય ટ્રસ્ટ તે સર દોરાબજી તાતા ટ્રસ્ટ.

દોરાબજીનાં ધનિયાની મેહેરબાઈ લુકેમિયાના રોગનો ભોગ બની આય ફાની દુનિયામાંથી સીધાવિયાં હુતાં. એટલે આય રોગ અંગે અભ્યાસ-સંશોધન કરવા માટે દોરાબજીએ લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટ બનાવિયું. મેહેરબાઈનો અંતકાલ ઈંગલન્ડમાં આવીયો હૂતો. એવનની કબરના દીદાર કરવા દોરાબજી ૧૯૩૨ના એપ્રિલની ૧૧મી તારીખે મુંબઈથી ઈંગલન્ડ જવા નીકલીઆ. પન ખોદાયજીએ કૈંક જુદું જ ભાયેગમાં લખિયું હોસે. તે ૧૯૩૨ના જૂનની ત્રીજી તારીખે મુસાફરી દરમ્યાન જ જર્મનીમાં એવન બી ખોદાયજીને પ્યારા થઈ ગયા. એવનના રૂઆનને ઈંગલન્ડ લઈ જઈ ધનિયાનીની કબ્રની બાજુમાં દફનાવવામાં આવિયું.

જેને લીધે ‘તાતા’નું નામ હિન્દુસ્તાનના ઘર-ઘરમાં જાણીતું અને માનીતું થયું એવી એક કંપનીની વાત હવે પછી.

tata trusts tata tata group tata steel ratan tata columnists mumbai deepak mehta