શબ્દો છે તો ક્યાંક પહોંચવાની શક્યતા છે, મૌનનું તારણ માત્ર એક ધારણા છે

09 January, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૌન સામે શબ્દોને તક આપવી જરૂરી છે. જ્યાં શબ્દો છે ત્યાં હજુ ય સંબંધ ટકી રહેવાની આશા છે.

પ્રતીકાત્મક તસવીર

સૌ કહે છે મૌન પણ એક ભાષા છે, પણ શું ખરેખર મૌન એ સહેલાઇથી સમજી શકાય એવી ભાષા છે ખરી..? ‘ખામોશિયા અલ્ફાઝ હૈ’ એ  સાચું હોય તો પણ તમારા મૌનમાં છુપાયેલા સવાલો કે જવાબો ખરેખર સામી વ્યક્તિ પુરે પૂરી રીતે સમજી શકે ખરી?

ઘણીવાર સતત બોલતી વ્યક્તિ જ્યારે ચૂપ થઈ જાય ત્યારે એ પાછળ નક્કી કોઈ કારણ છે એ સમજવું સહેલું છે, પરંતુ કારણ શું હોઈ શકે એ વિશે મતમતાંતર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. શબ્દોના બદલે આંખ કે સ્પર્શથી બોલતા સંવાદો એ ખરેખર મૌન નથી અને એટલે એ સિવાયની પરિસ્થિતિઓમાં શબ્દો વધુ વિશ્વાસુ લાગે છે કારણ કે એમાં ચોકકસ સ્પષ્ટતા છે.

મૌન એ ક્યારેય સ્પષ્ટ ન હોઈ શકે, કારણકે મૌન થઈ જતી વ્યક્તિ ખુદ એક ગડમથલ અનુભવતી હોય છે અને એટલે જ કદાચ થોડા સમય માટે પોતાને બધાથી દૂર કરી લેતી હોય છે.  એક ઉદાહરણ લઈએ તો કેટલીક વાર આપણી  કોઈક  વાતથી આપણી અંગત વ્યક્તિને માઠું લાગી જાય અને એ મૌન થઈ જાય. આપણને કદાચ અંદાજો પણ ન હોય અને એટલે આપણે એ મૌનનું તારણ જ ના કાઢી શકીએ અને આવે સમયે અહમને બાજુએ મૂકી સંબંધને  મહત્વ આપી રાહ જોવા કરતાં કે ધારણાઓ કરવા કરતાં એક વખત કારણ પૂછી લેવું જરૂરી છે. કદાચ એ એક પ્રશ્ન સામી વ્યક્તિની પીડા કે ભ્રમ, જે મૌનનું કારણ હોય એમાંથી એને મુક્ત કરી શકે .

મૌનનું તારણ એ એક ધારણા જ છે અને ધારણા હમેશા સાચી હોય એ શક્ય નથી. મૌન બંને પક્ષે હાનિકારક છે.. વાતને સ્પષ્ટ કર્યા વગર, સામી વ્યક્તિનો મર્મ સમજ્યા વગર ચૂપ થઈ જવું પણ યોગ્ય તો નથી.

હા, પ્રિયજન સાથેના સંવાદ માટે હંમેશા શબ્દો જરૂરી નથી, ક્યારેક આંખો અને ક્યારેક સ્પર્શ બહુ સહજતાથી ભાવનાઓની આપ લે કરી લે છે, ઉત્તરો શોધી લે છે અને છતાં ઘણી વખત શબ્દો વિના સંવાદનો સેતૂ બાંધવો મુશ્કેલ છે. પ્રિયજન વચ્ચેના અબોલા અને મૌન વચ્ચે પણ ફરક છે. અબોલાના કારણો સ્પષ્ટ  હોઈ શકે પરંતુ સાવ મૌન થઈ ગયેલી વ્યક્તિના અંતર જગતને સમજવું મુશ્કેલ છે.

શબ્દો જોડી રાખે છે, સંબંધોના તૂટેલા તાર જોડવામાં મદદ કરે છે અને એટલે એક વખત તો મૌન સામે શબ્દોને તક આપવી જરૂરી છે. જ્યાં શબ્દો છે ત્યાં હજુ ય સંબંધ ટકી રહેવાની આશા છે. જ્યારે બંને પક્ષ મૌન થાય છે ત્યારે એ સંબંધનું અંતિમ ચરણ છે..

સંવાદ ખરેખર જરૂરી છે. સામી વ્યક્તિ સાથે જ નહીં, પરંતુ જાત સાથે પણ. સંવાદ છે તો એકબીજાને જાણવાની, સબળા પાસા સમજવાની અને ફરી એકવાર જાતની અને સામી વ્યક્તિની ખામીઓ સ્વીકારવાની તક છે.

- અનિતા ભાનુશાલી

columnists life and style sex and relationships