સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) કરું કે પછી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરું?

15 September, 2024 09:45 AM IST  |  Mumbai | Priyanka Acharya

મ્યુચ્યુઅલ ફન્ડ એ કોઈ રોકાણ નથી, પરંતુ રોકાણ કરવા માટેનું માધ્યમ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

જતીન અને પૂજા પોતાની દીકરીઓ જિયાંશી અને અદિતિને આર્થિક જ્ઞાન આપવાની સાથે-સાથે આર્થિક રીતે પગભર બનાવવા ઇચ્છે છે. આથી જ તેઓ પરિવારમાં નાણાકીય શિસ્ત જાળવવા બાબતે ચર્ચા કરવા મારી પાસે આવ્યાં હતાં. જતીને મધ્યમ વર્ગની વ્યક્તિ તરીકે હંમેશાં જીવનમાં કોઈક ને કોઈક બાબતે બાંધછોડ કરી છે, પરંતુ તે ઇચ્છે છે કે તેની દીકરીઓની મહત્ત્વાકાંક્ષાઓ સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. આથી આ દંપતી જિયાંશી અને અદિતિને અનેક વેબિનાર, પૉડકાસ્ટ, માહિતીપ્રદ વિડિયો વગેરેથી વાકેફ રાખે છે.

વાતચીત દરમ્યાન જિયાંશીએ જાણકારી મેળવવા એક સવાલ કર્યો : પ્રિયંકાઆન્ટી, હું સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) કરું કે મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરું?’ 

તેનો પ્રશ્ન સાંભળીને મને જનસામાન્યમાં પ્રવર્તતી એક ગેરસમજનો ખ્યાલ આવ્યો.

વાસ્તવિક જીવનમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના ધોધમાં માણસ વહી જતો હોય છે. આવી જ સ્થિતિ અદિતિની પણ હતી. આથી જ તેણે SIP અને મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાને લગતો સવાલ કર્યો હતો. તેને જે માહિતી આપી એ બધાને ઉપયોગી થાય એ હેતુથી અહીં રજૂ કરી રહી છું:

મ્યુચ્યુઅલ ફન્ડ એ કોઈ રોકાણ નથી, પરંતુ રોકાણ કરવા માટેનું માધ્યમ છે. મોટી સંખ્યામાં રોકાણકારો પાસેથી એકઠા કરાયેલા ભંડોળનું ફક્ત સ્ટૉક્સ નહીં, પરંતુ બૉન્ડ્સ તથા અન્ય ઍસેટ્સમાં રોકાણ કરવાનું કામ મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ કરે છે. આ કંપનીઓનો વહીવટ પ્રોફેશનલ ફન્ડ મૅનેજર્સ કરે છે તથા એમનું નિયમન સેબી (SEBI-સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) દ્વારા થાય છે.

SIP : મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ કરતી વખતે એકસામટી રકમ પણ આપી શકાય છે અને SIP પણ કરાવી શકાય છે. નિશ્ચિત સમયાંતરે, દાખલા તરીકે દર અઠવાડિયે, દર મહિને નિશ્ચિત રકમનો SIP લેવામાં આવતો હોય છે. આ રીતે નિયમિતપણે અને શિસ્તબદ્ધ રોકાણ થાય છે.

મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ કરતી વખતે પહેલાં પોતાનાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત કરવાનાં હોય છે. એ લક્ષ્યોના આધારે નક્કી કરવામાં આવે છે કે કઈ ઍસેટમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફન્ડમાં રકમ જમા કરવી. મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમમાંથી દરેક લક્ષ્યને અનુરૂપ સ્કીમની પસંદગી કરી શકાય છે. આમ મ્યુચ્યુઅલ ફન્ડમાં વગર વિચાર્યે કે આયોજન વગર નહીં પરંતુ પરિવારનાં નાણાકીય લક્ષ્યોના આધારે રોકાણ કરવું.

મ્યુચ્યુઅલ ફન્ડમાં કરાતું રોકાણ જે રીતે શિસ્તબદ્ધ અને નિયમિત હોય છે એ જ રીતે એમાં ધીરજનું તત્ત્વ પણ ભળેલું હોય છે. આ રોકાણ નાણાકીય લક્ષ્યોના આધારે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળા માટેનું હોય છે. એ દરેક ગાળાને અનુરૂપ સ્કીમ ઉપલબ્ધ છે. એમાં મળનારા વળતર પર દરરોજ કે દર અઠવાડિયે નજર કરવાની હોતી નથી.

મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ કરતાં પહેલાં અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા (ઍમ્ફી) અને SEBI એ બન્ને સંસ્થાઓએ રોકાણકારોની જાગરૂકતા માટે પોતપોતાની વેબસાઇટ પર રાખેલી લેખિત સામગ્રી વાંચી જવી.

columnists mutual fund investment foreign direct investment