લાશ કોની?

16 July, 2023 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આત્મજા બોલી ઊઠી, આ અમર હોય જ નહીં. જોકે લાશ પાસેથી મળેલો મોબાઇલ આ અમર જ હોવો જોઈએની ગવાહી દેતો હતો.

ઇલસ્ટ્રેશન

...અને તે ઊંઘમાંથી ઝબકીને જાગી ગઈ. બહાર ધોધમાર વરસાદ અને વાતાવરણમાં ઠંડક હોવા છતાં શરીરે પરસેવો વળી ગયો. અઠવાડિયા પહેલાંનું દૃશ્ય તેની આંખ સામે તરવરી ઊઠ્યું. વહેલી સવારે તેને પોલીસ સ્ટેશનથી ફોન આવેલો. વસઈ પાસે ટ્રેનના પાટા પર એક લાશ મળી છે અને એના મોબાઇલમાં છેલ્લો નંબર તમારો છે, ઓળખ માટે આવવું પડશે. ઘરમાં મામા-મામી, મામાનો દીકરો મોહિત સૌ ગભરાઈ ગયાં. દાદરથી આગળ અમે કોઈને ઓળખતા નથી. આત્મજાની બધી સખી-મિત્રોને ઓળખીએ છીએ. તો આ કોણ હશે? અમર તો ચર્ની રોડ રહે છે અને કામકાજ પણ પ્રિન્સેસ સ્ટ્રીટ છે. તો વસઈ કોણ? અને એ પણ લાશની ઓળખ! મોહિત સાથે તે ગઈ તો ખરી, પણ પૂરી રીતે છૂંદાયેલી લાશ. કપડાંના લીરેલીરા થઈ ગયેલા, ખિસ્સાસામાં પાકીટ નહીં. કેવી રીતે ઓળખાય? ફક્ત થોડે દૂર પડેલો એક મોબાઇલ મળ્યો. એ આ વ્યક્તિનો જ હશે એ આધારે પોલીસે તપાસ આદરી અને આત્મજાને બોલાવી. આજે એ છૂંદાયેલી લાશ સપનામાં આવીને બોલી ઊઠી કે ‘હું અમર નથી’ અને આત્મજા ઝબકીને જાગી ગઈ.

આત્મજા તેનું નામ. આત્મવિશ્વાસથી ભરપૂર અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતી છોકરી. નાનપણમાં જ માતા-પિતાને એક માર્ગ-અકસ્માતમાં ગુમાવેલાં ત્યારે મામા-મામી પોતાના ઘરે લાવેલાં અને સગી દીકરીની જેમ ઉછેર કરેલો. માતા-પિતાનું તો સ્મરણ જ નહોતું. આ જ તેનાં માવતર અને બે વર્ષ મોટો મામાનો દીકરો મોહિત જાણે સગો ભાઈ.

મોહિત ચર્ચગેટની જયહિન્દ કૉલેજમાં અને આત્મજા ઘર પાસે રૂપારેલ કૉલેજમાં ભણે. તેને વાંચનનો બહુ શોખ. ખાસ કરીને જાસૂસી વાર્તાઓ. એમાં હિન્દીના પ્રખર લેખક દિનેશ બંસલ તેના પ્રિય. જો ચોપડી હાથમાં લીધી તો એક બેઠકે પૂરી કરે. ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા અચૂક જુએ અને ભાઈ સાથે કોણ ખૂની, તેનો આશય શું બધી જ ચર્ચા કરે. અધૂરામાં પૂરું પાસેના પોલીસ થાણાના ઇન્સ્પેક્ટર ગાયતોંડે મામાના ખાસ દોસ્ત એટલે તેમની સાથે તેમના થાણામાં આવતા ખૂન, આપઘાત, અપહરણ, વહુને જીવતી જલાવવાના કિસ્સાની ચર્ચા કરે. ઇન્સ્પેક્ટર ગાયતોંડે પણ આત્મજા સાથે બધા કેસની વિગતવાર ચર્ચા કરે.

મોહિત હસે અને કહે, ‘તું ભણી લે એટલે એક જાસૂસી સંસ્થા જ તને ખોલી દઈશ. લોકોની લાઇન લાગી જશે.’

અમર મોહિતના ક્લાસમાં જ ભણતો. સ્વભાવે સરળ. કામ સાથે કામ રાખનાર. કસરતથી કસાયેલું શરીર અને દેખાવે તો કામદેવનો અવતાર. સંસારમાં એકલો. માબાપ ચર્ની રોડનો એક રૂમ રસોડાનો ફ્લૅટ અને સારીએવી મૂડી મૂકીને ઈશ્વરધામ સિધાવેલાં એટલે ભણવા માટે પૈસાની ફિકર નહોતી. વળી અમરને ભણીને નોકરી નહોતી કરવી, પણ પિતાનો સ્ટેશનરીનો ધંધો જે હમણાં બંધ હતો એ ફરી શરૂ કરવો હતો. દુકાન તો હતી જ, જે પિતાના મૃત્યુ બાદ બંધ હતી.

એક દિવસ મોહિત ગેરહાજર હતો ત્યારે એક ઘટના ઘટી. કૉલેજમાં કોઈ ચાર ટપોરી છોકરાઓએ એક છોકરી સાથે અણછાજતી હરકત કરવાની કોશિશ કરી. છોકરી બૂમો પાડતી રહી. બાકીના વિદ્યાર્થીઓમાં આ મવાલી છોકરાઓને પડકારવાની હિંમત નહોતી, પણ અમર તેના બચાવમાં કૂદી પડ્યો. એકલા હાથે આ ચાર ટપોરીઓને એવા પીટ્યા કે તેઓ સીધા હૉસ્પિટલ ભેગા થયા. જોનારા સૌએ અમરની તરફેણમાં જુબાની આપી. ટપોરીઓને ઘટતી સજા થઈ અને કૉલેજમાંથી કાઢી નખાયા. આ બધા મવાલી છોકરાઓને અમર પર ખુન્નસ ચડ્યું અને ‘તને જોઈ લઈશું’ની ધમકી આપી.

અમર રાતોરાત કૉલેજનો હીરો બની ગયો. મોહિતની નજરમાં તે આત્મજાના જીવનસાથી તરીકે વસી ગયો. આ બાજુ પરીક્ષા પતી કે મોહિતે પોતાનાં માતા-પિતાને વાત કરી અને તેમની સંમતિથી અમર પાસે પોતાની બહેન આત્મજાનું માગું નાખ્યું. તેને ઘરે આમંત્રિત કરીને માતા-પિતા અને આત્મજા સાથે ઓળખાણ કરાવી. સરળ સ્વભાવની આ છોકરી અમરને ગમી ગઈ. જોકે તેને પિતાનો ધંધો ફરી શરૂ કરવો હતો અને ધંધામાં સફળતા પ્રાપ્ત કરવી હતી. આ તરફ આત્મજાને પણ ભાઈ અને મામા-મામીની પસંદગીમાં પૂરો વિશ્વાસ હતો, પણ તેને પહેલાં ગ્રૅજ્યુએટ થઈને ડિગ્રી લેવી હતી.

એટલે બંને પક્ષે નક્કી થયું કે હમણાં કેવળ પસગાઈ કરીએ અને આત્મજા ગ્રૅજ્યુએટ થાય પછી લગ્ન લઈશું. આ દરમિયાન બંને અવારનવાર મળતાં. રવિવારે તો અમર સારોએવો સમય મામા-મામી, મોહિત અને આત્મજા સાથે વિતાવતો. તે પણ હવે આ પરિવારનો એક હિસ્સો જ હતો. જોકે સ્કૂલો હવે નવા વરસમાં ઊઘડવાની તૈયારીમાં હતી એટલે બહુ ઘરાકી રહેતી. એટલે હમણાં ઓછું મળાતું. તોય આત્મજાની કોઈ કચકચ નહીં. તેને તો અમરની મહેનત પર ગર્વ થતો.

આત્મજાને માનવામાં નહોતું આવતું કે અમર આત્મહત્યા કરે કે તેનું ખૂન થાય! એ પણ કોઈ કારણ વગર! બને જ નહીં. અમર તો પથ્થરમાંથી પાણી કાઢવાવાળો. વળી છ મહિનામાં ધંધો પણ સારો વિકસાવેલો. કોઈ દેવું કે ઉધારી નહોતી, કોઈ દુશ્મન નહીં.

આત્મજા બોલી ઊઠી, આ અમર હોય જ નહીં. જોકે લાશ પાસેથી મળેલો મોબાઇલ આ અમર જ હોવો જોઈએની ગવાહી દેતો હતો.

મામા-મામી અને મોહિત હતપ્રભ હતાં, પણ આત્મજાનું જાસૂસી દિમાગ કામે લાગી ગયું. એક જ વિચાર કે આ લાશ અમરની નથી. તો અમર ક્યાં છે? આ લાશ કોની? આસપાસનાં પોલીસ સ્ટેશનોમાં ‘ગુમ થયા છે’ની ફરિયાદ નહોતી. પોલીસ આ લાશ અમરની જ છે એમ કહીને કેસને બંધ કરવા માગતી હતી, પણ આત્મજા તેનું નામ! તેણે ગાયતોંડે અંકલને મળીને બધી વાત કરી. ગાયતોંડે પણ અમરને મળી ચૂક્યા હતા. તેમને પણ અમર આપઘાત કરે કે તેનું ખૂન થાય એ મનાતું નહોતું.

અમર ક્યાં? તે ક્યાં ગયો હશે? આત્મજા અને ગાયતોંડે બંનેએ મોહિત પાસે કૉલેજકાળના અમરના બધા મિત્રોનાં નામ માગ્યાં. મોહિતે પેલા ચાર મવાલી સાથે બનેલો કિસ્સો કહ્યો. જોકે ચાર છોકરામાંથી એક ગામ જતો રહ્યો હતો, એક છોકરો પુણેમાં કોઈ કંપનીમાં ડ્રાઇવર હતો, એક દુબઈમાં નોકરી કરતો હતો અને ચોથો ચોરીના રવાડે ચડીને વારંવાર જેલના સળિયા પાછળ જતો અને હમણાં એક મહિનાથી જેલમાં જ હતો

ફરી એક જ પ્રશ્ન? અમર ક્યાં? આ લાશ કોની? આત્મજા પ્રિન્સેસ સ્ટ્રીટ અમરની દુકાને ગઈ. ત્યાં કામ કરતા હરિએ કહ્યું કે સાહેબ શનિવારે દુકાન માટે સ્કૂલોની ચીજવસ્તુનો ઑર્ડર આપવા ઉમરગામ એક કંપનીમાં જવાના હતા અને રાતે તો પાછા આવી જવાના હતા. આત્મજાને યાદ આવ્યું કે અમર ઉમરગામ જવાનો હતો અને તેણે ફોન પણ કર્યો હતો. એ જ દિવસે તો ઉમરગામમાં આભ ફાટ્યું હતું. ટીવી અને સમાચારપત્રો એ જ ખબર આપતાં હતાં. ઉમરગામ કંપનીમાં ફોન કર્યો તો જવાબ મળ્યો કે ‘ઑર્ડર આપીને અમરભાઈ તો સીધા સ્ટેશને જવા નીકળી ગયેલા. તે તો સુખરૂપ પહોંચી ગયા હશે. બાકી તો તે ગયા પછી ત્રણેક કલાકે ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં છે, વીજળી જતી રહી હતી અને ચાર દિવસથી પાંચ જનરેટર વારાફરતી ચલાવીએ છીએ. હવે તો છેલ્લું પણ બંધ થઈ જશે અને પછી તો મોબાઇલ પણ ઠપ થઈ જશે.’

આત્મજાને સવાલ થયો કે તો અમર કેમ આવ્યો નથી? ક્યાં છે? આ લાશ તેની તો નથીને?

દિવસો વીત્યા તોય અમરનો પત્તો નહોતો. બધાએ માની લીધું કે આ લાશ અમરની જ હોવી જોઈએ, પણ આત્મજાનું દિલ નહોતું માનતું. તોય પોલીસે એ લાશ મોહિતને અગ્નિદાહ માટે સોંપી દીધી. એક કેસ જે તેમને બંધ કરવો હતો.

વરસાદનું જોર ઓછું થતાં આત્મજા મોહિત સાથે ઉમરગામ જઈ આવી. હજી પાણી પૂરાં ઓસર્યાં નહોતાં. વીજળીની સેવા મુખ્ય વિસ્તારમાં જ શરૂ થઈ શકી હતી. સામાન્ય જનજીવન થાળે પડતાં ઘણા દિવસો નીકળી જશે એમ સૌ કહેતા. લોકોની ઘરવખરી, વાહન, ઢોર, અનાજ વગેરે આ વરસાદનું પાણી તાણી ગયેલું. બચાવકાર્ય ચાલુ હતું. આત્મજાને અમરના કોઈ સગડ ન મળ્યા. જાસૂસી દિમાગ એક જ વાત કહે કે અમર આપઘાત કેમ કરે? તેના જેવી સરળ વ્યક્તિનું ખૂન પણ કોઈ કેમ કરે?

અમર જીવતો હોય તો ક્યાં છે? એ લાશ કોની?

અને એક દિવસ સવાર-સવારમાં એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો, ‘હું અમર, જલદી આવું છું.’ આત્મજાનું હૃદય ધબકારો ચૂકી ગયું. ખુશીના માર્યા ચીસ પાડી ઊઠી. મામા-મામી, મોહિત દોડી આવ્યાં. શું થયું! આત્મજાએ અમરના ફોન બાબત વાત કરી. ગાયતોંડે અંકલને પણ બોલાવી લીધા. અમરને જોઈ સૌ ખુશીથી આશ્ચર્યચકિત થઈ ગયા.

અમર બોલતો ગયો, ‘ઉમરગામ પહોંચ્યો અને મારું કામ બહુ જલદી પતી ગયું. ટ્રેન તો સાંજે મળવાની હતી. એટલે થયું કે ત્યાં નજીકના ગામમાં માતાજીનાં મંદિરે દર્શન કરવા જાઉં. ત્યાંથી વાપી નજીક એટલે ટ્રેન પણ ઘણી મળી જશે. મંદિર દરિયાકિનારે. જેવો પહોંચ્યો કે ધોધમાર વરસાદ શરૂ થયો. પાણી ભરાવા લાગ્યાં. તમને ફોન કરવા ખિસ્સામાં હાથ નાખ્યો તો ફોન મળે નહીં. યાદ ન આવે કે ક્યાં છૂટી ગયો. ટ્રેનમાં પડી ગયો, કારખાને રહી ગયો, ટૅક્સી ભૂલી ગયો કોને ખબર! મંદિરમાં આવેલા લોકો વરસાદને કારણે ઘરભેગા થઈ ગયા. ફક્ત પૂજારી અને હું જ રહી ગયા. મૂર્તિ પાછળ બેઠા રહ્યા. વીજળી નહીં, કોઈના આવવાનાં એંધાણ નહીં. પ્રસાદમાં ધરાવેલાં ફળ અને મીઠાઈ ખાઈને અમે દિવસો કાઢ્યા. પાણીનું માટલું પણ ખાલી થઈ ગયું. મને ખ્યાલ હતો કે તમે મારી ચિંતા કરતા હશો એટલે મારે જલદીથી ફોન કરવો હતો. છેક સાત દિવસે પાણી ઓસર્યાં અને હું મંદિરથી નીકળીને કોઈ રિક્ષા કે ટૅક્સી માટે આગળ ચાલવા લાગ્યો. જોકે કેટલુંય ચાલ્યો તોય કોઈ વાહન દેખાયું નહીં. આખરે કમજોરીથી થાકીને હું એક ઝાડ નીચે બેઠો અને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. ઊઠ્યો અને કેટલુંય ચાલ્યો ત્યારે માંડ એક ટૅક્સી મળી. તેના ફોનથી તને ફોન કર્યો અને આટલા કલાકે તમારી પાસે પહોંચ્યો. અમરને હેમખેમ ભાળીને સૌના જીવમાં જીવ આવ્યો.

આત્મજાનો વિશ્વાસ સાચો ઠર્યો. અમર જીવતો પાછો ફર્યો હતો. જોકે એક સવાલ હવે જિંદગીભર તેના જાસૂસી દિમાગને સતાવતો રહેશે. ક્રાઇમ પેટ્રોલ કે દિનેશ બંસલ પણ શોધી નહીં શકે કે જેને અગ્નિદાહ આપ્યો એ લાશ કોની?

 

- સ્ટોરી હર્ષા મહેતા

 

નવા લેખકોને આમંત્રણ

ઘણા નવા લેખકોની વાર્તાઓ અમને મળી રહી છે. વાર્તાકારો આમાં જેટલો ઉત્સાહ દર્શાવી રહ્યા છે એ માટે સહુનો ખૂબ-ખૂબ આભાર. 
૧. તમારી વાર્તા ટાઇપ કરેલી જ હોવી જોઈએ. હસ્તલિખિત વાર્તા સ્વીકારવામાં નહીં આવે. 
૨. વાર્તા તમારી મૌલિક છે. એની લેખિત બાંહેધરી વાર્તાની સાથે લખીને આપવી. 
૩. વાર્તાના શબ્દો ખૂબ વધારે કે ખૂબ ઓછા હશે તો એ સિલેક્ટ નહીં કરવામાં આવે. 
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. 
સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. 

columnists