સાવકી મા

06 August, 2023 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધનજીભાઈ અને કાંતાબહેનનું સુખી કુટુંબ. ધનજીભાઈની કરિયાણાંની દુકાન સારી ચાલતી હતી અને મુલુંડની એક ચાલીમાં સંતોષથી રહેતા હતા. તેમને પાંચ બાળકો. સૌથી મોટી જયા અને તેનાથી ચાર નાનાં ભાંડરડાં

સાવકી મા

ધનજીભાઈ અને કાંતાબહેનનું સુખી કુટુંબ. ધનજીભાઈની કરિયાણાંની દુકાન સારી ચાલતી હતી અને મુલુંડની એક ચાલીમાં સંતોષથી રહેતા હતા. તેમને પાંચ બાળકો. સૌથી મોટી જયા અને તેનાથી ચાર નાનાં ભાંડરડાં. જયા નવમા ધોરણમાં હતી ત્યારે ધનજીભાઈનું મૃત્યુ થયું અને તેમના વિરહમાં કાંતાબહેન પણ ચાર મહિનામાં શ્રીજીચરણ પામ્યાં. પરિવારમાં કાકા, મામા, માસી, ફોઈ કોઈ નહીં. ચાલીવાળાઓએ પાંચેયને શરૂઆતમાં તો સાચવી લીધા, પણ મધ્યમવર્ગીય પરિવારને પણ પોતાની મુસીબતો હોય. કોઈ કેટલું ખેંચાઈ શકે! જયા સમજુ હતી. તેણે નિશાળ છોડી દીધી. દુકાનનો અને ભાઈબહેનો સર્વેનો ભાર ઉપાડી લીધો. વહેલી સવારે ઊઠીને ભાઈબહેનો માટે ખાવાનું બનાવે, તૈયાર કરે અને શાળાએ મોકલે. પછી દુકાને જાય. વર્ષોથી બાપુજી સાથે કામ કરતા રામજીકાકા પાસે બધું શીખે. ગ્રાહકો સાથે નરમાઈભર્યું વર્તન, પૈસાનો હિસાબ, કોની પાસેથી થોકમાં માલ લેવાનો, શું ભાવે વેચવાનો વગેરે બહુ જલદી તે શીખી ગઈ. વળી ભાઈબહેનોને શાળાએથી દુકાને જ બોલાવી લે. ત્યાં જ દૂધ-નાસ્તો કરાવે, ભણવા બેસાડે અને સાંજે દુકાન વધાવી બધાં સાથે જ ઘરે જાય. જયા ફટાફટ રસોઈ બનાવે અને સૌને જમાડે. નાનાં ભાઈબહેન પથારી ભેગાં થાય કે જયા આખા દિવસના વકરાનો હિસાબ કરે. 

આટલી નાની છોકરીને કુનેહપૂર્વક દુકાન અને ભાઈબહેનોને સંભાળતી જોઈને ગ્રાહકોને તેના પર ઘણું માન થતું અને વધુ ને વધુ લોકો અહીંથી ખરીદી કરતા. જયા હવે કરિયાણાંની સાથે-સાથે જે બહેનો ગૃહઉદ્યોગ ચલાવતી તેમની પાસેથી સૂકા નાસ્તા લઈને દુકાનમાં વેચતી. એથી તેને પણ સારોએવો વકરો થતો અને તેઓ સૌ જયાને ખૂબ આશીર્વાદ આપતી. જયાને હવે બધી વાતે સંતોષ હતો. રાતના એકાંતમાં તે માતા-પિતાને યાદ કરીને આંસુ સારી લેતી. આગળ ભણવા ન મળ્યું એનું દુખ પણ એટલું જ હતું તોય ભાઈબહેનોની પ્રગતિ જોઈને ખૂબ હર્ષ થતો. એક માથીયે વિશેષ તે પોતાનાં ભાઈબહેનોનો ખ્યાલ રાખતી.

સમયાંતરે સૌ ભણીને નોકરી-ધંધે વળગ્યા એટલે તેમને સારું પાત્ર જોઈને પરણાવ્યા. નાનો ભાઈ ઘણું ભણ્યો, પણ જીદ કરીને પિતાની દુકાન પર મોટી બહેનને મદદ કરવા બેઠો. પિસ્તાલીસી વટાવી ગયેલી મા સમાન બહેનને જે પરણાવવી હતી. આખરે કાંદિવલીમાં રહેતા ૪૯ વરસના વિધુર જયસુખનું માગું આવ્યું. જયસુખને બે દીકરીઓ - ૧૪ વરસની ભારતી અને સાત વરસની આરતી. તેની પત્ની એક જીવલેણ માંદગીમાં મરણ પામી હતી. જયસુખ એક બૅન્કમાં નોકરી કરે. પત્નીના મૃત્યુ બાદ દીકરીઓને સાચવવાની સમસ્યા ઊભી થઈ. એક જ નાતના હોવાથી જયાની વાત કોઈ લાવ્યું. મુલાકાત થઈ, વાતચીત થઈ અને બંને પક્ષની સંમતિથી સાદાઈથી લગ્ન લેવાયાં. જયા સગી જનેતાની જેમ બંને દીકરીઓને સાચવવા મથતી, પણ મોટી ભારતી કોઈ કાળે આ સાવકી માને સ્વીકારી નહોતી શકતી. સાવકી માતા બહુ ખરાબ હોય એ વિશે વાર્તાઓમાં વાંચેલું, બહેનપણીઓ પાસેથી સાંભળેલું એટલે ભારતી માટે જયા માનું સ્થાન કોઈ કાળે નહીં લઈ શકે એ વાત તેના કુમળા માનસ પર કોતરાઈ ગઈ હતી. વળી તેણે જયાને શાળામાં આવવાની મનાઈ કરી હતી. અભણ અને એ પણ સાવકી મા શાળામાં આવે એ ભારતી માટે અત્યંત શરમજનક બાબત હતી. જયાને નીચી દેખાડવા તેની એક પણ વાત ન માનવા અને કહે એનાથી ઊલટું જ કરવા ભારતી હંમેશાં તૈયાર રહેતી. સાંજે પપ્પા ઘરે આવે ત્યારે તે ડાહી-ડમરી બની જતી, પણ રસોડામાં જઈને જયાએ બનાવેલી રસોઈમાં ક્યારેક વધુ પડતું મીઠું તો ક્યારેક મરચું નાખી આવતી. પપ્પા જ્યારે મમ્મીને આ વિશે કંઈ કહેતા ત્યારે તે ખૂબ ખુશ થતી. જયા સમજુ હતી. બધું જાણતી તોય જયસુખને ભારતીની આ હરકત બાબત કંઈ કહેતી નહીં. આ બાજુ આરતી તો જયાનો પાલવ જ નહોતી છોડતી. ઊઠતાં-બેસતાં, સવારથી માંડીને રાત્રે સૂવા જાય ત્યાં લગી ફક્ત મમ્મી જ જોઈએ. તેનો પોતાના તરફ આવો પ્યાર જોઈને જયાનું માતૃત્વ છલકાઈ આવતું તો બીજી તરફ ભારતીની બેરુખી તેના હૃદયને દ્રવિત કરી ઊઠતી.

જયસુખનો બૅન્કમાં ઉચ્ચ હોદ્દો હોવાથી ઘરે કામનું ભારણ ખાસ નહોતું. મદદ કરવા છૂટો નોકર અને આખા દિવસનાં બહેન હતાં, પણ રસોઈ તો જયા જ બનાવતી. ઘણી નવરાશ હતી એટલે જયાના દિલમાં આગળ ભણવાનો કીડો સળવળ્યો. જયસુખને વાત કરી, પણ ભારતીએ સખત વિરોધ કર્યો. કારણ? કોઈ કારણ નહીં. બસ, જ્યારે મા જ ન જોઈએ તો તેની ઇચ્છા કેમ પૂરી કરવા દેવાય! જોકે ભારતીને નાદાન ગણીને કોઈએ તેના વિરોધને ગણકાર્યો નહીં અને જયાની આગળ ભણવાની ધગશ જોઈને જયસુખ અને જયાનાં ભાઈ-ભાભી, બહેન-બનેવી બધાંએ તેને ખૂબ પ્રોત્સાહિત કરી. રવિવારની રજામાં જયસુખ તેને વિવિધ વિષયો શીખવતો અને દસમા ધોરણ માટે તૈયાર કરતો. બાકીના દિવસોમાં તેને યુટ્યુબ જોઈ-જોઈને શીખવા કહેતો. પૂરી લગનથી જયા બધા વિષયો ભણતી. કહોને કે પરીક્ષા માટે તે સો ટકા તૈયાર હતી. હવે તો ફૉર્મ પણ ભરાઈ ગયું અને પરીક્ષાને કેવળ થોડા દિવસની વાર હતી. જયા અત્યંત ઉત્સાહમાં હતી. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ, અંગ્રેજી, હિન્દી વગેરે બધા જ વિષયોની ખૂબ સરસ તૈયારી હતી. 

તોય હજી ભારતી જયાને હેરાન કરવામાં કોઈ કચાશ ન રાખતી. ક્યારેક તેની ચોપડીઓ સંતાડી દેતી. જયા આખા ઘરમાં ખાંખાંખોળા કરતી, દીકરીઓને ગોતી દેવા વિનંતી કરતી અને જેવો જયસુખનો ઑફિસથી આવવાનો સમય થાય કે ભારતી ચોપડીઓ મમ્મીને આપીને કહેતી, તું તારી ચોપડીઓ આડીઅવળી મૂકી દે ને પછી અમારો સમય બરબાદ કરે. એક વાર પાઠ્યપુસ્તકનાં વચ્ચેનાં પાનાં ફાડતી હતી ને જયા આવી ગઈ. ભારતી હેબતાઈ ગઈ. જયાની આંખમાં આંસુ આવી ગયાં. હવે પપ્પા આવશે, મમ્મી ફરિયાદ કરશે અને મને માર પડશે એ વિચારમાં ને વિચારમાં ભારતી તબિયત ઠીક નથી કહીને રૂમમાં ભરાઈ ગઈ. તોય જયાએ જયસુખને કોઈ ફરિયાદ ન કરી ને તેના જમવાની થાળી રૂમમાં લઈ જઈને પ્રેમથી જમવાનું કહ્યું, પણ નાસમજ ભારતીએ ગુસ્સામાં થાળી ફેંકી દીધી. ભાંગેલા હૈયે જયા પાછી ફરી. શું હું ક્યારેય ભારતીની મા નહીં બની શકું? એ વિચારમાં ને વિચારમાં આખી રાત તે છાનાં આંસુ વહાવતી રહી. 

આ તરફ પેટમાં ભૂખ, સાવકી મા પર ગુસ્સો, હમણાં નથી બોલતી પણ પપ્પાને મારી ફરિયાદ કરશે જ એ વિચાર ભારતીના મગજને શાંતિ નહોતા આપતા અને તે પણ રાત આખી પડખાં ફેરવતી રહી. એમાં ને એમાં તેની તબિયત બગડી અને તાવ ચડી ગયો. સવારે શાળાએ જવા તૈયાર ન થઈ, ઓરડામાંથી બહાર ન આવી એટલે જયા તેની રૂમમાં ગઈ. કપાળ ધગધગતું હતું. તરત ડૉક્ટરને ફોન કર્યો. તેમણે આવીને ઇન્જેક્શન આપ્યું, દવા લખી આપી. ૧૦૪ ડિગ્રી તાવ હતો. સાંજ સુધી નહીં ઊતરે તો હૉસ્પિટલમાં દાખલ કરવી પડશે એમ કહીને ગયા. જયાએ આરતીને શાળાએ મોકલી અને જયસુખને બૅન્કમાં જવા કહ્યું. બધું ભણવાનું બાજુએ મૂકીને તે ભારતીની ચાકરીમાં લાગી ગઈ. બરફનાં પોતાં, મગનું પાણી, સૂપ, સમયસર દવા આપતી રહી. તાવ ૧૦૧ ડિગ્રી પર આવ્યો. ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે કહ્યું કે હવે હૉસ્પિટલમાં મૂકવાની જરૂર નથી, પણ ટાઢિયો તાવ લાગે છે એટલે સમય લાગશે. 

જયા બધું ભૂલીને દિવસ-રાત ભારતીની એકેએક જરૂરિયાતનું ધ્યાન રાખવા લાગી. ભારતીને કમજોરી બહુ હતી એટલે લગભગ બધું જ પથારીમાં કરવું પડતું, જે ખૂબ જતનથી જયા કરતી. રાતના જો ભારતી કણસતી તો ભરઊંઘમાં હોય તોય ઊઠીને તેના પગ દબાવતી, બામ ઘસી આપતી, વહાલથી વાળમાં હાથ ફેરવતી, હલકા હાથે માથું દબાવતી અને સમયસર દવા, જમવાનું આપતી. પરીક્ષા ઢૂંકડી હોવા છતાં બધું ભૂલીને ખૂબ પ્રેમથી તેની સેવા કરતી. ટૂંકમાં, એક સગી માથીયે વિશેષ તે ભારતીનું ધ્યાન રાખતી ને ભારતી આ બધું અનુભવતી. તેને મનોમન જયાને સાવકી મા ગણવાનો વસવસો થવા લાગ્યો. આને મેં બધી વાતે હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું છતાં એક સગી માની જેમ મારું ધ્યાન રાખે છે એ વિચાર તેને પજવતો ને મનોમન પોતાની જાત પર ગુસ્સો ચડતો.

છેક દસ દિવસે તાવ સામાન્ય થયો ને ભારતીની તબિયતમાં ઘણો સુધારો દેખાયો. કમજોરી હોવા છતાં હવે તે પોતાની જાતે પથારીમાંથી ઊઠતી, રૂમમાંથી બહાર હૉલમાં જમવા આવી શકતી. 
પાંચ દિવસ પછી દસમા ધોરણની પરીક્ષા હતી. જયસુખ જયાને હવે બધા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેતો, પણ જયા હજીયે ભારતીની કમજોરી દૂર કરવા તેને ભાવતું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખાવાનું જાતે બનાવતી અને પછી જ ભણવા બેસતી. રાત્રે ભારતી સૂઈ જાય ત્યારે તેની રૂમમાં જ ટેબલ-લૅમ્પના અજવાળે ભણતી જેથી વચ્ચે-વચ્ચે ભારતીનું પણ ધ્યાન રહે. જયસુખ અને યુટ્યુબની સહાયથી જયા પરીક્ષા માટે તૈયાર તો હતી, પણ છેલ્લા પંદર દિવસમાં કોઈ વાંચન નહોતું થયું. જયા અવઢવમાં હતી કે હું પરીક્ષામાં પાસ થઈશ! પરીક્ષા આપું કે નહીં એ તે નક્કી નહોતી કરી શકતી. 

ત્યાં એક સવારે જયા રસોડામાં મદદનીશ બહેનને સૂચના આપતી હતી. આરતી નિશાળે જવા નીકળી ગઈ હતી. જયસુખ ટેબલ પર નાસ્તો કરતો હતો અને ત્યાં ભારતી દોડતી આવી.

થોડીઘણી કમજોરી હજીયે હતી એટલે તે ફસડાઈ પડી. જયસુખ તરત તેને સંભાળવા ઊઠ્યો, પણ ધમ્મ અવાજ સાંભળીને જયા પણ બહાર દોડી આવી. ભારતી તેને વળગીને ‘મમ્મી સૉરી, મને માફ કર’ કહેતી ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. હવે જયાનાં આંસુનો બંધ પણ તૂટી ગયો. મા-દીકરી કેટલીયે વાર સુધી રડતાં રહ્યાં. જયા તેને બકીઓ કરતી રહી. જયસુખ શું થયું છે એ કંઈ સમજી ન શક્યો અને તે ન સમજે એ સારું જ હતું. 

આજે ખરા અર્થમાં જયાએ માતૃત્વ ધારણ કરેલું. તેની દસમા ધોરણની પરીક્ષા માટે હવે ભારતી એક માની જેમ જયાનું ધ્યાન રાખવાની હતી એમાં કોઈ બેમત હોઈ જ ન શકે એ કહેવાની જરૂર ખરી!

columnists sunday mid-day