જેના માટે જીવવાનું હતું એના માટે જ જીવીએ છીએ

08 February, 2023 04:44 PM IST  |  Mumbai | Rashmin Shah

નીલમ-શેખર કૃષ્ણમૂર્તિએ લખેલી ‘ટ્રાયલ બાય ફાયર’ વાંચતી વખતે તમારી આંખોમાં આંસુ અને દિમાગમાં ગુસ્સાની આગ જન્મ્યા વિના રહેતી નથી, કારણ કે એમાં લખાયેલો એકેક શબ્દ આ દંપતી જીવ્યું છે

શેખર, નીલમ કૃષ્ણમૂર્તિ અને ટ્રાયલ બાય ફાયર

આ કપલે આખી જિંદગી ઉપહાર ટ્રૅજેડીમાં ન્યાય માટે લડત ચલાવી અને એના કારણે દેશમાં ફાયરસેફ્ટી માટે ચાર કાનૂન પણ બન્યા. 

૧૯૯૭ની ૧૩મી જૂનનો દિવસ ઑલમોસ્ટ કોઈને યાદ નહીં હોય પણ દિલ્હીના ઉપહાર સિનેમામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા કે પછી જેણે એ ત્રાસદીનો અનુભવ કર્યો એ તો પેઢીઓ સુધી એ દિવસ અને ઘટના ભૂલી નથી શકવાના. ‘બૉર્ડર’ ફિલ્મના હાઉસફુલના બોર્ડ વચ્ચે સાવ વાહિયાત એવી બેદરકારીના કારણે ઑડિયન્સથી ફાટફાટ થતું થિયેટર જ્યારે સળગ્યું ત્યારે એ આગમાં પ૯ લોકોએ જીવ ગુમાવ્યો તો ૧૨૮ લોકોએ ઘાયલ થયા અને ઘાયલ થયેલાઓમાંથી ૨૨ લોકોએ કોઈને કોઈ પંગુતા આજીવન સહન કરવાનો વારો આવી ગયો અને એમ છતાં ઉપહારના માલિકો સામે કોઈ પગલાં લેવાયાં નહીં. આ જ આગમાં શેખર અને નીલમ કૃષ્ણમૂર્તિએ પોતાનાં દીકરા-દીકરીને ગુમાવ્યાં. આ એકમાત્ર કપલ એવું છે જેણે ત્યાર પછી આખી જિંદગી ઉપહાર ટ્રૅજેડીમાં સૌને ન્યાય મળે એ માટે લડત ચલાવી અને એ લડતના કારણે દેશ અને દિલ્હીમાં આગ સામે સેફ્ટી માટે અલગ-અલગ ચાર કાનૂન પણ બનાવવામાં આવ્યા. શેખર કૃષ્ણમૂર્તિ કહે છે, ‘અમે બાળકો માટે જ જીવતાં હતાં અને ભવિષ્યમાં પણ તેમના માટે જ જીવવાનું હતું. બસ, આ જ કામ અમે કર્યું. ફરક માત્ર એટલો હતો કે વિચાર્યું હતું કે હયાત બાળકો સાથે જીવીશું પણ એને બદલે અમે તેમની યાદો સાથે અને તેમના વતી લડત આપતાં-આપતાં જીવ્યાં.’

‘ટ્રાયલ ઑફ ફાયર’ નીલમ-શેખરની લડતનો પુસ્તકીય દસ્તાવેજ છે. ઘટના ઘટી એ દિવસથી નીલમ-શેખરની વાત શરૂ થાય છે અને ઘટના પછી તે કેવી રીતે સત્ય સુધી પહોંચવા માટે ઝઝૂમતા રહ્યાં એની વાત ‘ટ્રાયલ ઑફ ફાયર’માં છે. નીલમ કૃષ્ણમૂર્તિ કહે છે, ‘મોડા ન્યાયથી પણ મોટો કોઈ અન્યાય નથી અને આ અમારો અનુભવ છે. તમે ન્યાય માટે રીતસર ટળવળતા રહો, ભાગતા રહો અને ભીખ માગતા રહો એ બિલકુલ ગેરવાજબી છે. અમારા આ પચીસ વર્ષના અનુભવ પછી હું કહીશ કે આપણા દેશમાં કાયદો પણ શ્રીમંત લોકો માટે જ છે.’
આક્રોશ વચ્ચે નીલમ કૃષ્ણમૂર્તિ ડર રાખ્યા વિના અમુક એવી પણ વાત કહે છે જે લખવામાં આચારસંહિતાનો ભંગ થઈ જાય.

કેવી રીતે તૈયાર થઈ બુક?

જ્યારે પણ સંશોધનાત્મક કામની વાત થશે ત્યારે હિન્દુસ્તાનમાં ‘ટ્રાયલ બાય ફાયર’ની વાત અચૂક થશે. સરકારી ઑફિસ, કોર્ટ, દિલ્હી વિદ્યુત બોર્ડ સહિત દિલ્હીની ચાલીસ જેટલી ઑફિસોમાં જઈ-જઈને પુરાવાઓ શોધવાનું કામ કરનારાં નીલમ-શેખરને તેના અમેરિકાથી આવેલા દોસ્ત અભિષેક કોહલીએ ‘ટ્રાયલ બાય ફાયર’ લખવા માટે સૂચન કર્યું અને એમાંથી આ બુકનો જન્મ થયો.

‘ટ્રાયલ બાય ફાયર’માં ક્યાંય કોઈ ફિક્શન નથી અને એ પછી પણ એના પ્રત્યેક શબ્દ કલ્પનાથી પણ ચાર ચાસણી ચડે એવા છે. ઉપહાર સિનેમાના માલિક એવા અંસલ ફૅમિલીની બેદરકારી સ્પષ્ટ રીતે દેખાતી હોવા છતાં પણ બાવીસ વર્ષ સુધી તેમણે કોર્ટનો દરવાજો સુધ્ધાં જોયો નહીં એ વાત નીલમ અને શેખરને જબરદસ્ત અકળાવતી હતી. નીલમ અને શેખરને તેના આ કામમાંથી રોકવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિથી પ્રયાસો પણ કરવામાં આવ્યા, જેના માટે શેખર કહે છે, ‘ડર તેને હોય જેણે કંઈ ગુમાવવાનું હોય અને અમે તો અમારી જિંદગીની સૌથી મોટી સંપત્તિ એ આગમાં ગુમાવી ચૂક્યાં હતાં.’

વાત, બુક અને વેબ-સિરીઝની 

‘ટ્રાયલ બાય ફાયર’ જ્યારે પબ્લિશ થઈ ત્યારે એની સામે પણ સ્ટેની માગ થઈ હતી તો એક મહિના પહેલાં નેટફ્લિક્સ પર આ બુક પર આધારિત વેબ-સિરીઝ રિલીઝ થઈ ત્યારે એના પર પણ સ્ટેની ડિમાન્ડ થઈ છે. અલબત્ત, બુક પર વેચાણ પ્રતિબંધ નહીં આવ્યો હોવાથી નૅચરલી વેબ-સિરીઝ પર પણ સ્ટે આવે એવી શક્યતા ઓછી છે.

‘ટ્રાયલ બાય ફાયર’ના રાઇટ્સ લેનારું પ્રોડક્શન હાઉસ એન્ડેમોલસાઇન પહેલાં બુક પરથી ફિલ્મ બનાવવા વિશે વિચારતું હતું પણ પ્રોજેક્ટ અભય દેઓલ પાસે ગયો અને અભય દેઓલે વેબ-સિરીઝનો આગ્રહ રાખ્યો. કહે છે કે જે કામ પ્રામાણિકતાથી થયું હોય એમાં સતત નિષ્ઠા ઝરતી રહે. બુક ‘ટ્રાયલ બાય ફાયર’ જે પ્રામાણિકતાથી લખવામાં આવી છે એ જ પ્રમાણિકતા વેબ-સિરીઝમાં પણ અકબંધ રહી છે. શેખર કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું, ‘કામ શરૂ કર્યું ત્યારે અમારી વાત એટલી હતી કે આ દેશની દરેક વ્યક્તિના જીવનું મહત્ત્વ સૌકોઈ સમજે પણ જેમ-જેમ કામ આગળ વધતું ગયું એમ-એમ અમને સમજાતું ગયું કે જેટલી અગત્યની આ વાત છે એટલી જ અગત્યની વાત એ છે કે દેશના કાયદામાં એવી સુવિધા ઉમેરાય કે એ નાનામાં નાના માણસને ન્યાય અપાવી શકે અને તેણે ન્યાય માટે રિક્વેસ્ટ ન કરવી પડે.’

આ પણ વાંચો : વિકાસ અને પ્રકૃતિના શીતયુદ્ધની વાત

સ્ટોરી શૉર્ટકટ

૨૦૧૬માં પબ્લિશ થયેલી ‘ટ્રાયલ બાય ફાયર’માં વાત છે એ સિસ્ટમની જે સતત ફેલ થતી જાય છે અને ફેલ કરતી પણ જાય છે અને એ પછી પણ હિંમત હાર્યા વિના પેરન્ટ્સ કેવી રીતે ઝઝૂમતા રહે છે. ઘટનાના દિવસે કૃષ્ણમૂર્તિ ફૅમિલીનાં દીકરો અને દીકરી બન્ને ‘બૉર્ડર’ જોવા જાય છે અને તેઓ આ ઘટનામાં જીવ ગુમાવે છે. આ ઘટના નીલમ કૃષ્ણમૂર્તિને ઝણઝણાવી નાખે છે, પણ ડિપ્રેસ થઈને ઘરમાં બેસી રહેવાને બદલે તે ન્યાય માટે બહાર આવે છે અને આ આખી પ્રક્રિયામાં તેને હસબન્ડ શેખર સાથ આપે છે. સામાન્ય રીતે વાઇફ બૅકબોન બનીને ઊભી રહેતી હોય, પણ અહીં એ કામ હસબન્ડે કર્યું છે. નીલમના જીવનનો એક જ ગોલ છે, કોઈ પણ ભોગે ન્યાય અપાવવો અને શેખર પોતાનું બધું છોડીને એમાં તેને સાથ આપવામાં લાગી જાય છે.
શેખર-નીલમનું આ પહેલું પુસ્તક છે અને કદાચ હવે તે બીજું કોઈ પુસ્તક લખવાનાં પણ નહીં હોય પણ ‘ટ્રાયલ બાય ફાયર’એ શેખર-નીલમને શબ્દ-સર્જનમાં એ સ્થાને પહોંચાડી દીધાં છે જ્યાં પહોંચવા માટે પ્રોફેશનલ રાઇટર્સ દસકાઓ સુધી રાહ જોતા હોય છે. ‘ટ્રાયલ બાય ફાયર’માં વાત પીડાની છે અને એમ છતાં પણ એમાંથી ક્યાંય કોઈ વેદના કે દુઃખ ઝળકતું નથી.

columnists Rashmin Shah