૧૦૦ના ઉંબરે પહોંચેલા આ દાદાને આજે પણ જોઈએ છે દુકાનનો રોજેરોજનો રિપોર્ટ

14 May, 2024 07:50 AM IST  |  Mumbai | Heena Patel

કાંદિવલીમાં રહેતા શાંતિલાલ વોરા વૉકરની મદદથી ચાલતા હોવા છતાં મહિને ચાર-પાંચ વાર રિક્ષા પકડીને શૉપ પર પહોંચી જાય : દરરોજ રાત્રે પૌત્ર પાસેથી આખા દિવસનો અહેવાલ લે

શાંતિલાલ વોરાએ શનિવારે ઘેરબેઠાં મતદાન કર્યું હતું.

જનરલી ૬૦-૬૫ વર્ષની ઉંમરે લોકો નોકરી-ધંધામાંથી નિવૃત્તિ લઈને ઘરે આરામ કરતા હોય છે, પણ કાંદિવલીમાં રહેતા શાંતિલાલ મોહનલાલ વોરા આ મામલે થોડા નોખા તરી આવે છે. શાંતિલાલ ૨૩ મેએ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરશે. આ ઉંમરમાં પણ તેઓ તેમના મૂર્તિના વેપારમાં એટલું જ ધ્યાન આપે છે જેટલું આજથી ૬૦ વર્ષ પહેલાં આપતા હતા જ્યારે તેમણે એની શરૂઆત કરી હતી. ઘરમાં એકલા રહેતા શાંતિલાલ આ વયે પણ કપડાં ગડી કરવાનું, ઘરનું ફર્નિચર સાફ કરવાનું, દાઢી કરવાનું, નખ કાપવાનું કામ જાતે જ કરી લે છે. ખાવાના શોખીન એવા શાંતિલાલને ગાંઠિયા-ભજિયાં ખૂબ ભાવે છે. તેમનું સ્વાસ્થ્ય એટલું સારું છે કે આ ઉંમરે પણ તેઓ એક પણ દવા નથી લેતા. 

ધંધાની ખબર રાખે
શાંતિલાલ આજની તારીખે પણ ઘરના ધંધામાં રુચિ રાખે. પુત્ર-પૌત્રને સલાહ-સૂચન આપે. આખા દિવસમાં તેમને જે પણ યાદ આવે એ એક ચિઠ્ઠીમાં લખી રાખે. માણસોને કઈ રીતે હૅન્ડલ કરવા, કેટલો માલ મગાવવો, ક્યાંથી મગાવવો, વેપાર વધારવા શું કરવું એવી બધી વાતમાં તેઓ ઇન્ટરેસ્ટ લે. એ સંદર્ભે તેમનો પૌત્ર કરણ કહે છે, ‘મારા પપ્પા નીતિનભાઈ પણ હવે ૭૨ વર્ષના થયા એટલે મોટા ભાગે હું જ બધું સંભાળું છું. મારે દરરોજ ઘરે આવીને દાદાને આખા દિવસનો અહેવાલ આપવો પડે. આજે આટલા પીસ વેચાયા કે આજે આટલા પીસ બુક થયા એ બધું તેમને કહેવું પડે. ન કહીએ તો તેમને ન ગમે. તેમને એવી ઇચ્છા ખરી કે અમે બધી વાતમાં તેમની સલાહ લઈએ. હજી પણ મહિને ચાર-પાંચ વાર મારા દાદા ઘરેથી થોડે દૂર એસ.વી. રોડ પર આવેલી અમારી દુકાનમાં આવે. ચાલવામાં તકલીફ પડે છે છતાં વૉકરથી ચાલીને રિક્ષામાં બેસીને આવે. બે વર્ષ પહેલાં સુધી તો તેઓ દરરોજ આઠ વાગ્યાના ટકોરે દુકાને પહોંચી જતા એટલે ઘણા લોકો એમ પણ કહેતા કે અમે શાંતિલાલને આવતા જોઈએ એટલે ખબર પડી જાય કે ૮ વાગી ગયા છે.’

ટેસ્ટી ખાવાના શોખીન
આ ઉંમરે શાંતિલાલનું ડેઇલી રૂટીન શું હોય છે એ વિશે કરણ કહે છે, ‘મારા દાદા સવારે ૮ વાગ્યે ઊઠી જાય. અમે એક માણસ રાખ્યો છે જે તેમને ચા બનાવી આપે. નાસ્તામાં તેઓ ચા સાથે બિસ્કિટ કે ગાંઠિયા ખાય. તેમનું બપોરનું જમવાનું બહારથી આવે. તેમને તેલ-મરચાંવાળું ટેસ્ટી જમવાનું જ ગમે છે. એમાં પણ એકની એક જગ્યાએથી લાંબા સમય સુધી તેઓ ટિફિન ન મગાવે. થોડા-થોડા સમયે તેમને ટેસ્ટ પણ અલગ જોઈએ. તેમનાથી રોટલી ચવાતી નથી એટલે મોટા ભાગે ખીચડી કે ભાત એવું જ મગાવે. સાંજે કોઈ દિવસ મન થાય તો ભજિયાં કે બટાટાવડાં મગાવીને ખાય. તેમને ભજિયાં અને ગાંઠિયાનો એટલો શોખ છે કે તેમને જોઈને લોકો એમ જ કહે કે ભજિયાં-ગાંઠિયા ખાઈને આટલું જીવાતું હોય તો અમે પણ એ જ ખાઈશું. રાતે તેઓ જમતા નથી, ફક્ત દૂધ જ પીએ. તેમના ફ્રિજમાં છાસ, જૂસ, આઇસક્રીમનાં પૅક પડ્યાં જ હોય એટલે રાતે ક્યારેક મન થાય તો લઈ લે. દાદાને સિંધી કઢી અને દાલ પકવાન ખૂબ પસંદ છે એટલે ખાસ તેમના માટે થઇને મારી મમ્મી તેમને બનાવીને ખવડાવે. તેમનો નિયમ છે કે ઘડિયાળના ટકોરે જમવાનો સમય થાય ત્યારે બેસી જ જવાનું. આ ઉંમરે પણ તેમને કોઈ પ્રકારની બીમારી નથી.’
ઘરનાં નાનાંમોટાં કામ જાતે કરે ૯૯ વર્ષની ઉંમરે પણ શાંતિલાલ પોતાનાં અને ઘરનાં અમુક કામ જાતે જ કરે છે એ વિશે તેમની દીકરી નીલિમાબહેન કહે છે, ‘તેઓ રોજ સવાર, સાંજ અને રાતે એમ ત્રણેય ટાઇમ ઘરની નજીક આવેલા ઓટલે એકાદ-બે કલાક બેસવા જાય. પપ્પાને ક્લીન શેવ પસંદ છે એટલે દાઢી તેઓ જાતે જ કરે. અમે તેમને કહીએ કે આપણે બહારથી માણસ બોલાવીએ જે તમારી દાઢી કરી જાય, પણ તેમને દાઢી પોતે કરવાનું ગમે છે. ધોઈને સૂકવેલાં કપડાં તેઓ જાતે લઈને ગડી કરીને મૂકી દે. તેમની ચાદર પણ તેઓ પોતે જ પાથરે. ઘરમાં જેટલું ફર્નિચર છે એનું એકેએક ખાનું દરરોજ સાફ કરે. નકામી વસ્તુ વધારે સમય સુધી ઘરમાં ન રાખે. તેમને ઘર ચોખ્ખું જોઈએ અને તેઓ પોતે જ સાફ કરે. હું ક્યારેક તેમને મળવા જાઉં ત્યારે ચાદર સરખી કરવા કે કપડાંની ગડી કરવા બેસું તો ના પાડી દે. અમને સીધું કહી દે કે મારાં કામ તમારે નહીં કરવાનાં. તમે બધાં કામ કરશો તો પછી મારે ટાઇમ પાસ કઈ રીતે કરવો? કોઈ પણ વસ્તુ તમે ઘરમાંથી માગો કે મને આ જોઈએ છે તો તરત કાઢી આપે. આખો દિવસ બધું ગોઠવ-ગોઠવ કરતા હોય એટલે તેમને ખબર હોય કે કયા ખાનામાં કઈ વસ્તુ છે.’

columnists life and style kandivli gujarati community news