12 March, 2023 12:25 PM IST | Mumbai | Samir & Arsh Tanna
શાહરુખ ખાન
બહુ ઓછા લોકોને ખબર હશે કે શાહરુખ ખાને કરીઅર શરૂ કરી ત્યારે તેને રોમૅન્ટિક રોલમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો કે તે લવરબૉય પણ બનવા નહોતો માગતો. તેની ઇચ્છા ઍક્શન હીરો બનવાની હતી અને એ જ પ્રકારે તેની જર્ની આગળ વધતી હતી. આદિત્ય ચોપડાની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પણ જ્યારે તેને ઑફર થઈ ત્યારે શાહરુખની ઇચ્છા એ ફિલ્મ કરવાની નહોતી અને એટલે જ તેણે લાંબા સમય સુધી એ ફિલ્મ માટે હા પણ નહોતી પાડી, પણ પછી યશ ચોપડા અને આદિત્ય ચોપડા પર વિશ્વાસ મૂકીને તેણે પ્રોજેક્ટ સાઇન કર્યો અને રેસ્ટ ઇઝ હિસ્ટરી. શાહરુખ ખાન ઇન્ડિયાનો મોસ્ટ પૉપ્યુલર રોમૅન્ટિક સ્ટાર બની ગયો.
શાહરુખ ખાન બહુ ઓબિડિયન્ટ કહેવાય એવો ઍક્ટર છે. ડિરેક્ટરથી માંડીને કોરિયોગ્રાફર જેવા તમામ ટેક્નિશ્યનને તે પોતાની જાત સોંપી દે અને એ પછી તેની પાસે જે કરાવવું હોય એની તમને છૂટ. શાહરુખ ખાન ક્યારેય ના ન પાડે અને ક્યારેય કોઈ જાતનાં બહાનાં પણ ન કાઢે. અમે જ્યારે પણ શાહરુખ સાથે કામ કર્યું છે ત્યારે અમે તેને પૂછ્યું છે કે એનાથી આ સ્ટેપ થશે કે પછી એનાથી આ રિધમ પર પેલી રીતે ડાન્સ શક્ય બનશે તો તે તરત જ કહે કે તમને જે બેસ્ટ લાગતું હોય એ રીતે કરો, મને કોઈ વાંધો નથી.
‘રઈસ’ની જ વાત કરીએ તો, એમાં જે સૉન્ગ હતું એ સૉન્ગ મકરસંક્રાન્તિના દિવસ પર સેટ કરવામાં આવ્યું હતું, પણ ગુજરાત હોય અને ગુજરાતી કૅરૅક્ટરની વાત હોય તો નૅચરલી એમાં ગરબાની ફીલ તો હોવી જ જોઈએ અને અમે એ ફીલ ‘ઊડી ઊડી જાય’ સૉન્ગમાં પતંગ સાથે સેટ કરી હતી. શૂટિંગ અમદાવાદમાં હતું અને અમારી પાસે માત્ર ત્રણ દિવસ હતા. શાહરુખ પાસે રિહર્સલ્સ માટે ટાઇમ નહોતો એટલે અમે બીજા આર્ટિસ્ટ સાથે રિહર્સલ્સ શરૂ કર્યાં. અમને એમ હતું કે શાહરુખ માટે અમારે અમુક સ્ટેપ્સ છે એ થોડાં હળવાં કરવાં પડશે, પણ ના, એવું કંઈ કરવું નહોતું પડ્યું. શૂટિંગના આગલા દિવસે કરવામાં આવતાં રિહર્સલ્સ માટે કિંગ ખાન આવ્યો અને તેણે પહેલાં તો બીજા આર્ટિસ્ટ સાથે રિહર્સલ્સ કર્યાં અને એ પછી તેણે એકલાએ અમારી સાથે રિહર્સલ્સ કર્યાં અને એ પણ મોડી રાત સુધી. એ રિહર્સલ્સમાં પણ તેની સાઇડથી જે કો-ઑપરેશન હતું એ અનબિલીવેબલ હતું.
તમે કોઈને દૂરથી જોતા હો ત્યારે તમને એ વાતનો અણસાર નથી આવતો કે તેની સફળતાનું રહસ્ય શું, પણ જો તમે તેની નજીક જાઓ, તેની મહેનત જુઓ અને તેનું ડેડિકેશન જુઓ તો તમને ખબર પડે કે બહારથી જે સક્સેસ દેખાય છે એ સક્સેસ પાછળ કેવી લગન કામ કરે છે. શાહરુખ ખાન આજે પણ કિંગ ખાન કહેવાય છે, આજે પણ તેના નામ પર બૉક્સ-ઑફિસ પર ટિકિટો વેચાય છે એની પાછળનું કારણ શાહરુખની આ લગન અને મહેનત છે.
શાહરુખ ક્યારેય થાકે નહીં. કામની વાત આવે ત્યારે તેનામાં જે એનર્જી આવી જાય એ જોયા પછી ખરેખર આપણને એમ જ થાય કે આવી જ વ્યક્તિને સક્સેસ મળે અને એ પણ થાય કે જો સફળ થવું હોય તો તમારે તેના જેવું જ થવું પડે. શાહરુખની જ તમને બીજી એક વાત કહું. એ પૂરેપૂરા ડેડિકેશન સાથે કોરિયોગ્રાફરને સપોર્ટ કરે અને જે સ્ટેપ દેખાડવામાં આવ્યાં હોય એ સ્ટેપ આત્મસાત્ કરે. એ કર્યા પછી એ તમને સ્ટેપમાં એવો કોઈ નાનો ચેન્જ સજેસ્ટ કરે જે જોઈને તમને પણ થાય કે હા, આ ચેન્જ તમારે સ્ટેપમાં ઍડ કરવો જ જોઈએ. કહેવાનો મતલબ એ કે પહેલાં તે તમારી ઇચ્છા મુજબ જ તૈયારીઓ કરીને દેખાડે અને એમાં પારંગતતા પણ મેળવી લે અને એ પછી તે તમને સજેસ્ટ કરે કે આપણે અહીં આમ કરીએ તો કેવું રહેશે?
કામ કરવાની આ જે રીત છે એ ભાગ્યે જ કોઈનામાં જોવા મળે. આપણે નામમાં નહીં પડીએ, પણ અમે અનેક એવા કલાકારો જોયા છે જેને સ્ટેપ સમજાવવાનું શરૂ કરીએ ત્યાં જ તે એમાં ચેન્જ દેખાડવાનું શરૂ કરી દે. આપણને એવું થાય કે આ જ રીતે જો આગળ વધવું હોય તો પછી કોરિયોગ્રાફરની જરૂર જ શું છે? અમુક ઍક્ટર એવા પણ હોય જે તમને સ્ટેપ જોયા વિના જ કહી દે કે કોઈ અઘરાં સ્ટેપ હું નહીં કરું. અનુભવ તમને સમજાવે કે અમુક પ્રકારના કલાકારોને અમુક સ્ટેપ આપવાં જ ન જોઈએ. તમે શાહરુખ ખાનની જે બે હાથ ફેલાવનારી આઇકૉનિક સ્ટાઇલ છે એ જો કોરિયોગ્રાફીમાં સામેલ કરતા હો તો નૅચરલી એ આઇકૉનિક સ્ટાઇલ તમે બીજા કોઈને આપો જ નહીં અને એવી જ રીતે તમને ખબર હોય કે તમારે જેના પર સૉન્ગ પિક્ચરાઇઝ કરવાનું છે એ ડાન્સમાં પુઅર છે તો પણ તમે એવાં કોઈ સ્ટેપ આપો નહીં કે તે એમાં કમ્ફર્ટેબલ ન રહે, પણ શાહરુખ ખાનને આ પૈકીની કોઈ વાત લાગુ નથી પડતી. તે હન્ડ્રેડ પર્સન્ટ ડેડિકેટ થઈને જ આગળ વધે અને કોરિયોગ્રાફરને સપોર્ટ કરે.